સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ

January, 2008

સાલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ (સ્થાપના : 1951) : માત્ર એક જ વ્યક્તિના કલાસંગ્રહ પરથી રચાયેલ અદ્વિતીય સંગ્રહાલય. હૈદરાબાદના નિઝામના નામાંકિત સાલારજંગ (દીવાન) વંશના છેલ્લા વંશજ સર નવાબ મીર યૂસુફઅલીખાન ઉર્ફે નવાબ સાલારજંગ ત્રીજાના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવ્યું છે. તેઓ પણ કલારસિકતાનો ઉચ્ચ સંસ્કારવારસો ધરાવતા હતા. તેમણે દેશ-વિદેશમાંથી વિવિધ કલાકૃતિઓ અને કારીગરીના 55,000 જેટલા નમૂનાઓ કરોડો રૂપિયાના ખર્ચે ખરીદીને સંગ્રહ કર્યો.

તેમના મૃત્યુ (1949) બાદ હૈદરાબાદના પ્રખ્યાત કલાવિવેચક વ્યંકટ અચલમ્, દેઉસ્કર અને આર્નોલ્ડ બેરૉને મળીને 11 વર્ષની સતત જહેમત પછી આ કલાસંગ્રહને હૈદરાબાદના સાલારજંગના મહેલ ‘દીવાન દેવડી’માં વિભાગવાર ગોઠવ્યો. ત્યારથી તે મ્યુઝિયમ આ નામે ઓળખાવા લાગ્યું. 15 ડિસેમ્બર, 1951ના રોજ પં. નહેરુએ તેનું ઉદ્ઘાટન કરેલું. 1958માં તે રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવ્યું હતું.

હજારો મૂલ્યવાન નમૂનાઓ જાળવવા માટે ‘દીવાન દેવડી’ સલામત ન લાગવાથી 1968માં એક કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા નવા મકાનમાં ઉક્ત નમૂનાઓને કાળજીપૂર્વક વિભાગવાર અને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. તેમાં પૌરસ્ત્ય અને પાશ્ર્ચાત્ય – એમ 2 મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા છે. યુરોપિયન કલાસંગ્રહ માટે આ મ્યુઝિયમ પ્રખ્યાત હોવા છતાં, વાસ્તવમાં કદ તથા વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ ભારતીય કલાસંગ્રહ બેનમૂન છે.

પૌરસ્ત્ય વિભાગમાં નાના-મોટા 40 ખંડો અને વરંડાઓ છે. તેમાં જાડે, શસ્ત્રો, વસ્ત્રાભૂષણો અને સોના, ચાંદી, ધાતુના અલંકારોનો ઉત્તમ સંગ્રહ છે; જે મુઘલ શાસકોનાં તત્કાલીન જીવનનો વૈભવ અને જાહોજલાલીનો સૂચક છે. ભોંયતળિયાના પ્રથમ ખંડમાં સાલારજંગની અંગત ચીજવસ્તુઓ જેવી કે તેમનાં વસ્ત્રો, ઘરવખરી, ફર્નિચર, પુસ્તકો, ભેટસોગાતો, તેમના જીવન અને કાળના ફોટોગ્રાફોની દસ્તાવેજી સામગ્રી પ્રદર્શિત કરાઈ છે. બાકીના ભાગમાં ભારતીય કલા-કારીગરીનો સમાવેશ થાય છે. બંને મુખ્ય વિભાગોમાં યથાયોગ્ય રીતે પ્રદર્શિત કરાયેલાં આભૂષણો, ચિત્રો અને શસ્ત્રો ઉપરાંત ચિનાઈ માટીનાં વાસણો, ઝવેરાત, ગાલીચા, યશબનાં પાત્રો, હાથીદાંતની ચીજો, કાચ પર ચિત્રકારીવાળી ચીજવસ્તુઓ, કીમતી ધાતુ પરની કારીગરીના નમૂનાઓ, વિવિધ પ્રકારનાં ઘડિયાળો, ધાતુ-પથ્થર તથા કાષ્ઠની મૂર્તિઓ હજારોની સંખ્યામાં છે.

સાલારજંગ મ્યુઝિયમમાં રહેલું હૈદરાબાદના નિઝામનું વ્યક્તિચિત્ર, 20મી સદી

આ મ્યુઝિયમમાં 54,000 ગ્રંથો ધરાવતું પુસ્તકાલય છે. તેમાં સુંદર ચિત્રાલેખનોવાળા 7,600 ઉપરાંત પ્રશિષ્ટ ફારસી હસ્તલિખિત ગ્રંથો, સુવર્ણાક્ષરે લખેલા કુરાન વગેરેની 300 પ્રતોનો સંગ્રહ છે.

ચિનાઈ માટીનાં પાત્રોનો વિશાળ સંગ્રહ 1000થી 1500 દરમિયાનના શુંગ અને મિંગ યુગની અને તે પછીના કાંગ હે યુગના કાળની ઝાંખી કરાવે છે. ધાર્મિક પ્રતીકો, કલાત્મક ડિઝાઇનો અને આછા રંગની ચમકવાળી લીલી માટીની વેરૉનાની બનાવટની ઇટાલિયન વસ્તુઓનો સંગ્રહ પણ વિશાળ છે.

શસ્ત્રસંગ્રહ વિભાગમાં મુઘલ રાજવીઓનાં ઘણાં શસ્ત્રો છે. તેમાં નીલમણિ અને માણેકજડિત નૂરજહાંનું ખંજર, જહાંગીરનું હીરા-માણેક તથા નીલમણિજડિત ખંજર, ઔરંગઝેબનું રંગીન પથ્થર(Jades)-જડિત ખંજર તથા તાનાશાહની રત્નજડિત તલવાર ધ્યાનાકર્ષક છે. મુઘલ કાળનાં યશબનાં પાત્રો, વિવિધ ગાલીચાઓ વગેરે પણ ઉલ્લેખનીય છે. તેમાં જયપુરનો તારકસબવાળો અને મૈસૂરની હાથીદાંતની કારીગરી સાથેનો ગાલીચો ભારતીય કારીગરીની અનોખી છાપ ઉપસાવે છે.

ખંડ 3માં વસ્ત્રવિભાગ છે. તેમાં આંધ્રમાં મછલીપટ્ટમ્ અને કલાહસ્તીમાંથી મંદિરો/ઘરો માટેનાં મળેલા 3થી 4.6 મીટર (10-15 ફૂટ) લાંબા ધાર્મિક કથા પર આધારિત પ્રસંગોનાં ચિત્રાંકનવાળા, કલમકારી કરેલા અને વનસ્પતિ-રંગોથી આકર્ષણસભર સુતરાઉ પડદા; પૌરાણિક કથા વણી લેતાં પટચિત્રો; ભાતભાતનું ભારતીય સુતરાઉ, રેશમી અને ગરમ કાપડ; જરીબુટ્ટીવાળું ભરતકામ; સોનાચાંદીના સાચા તારનાં વણાટવાળાં વસ્ત્રો; કાશ્મીરી શાલ; પંજાબની ફૂલકારી ભરતગૂંથણીના તથા નકશીકામના નમૂનાઓ ધ્યાનાર્હ છે.

ચિત્રવિભાગમાં મુઘલ રાજકુમારો અને રાજકુમારીઓનાં પ્રાચીન કલાશૈલીનાં લઘુચિત્રો તથા ટાગોર-બંધુઓ, મનીષી દે, શારદાચરણ ઉકિલ, દેવીપ્રસાદ રાયચૌધરી, અબ્દુરેહમાન ચુગતાઈ જેવા અર્વાચીન ચિત્રકારોની કૃતિઓ ઉપરાંત અનેક નામી પશ્ચિમી કલાકારોનાં અસલ ચિત્રો તથા રફાયેલ, રૂબેન્ઝ, તિશ્યોં વગેરેની સુંદર અનુકૃતિઓ પણ પ્રદર્શિત કરાયાં છે. 17મી અને 18મી સદીનાં જૈન તાડપત્ર પરનાં લઘુચિત્રોથી માંડીને છેક દક્ષિણ, માળવા, મેવાડ, કાંગરા પ્રદેશનાં કાગળ પરનાં ચિત્રો; 17મી સદીનું ‘રાજકુમાર અને બાજપક્ષી’, ‘મેડોન્ના અને બાળક’, બ્રિટિશ એલચીઓને ભેટ ધરેલ ચિત્રો તથા રાજસ્થાની ચિત્રો તેમજ દક્ષિણી શૈલીમાં આલેખાયેલ રાગ-રાગિણીઓનાં ચિત્રો નોંધપાત્ર છે.

તેનો શિલ્પસંગ્રહ પણ વૈવિધ્યસભર અને વિશાળ છે. અહીં નેલાકોન્ડાપલ્લીમાંથી મળી આવેલ 3જી સદીની બુદ્ધની પ્રતિમા, કોસામ્બીમાંથી મળેલું 4થી સદીનું એકમુખી લિંગ, વારાંગલથી મળેલ 12મી સદીની કાર્તિકેયની પ્રતિમા તથા પલ્લવ, ચોળ અને પાંડ્ય રાજ્યકાલ દરમિયાનની ભારતીય કાંસ્ય અને શૈલ પ્રતિમાઓ છે. આમાં ઇટાલિયન શિલ્પી ડેન્ઝાનીની એક આરસ પ્રતિમા ‘વેઇલ્ડ રાશેલ’ સમગ્ર સંગ્રહની ઉત્કૃષ્ટ કૃતિ છે. એવી જ ઇટાલીની એક વિશિષ્ટ કાષ્ઠ-પ્રતિમામાં આગળ મૅફિસ્ટૉફિલિસ અને પાછળ માર્ગારેટાની પ્રતિમા છે, તદ્દન વિરોધી પાત્રોનું આ દ્વિમુખી શિલ્પ અદ્વિતીય ગણાય છે.

રાચરચીલા-સંગ્રહમાં કાશ્મીર અને દક્ષિણ ભારતની સુંદર કોતરણીવાળું રાચરચીલું, ટીપુ સુલતાનનાં પાઘ, તલવાર અને હાથીદાંતની ટેબલ-ખુરસીઓ ઉપરાંત ફ્રાંસના આંત્વાનેત અને લૂઈના જમાનાનું ફર્નિચર ખાસ ધ્યાન ખેંચે છે.

એક અલગ બાલવિભાગમાં ઐતિહાસિક તથા કલાત્મક દૃષ્ટિબિંદુવાળાં ભારતીય અને વિદેશી રમકડાંનો સંગ્રહ છે. તેનો કેટલોક ભાગ અભ્યાસ-સંગ્રહ તરીકે અલગ રાખેલ છે.

પાશ્ર્ચાત્ય વિભાગમાં પશ્ચિમ યુરોપનાં ચિત્રો અને શિલ્પનો સમાવેશ થાય છે. તેમાં 19મી સદીનાં બેન્ઝોની, ટર્નર, કૉન્સ્ટેબલ અને શાદાનાં ઉત્તમ તૈલચિત્રો તથા કાનાલેતોનું ચિત્ર, ‘પિયાત્ઝો ઑવ્ સાન માર્કો’ તથા ફ્રાન્ચેસ્કો હાયેઝનું ચિત્ર ‘સૂપ બબલ્સ’ ઉપરાંત વેનિસની કાચકલાના ઉત્તમ નમૂના આકર્ષક છે.

બળદેવભાઈ કનીજિયા

અમિતાભ મડિયા