સાલંભ રાજ્ય (આશરે . . 800થી 1000) : ભારતના ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણે આવેલ કામરૂપમાં રાજા સાલંભ અને તેના વંશજોનું રાજ્ય. બીજા એક તામ્રપત્રમાં તેનું નામ ‘પ્રાલંભ’ પણ આપ્યું છે. તે ઘણુંખરું 8મી સદીના અંતમાં કે 9મી સદીના આરંભમાં થઈ ગયો. અભિલેખોમાં તેને સાલસ્તમ્બ વંશનો બતાવ્યો છે. સાલંભ વિશે વધુ માહિતી મળતી નથી; પરંતુ તેનો પુત્ર કે ભત્રીજો હર્જરાવર્મન્ જાણીતો રાજા થઈ ગયો. ઈ. સ. 829ના તેના એક અભિલેખમાં તેને માટે ‘મહારાજાધિરાજ’, ‘પરમેશ્વર’, ‘પરમભટ્ટારક’ જેવા ખિતાબો પ્રયોજાયા છે. આ કુટુંબના બીજા એક રેકર્ડમાં રાજાઓની શરૂઆત, સાલંભ કે પ્રાલંભ દૂર કરીને, હર્જરાવર્મનથી શરૂ થાય છે; તેથી એવું અનુમાન થઈ શકે કે હર્જરાવર્મન્ પાલ રાજાઓનું આધિપત્ય ફગાવી દઈને સ્વતંત્ર રાજા થઈ ગયો હતો. હર્જરા પછી તેનો પુત્ર વનમાલવર્મન્ ગાદીએ બેઠો. તેના પિતાના અમલ દરમિયાન તે યુવરાજ તરીકે વહીવટમાં સંકળાયેલો હતો. તેણે ઘણાં વર્ષ રાજ્ય કર્યું હતું. તેણે ત્રિશ્રોતા નદીની પશ્ચિમે ભૂમિદાન કર્યાનો ઉલ્લેખ એક અભિલેખમાંથી મળે છે.

વનમાલ પછી તેનો પુત્ર જયમાલ ગાદીએ બેઠો. તેણે ગાદીએ બેઠા પછી ‘વીરબાહુ’ ખિતાબ ધારણ કર્યો. તેના વિશે કે તેના પુત્ર અને અનુગામી બલવર્મન્ વિશે વધુ માહિતી મળતી નથી; પરંતુ તેના પછીના અભિલેખ ઉપરથી જાણવા મળે છે કે સાલસ્તમ્બ પછી 21મો રાજા ત્યાગસિંહ નિ:સંતાન મરણ પામ્યો ત્યારે, લોકોએ તે મૃત રાજવીના નજીકના સગા બ્રહ્મપાલને રાજા તરીકે પસંદ કર્યો. રાજા સાલંભના વંશનો છેલ્લો રાજા ઘણુંખરું ત્યાગસિંહ હતો.

સાલંભના વંશજોએ ઈ. સ. 800થી 1000 સુધી રાજ્ય કર્યું. તે રાજાઓ શિવના ભક્ત હતા, અને તેમનું પાટનગર હરુપરેશ્વર બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલ હતું. તેઓના રાજ્ય-અમલની વિગતવાર માહિતી મળતી નથી, છતાં એમ માની શકાય કે હર્જરા અને તેના અનુગામીઓની હેઠળ કામરૂપનો શક્તિશાળી, સ્વતંત્ર રાજ્ય તરીકે વિકાસ થયો હતો.

રામજીભાઈ ઠા. સાવલિયા