સામંતશાહી : રાજાને સામંતો (જમીનદારો) ઉપર અને સામંતોને પોતાના અધીનસ્થો ઉપર આધાર રાખવો પડે તથા સૌથી નિમ્ન સ્તરે દાસવર્ગ (ખેતમજૂરો) હોય એવી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા. યુરોપમાં રોમન સામ્રાજ્યના સમ્રાટ શાર્લમૅનનું ઈ. સ. 814માં અવસાન થયા બાદ તેના વારસદારો નિર્બળ નીવડ્યા અને તેમની વચ્ચે આંતરવિગ્રહો થયા. તેથી તેના ત્રણ પુત્રોએ તેના રાજ્યને વહેંચી લીધું. એકને ફ્રાન્સ, બીજાને જર્મની અને ત્રીજાને ઇટાલીનું રાજ્ય મળ્યું. તેમના વારસદારો સારો વહીવટ ન કરી શકવાથી પોતાની સત્તા ટકાવવા માટે તેમને જમીનદારોની મદદ લેવી પડી. જમીનદારોને તેમણે ચોક્કસ શરતો સાથે પોતાના રાજ્યમાંની જમીનો આપી. તેમાંથી સામંતશાહી પ્રથા ઉદભવી. યુરોપનાં બીજાં રાજ્યોમાં પણ આ પ્રથાનો અમલ થયો. પ્રાચીન ઇજિપ્ત, પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન રોમમાં જમીનદાર વર્ગ હતો. ઇંગ્લૅન્ડના વિજેતા વિલિયમે 11મા સૈકામાં ઇંગ્લૅન્ડમાં સામંતશાહીને વ્યવસ્થિત કરી હતી. મધ્યયુગમાં રાજાશાહી નિર્બળ બનતાં રાજકીય અસ્થિરતા દૂર કરવા તથા શાંતિ અને સલામતી સ્થાપવા માટે સામંતશાહી ઉદભવી હતી. આ સમય દરમિયાન પોપ અને ખ્રિસ્તી દેવળનો પણ રાજ્ય તથા સમાજ પર ઘણો પ્રભાવ હતો. તેથી રાજાઓએ ખ્રિસ્તી પાદરીઓનો સહકાર મેળવવા તેમને પણ જમીનો આપી. તેથી તેમનો પણ સામંતો જેવો વર્ગ પેદા થયો.

સામંતશાહીનાં લક્ષણો : સામંતશાહી મધ્યયુગનું વિશિષ્ટ લક્ષણ હતું. તેમાં પોતાના રાજ્યનું રક્ષણ કરવાને અશક્તિમાન રાજા પોતાની સત્તા ટકાવવા, પોતાના રાજ્યનું હુમલાઓથી રક્ષણ કરવા અને રાજ્યમાં શાંતિ તથા સલામતી સ્થાપવા પોતાના અધિકારીઓ; સેનાપતિઓ તથા ધર્મગુરુઓને જાગીરો અથવા ગામોનો સમૂહ આપતો. આમ જાગીરો કે ગામડાં મેળવનાર વર્ગ સામંત કે જમીનદાર તરીકે જાણીતો થયો. તેઓ પોતાની જાગીરોનો વહીવટ, લોકોનું રક્ષણ તથા ન્યાય આપવા માટેની સ્વતંત્ર વ્યવસ્થા કરતા. તેના બદલામાં તેઓ રાજાનું નામનું સાર્વભૌમત્વ સ્વીકારતા અને રાજા પ્રત્યેની વફાદારી તથા આવશ્યક સેવા આપવાના સોગંદ લેતા હતા. સામંત નક્કી કરેલી વાર્ષિક ખંડણીની રકમ રાજાને આપતો. રાજ્ય પર આક્રમણના સમયે તે રાજાને સૈન્યની તથા બીજી જરૂરી મદદ કરતો. રાજાનાં સંતાનોના લગ્નપ્રસંગે અને રાજ્યના ઉત્સવપ્રસંગે તે રાજાને કીમતી ભેટ આપતો અને પ્રસંગોપાત્ત, દરબારમાં હાજરી આપતો.

આ સામંતો (જાગીરદારો) પોતાની વિશાળ જાગીરો અથવા ગામોનો પોતે વહીવટ કરવાને અસમર્થ હોવાથી, તેઓ ઉપસામંતો કે ઉપજાગીરદારો રાખતા. આવી વ્યવસ્થા થવાથી સામંતો ઘણુંખરું શહેરમાં કિલ્લાવાળા મહેલોમાં રહેતા. તેમને તેમના ઉપસામંતો પાસેથી ઠરાવેલી રકમ મળતી. તેમાંથી તે રાજાને નિશ્ચિત રકમ ચૂકવી, બાકીની રકમ વૈભવવિલાસમાં વાપરતા. ઉપસામંતો પણ ગામની બધી જમીન જાતે ખેડી શકે તેમ ન હોવાથી, તે જમીન ખેડૂતોને ભાડાપેટે અને કેટલીક શરતોથી ખેડવા આપતા. આમ, ખેડૂત જમીનનો કબજેદાર બનતો; પરંતુ તેણે અમુક જ ઊપજ રાખવાની હતી, જ્યારે બાકીની મોટાભાગની ઊપજ ઉપસામંત દ્વારા તેણે જાગીરદારને પહોંચાડવાની હતી. ખેડૂત પોતાને મદદ કરવા ખેતમજૂર કે દાસ રાખતો. તેણે કાળી મજૂરી કરવી પડતી. તેના બદલામાં તેને માંડ બે ટંકનો રોટલો મળી રહેતો. આ રીતે, સામંતશાહી પ્રથામાં સૌથી ઊંચું સ્થાન રાજાનું અને સૌથી નીચું સ્થાન ખેતમજૂરનું હતું. આ પ્રથા સબળ દ્વારા નિર્બળોનું રક્ષણ અને નિર્બળો દ્વારા સબળની સેવાના સિદ્ધાંત પર રચાઈ હતી. આ પ્રથા ચડતાઊતરતા દરજ્જા અને વર્ગો પર રચાયેલી હતી.

સામંતશાહીના લાભ : મજબૂત કેન્દ્ર સરકાર ન હોવાથી ફેલાયેલી અરાજકતા તથા અંધાધૂંધી દૂર કરીને સામંતશાહીએ વ્યવસ્થા તથા શાંતિ સ્થાપી. તેણે સમાજજીવનને સલામત તથા સ્થિર બનાવ્યું, તેથી આર્થિક વિકાસ થઈ શક્યો. નવાં નગરોનું નિર્માણ થયું અને વેપારવાણિજ્યનો વિકાસ થયો. સામંતશાહીએ જંગલી જાતિઓના હુમલા રોક્યા તથા રાજાશાહીની આપખુદીને કાબૂમાં રાખી. તેણે યુરોપમાંથી ગુલામી નાબૂદ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. આ પ્રથાએ સાહિત્ય, વિવિધ કલાઓ તથા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. સામંતશાહીથી સ્થાનિક ભાષાઓ વિકાસ પામી. તેનાથી સ્ત્રી-સન્માનની ભાવનાનો વિકાસ થયો અને દાનધર્મની ભાવનાને પોષણ મળ્યું. બહાદુર યુવકોની શૂરવીરતાને ઉત્તેજન મળ્યું તથા તેમાંના કેટલાક સુભટો તરીકે જાણીતા થયા. સ્થાનિક રમતો અને આનંદ-પ્રમોદની રીતો પ્રચલિત થઈ. કેટલેક અંશે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સ્વાધીનતાની ભાવના વિકસી અને સ્થાનિક સ્વરાજનો પાયો નંખાયો.

સામંતશાહીના ગેરલાભ : મજબૂત કેન્દ્ર સરકાર ન હોવાથી દેશમાં નાનાં રાજ્યો સ્થપાયાં. તેથી રાષ્ટ્રીય એકતા શક્ય બની નહિ અને રાષ્ટ્રીય ભાવના વિકસી નહિ. પોતાની સત્તા હેઠળનો વિસ્તાર તથા સત્તા વધારવા સામંતો વચ્ચે વખતોવખત લડાઈઓ થતી. તેથી ઘણી વાર અસલામતીની પરિસ્થિતિ સર્જાતી હતી. આ પ્રથાને લીધે વર્ગભેદ વધારે સ્પષ્ટ થયા અને ઊંચનીચના ભેદભાવો વધ્યા. સામંતો કે જાગીરદારો મોટા કિલ્લાવાળા વિશાળ મહેલોમાં વસતા તથા વિલાસી જીવન જીવતા હતા, જ્યારે નીચલા સ્તરના લોકો તથા ખેતમજૂરો અતિશય ગરીબીમાં દુ:ખી જીવન જીવતા હતા. આ રીતે, આ પ્રથાથી, અતિ વૈભવ અને અતિ ગરીબાઈ આ બંને પ્રકારનાં અનિષ્ટોને પ્રોત્સાહન મળ્યું.

સામંતશાહીનો અસ્ત : યુરોપમાં જેનું ભારે પ્રભુત્વ સર્જાયું હતું તે સામંતશાહી ઘણાં પરિબળોને કારણે તૂટવા માંડી. 12મી સદીની શરૂઆતમાં તેના વિનાશની શરૂઆત થઈ. 15મી સદીમાં અનેક દેશોમાંથી તે નામશેષ થવા લાગી. 18મી સદીમાં અનેક દેશોમાંથી તે દૂર થઈ ગઈ હતી. ધર્મયુદ્ધો, નવજાગૃતિ, ધર્મસુધારણા, ભૌગોલિક શોધખોળો અને વૈજ્ઞાનિક સંશોધનોએ લોકોમાં નવી જાગૃતિ પેદા કરી હતી. વળી નવાં નગરો તથા નવા વેપારીવર્ગના ઉદયે સામંતશાહીને મોટો આઘાત આપ્યો. સિક્કાના ચલણથી સામંતોનું મહત્ત્વ ઓછું થયું. 14મી સદીમાં નવી જાતનાં શસ્ત્રો, દારૂગોળો વગેરેનો ઉપયોગ વધવા લાગ્યો. સામંતશાહી તેને અનુરૂપ થઈ શકે એમ ન હતી. તેને માટે મધ્યસ્થ સત્તા વધારે અનુકૂળ હતી. નવા વેપારીવર્ગે રાજાશાહીને સમર્થન આપતાં સામંતશાહી નિર્બળ બની. 15મી સદીમાં શરૂ થયેલ નવજાગૃતિના પ્રવાહોએ અને તે પછી ધર્મસુધારણાનાં આંદોલનોએ સામંતશાહી પ્રથાને આખરી ફટકો માર્યો. આ પરિસ્થિતિમાં યુરોપમાં રાજાશાહી ફરી વાર સ્થપાઈ અને સામંતશાહી ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ.

ભારતના શરૂઆતના મધ્યયુગમાં રાજપૂત રાજવંશોએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. રાજપૂતોમાં સામંતપદ્ધતિ પ્રચલિત હતી. તેથી તેમનાં રાજ્યો નાની નાની ઠકરાતોમાં વહેંચાઈ ગયાં હતાં. તેઓ પરસ્પર લડીને નિર્બળ બન્યાં હતાં. તેથી મુસ્લિમ આક્રમણખોરોને માટે ભારતમાં સત્તા સ્થાપવાનો માર્ગ મોકળો થયો હતો. ભારતમાં મધ્ય યુગમાં શાસન તથા સમાજ ઉપર સામંતોનો ઘણો પ્રભાવ હતો. રાજા અને મંત્રીમંડળ સામંતોની સલાહની અવગણના ભાગ્યે જ કરતા. રાજાઓ પોતાનાં સગાંઓ અને સરદારોને મોટી જાગીરો આપતા. આ જાગીરો નાનાં સ્વાયત્ત રાજ્યો જેવી બની હતી. સબળ રાજાઓના સમય દરમિયાન આ પ્રથા રાજ્યને ઉપયોગી થતી. પરંતુ નિર્બળ રાજાઓના સમયમાં તે આપત્તિજનક નીવડતી હતી; તેથી તેમાંથી નાનાં સ્વતંત્ર રાજ્યો સર્જાયાં. સલ્તનતયુગમાં ફિરોઝશાહ તુગલુક, મુઘલ યુગમાં ઔરંગઝેબ તથા મરાઠા યુગમાં શિવાજીના અવસાન બાદ આવાં સામંતરાજ્યો ઉદભવ્યાં. તે રાજ્યો મધ્યસ્થ સરકાર પ્રત્યે ફક્ત નામની જ વફાદારી રાખતાં હતાં. મુઘલ સમયની મનસબદારી પ્રથા અને પેશવા બાલાજી વિશ્વનાથે શરૂ કરેલી સરંજામી પદ્ધતિ જાગીરદારી પ્રથાનાં ઉદાહરણ છે. ગુજરાતના ગાયકવાડ, ઇન્દોરના હોળકર, ગ્વાલિયરના શિંદે, નાગપુરના ભોંસલે, માળવાના પવાર વગેરે પેશવાના સામંત રાજાઓ હતા; જેમણે સબળ પેશવાઓના સમયમાં મરાઠીસત્તાના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું; પરંતુ તેઓએ નિર્બળ પેશવાઓના સમયમાં આંતરિક વિખવાદ દ્વારા મરાઠી સત્તાના પતનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

જયકુમાર ર. શુક્લ