સામંત સિમ્હારા અભિમન્યુ

January, 2008

સામંત સિમ્હારા, અભિમન્યુ (જ. 1757, બાલિયા, જિ. કટક, ઓરિસા; અ. 1806) : પ્રખ્યાત ઊડિયા કવિ. તેમનો જન્મ ક્ષત્રિય જમીનદાર પરિવારમાં થયો હતો. તેમણે પરંપરાગત સંસ્કૃત શાળામાં અને સદાનંદ કવિસૂર્ય પાસે વૈષ્ણવ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન અંગેનું વિદ્યાજ્ઞાન મેળવ્યું. 9 વર્ષની ઉંમરે તેમણે કાવ્યરચના શરૂ કર્યાનું કહેવાય છે. સુકુમાર વયે તેમણે રચેલી ‘બાઘગીતા’ (બૅલડ ઑન ટાઇગર હન્ટ) અને ‘ચડેગીતા’ (‘બૅલડ ઑન બુલબુલ-ફાઇટ’) તેનાં રૂપકોની વિવિધતા અને અદ્ભુત શૈલી માટે ઊડિયા સાહિત્યમાં અજોડ ગણાય છે.

તેમને ઊડિયા સાહિત્યના રીતિયુગના સૌથી વધુ પ્રખ્યાત કવિ ગણવામાં આવ્યા છે. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘વિદગ્ધ ચિન્તામણિ’ ઊડિયામાં વ્યાપક રીતે લોકપ્રિય છે. તે 96 સર્ગનું મહાકાવ્ય છે, જે તેમના પૂર્વગામી ઉપેન્દ્ર ભાણવીના શ્રેષ્ઠ ગ્રંથો સમાન લેખાય છે. આ મહાકાવ્યનું વિષયવસ્તુ રાધા અને કૃષ્ણની પ્રેમલીલા છે. તેના મંગલાચરણમાં કવિએ એકસાથે ભગવાન જગન્નાથ, રાધાકૃષ્ણ અને ચૈતન્યને ભાવાંજલિ અર્પી છે. ઉત્કટ મનોભાવ, દૈવીપ્રેમનું દર્શન અને મનોહર સ્વરમાધુર્યને કારણે ઊડિયા સાહિત્યમાં તેઓ અમર બની ગયા છે. આ મહાકાવ્યમાં તેમણે 60થી વધુ રાગ અને 100 જાતના અલંકારોનો ઉપયોગ કર્યો છે. તેમનાં કાવ્યોમાં કેટલેક સ્થળે ઉચ્ચ પ્રકારની વાગ્મિતા અને તાત્ત્વિકતાનાં તો કેટલેક સ્થળે સહજતા ને સરળતાનાં દર્શન થાય છે.

આ ઉપરાંત તેમણે બીજા પણ 3 ગ્રંથો આપ્યા છે : ‘રસવતી’, ‘પ્રેમકલા’ અને ‘સુલોચના’. ‘પ્રેમકલા’ 64 છંદોનો બનેલો છે. રાગાનુગ સાધનાના વૈષ્ણવ પંથમાં જોડાયા બાદ તેમણે ફક્ત ભગવાન કૃષ્ણ અને રાધાનાં જીવન વિશે જ લખ્યું છે. તેમનાં કાવ્યો ઓરિસાના ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમણ કરતા ચારણો દ્વારા ગવાય છે. તેમની કવિતાના અતિ સંવેદનશીલ સ્વરમાધુર્ય અને ભાવોત્તેજકતા માટે અભિમન્યુ ઊડિયા સાહિત્યના અંગ્રેજ કવિ સ્વિનબર્ન જેવા ગણાયા છે.

બળદેવભાઈ કનીજિયા