સામંત, શક્તિ (જ. 14 જાન્યુઆરી 1925, બર્દવાન, બંગાળ) : ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. વ્યાવસાયિક રીતે અનેકવિધ કથાનકો પરથી સફળ ચિત્રોનું સર્જન કરનારા અને લાંબો સમય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષની જવાબદારી સફળતાપૂર્વક સંભાળનારા શક્તિ સામંતે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત તો દેહરાદૂનમાં તેમના કાકા સાથે મકાનોના નિર્માણના વ્યવસાયમાં સંકળાયેલા રહીને કરી હતી, પણ પછી પુણે નજીકના દાપોલી ખાતે એક શાળામાં શિક્ષક બની ગયા અને ત્યાં સારી નામના મેળવી. આ શાળા તેમને 1947ના એ જમાનામાં મહિને એક હજાર રૂપિયાના પગારે જ્યારે દક્ષિણ આફ્રિકા મોકલવા ઇચ્છતી હતી ત્યારે એ નોકરી છોડી દઈને તેઓ બીજા ક્ષેત્રમાં કંઈક કરી બતાવવાના ધ્યેય સાથે મુંબઈ ગયા. દેશના ભાગલા પડી ચૂક્યા હતા. કેટલાયે કલાકારો અને કસબીઓ પાકિસ્તાન જતા રહ્યા હતા; તેને કારણે કેટલાંયે ચિત્રો અધૂરાં રહી ગયાં હતાં. એ સમયે શક્તિ સામંતને અગ્રણી ચિત્રનિર્માણકંપની બૉમ્બે ટૉકિઝમાં ગાયકોના સમૂહમાં રહીને ગાવાનું એક મામૂલી કામ મળ્યું, પણ ત્યાં જ તેમના માટે આગળ વધવાનો માર્ગ ખૂલવા લાગ્યો. ચિત્ર ‘સુનહરે દિન’માં તેઓ સહાયક દિગ્દર્શક બન્યા. આ કામ મેળવવા માટે તેઓ ખોટું બોલ્યા હતા કે ચિત્રોનું સંપાદનકાર્ય તેઓ જાણે છે. આ જૂઠ છુપાવવા માટે થઈને સતત શ્રમ કરી સાત દિવસમાં સંપાદન શીખી લીધું. પછી દિગ્દર્શક ફણિ મજમુદારના સહાયક બન્યા. 1955માં તેમને સ્વતંત્ર રીતે એક ચિત્રનું દિગ્દર્શન કરવાની તક મળી. એ ચિત્ર હતું ‘બહૂ’. એ પછીના ચિત્ર ‘ઇન્સ્પેક્ટર’ને લીધે તેઓ થોડા જાણીતા થયા, પણ રહસ્યચિત્ર ‘હાવડા બ્રિજ’ની સફળતા બાદ તેમની ગણના અગ્રિમ હરોળના સર્જકોમાં થવા માંડી, જોકે પછી ત્રણ ચિત્રો નિષ્ફળ ગયાં ત્યારે અદાકાર શમ્મી કપૂર તેમની મદદે આવ્યા. તેમની મદદથી શક્તિદાએ ફરી એક મનોરંજક ચિત્ર ‘ચાઇના ટાઉન’ બનાવ્યું. એ પછી તેમનો શમ્મી કપૂરની સાથે લાંબો સમય સાથ રહ્યો. ‘કશ્મીર કી કલી’માં તેમણે શર્મિલા ટાગોરને પ્રથમ વાર હિંદી ચિત્રમાં તક આપી. રાજેશ ખન્નાને તેમણે ‘આરાધના’ ચિત્રમાં રજૂ કરીને તેને ટોચનો અભિનેતા બનાવી દીધો. ‘અમર પ્રેમ’માં પણ રાજેશને લઈને તેમણે એક સંવેદનશીલ કથાનક રજૂ કર્યું. શક્તિદાએ એક ભોજપુરી ચિત્ર ‘આઇલ બસંત બહાર’ પણ બનાવ્યું. ‘આરાધના’ અને ‘અનુરાગ’ ચિત્રોને શ્રેષ્ઠ ચિત્રોના ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા. તેમનો પુત્ર અસીમ સામંત પણ દિગ્દર્શક થયો છે.

નોંધપાત્ર ચિત્રો : ‘બહૂ’ (1955); ‘હાવડા બ્રિજ’ (1958); ‘જાલી નોટ’ (1960); ‘ચાઇના ટાઉન’, ‘નૉટી બૉય’ (1962); ‘કશ્મીર કી કલી’, ‘સાવન કી ઘટા’ (1964); ‘એન ઇવનિંગ ઇન પૅરિસ’ (1967); ‘આરાધના’ (1969); ‘પગલા કહીં કા’, ‘કટી પતંગ’ (1970); ‘અમર પ્રેમ’ (1972); ‘અનુરાગ’ (1973); ‘અમાનુષ’ (1975); ‘મેહબૂબા’, ‘અનુરોધ’ (1977); ‘બરસાત કી એક રાત’ (1980).

હરસુખ થાનકી