સાંઝી ધરતી બખલે માનુ (1976)

January, 2008

સાંઝી ધરતી બખલે માનુ (1976) : ડોગરી નવલકથાકાર નરસિંગદેવ જામવાલ (જ. 1931) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. ડોગરી ભાષાના આ નામાંકિત નવલકથાકાર અને નાટ્યલેખક 14 વર્ષની વયે જમ્મુ અને કાશ્મીરનાં સ્ટેટ ફૉર્સિઝમાં જોડાયા અને 194850 દરમિયાન યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. 1951માં લશ્કરમાંથી છૂટા પડ્યા પછી તેઓ થોડોક વખત ઇન્ડિયન ઍર ફૉર્સમાં જોડાયા અને છેલ્લે જમ્મુ-કાશ્મીરની સ્ટેટ પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે જોડાયા અને નાયબ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થયા. તે પછી સ્વતંત્ર લેખક ઉપરાંત ચિત્રકાર અને શિલ્પી તરીકે પણ કાર્યરત રહ્યા છે. પુરસ્કૃત પુસ્તક ઉપરાંત તેમનાં બીજાં 20 જેટલાં પ્રકાશનો છે.

વિષયસંદર્ભ અને કથાસામગ્રીની દૃષ્ટિએ આ નવલકથા અ-પરંપરાગત છે. અત્યાર સુધી ડોગરી કથાસાહિત્યમાં કેવળ ગ્રામીણ જીવન આલેખાતું હતું અને તે પણ અધકચરું અને ઉપરછલ્લું. આ નવલમાં પ્રથમ વાર લશ્કરી જીવનની પ્રતિભા ઉપસાવાઈ છે અને તેમાં સામાજિક-રોમૅન્ટિક કથામાળખું ગોઠવાયું છે. 1935થી 1965 સુધીનાં 30 વર્ષના ગાળા દરમિયાન લશ્કરી અશાંતિ, દેશનું વિભાજન, વિભાજક સમસ્યાઓ પરત્વે સાંપ્રદાયિક બળોનો પ્રભાવ જેવા નવતર મુદ્દાઓની એમાં છણાવટ છે.

લેખકે કથાવસ્તુ તથા તેની માવજતમાં નવી ક્ષિતિજો આંબવાની કોશિશ કરી છે. કેટલીક વાસ્તવિક પરિસ્થિતિઓ આદર્શવાદના ભાવનાશીલતાના અતિરેકના કારણે મોળી પડી જાય છે. નવલકથાની ભાષા સરળ અને સાદી છે; જમ્મુની આ ડોગરી ભાષા ગ્રામીણ તળપદી ભાષાના અંશોથી મુક્ત છે.

મહેશ ચોકસી