સાંઠાની માખી : જુવાર અને અન્ય ધાન્ય પાકોના પ્રકાંડમાંથી રસ ચૂસી લેનાર ડિંભને પેદા કરનારી સાંઠાની માખી કે જીવાત. આ જીવાતને અંગ્રેજીમાં શૂટ ફ્લાય (Shoot fly) કે સ્ટેમ ફ્લાય (Stem fly) તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, હલકા ધાન્યપાકો અને કેટલાક ધાન્ય-વર્ગમાં સમાવિષ્ટ થતા ઘાસ પર નભે છે. જુવાર એ ખૂબ જ ગ્રાહ્ય પાક છે, જેમાં આ જીવાતની ઍથીરિગોના સોકાટા રોંડાની (Atherigona soccata Rondani) જાતિ જુવારમાં, ઍથીરિગોના નાકવી સ્ટેઇસકાલ (Atherigona naquii Steyskal) જાતિ મકાઈ અને ઘઉંમાં તેમજ ઍથીરિગોના ઍપ્રૉક્સિમેટા મૅલોચ (Atherigona approximata Malloch) જાતિ બાજરીમાં મુખ્યત્વે નુકસાન કરતી નોંધાયેલ છે. આ જીવાતનો ડિપ્ટેરા (Diptera) ઍન્થૉમાઇડી (Anthomyidae) શ્રેણીના કુટુંબમાં સમાવેશ થયેલ છે; જેનો ફેલાવો ભારત, આફ્રિકા વગેરે દેશોમાં જોવા મળે છે. માખી ઘરમાખી જેવી જ; પરંતુ કદમાં તેનાથી નાની, રાખોડી રંગની અને 5 મિમી. લાંબી હોય છે. તેનું પેટ આછા ગુલાબી રંગનું હોય છે અને તેના શરીર પર ઉપરના ભાગે થોડાંક કાળાં ટપકાં હોય છે. માદા માખી નર સાથે સમાગમ કર્યા બાદ જુવાર કે અન્ય ખાદ્ય વનસ્પતિ પર ઈંડાં મૂકે છે. તે ખાસ કરીને એક માસ સુધીની ઉંમરના છોડ પર ઈંડાં મૂકવાનું પસંદ કરે છે. ઈંડાં મુખ્યત્વે પાનની નીચેની બાજુએ મૂકે છે; પરંતુ ક્યારેક સાંઠા પર પણ જોવા મળે છે. એક માદા માખી 40-133 ઈંડાં છૂટાંછવાયાં મૂકે છે. આ ઈંડાં સફેદ રંગનાં, ચપટાં, લાંબાં અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં હોડી જેવા આકારનાં દેખાય છે. ઈંડાં-અવસ્થા એકથી ત્રણ દિવસની હોય છે. તેનું સેવન થતાં નીકળતાં ડિંભ પગ વગરનાં, આગળથી પાતળા અણીવાળાં અને પાછળથી જાડાં તેમજ બૂઠાં હોય છે, જે રંગે આછી પીળાશ પડતાં જણાય છે. આવાં ડિંભ કૂંપળમાં ઊતરી સાંઠાને કોરી ખાય છે. તેના કારણે કોહવારો ઉત્પન્ન થતો હોય છે. મુખ્ય કૂંપળ સુકાઈ જાય છે. તેને ‘ડેડહાર્ટ’ કહેવામાં આવે છે. આ સુકાયેલા ભાગને ખેંચતાં સહેલાઈથી ખેંચાઈ આવે છે અને દુર્ગંધ મારે છે. ઓછા ઉપદ્રવ વખતે આવા નુકસાન પામેલ છોડમાં ફૂટ થતાં ઉત્પાદન સરભર થતું હોય છે; પરંતુ વધુ ઉપદ્રવ વખતે નવાં પીલાં પણ આ જીવાતથી નુકસાન પામતાં ઉત્પાદન પર માઠી અસર થતી હોય છે. આ અવસ્થા છથી દસ દિવસમાં પૂર્ણ થતાં તે નુકસાન કરેલ ભાગમાં જ કે સાંઠામાં ભૂખરા રંગના કોશેટામાં પરિવર્તન પામે છે. ક્યારેક આવાં ડિંભ જમીનમાં પડી જઈ જમીનમાં પણ કોશેટા બનાવતાં હોય છે. આવી સુષુપ્ત કોશેટા-અવસ્થા એક અઠવાડિયાની હોય છે; જે પૂર્ણ થતાં ફરી તેમાંથી નવી પેઢીનાં નર કે માદા માખી નીકળી આવે છે અને જીવનચક્ર આગળ ચલાવે છે. પાક નાનો હોય ત્યારે જ એટલે કે એક માસ સુધી તેનું નુકસાન થતું હોય છે. આ જીવાત ચોમાસાની શરૂઆતમાં ઓછી જોવા મળે છે; પરંતુ જેમ વાવેતર મોડું કરવામાં આવે તેમ તેનો ઉપદ્રવ વધવા પામે છે.

પાકની વાવણી જૂન-જુલાઈ કે પ્રથમ સારા વરસાદે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ નહિવત્ જોવા મળતો હોય છે; એટલે જ્યાં શક્ય હોય ત્યાં સમયસર વાવેતર કરવું. શક્ય બને તો એક જ વિસ્તારમાં આગળપાછળ થતું વાવેતર રોકી, સારા વરસાદે 15 દિવસમાં વાવેતર કરવાથી પણ આ જીવાતના પ્રશ્નો હલ કરી શકાય છે. જુવાર જેવા પાકનું વાવેતર થોડું મોડું કરવાનું થતું હોય તો 60 % બીજને કાર્બોફ્યુરાન 50 % એસપી 100 ગ્રામ પ્રતિ 1 કિગ્રા. બીજદીઠ માવજત આપી બાકીનું 40 % બિયારણ તેમાં ભેળવી વાવેતર કરવાથી આ માખી સામે રક્ષણ મેળવી શકાય છે. જો વાવેતર સપ્ટેમ્બર કે રવી ઋતુમાં કરવાનું હોય તો બિયારણના બધા જ જથ્થાને કાર્બોફ્યુરાન 50 %, એસપી 100 ગ્રામ પ્રતિ 1 કિગ્રા. બીજદીઠ માવજત આપી વાવેતર કરવું જરૂરી છે. તાજેતરમાં કરવામાં આવેલ ભલામણ મુજબ થાયામેથોક્ઝામ 70 %, ડબ્લ્યૂએસ 2 ગ્રા. સ.ત. / કિલો અથવા થાયામેથોક્ઝામ 35 % એફએસ 2 ગ્રા. સ.ત. / એક કિગ્રા. બીજ અથવા એન્ડોસલ્ફાન 35 ઈસી 0.07 % + કૅલ્શિયમ ક્લોરાઇડ (CaCl2) 2 %ના દ્રાવણમાં 8 કલાક બીજને બોળી રાખી વાવેતર કરવાથી સાંઠામાખી સામે રક્ષણ મળે છે. જો આવી માવજત ચૂકી જઈએ તો વાવેતર વખતે બીજ-ઉત્પાદન માટેના પાકમાં કાર્બોફ્યુરાન 3 જી 3 ગ્રામ પ્રતિ એક મીટર હારમાં અથવા ફોરેટ 10 જી 2 ગ્રામ પ્રતિ એક મીટર હારમાં આપવું જોઈએ. સાંઠામાખીના ઉપદ્રવની શરૂઆત થતાં મૉનોક્રોટોફોસ 36 એસએલ 0.04 % અથવા એન્ડોસલ્ફાન 35 ઈસી 0.07 %નો છંટકાવ કરવાથી સારાં પરિણામ મેળવી શકાય છે. ફિશમીલ ટ્રૅપ એટલે કે કોહવાતી માછલીનો ભૂકો એક સાદી ટ્રૅપમાં મૂકવામાં આવે તો તે માખીને આકર્ષે છે અને તેમાં કોઈ પણ ભૂકીરૂપ દવા ભેળવવાથી તેનું નિયંત્રણ મેળવી શકાય છે. જુવાર, મકાઈ, બાજરીની કાપણી બાદ ખેડ કરવાથી સુષુપ્ત અવસ્થાની જીવાતનો નાશ કરી શકાય. શેઢાપાળા પર અને ખેતરમાં જણાતા ધાન્ય વર્ગના નીંદામણનો નાશ કરતાં રહેવાથી પણ જીવાતનો વૃદ્ધિદર કાબૂમાં લઈ શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ