સાંજી (સાંઝી)

ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે.

ઉત્તર ભારતના વિવિધ પ્રદેશોમાં જુદા જુદા સમયે કરાતી સાંજી, ભીંત તથા ભોંય (કે ફર્શ) — એમ ઊભાં તથા આડાં બંને ફલકો પર થાય છે.

ભારતમાં હિન્દુ તથા તેવી સમાંતર ધાર્મિક પરંપરા પ્રમાણે સ્ત્રીઓ તથા કન્યાઓ માટે વ્રત-વરતોલાં કરવાનું આવશ્યક મનાયું છે. વ્રતોત્સવોની ઉજવણી તથા કેટલીક ધાર્મિક વિધિઓના ભાગ તરીકે ભોંય પર રંગોળી કે ભીંત પર આલેખન કરવાની પ્રથા આજે પણ જળવાઈ રહી છે. લગ્ન, વાસ્તુ કે ચંડીપાઠ જેવા પ્રસંગે કરાતી ધાર્મિક વિધિઓ મોટાભાગે તો બ્રાહ્મણ, પુરોહિત કે ઓઝા-બડવા-ભૂવા દ્વારા કરાવવામાં આવે છે; જ્યારે વ્રતો અને તેની ઉજવણી-સમયે પંડિત-પુરોહિતની હાજરી ભાગ્યે જ જરૂરી હોય છે. એમ પણ કહી શકાય કે વ્રતો સાથે સંકળાયેલ વિધિઓ કુમારિકાઓ તથા સ્ત્રીઓએ જાતે જ કરવાની હોય છે. એમાં પુરુષોએ મોટાભાગે તો દૂર જ રહેવાનું હોય છે.

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કુમારિકાઓ સાંજી — સાંઝી, સંજા કે સંઝા એમ ઉચ્ચારભેદે બોલાતું વ્રત કરે છે. આ વ્રતની એક વિધિ તરીકે ઘરની ભીંત પર તેમણે કરવાનાં આકૃતિ-સ્વરૂપો પણ સાંજી કે એવા નામે ઓળખાય છે. પ્રાદેશિક સ્તરે આમાં ઘણું સ્વરૂપવૈવિધ્ય પણ જોવા મળે છે. આ વ્રત સંજાદેવીનું વ્રત પણ કહેવાય છે.

પુપુલ જયકરે એમના અંગ્રેજી પુસ્તક ‘અર્ધન ડ્રમ’માં જણાવ્યું છે : ‘ભારતમાં બે હજારથી પણ વધુ જે વ્રતો સ્ત્રીઓ કરે છે તેમનાં મૂળ અથર્વવેદના સ્તોત્રો તથા કૌશિકસૂત્રમાં જણાવેલ ‘સ્ત્રી-કર્મણી’ સુધી ગયેલાં છે. વ્રતોની કેટલીક વિધિઓ કરવા પાછળ એવી માન્યતા રહેલી જોવા મળે છે કે કામનાઓને મંડલાકૃતિ જેવાં દૃશ્ય કે મૂર્તિમંત સ્વરૂપો આપી તેમને મંત્રોચ્ચાર તથા શારીરિક અંગભંગિઓ ને મુદ્રાઓ દ્વારા જાગ્રત કરાય છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતી ઊર્જા, ઇચ્છાતૃપ્તિ કરવા સક્ષમ બની સક્રિય થાય છે. શ્રાદ્ધમંડળ-સ્વરૂપે બનાવવામાં આવતી સાંજીમાં ઉપર્યુક્ત માન્યતા પ્રતિબિંબિત થાય છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં સૌભાગ્યપ્રાપ્તિની આશાથી શ્રાદ્ધપક્ષ દરમિયાન કુમારિકાઓ સાંજીવ્રત કરે છે. પોતાનો વિવાહ થાય ત્યાં સુધી દરેક કિશોરી દર વરસે શ્રાદ્ધપક્ષના મહિનામાં પૂર્ણિમાથી અમાસ સુધી, બપોર ઢળ્યા પછી પોતાના ઘરના પ્રવેશદ્વારની બાજુની ભીંત પર સાંજી બનાવે છે. બનાવતાં બનાવતાં સાંજ-સંધ્યા થઈ જાય છે એથી જ આ રચના સ્વરૂપને ‘સાંજી’ અથવા ‘સંજા’ નામ અપાયું છે એવી પણ એક માન્યતા છે.

ભોંય કે ફર્શથી જરા ઊંચે, ભીંત પર ગાર-માટીનું લીંપણ કરી સાંજી માટેનું ફલક – ‘કૅન્વાસ’ – તૈયાર કરાય છે. તેની ઉપર છાણ વડે ઊપસેલી, જાડી રેખાઓનું ચોકઠું બનાવાય છે. ઘર કે ઘરના વાડાના પ્રતીક જેવા આ ચોકઠાની અંદર, તે દિવસે જે તિથિ હોય તેની સાથે સંકળાયેલાં પૂર્વનિર્ણીત પારંપરિક સ્વરૂપો બનાવાય છે. એમાં ઉપરના ભાગે ચાંદો તથા સૂરજ તો બને જ. છાણથી બનાવેલ જાડી રેખાઓ તથા સ્વરૂપો પર વિવિધ રંગો તથા આકારો ધરાવતી ફૂલોની પાંખડીઓ તથા પાંદડાં લગાડાય છે. વળી, ચૂનો, હળદર અને કુમકુમનાં ટીલાંટપકાં વડે તે સુશોભિત કરાય છે. કેટલીક વાર તો જુદાં જુદાં અનાજ અને કઠોળદાણા તેમજ લાલ-લીલાં મરચાં અને ચણોઠી વગેરે લગાડીને રંગો અને પોતમાં ચમત્કૃતિ લવાયેલી પણ જોવા મળે છે.

બાલિકાઓ બીજા દિવસે, નવી સાંજી બનાવતાં પહેલાં, આગલા દિવસની બનાવેલી સાંજીને તવેથા કે એવા સાધન વડે ઉખાડી નાખે છે. નવી સાંજીની નીચે, ભોંય પર એ પોપડાઓ તથા અવશેષોનો ઢગલો રહેવા દેવાય છે. જે દિવસે દિવસે મોટો થતો જાય.

એક માન્યતા પ્રમાણે મૃત્યુ પામેલાં કુટુંબીઓના તથા પ્રેતયોનિમાં ભટકતા અતૃપ્ત આત્માઓને રાતવાસો કરવા સ્થાન મળી રહે તે હેતુથી સાંજી બનાવવામાં આવે છે. વાડા કે ઘરના પ્રતીક સમું, ચાર બાજુઓ ધરાવતું ચોકઠું નીચેની બાજુએ ખુલ્લું રખાય છે, પ્રવેશદ્વાર તરીકે આ ‘ઘર’ની અંદર મૃતજનના આત્મા માટે તેને ગમતી, પરિચિત, ઉપયોગી ચીજવસ્તુઓ જેવાં સ્વરૂપો બનાવવામાં આવે છે; જેમ કે, સીડી, વૃક્ષ, થેલી, જનોઈ, હાથી, પાલખી, પંખો, સાથિયો ઇત્યાદિ.

એક કાળે ભારત સહિત ઘણા પ્રદેશોની જાતિઓમાં તેમનાં મૃત્યુ પામેલા સ્વજનના દેહને દફનાવતી વેળાએ તેના શબ સાથે તે વ્યક્તિને ગમતી કે ઉપયોગી ચીજવસ્તુઓ મૂકવાની પ્રથા હતી. ઓરિસાના સાવરા જાતિના આદિવાસીઓમાં ભૂવા-ઓઝાના માર્ગદર્શન પ્રમાણે, પોતાના ઘરની ભીંત પર, મૃતાત્માઓને રહેવા યોગ્ય સ્થાન પૂરું પાડવા માટે મોટાં ચોકઠાં દોરી તેમાં ચિત્રાંકનો દોરવાની પ્રથા હતી. તેમાં મૃતાત્માને સુખ, શાંતિ, સગવડ મળી રહેશે તેવી શ્રદ્ધાથી તેને અનુરૂપ, તેમની પ્રિય ચીજવસ્તુઓ પણ દોરવામાં આવતી હતી. હવે લગભગ વિલુપ્ત થયેલી આ પ્રથા પાછળ એવો તર્ક રહ્યો હોવાનો સંભવ છે કે પોતાને જરૂરી, ગમતી તથા મનોરંજિત કરતી બધી ચીજવસ્તુઓ એકસાથે, એક સ્થળે જ મળી રહે તો, એથી સંતોષાયેલ મૃતાત્મા તેના અન્ય જીવિત સગાંસંબંધીઓને હેરાન ન કરે.

આમ છતાં વિવિધ પ્રાદેશિક સાંજી-સ્વરૂપોમાં એક પ્રકારનું સામ્ય જળવાયું છે. નીચે આપેલી યાદી જોતાં એક બાબત ધ્યાન ખેંચે છે કે પડવો, બીજ જેવાં – ગુજરાતી લોકબોલીનાં નામો સાથે સામ્ય ધરાવતાં – તિથિઓનાં નામોના પ્રથમાક્ષરો તથા તે તિથિઓએ સાંજીમાં બનાવાતાં મુખ્ય સ્વરૂપોનાં નામોના પ્રથમાક્ષરો (બારમાંથી નવ દૃષ્ટાંતોમાં) એક જ સરખાં છે :

તિથિ   સ્વરૂપ તિથિ   સ્વરૂપ
પૂર્ણિમા : પાંચ તારા આઠમ : અષ્ટદલ પદ્મ
પડવો : પંખો નોમ : ડોકરોડોકરી
બીજ : બાજોઠ, બુઝારું દશમ : દીવડો
ત્રીજ : ઘેવર અગિયારસ : કેળ
ચોથ : ચોપાટ, ચોપડ બારશ : ખજૂરી
પાંચમ : પાંચ કુંવારા તેરશથી    
    છોરાછોરી અમાસ : કિલ્લાકોટ
છઠ : છાબડી      
સાતમ : સાથિયો      

ગુજરાતનાં લોકગીતોમાં શબ્દો – બોલ – યાદ રાખવા માટે વર્ણસગાઈનો કીમિયો ખૂબ વપરાયો છે. એથી જ, ચાકરી કાજે પરદેશ વેઠતા સ્વજનને ‘ઘોઘાથી ઘોડલા, મુંબઈનાં મોતીડાં, હાલારી હાથીડા અને લંકાની લાડી’ લાવવાનું ગીતોમાં કહેવાતું હશે. સાંજીનાં સ્વરૂપોની બાબતમાં પણ આવી યુક્તિ વપરાતી હોવાનું અનુમાન કરી શકાય.

મધ્યપ્રદેશમાં શ્રાદ્ધપક્ષની પાંચમને ‘કુંવારા પાંચમ’ કહે છે. જે કુટુંબીઓ તેમની અવિવાહિત અવસ્થામાં મૃત્યુ પામ્યાં હોય તે બધાંને યાદ કરી, પાંચમે કરાતી સાંજીમાં એમને ‘પાંચ કુંવારા’ કે રથમાં બેઠેલાં પાંચ ‘છોરા-છોરી’ સ્વરૂપે સ્થાન અપાય છે. નોમને ‘ડોકરા નોમ’ કહે છે. તે દિવસે સદગત વૃદ્ધ પિતૃઓને શ્રદ્ધાંજલિ રૂપે સાંજીમાં સ્થાન મળે છે.

વ્રતના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન ‘કિલ્લા-કોટ’ બનાવાય છે. અગાઉના દિવસો દરમિયાન બનતી સાંજીની તુલનામાં ‘કિલ્લા-કોટ’નું ચોકઠું માપમાં બમણું અને વિસ્તારમાં ચોગણું કે તેથીય વધુ મોટું હોય છે. એની અંદર, અગાઉના દિવસો દરમિયાન બનાવવામાં આવેલાં સ્વરૂપો ઉપરાંત જનોઈજોટો, શુભપંખી, પાલખી, મોરઢેલ તથા તોરણ જેવા બાંધરવાલ વગેરેનાં સ્વરૂપો પણ બનાવાય છે.

છાણ-માટી વડે, ઊપસેલી રેખાઓથી વિવિધ સ્વરૂપાંકનો તથા ગોખલા-કાંગરા બનાવવાની પ્રથા કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન ઉપરાંત ભારતના અન્ય કેટલાક પ્રદેશોમાં પણ જળવાઈ છે. કેટલાંક સ્થળે તે રૂપાંકનોને રંગો વડે તથા આભલાં જડીને સુશોભિત કરાય છે; પરંતુ સાંજી જેવો ફૂલ, પાંદડાં તથા અનાજ વગેરેનો ઉપયોગ બીજે કોઈ પણ સ્થળે જોવા મળતો નથી. જોકે ‘મનોરથ’ તરીકે કરાતાં કેટલાંક રંગોળી સ્વરૂપો-મંડળો સપ્ત કે નવધાન્ય વડે બનાવાય છે.

છેલ્લા ત્રણ દિવસો દરમિયાન, કિલ્લા-કોટ ભીંત પર જ રહેવા દેવાય છે. આથી તેમાં કરમાઈ કે સુકાઈ જાય, જીવાત ખાઈ જાય તેવી ચીજોનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. તેને સ્થાને પીત્તળપાનાંની કે આજકાલ પ્લાસ્ટિકમાંથી બનતી પન્નીમાંથી કાપેલી પટ્ટીઓને ઉપયોગમાં લેવાય છે. લાલ, ગુલાબી, લીલા જેવા ચપ્પક, પ્રાથમિક રંગો ઉપરાંત ઝગારા મારતી સોનેરી, રૂપેરી પન્નીઓના ઉપયોગથી કિલ્લા-કોટની શોભા ન્યારી બની રહે છે.

કિલ્લા-કોટમાં ઢોલી, ઝાડુવાળી, લંગડો સિપાઈ જેવાં લગભગ દરેક ગામ, નગરમાં જોવા મળતાં પાત્રોનાં સ્વરૂપો પણ બનાવવામાં આવે છે; પરંતુ તેને સ્થાન અપાય છે કોટની દીવાલની બહાર દરવાજા પાસે. જમાનાજૂની, સામાજિક કલંકસમી જ્ઞાતિ-જાતિપ્રથા સાથે સંકળાયેલ હજુ પણ જોવા મળતા ઊંચ-નીચના ભેદભાવનું વરવું પ્રતિબિંબ સાંજીનાં સ્વરૂપોમાં પણ અભિવ્યક્ત થાય છે એમ માની શકાય.

લોકબોલીમાં ‘કિલ્લા-કોટ’ને ‘કલાકોટ’ કહે છે. એક દૃષ્ટિએ જોતાં સાંજીની આ સરજત જાણે કે કલાસ્વરૂપોથી ભરેલો કોટ – કલાનો ભંડાર બની રહે છે.

સાંજીનાં સ્વરૂપોમાં કોઈ કોઈ સ્થળે સ્થાનિક, તળપદી અભિવ્યક્તિ પણ જોવા મળે છે. માળવામાં ગુડ્ડો-ગુડ્ડી તરીકે બનતાં પૂતળી-સ્વરૂપોને મેવાડી બાળાઓ મીરાંબાઈ બનાવી દે છે. શ્રીનાથદ્વારા-વિસ્તારમાં તે જાડી જશોદા અને પતલી પ્રેમા નામે ઓળખાય છે તો વ્રજભૂમિમાં તે હીંચકે ઝૂલતાં રાધાકૃષ્ણનું રૂપ ધારણ કરી લે છે.

સાંજી અંગેની એક લોકવાર્તા પ્રમાણે એક બ્રાહ્મણ કિશોરીના રૂપથી મોહિત થયેલ રાક્ષસે તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી; પરંતુ ત્યારે શ્રાદ્ધપક્ષ હતો અને તેથી કોઈ શુભ કાર્ય કરી શકાય નહીં તેવી પ્રથા હોઈ ખમી જવાની એ કિશોરીના પિતાની વિનંતી રાક્ષસે માન્ય રાખી. એ સમયગાળામાં તે કિશોરી છાણ-માટી વડે રમતી રહી. તેની વિવિધ આકૃતિઓ બનાવી તેને ભીંત પર લગાડતી રહી હતી. ત્યારબાદ એને અનુસરીને અન્ય કન્યાઓએ પણ એવાં સ્વરૂપો બનાવવાની રમત અપનાવી. આજે પણ સાંજી-વ્રત ‘કરવું’ તથા સાંજી-સ્વરૂપો ‘બનાવવાં’ જેવાં ક્રિયાપદનાં રૂપોને બદલે સાંજી ‘ખેલના’ (રમવી) શબ્દપ્રયોગ વારંવાર સાંભળવા મળે છે.

પોતાનાં લગ્ન થઈ જાય ત્યાં સુધી કુમારિકાઓ દર વરસે સાંજીવ્રત કરે છે. સાસરે જતાં પહેલાં તેઓ પુરોહિતની હાજરીમાં ‘સમાપન’-વિધિ કરે છે. ત્યારે ઘરની અંદર, ઓસરીની ભીંત પર બનાવેલી મોટી સાંજીની પૂજા કરી સગાંસંબંધીઓને જમાડે છે. લગ્ન થયા પછી પણ તે સર્જનાનંદ માણવા નાની બહેન, દીકરી કે નણંદને મદદ કરવાના બહાને સાંજી બનાવવાની તક ઝડપી લેતી હોય છે.

વ્રતો કરવાની પરંપરા મોટાં શહેરોમાં અને તેમાંય ‘ભણેલા’ વર્ગમાં ઓછી થતી જાય છે. ક્યારેક તો એને પછાતપણા તથા અંધશ્રદ્ધામાં ખપાવવામાં આવે છે. દરેકમાં રહેલી જન્મજાત સર્જનાત્મકતાને અભિવ્યક્તિ આપવાની તક આપતી બલકે જરૂરી બનાવતી સાંજીવ્રત જેવી પ્રથાઓનું સ્થાન લુપ્ત થઈ રહ્યું છે.

પરંપરા અનુસાર પખવાડિયા દરમિયાન બનાવેલી બધી સાંજીના એકઠા કરી રાખેલ અવશેષોને ટોપલામાં ભરી, માથે મૂકીને બાલિકાઓ સમૂહમાં સાંજીનાં ગીતો ગાતી ગાતી નદી, તળાવે જઈ પાણીમાં પધરાવી દે છે.

સાંજી-સ્વરૂપોમાં પન્નીનો વપરાશ; મક્કાઈના ડોડાનો ઢોલ તરીકે, પાતળી સળીઓનો ઝાડુ તરીકે અને આંખ માટે ઘઉં કે ચોખાના દાણાનો ઉપયોગ જોવા મળે છે. આવા પદાર્થોનાં સ્વરૂપો તથા છાણમાટીની, ધાર્યો ઘાટ જોઈ કે ઘડી શકાય તેવી રૂપપ્રદ લાક્ષણિકતા ઉપરાંત ફૂલ-પાનના આકારોની અનિશ્ચિત વિવિધતા સાંજી બનાવતી વેળા બાલિકાઓને મોકળા મને કલ્પનાના ઘોડે સવારી કરી આભમાં ઊડવાની અને સ્વહસ્તે અવનવું સર્જન કરવાનો આનંદ તથા ગર્વ અનુભવવાની તક પૂરી પાડે છે.

સમયની સાથોસાથ પરંપરાઓનાં બાહ્ય સ્વરૂપોમાં ફેરફાર થતા રહે છે; પરંતુ પરંપરા પ્રમાણે બનતાં રહેલાં ઘણાં લોકકલા-સ્વરૂપોની લાક્ષણિકતા સાંજીમાં પણ જળવાઈ રહી છે : (1) સામાન્ય ગણાતી અને પોતાના રહેઠાણની આજુબાજુમાંથી સહેલાઈથી, મોટાભાગે તો વિના મૂલ્યે મળી શકતી છાણ, માટી, ફૂલ, પાંદડાં જેવી વસ્તુઓનો થતો ઉપયોગ; (2) સર્જન તથા વિસર્જન એ બંને પ્રક્રિયાઓને અપાતું મહત્વ.

પથ્થર કે ધાતુ જેવા માધ્યમમાં બનાવેલ સ્વરૂપોથી ઊલટું; લોટ, માટી, છાણ વડે બનાવેલ કલાસ્વરૂપો લાંબો સમય ટકી શકતાં નથી; પરંતુ આવાં કલાસ્વરૂપો સર્જવાની પરંપરાને દીર્ઘાયુ બનાવવામાં એમાં વપરાતી ચીજવસ્તુઓની ક્ષણભંગુરતાનો મોટો તથા અગત્યનો ફાળો રહ્યો છે. જન્મ-મરણની ઘટમાળ ને દેહસ્વરૂપના નાશ સાથે અવિનાશી આત્માનું વિવિધ દેહ-સ્વરૂપોમાં અવતરણ થતું રહેતું હોવાની સૃષ્ટિસર્જનની પ્રક્રિયાનો સંકેત આ કળામાંથી પામી શકાય.

‘સંજા’ સંધ્યા પરથી બનેલું નામ છે એવી એક લોકમાન્યતા છે. હિન્દુ કુમારિકાઓ દ્વારા કરાતા સાંજીવ્રતને અને સંજા-સ્વરૂપોને શ્રાદ્ધવિધિ અને મૃતાત્માને વિસામો પૂરો પાડવાની ભાવના સાથે સંબંધ છે. હિન્દુ કુટુંબોમાં બ્રાહ્મણ, પુરોહિત દ્વારા કરાવાતી, શ્રાદ્ધ સાથે સંકળાયેલી પૌરાણિક ધાર્મિક વિધિમાં પણ મરણ પામેલ સ્વજન પાછળ તેરમા દિવસે શય્યાદાન કરાય છે. આને ‘સજ્જાદાન’ પણ કહે છે.

પથારી કે બિછાનું માટેનો સંસ્કૃત શબ્દ ‘શય્યા’ અને પ્રાકૃત શબ્દ ‘સજ્જા’ છે. બોલચાલની ભાષામાં ‘ય’ અને ‘જ’ બદલાયાં કરે છે તેમ અનુસ્વાર ઉમેરવાનું વલણ પણ જોવા મળે છે – જેમ કે, પૂજા-પૂંજા, વીનતી-વિનંતી. આ પરથી લાગે છે કે સજ્જા અને સંજા કદાચ પરસ્પર સંબંધ તથા લગભગ સમાન અર્થ ધરાવતા શબ્દો છે. આ સંભાવનાને જો તદ્દન અવગણીએ નહીં તો આગળ એમ પણ તર્ક થઈ શકે કે બ્રાહ્મણ, પુરોહિતો દ્વારા જે વિધિ કરાય છે તેનું જ્ઞાતિ-જાતિના છોછ વિનાનું રમત જેવું જનમાન્ય સ્વરૂપ સંજામાં ઊતરેલું છે.

સાંજીદેવી : સાંજીને દેવી તરીકે શા માટે પૂજવામાં આવે છે તે અંગે પ્રશ્નોત્તરી-સ્વરૂપે નીચે રજૂ કરાયેલ વિગતો રાજસ્થાની બોલીમાં, રસિક શૈલીમાં લખાયેલ એક પુસ્તકમાંથી મળી છે, જે આ પરંપરા અંગેની પ્રચલિત માન્યતાઓ તથા લોકવાયકાઓનો થોડો ખયાલ આપે છે.

બ્રહ્માજીને તેમની માનસપુત્રીએ પ્રશ્ન પૂછ્યો : ‘સંજા સાંજીને દેવી નામ શા માટે અપાયું છે ?’ આના ઉત્તરમાં બ્રહ્માએ કહ્યું : ‘તપ, તપ, તપ’. એ પ્રમાણે તપસ્યા કરી તે ચંદ્રભાગ પર્વત પાસે બૃહલોહિત સરોવરના નિર્જન વનમાં ઘૂમતી હતી. ત્યારે, ત્યાં તેને વશિષ્ઠજી મળ્યા અને તેમણે તેને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ – એમ મંત્રદીક્ષા આપી. લાંબો સમય તેણે આ મંત્ર જપી તપ કર્યું તેથી પ્રસન્ન થઈ વિષ્ણુ પધાર્યા અને વરદાનો આપ્યાં. તેના પરિણામે તે અગ્નિપુત્રી કહેવાઈ અને ત્રિકાલ સંધ્યાનું રૂપ પામી. ત્યારથી કુમારિકાઓ તથા દ્વિજજનો સંધ્યાની આરાધના કરે છે. વ્રજલલનાઓએ પણ પૂરા ચૌદ દિવસ એની આરાધના કરીને મહારાસમાં પ્રભુને પ્રાપ્ત કર્યા. એને, સંધ્યાને જ સાંજી કહે છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુપ્રાપ્તિના હેતુસર ભક્તો ભાવથી ચૌદ દિવસ સાંજીલીલા કરે છે, જેની પૂર્ણતા કોટમાં થાય છે.

પ્રશ્ન : ચૌદ દિવસ શા માટે ?

ઉત્તર : ચૌદ લોકનો નાયક પ્રભુ મળે એ માટે. ગવાયું છે : ‘દશ અરુ ચાર લોક કો નાયક યહૈ સુતા વર પાવૈ.’

પ્રશ્ન : સાંજી કઈ કઈ વસ્તુની મંડાય છે ?

ઉત્તર : પુષ્ટિમાર્ગમાં તે ચાર પ્રકારની થાય છે :

(1) પુષ્પોની : ‘જામેં કમલબેલ ફૂલનકી રંગબીરંગી ભરી, સદા મંદિર મેં મણિકોઠાદિ મેં માંડે પ્રભુ સ્વયં બિરાજે હૈ.’ આ સ્વામિનીજીના ભાવની માનવામાં આવે છે. ક્યારેક મનોરથ માટે પણ આવી સાંજી મંડાય છે. (આકૃતિ 1 તથા 2)

આકૃતિ 1 તથા 2 : ગ્વાલિયર (મ.પ્ર.) વિસ્તારમાં બાલિકાઓએ ઘરની ભીંત

પર વિવિધ પુષ્પો તથા તેની પાંખડીઓ વડે બનાવેલાં બે સાંજી સ્વરૂપો

(2) કેળનાં પાનની : ‘જામેં ચૌરાસી કોસ વ્રજયાત્રાકી લીલા સુન્દર કલાત્મક ઢંગ સૌ કરાવન હેતુ માંડે હૈ. યામેં કેલાકે પત્તાનકી કારીગરી હોય હૈ. યહ ચંદ્રાવલીજી કે ભાવસોં માંડે હૈ.’

(3) રંગોની સાંજી : આ, અમુક સ્થળોમાં સાંચા અથવા ખાકાં-(સ્ટેન્સિલ)થી મંડાય છે. આમાં વ્રજલીલા દર્શાવાય છે. વ્રજનાં બધાં જ સ્થળો આમાં, નન્દકુમારિકાઓના ભાવથી મંડાય છે.

આકૃતિ 3 : કાગળ કાપીને બનાવેલ સાંચા

(4) જળકુંડની સાંજી : કુંડને તળિયે રંગીન પથ્થરો, કાચ કે અકીકની રમણીય ભાતમાં ગોઠવી ઉપર પાણી ભરવામાં આવે છે. સૂરતનાં કેટલાંક મંદિરોમાં આવી સાંજી થતી હતી.

1966માં પ્રકાશિત ‘વ્રજ કે સાંસ્કૃતિક ઇતિહાસ’માં શ્રી પ્રભુદયાલજીએ લખ્યું છે : ‘સાંજીનું આયોજન પિતૃપક્ષનો સૌથી પ્રસિદ્ધ સમારોહ છે. વ્રજમાં એને ધાર્મિક ઉત્સવ, લોકોત્સવ તથા કલાત્મક પ્રદર્શન ઇત્યાદિ વિવિધ સ્વરૂપે સંપન્ન કરવામાં આવે છે. સાંજે પૂજાતી હોઈ એને આવું નામ અપાયું હશે; પરંતુ સંભવત: સાંજી એ ગૌરી-પાર્વતીનું જ એક લોકપ્રસિદ્ધ રૂપ છે. જોકે વ્રજના ધર્માચાર્યો તથા ભક્ત-કવિઓએ સાંજીની લોકપૂજાને રાધા-કૃષ્ણની ઉપાસના સાથે પણ જોડી દીધી છે.’

ઘરની ભીંત પર છાણ-માટીથી ઉપસાવેલ આકૃતિઓ પર વિવિધ-રંગી પર્ણ-પુષ્પો લગાડાય છે.

સાંજી બનાવવાની ક્રિયા, પ્રથાને મૃતાત્માઓને સ્થાન પૂરું પાડવાના હેતુ સાથે સંબંધ હોઈ શકે છે; પરંતુ શ્રાદ્ધપક્ષ દરમિયાન જ વ્રજબાલાઓ સાંજીનું સર્જન તથા પૂજન કદાચ માત્ર એવી મનોકામના સાથે કરે છે કે તેમને સાંજીમાતાની કૃપા તથા આશીર્વાદથી સુયોગ્ય પતિ તથા ચિરસૌભાગ્ય પ્રાપ્ત થાય. ગુજરાતમાં આષાઢમાં ઊજવાતા ગૌરીવ્રત (ગોર્યો) પાછળ પણ આવી મનોકામના રહી છે; પરંતુ ગુજરાતમાં, જવારા ઉગાડવા, બાગ-બગીચામાં જઈને (બાલિકાઓ જેને ‘ખઉં’ કહે છે તેવો) અલૂણો નાસ્તો આરોગી ઉજાણી કરવી તથા રાત્રે જાગરણના હેતુસર રમતો રમવા સિવાય અન્ય કશીય સર્જનાત્મક ક્રીડા-પ્રવૃત્તિ પણ કરાતી હોય તેવું જોવા મળે છે.

આકૃતિ 4 : કાગળ-કટાઈથી બનેલી સાંજી

મંદિરોમાં શ્રાદ્ધપક્ષ દરમિયાન થતી સાંજીમાં મુખ્યત્વે બે પ્રકારો જોવા મળે છે : (1) કેળના પાનમાંથી વિવિધ આકૃતિઓ કાપી તેની નિયત વિષયાનુસાર આયોજના તથા (2) કાગળમાં ગાળા સ્વરૂપે આકૃતિ કાપી તે રીતે બનાવેલા સાંચા-બીબાંનો ઉપયોગ કરી તેમાંથી ચૂર્ણ રંગોને કોઈ સમથળ સપાટી પર પાથરી કરાતી રંગોળી જેવી આયોજના. અગાઉ જેની વાત થઈ ગઈ છે તે દરેક પ્રકારની સાંજી ભીંત પર બનાવવામાં આવે છે. જ્યારે ઉપર્યુક્ત બંને પ્રકારો સમથળ ભોંય કે એવી સપાટી પર બને છે. સૂરદાસ, નંદદાસ વગેરે, ‘અષ્ટછાપ’ કવિઓની કાવ્યરચનામાં કૃષ્ણની રાહ જોતી રાધા તથા ગોપીઓ તેના પાછા ફરવાના માર્ગમાં પુષ્પો અને પર્ણોથી રૂપ-રચના બનાવતી હતી અને એ રીતે સમય પસાર કરતી હતી તેવા પ્રકારનું વર્ણન મળે છે. હવેલી-મંદિરોમાં તથા પોતાના ઘરમાં પણ કૃષ્ણભક્તો-વૈષ્ણવો જે સાંજી કરે છે તે પ્રથાનાં મૂળ ઉપર્યુક્ત કાવ્યોમાં કહેવાયેલ પ્રસંગો સાથે જોડાયાં હોવાનો સંભવ છે. કાવ્યોમાં એની વાત થઈ છે એટલે એ પ્રથા કાવ્યોના સમય જેટલી, બલકે એથીયે વધુ પુરાણી તો હોવી જ જોઈએ એમ ધારી શકાય.

કેળનાં પાનની સાંજી : આ સાંજીમાં કેળનાં પાનમાંથી વિવિધ આકૃતિઓ કાપીને તેમને કોઈ સમથળ સપાટી પર ભીનું કપડું પાથરી તેમની ઉપર વિષયને અનુરૂપ અને સ્પષ્ટ કરતી આયોજના કરવામાં આવે છે. મંદિરમાં કોઈ મોટા ચોક જેવા સ્થળે આવી સાંજી કરાય છે – જે 4.6થી 6 મીટર(પંદરથી વીસ ફૂટ)ના ચતુષ્કોણાકાર જેટલી મોટી પણ હોઈ શકે. કેળના પાનના રંગને ઉઠાવ મળે તેવું સફેદ ઘેરા લાલ રંગનું કપડું સામાન્ય રીતે પાર્શ્વભૂમિ તરીકે વપરાય છે. નાનાં મંદિરોમાં ષટ્કોણ કે અષ્ટકોણ કે તદ્દન ચતુષ્કોણ બાજોઠ પર કપડું પાથરી તેની પર સાંજી બનાવાય છે. કપડું ભીનું કરેલું હોઈ તેની પર કેળના પાનમાંથી કાપેલી આકૃતિઓ ચોંટી રહે છે તથા સુકાઈ કે કરમાઈ જતી નથી. કપડા પર વખતોવખત પાણીનો છંટકાવ કરાતો રહે છે.

શ્રાદ્ધપક્ષ દરમિયાન શ્રદ્ધાળુ ભાવિકો ઘણી મોટી સંખ્યામાં વ્રજનાં વિવિધ સ્થાનોની પરકમ્મા કરે છે. એ પરકમ્માનો પથ તેમજ આરંભથી અંત સુધીનાં સ્થળોનો ક્રમ પણ તેઓ નિયત પ્રથાને અનુસરીને જાળવે છે. એ ચોરાશી કોસ (ચોરાશી કોસ એટલે લગભગ 200 કિલોમિટર) વ્રજયાત્રાનાં સ્થળોનું ચિત્રણ બંને પ્રકારની સાંજીમાં કરવામાં આવે છે. આથી જે ભક્ત વૈષ્ણવો પરિક્રમા માટે જઈ શક્યા ન હોય તેઓ મંદિરમાં સાંજીમાં રજૂ કરાયેલ સ્થળની – સાંજીની – પરિક્રમા કરી સંતોષ અનુભવે છે.

ઉપર્યુક્ત યાદીમાં સૂચવ્યા પ્રમાણે તિથિ અનુસાર સાંજીમાં સ્થળ કે લીલા મંડાય છે. જે તે સ્થળનો ખયાલ આપવા ભાવ જગાવવા તેને અનુરૂપ સ્થાપત્ય – છત્રી, ઓટલા, ચબૂતરા, મંડપો, કુંડ, જળાશય, પ્રાકૃતિક ભૌગોલિક સંબંધ જણાવવા પર્વત, ટેકરી, ઘાટી વગેરે દેખાડાય છે. જમુનાકાંઠાનાં સ્થળો કે લીલાપ્રસંગો માટે મકર, મત્સ્ય, કચ્છપ તથા ઘાટ દેખાડાય. વળી ગાય, હાથી, ઘોડા, પોપટ તેમજ કેળ, કદમ્બ વગેરે વૃક્ષો બનાવાય. કાલિયમર્દન તથા ગોવર્ધન ધારણ કર્યા જેવા પ્રસંગો દર્શાવતા સમયે શ્રીકૃષ્ણ સાથે ગોપ-ગોવાળાં, ધેનુ, વાનર, નાગ વગેરે આકૃતિઓ મૂળ પ્રસંગોને તેના વાતાવરણ સાથે આપણી આંખો સામે રમતા કરી દે છે.

સામાન્ય રીતે સાંજી સાથે સંકળાયેલ પૂર્વનિર્ધારિત વિષયો લગભગ દરેક સ્થળે બનાવવાની પ્રથા છે અને તેથી તેમાં સામ્ય પણ જળવાતું જોવા મળે છે. શ્રીનાથદ્વારામાં એકાદશીએ થતી સાંજીમાં એક સ્થાનિક સ્થળ-ઉદ્યાન રજૂ કરાય છે. જોકે તે જાણે કે વ્રજભૂમિનું જ કોઈ ઉદ્યાન હોય તેમ લાલબાગની સાંજીમાં પણ કૃષ્ણલીલા અને વ્રજ સાથે સંબંધિત વિગતો તો સમાવાય જ છે. છેલ્લે દિવસે, અમાવાસ્યાએ કોટની સાંજી થાય છે. આમાં દ્વારિકાપુરીની રજૂઆત મંડાય છે. લાલબાગની સાંજી જેમ આમાં પણ શ્રીકૃષ્ણની લીલાના પ્રસંગો રજૂ કરાય જ છે.

સાંજીવ્રત કરતી બાલિકાઓ પણ અમાસ પહેલાં કિલ્લા-કોટ બનાવે છે. અમાસ નિમિત્તે, રોજેરોજ બનતી સાંજીથી જુદું સ્વરૂપ – કોટ બનાવવાની તેમની કે તેમણે અપનાવેલી પ્રથાનું મૂળ મંદિરોમાં બનાવાતી, એક દૃષ્ટિએ કદાચ શાસ્ત્રીય કે ઉપશાસ્ત્રીય કહેવાય એવી સાંજી સાથે સંકળાતું હોવાનો સંભવ છે. જો એમ જ હોય તો વ્રતની સાંજીને મંદિરની સાંજીનું જ જનસ્વરૂપ માની શકાય.

કમભાગ્યે આ પ્રકારનાં લોકકલા-સ્વરૂપોની કે પરંપરા અંગે કોઈ વ્યવસ્થિત નોંધ કે ઇતિહાસ મળતાં નથી. મૌલિક પરંપરા રૂપે જીવતી રહેલ વાર્તાઓ તથા ગવાતાં ગીતો બદલાતાં તેમજ ભુલાતાં રહે છે. અલ્પ સમયમાં તૂટી-ફૂટી-ભૂંસાઈ જતી નાશવંત વસ્તુઓ(લોટ, માટી, છાણ, ફૂલ, પાન વગેરે જેવી)નો ઉપયોગ થતો હોઈ એ દ્વારા બનેલ સ્વરૂપો જળવાયાં નથી. વળી, પરંપરા પ્રમાણે સ્વરૂપોના સર્જન તેમજ વિસર્જનને પણ એટલું જ મહત્વ અપાયું છે તે પણ એક કારણ છે.

કેળના પાનમાં તેની પરિપક્વતા પ્રમાણે લીલા રંગોની લીલા જોવા મળે છે. વળી તેની બંને બાજુના રંગો તથા સળદાર પોતમાં પણ દેખીતો ફરક હોય છે. આ કારણે એક જ, લીલા રંગના પ્રભાવ, બાહુલ્ય છતાં આવી સાંઝીમાં રંગછાયાનું વૈવિધ્ય તેને સૌંદર્ય પ્રદાન કરતું લક્ષ્ય બની રહે છે. પાનમાંથી આકૃતિ કાપતાં પહેલાં તેના પર રેખાંકન જેવા કોઈ કીમિયાનો આધાર લેવાતો નથી. બાહ્ય રેખા એવી હોય કે જેથી આકૃતિને ઓળખી શકાય તે બાબતને ખયાલમાં રાખી કાતર વડે પાનમાંથી સીધી જ કાપી લેવાય છે. આકૃતિ પર વિગતો દર્શાવવા રેખાઓ દોરવાનું મુશ્કેલ હોઈ પાત્રના સ્વરૂપની તથા તેની ક્રિયાની – તે પાત્ર ચાલે છે, દોડે છે, કૂદે છે – તેની પણ ઓળખ મળી રહેવી જોઈએ.

કેળના પાનનું માપ તો ઘણું મોટું હોય છે; પરંતુ વચ્ચેની દાંડી એકથી બીજા છેડા સુધી લંબાતી હોય છે તેમજ ઘણી જાડી તથા ઊપસેલી પણ હોય છે. આથી તેની ડાબી-જમણી બાજુઓ જ ઉપયોગમાં લેવાય છે. આકૃતિઓને આ બાજુઓના માપની મર્યાદામાં રહીને જ બનાવવી પડતી હોવાથી તેમાં એક પ્રકારનું માપ સાથે સંબંધિત એકધારાપણું પણ જોવા મળે છે. નાનાં મંદિરોમાં નાના માપે બનાવવામાં આવતી સાંજીમાં અભિવ્યક્તિ સાદી હોવા છતાં એમાં આયોજનવૈવિધ્ય ધ્યાન ખેંચે છે. શ્રીનાથજીના મંદિરના ચોકમાં 4.6 મી. અને 6 મીટર (પંદર અને વીસ ફૂટ) જેવડી બાજુઓ ધરાવતા ચતુષ્કોણમાં નાના નાના આકારો જાણે સાડી પર બીબાં વડે કરેલી છપાઈ જેવા પથરાઈ જાય છે. પૂરા પખવાડિયા દરમિયાન બનતી સાંજીઓમાં વિષયો તથા વિગતોમાં વૈવિધ્ય હોવા છતાં પેલી દૃષ્ટિએ તે બધી સાંજીનાં સ્વરૂપો એકસરખાં જ લાગે. મંદિરો તથા હવેલીમાં કરવામાં આવતી સાંજીનો અન્ય એક પ્રકાર પણ છે. આમ તો તે પણ માત્ર ‘સાંજી’ નામે જ ઓળખાય છે; પરંતુ તેમાં કાગળમાંથી કાપેલા ગાળા દ્વારા રંગો ભરવામાં આવતા હોઈ, કાગળના એ સાંચા(સ્ટેન્સિલ)ના નામ સાથે જોડી આ લખાણમાં સાંચાની સાંજી એ નામે ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારની સાંજી પણ વ્રજ, શ્રીનાથદ્વારા તેમજ જ્યાં જ્યાં વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગી અનુયાયીઓનાં મંદિરો-હવેલીઓ છે ત્યાં ત્યાં બનાવવામાં આવે છે. પહેલાં અહીં કાગળમાં બનતા સાંચાની વાત કરી છે.

કપડાં પર ભરતકામ કરવા વેલ, બુટ્ટા જેવી આકૃતિઓ દોરવા માટે બે પદ્ધતિઓ વપરાતી હતી. કોઈ છીપા પાસે જઈ લાકડાનાં બીબાં વડે જોઈતી ડિઝાઇનમાં બુટ્ટાઓ કાચા રંગથી છપાવી લેવા તે એક; પરંતુ આવી સગવડ બધે સ્થળે પ્રાપ્ત હતી નહીં તેથી ગામડાંઓમાં કોઈ, આલેખન પર હાથ જામેલ, અનુભવી સ્ત્રી પાસે જઈને ‘આળેખાવી’ લાવવાની પણ પ્રથા હતી. ઘણી સ્ત્રીઓ પોતે પણ આ કરી લેતી. અન્ય કોઈ પાસે આલેખન કરાવવા બદલ વિનિમય પ્રથાનુસાર પાલી – બે પાલી બાજરો કે જુવાર પણ અપાતી.

બટરપેપર નામે ઓળખાતા, લગભગ પારદર્શક અને બંને તરફ મીણનું કે તેવા પદાર્થનું પાતળું સ્તર લગાડેલ કાગળ મળવા લાગ્યા ત્યારબાદ ભરતકામ માટેનાં આલેખનો કરવાનું કામ સરળ તેમજ ઘરગથ્થુ બની ગયું. જે સ્વરૂપો ભરત માટે જોઈતાં હોય તેમના પર અથવા તેમની ગોઠવણી પર બટરપેપર મૂકી, નીચે દેખાતી આકૃતિઓને ઘૂંટીને ઉતારી લેવાતી (‘ટ્રેસિંગ’ કરી લેવાતી). પછી તે રેખાંકન પર સોય વડે બાજુબાજુમાં નાનાં છિદ્રો કરી દેવાતાં. આ રીતે તૈયાર થયેલ છિદ્રાળુ આકૃતિસ્વરૂપ ધરાવતો કાગળ તે જ આપણો સાંચો અથવા સ્ટેન્સિલ. આમાં જે લાક્ષણિકતાઓ છે તે જ અન્ય સ્ટેન્સિલમાં – વ્રજમાં વપરાતા સાંચામાં – પણ જોવા મળે છે. છિદ્ર એ કાગળ જેવી સપાટ અને બંધ સપાટીમાં એક ખુલ્લો ગાળો છે. નાના માપને કારણે તેને માટે છિદ્ર જેવી સંજ્ઞા વાપરીએ છીએ; પરંતુ 25 કે 50 પૈસાના સિક્કાના માપનો ગોળાકાર ભાગ જો તે સપાટીમાંથી કાપી કાઢીએ તો તેને ગાળો કહીએ છીએ; પરંતુ મૂળભૂત રીતે આ બંને સમાન બાબત છે. નજીક નજીક છિદ્રોને કારણે તેમાં રેખાનો આભાસ થાય છે અને રેખાઓ દ્વારા આકૃતિનું સ્વરૂપ પણ આભાસિત થાય છે. છિદ્રોને બદલે રેખાંકન સીધું જ ગાળા સ્વરૂપે કાપવાનું મુશ્કેલ, લગભગ અશક્ય છે. છિદ્રો વચ્ચેની કાગળની અક્ષત સપાટી કાગળને તૂટી કે ફાટી જતો અટકાવે છે, તેના ટુકડા થઈ જવા દેતી નથી. બે છિદ્રોની વચ્ચે રહેલ જગ્યાનું પણ મહત્વ ઘણું છે. છિદ્ર અથવા ગાળા સ્વરૂપે કાઢી નખાયેલ ભાગોના માપની તુલનામાં એની વચ્ચે છૂટેલી/છોડેલી જગ્યા જો નાની હોય તો છિદ્રો અથવા ગાળાઓને પરસ્પર જોડતો રેખાનો આભાસ સ્પષ્ટ થાય છે; પરંતુ જો વચ્ચેની જગ્યા મોટી કે પહોળી હોય તો તે ગાળાઓના સમૂહ દ્વારા દેખાડવા ધારેલી આકૃતિ પ્રમાણમાં અસ્પષ્ટ રહે છે. આ સાથે દોરેલી આકૃતિ 4 અને 5A, 5B, 5C જોવાથી ગાળા તથા વચ્ચેની ખુલ્લી જગ્યાના પરસ્પર સંબંધની વાત સમજવી કદાચ સરળ થશે.

સાંચાની લાક્ષણિકતા લિપિ દ્વારા લેખાતી ભાષાઓમાં પણ એક રીતે જોવા મળે છે. અક્ષરોને ગાળા ગણીએ તો તેની વચ્ચેની જગ્યાને સાંચામાં છોડાતી ખાલી – ખુલ્લી જગ્યા સાથે સરખાવી શકાય. અક્ષરો વચ્ચેની જગ્યા ઓછી હોવાથી તેવા અક્ષરોના સમૂહને શબ્દસ્વરૂપે વાંચી શકાય છે; પરંતુ અક્ષરો વચ્ચેની જગ્યાના પ્રમાણમાં શબ્દો વચ્ચે વધુ જગ્યા છોડવી પડે છે. જો તેમ ન થાય તો શબ્દો છૂટા પાડવાનું અઘરું થાય. આનું એક જાણીતું દૃષ્ટાંત છે.

સોય વડે ત્રોફીને ભરતકામ માટે બનાવેલ સાંચામાં વીંટી કે ઈંઢોણી જેવી આકૃતિ બનાવી શકાય; પરંતુ કાગળના સાંચામાં સળંગ કિનાર રૂપે કાપેલી આકૃતિમાં બહારની હદરેખા કાપવાથી અંદરનો પૂરેપૂરો ગાળો છૂટો પડી જતો હોઈ તે વર્તુલાકાર બની જાય. આના ઉપાય તરીકે અંદરની જગ્યા છૂટી ન પડી જાય તે માટે ‘સેતુ’ જેવી પટ્ટીઓ રૂપે કાપ્યા વિનાની મૂળ સપાટી રહેવા દેવામાં આવે છે. આના લીધે અંદરનો ભાગ અને બહારનો ભાગ પરસ્પર, ખરેખર (આભાસ રૂપે નહીં) જોડાયેલ રહે છે અને કાપેલા ગાળાઓ જોવાના સમયે જોનાર (અક્ષરના સમૂહને શબ્દ રૂપે, સાથે સાથે જોઈએ છીએ તેમ) તેને સમૂહ તરીકે જોઈ ઈંઢોણી-આકારે સ્વીકારે છે. (જુઓ આકૃતિ 5A, 5B, 5C.)

આકૃતિ : 5A : કાગળ-કટાઈમાં બહારની વર્તુલાકાર રેખાએથી ગાળો કાપવાથી અંદરનું વર્તુલ પણ કપાઈ જાય છે. 5B : અંદરના નાના વર્તુલને તેના સ્થાને રાખવા, બહારની તરફના કાગળ સાથે જોડી રાખવા બે ‘સેતુ’ જેવી પટ્ટીઓ રાખવી પડે છે. 5C : ‘સેતુ’ને રૂપરચના(ડિઝાઇન)નો ભાગ બનાવી દેવાયો છે.

રેલવેમાં યાત્રાળુઓએ પાળવાના નિયમો સમજાવતું લખાણ પહેલાં આવા સાંચા દ્વારા છાપવામાં આવતું હતું. તેમાં ગાળાઓ સેતુઓ તથા બે પંક્તિઓ કે શબ્દો વચ્ચેના માપનું જરૂરી પ્રમાણ જળવાતું ન હોઈ તે વાંચી અર્થ ઉકેલવાનું લગભગ અશક્ય બની જતું હતું. સાંચા વડે બનાવાતી સાંજીમાં વ્રજયાત્રા સાથેનાં સ્થળો તથા લીલા-પ્રસંગો દર્શાવાય છે. તે માટે શાળામાં જતાં બાળકોની નોંધપોથીના માપના કાગળ પર સાંચા કોરવામાં આવે છે; જેમાં ઘાટ, વૃક્ષ, કપિ, ગાય, મોર, ગોપી, કૃષ્ણના વેણુધર, માખણચોર વગેરે સ્વરૂપો જેવી અનેક બાબતોના સાંચા બનાવી રખાય છે. આવા સાંચાનો ઘટકો સ્વરૂપે ઉપયોગ કરી વિવિધ સ્થળો તથા પ્રસંગો દર્શાવી શકાય છે; પરંતુ કેળની સાંજી જેમ સાંચાની સાંજી વિસ્તૃત હોતી નથી. એક મોટા બાજોઠ જેવા ફલકની વચ્ચે 0.3048થી 0.46 મીટર(એકથી દોઢ ફૂટ)ની ચતુષ્કોણીય ભૂમિ પર સાંચાની ગોઠવણી દ્વારા લીલાપ્રસંગ કે વ્રજનું સ્થળ દર્શાવાય છે. તેની ચારે તરફ વેલ, બુટ્ટા તથા ભૌમિતિક આકારોની આંટીઘૂંટીભરી, ખૂબ જ ચતુરાઈ તેમજ હસ્તકૌશલ્યના પ્રદર્શન સમી રૂપ-રચના કરી બાજોઠની બાકીની બધી જગ્યા ભરી દેવાય છે.

આ માટે બાજોઠની વચ્ચોવચ રંગચૂર્ણ (ચિરોડી) ભભરાવી તે વડે જરૂરી માપમાં, જોઈતા રંગની ભોંય તૈયાર કરાય છે. ત્યારબાદ ભોંયની સપાટી બગડે નહિ તેનું ધ્યાન રાખી તેની પર જોઈતા સ્વરૂપનો સાંચો મૂકી બીજો રંગ ભભરાવી કાળજીપૂર્વક સાંચો ઉઠાવી લેવાય છે, જેથી સાંચાના ગાળામાંથી ભોંય પર બીજા રંગની આકૃતિ ‘છપાઈ’ જાય છે. એક પછી એક સાંચા યોગ્ય સ્થાને મૂકી આકૃતિઓ ઉમેરતા જઈ આખરી સ્વરૂપ અપાય છે. (ચિરોડીને કરોઠી પણ કહે છે.)

આજે કાપડ અને કાગળ ઉપરાંત કાચ, પ્લાસ્ટિક, ધાતુ જેવી અનેક સપાટીઓ પર છાપકામ માટે ખૂબ પ્રચલિત થયેલ ‘સ્ક્રીન-પ્રિન્ટિંગ’-પદ્ધતિ એ સાંચાનું જ વિકસિત સ્વરૂપ છે. છાપકામની અન્ય પદ્ધતિઓમાં સવળી છાપ લેવા માટે બીબું અવળા સ્વરૂપે તૈયાર કરવું પડે છે; પરંતુ સાંચામાં બીબું તથા છાપ અવળા-સવળા સ્વરૂપે બદલાતાં નથી. વળી કાગળ જેવી સપાટી પર કોરેલ સાંચાનો બંને બાજુએથી ઉપયોગ કરી શકાતો હોઈ અવળી તથા સવળી – એમ બે પ્રકારની છાપ મેળવી શકાય છે. છાપની અન્ય કોઈ પણ પદ્ધતિમાં આ શક્ય નથી.

આકૃતિ 6 : રેલવેના ડબ્બાઓમાં જોવા મળતી – સાંચા વડે છાપેલી અને ‘સેતુ’ઓને કારણે અસ્પષ્ટ જણાતી સૂચના

સાંચા બનાવનારા કારીગરો વ્યાવહારિક કારણોસર નાના, હલકા પ્રકારના કાગળમાં ક્યારેક તો વપરાયેલી, જૂની નોંધપોથીના કાગળોમાં સાંચા બનાવે છે; પરંતુ પોતાની મોજ ખાતર તથા સર્જનાત્મકતાની મોકળી અભિવ્યક્તિ માટે મોટા તેમજ ખૂબ ઝીણવટ તથા કૌશલ્ય ધરાવતી સાંચાની કલાકૃતિઓ પણ બનાવે છે. એ પ્રકારની કૃતિને સાંચો કહેવો તે યોગ્ય નથી (કેટલાક લોકો તો કાગળમાં કટાઈ કરીને બનાવેલી કૃતિને જ ‘સાંજી’ કહે છે.); કેમ કે એ કૃતિ સાંજી-પ્રકારે છાપ લેવા માટે બનાવાઈ હોતી નથી. સાંચો એ એક વચલો તબક્કો કે માધ્યમ છે. કલાકૃતિ તરીકે બનાવેલ કટાવકામને માટે ઝીણવટસભર વિગતો તથા એક છેડે છુટ્ટી તેમજ ખૂબ નાજુક પાતળી રેખાઓ જેવી પટ્ટીઓ પણ કાપી શકાય; પરંતુ સાંચા તો રેતી જેવી ચિરોડી વડે છાપ લેવા અને તે પણ વારંવાર ઉપયોગમાં લેવાના હોઈ આ પ્રક્રિયાઓના માર તથા ઘસારા સામે ટકી રહે તેવા સ્વરૂપે જ બનાવવા પડે છે. ચીન, જાપાન તથા પૂર્વે યુરોપના દેશોમાં તો કાગળ-કટાઈ લોકકલા-સ્વરૂપે પણ પ્રચલિત છે. વ્રજયાત્રા તથા લીલા આલેખતાં સ્વરૂપોની આસપાસ બનતી ભાતમાં રંગવૈવિધ્ય માટે ઘણા સાંચાઓ ઉપયોગમાં લેવાય છે. કાપડ પર બુટ્ટો છાપવા બે-ત્રણ બીબાં તો જોઈએ જ. ક્યારેક તો વળી ચાર કે પાંચ બીબાંઓ દ્વારા તે બુટ્ટો છપાય છે. એક બીબાં વડે એક જ ભલે પણ કોઈ એક જ રંગ છાપી શકાય છે. આ પરિસ્થિતિ સાંચા માટે પણ એટલી જ સાચી છે. એક સાંચા વડે એક સમયે એકથી વધુ રંગોની છાપ લેવી તે અશક્ય ન હોવા છતાં અવ્યવહારુ હોઈ તેવું કરાતું નથી. દરેક રંગદીઠ જુદા જુદા સાંચા બનાવવા પડે છે. દરેક રંગ યોગ્ય સ્થાને જ છપાય તે માટે એક પ્રકારની માત્રામેળ જેવી વ્યવસ્થા પણ સાંચા બનાવનારે કરવી પડતી હોય છે. છાપકામની પરિભાષામાં એને ‘રજિસ્ટ્રેશન’ કહે છે.

આકૃતિ 7 : મંદિરોમાં સાંજી માટે વપરાતા વિવિધ કાગળ-કટાઈના સાંચાઓ

ઘણાં મંદિરોમાં પણ હવે પૂરા પંદર કે સોળ દિવસને બદલે શ્રાદ્ધ પક્ષના છેલ્લા ચાર-પાંચ દિવસો દરમિયાન જ સાંચા વડે સાંજી બનાવવાનું વલણ વધતું ચાલ્યું છે. ત્રણ-ચાર પુરુષો, ચાર-પાંચ કે વધુ કલાકો કામ કરીને સુંદર રૂપ-રચના બનાવે છે. ચિરોડી ભભરાવીને રંગીન આકાર બનાવતાં તેની કિનાર અસ્પષ્ટ રહેવા સંભવ છે, જ્યારે સાંચા દ્વારા છાપ-સ્વરૂપે બનેલ આકારની કિનાર ખૂબ ધારદાર – સ્પષ્ટ હોય છે.

વિચિનોનકી

પ્રાચીન અને મધ્યકાલીન સમય દરમિયાન વિશ્વના વિવિધ પ્રદેશના લોકો ભારતમાં આવતા-જતા રહ્યા છે, કેટલાક તો વસી પણ ગયા છે. કદાચ આવાં કારણોસર એકબીજા વચ્ચે વિશાળ અંતર ધરાવતા પ્રદેશોમાં પણ ક્યારેક પરસ્પર સામ્ય ધરાવતાં કલાસ્વરૂપો મળી આવે છે.

વ્રજ-વિસ્તારમાં થતી સાંજીમાં વેલ-બુટ્ટા ધરાવતી, આંટીઘૂંટીવાળી જે રૂપરચના થાય છે તેમાં અને આંધ્રપ્રદેશના ‘તેલંગી-ભૂલ’ નામે ઓળખાતા રંગોળી-પ્રકારમાં જોવા મળતી રચનાઓમાં સામ્ય જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યજી આંધ્રના હતા. તેથી તેમની સાથે ઘણા આંધ્રનિવાસીઓ પણ વ્રજ-વિસ્તારમાં જઈને વસ્યા એ બાબત પણ કદાચ ઉપર્યુક્ત સામ્યમાં કારણભૂત બની હશે.

આપણે ત્યાં થાય છે તેમ પોલૅન્ડ તથા ચીન, કોરિયા અને જાપાનમાં પણ કાગળ-કટાઈ પર આધારિત કલાકૃતિઓ લોકકલા-સ્વરૂપે વિકસી છે. જાપાનમાં તો કટાઈ દ્વારા બનાવેલ સાંચાનો છાપ લેવા માટે ઉપયોગ થાય છે; પરંતુ ચીનની જેમ પોલૅન્ડમાં પણ કાગળ પર કટાઈકામ વડે કલાકૃતિઓ બનાવવાની પ્રથા છે. આ પ્રણાલીમાં મુખ્ય બે પ્રકારો જોવા મળે છે. કોઈ પણ એક જ રંગના કાગળ પર કટાઈ દ્વારા બનાવેલી, છાયાચિત્ર જેવી પણ ઝીણવટ ભરેલી જાળીદાર વિગતવાળી આકૃતિ તૈયાર કરાય છે. તેવા પ્રકારને વા-વિત્ય કહે છે. જ્યારે બીજો પ્રકાર વિચિનોનકી નામે ઓળખાય છે. તેમાં વિવિધરંગી કાગળ પર કાપેલી આકૃતિઓની એક ઉપર એક – એ પ્રમાણે ગોઠવણી કરાય છે. આ કારણે સૌથી નીચલા સ્તરની આકૃતિ સૌથી મોટી હોય છે તથા એ જ મુખ્ય હોઈ તેનો બાહ્યાકાર જોતાં જ એની પહેચાન મળી રહે તેવી વિગતોનો પણ સમાવેશ કરી લેવાય છે. એ આકૃતિની ઉપર ક્રમવાર ત્રણ-ચાર સ્તર લગાડવામાં આવે છે. સામાન્ય રીતે આ ઉપરના સ્તરો મૂળ, મુખ્ય આકૃતિ પર સુશોભનરૂપે કરાય છે.

કેળની સાંજીમાં ઉપયોગમાં લેવાતી આકૃતિઓ અને વિચિનોનકી સ્વરૂપો વચ્ચે પણ સામ્ય જોવા મળે છે. આ બંને પ્રકારોમાં એવી આકૃતિઓ પણ જોવા મળે છે કે જે ‘સિમેટ્રિકલ’ હોય, એટલે કે એવી આકૃતિ કે જેનો ડાબો અર્ધો ભાગ જમણી બાજુના જેવો – દર્પણ-પ્રતિબિંબ જેવો હોય કે કોઈ એક ભાગ બીજાના પ્રતિબિંબ જેવો હોય. ક્યારેક આખી આકૃતિના પ્રતિબિંબ જેવી બીજી આકૃતિ પણ હોય. આવી આકૃતિ બનાવવા માટે કાગળ(કેળના પાન)ને વચ્ચેથી બેવડી કે ચોવડી ગડ પ્રમાણે વાળીને અથવા બે કે ચાર કાગળને સાથે જોડેલા રાખીને કાપવામાં આવે છે. વિચિનોનકીમાં ઝીણવટ ઘણી જળવાય છે; કેમ કે, કેળના પાનની સાંજીની આકૃતિઓ જેમ એને માત્ર થોડા કલાકો જોવા જ નહિ; પરંતુ દિવસો, બલકે મહિનાઓ કે વરસો સુધી જોવા, માણવા માટે બનાવવામાં આવે છે.

આકૃતિ 8 : વિચિનોનકી નામની, પોલૅન્ડની કાગળ-કટાઈનું સ્વરૂપ

આ સાથે આપેલી આકૃતિ 8માં પોલૅન્ડની વિચિનોનકી પ્રકારની લોકકલાનાં સ્વરૂપો જોવા મળે છે. જ્યારે આકૃતિ 3 અને 4 વ્રજપ્રદેશમાં થતી સાંજીમાં વપરાતા સાંચા દર્શાવે છે. આ દરેકમાં રૂપ-રચના એવી કૌશલ્યપૂર્વક કરવામાં આવી છે કે તેની વિગતો જ સેતુઓ બની રહી કાગળને તૂટી જવા દેતી નથી અને છતાંય રેલવે વિભાગની કટાઈ કરેલ સાંચાથી છાપેલી સૂચના પ્રમાણે અસ્પષ્ટતા પેદા થતી નથી.

વ્રજનાં મંદિરોમાં સાંચાની તથા કેળનાં પાનની – એમ બંને પ્રકારની સાંજી જોવા મળે છે; પરંતુ તે માટે કયો પ્રકાર ક્યારે કરવો અને કેટલા દિવસ – એ અંગેના નિર્ણયો મંદિરોનાં મુખિયાજીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે કરતા હોય એવું લાગ્યું છે. રાજસ્થાનમાં આવેલ શ્રીનાથદ્વારા મંદિરમાં પૂરા શ્રાદ્ધપક્ષ દરમિયાન કેળના પાનની સાંજી કરવામાં આવે છે. તિથિ પ્રમાણે સાંજીમાં કયા વિષયની રજૂઆત કરવી તેની વિગત આ સાથે અહીં આપી છે :

તિથિ સાંજીમાં ચિત્રિત સ્થળ
પૂનમ વિશ્રામઘાટ
આઠમ ભોજનથાલી, ગુલાબકુંડ
પડવો મધુવન તથા તાલવન
નોમ નંદગામ, બરસાના
બીજ બહુલાવન તથા શાંતનુ કુંડ
દશમ કરેલાવન, કોકિલાવન
ત્રીજ કુમુદવન
એકાદશી લાલબાગ (નાથદ્વારા)
ચોથ કૃષ્ણકુંડ તથા રાધાકુંડ
બારસ ચીરઘાટ
પાંચમ દાનઘાટી
તેરશ વૃંદાવન, શેષશાયી
છઠ કુસુમસરોવર, ચંદ્રસરોવર
ચૌદશ શ્રી દાઉજી, શ્રી ગોકુલ
સાતમ ગિરિરાજજી, ગુલાલકુંડ
અમાસ કોટ (દ્વારકા)

પૂર્ણિમાથી શરૂ કરાતી વ્રજની સાંજીમાં પ્રથમ દિવસે વીરનબેટી બનાવાય છે. આ, સાંજીનું પિયરનું નામ છે. વીરનબેટી તરીકે, તેના પ્રતીક રૂપે પાંચ થાપિયા બનાવાય છે. પડવે ડોળી દર્શાવાય છે જે પિયરમાં સાંજીના પદાર્પણનું પ્રતીક છે. બીજ તથા ત્રીજના દિવસે તિબારી (ઓશરી) બનાવી સાંજીને તેમાં બેસાડાય છે. તેના સત્કાર તથા મનોરંજન માટે ચોથે ચોપાટ, પાંચમે પાન-સોપારી અને છઠ્ઠે છાબડી – મીઠાઈની જ તો વળી – મંડાય છે. સાતમે સાથિયો, આઠમે અષ્ટદલ પદ્મનું લોકસ્વરૂપ અઠકલિયા ફૂલ, નોમે નાવડી અથવા નાળિયેરી માંડી સાંજીને પ્રકૃતિદર્શનની તથા દશમે પાન અને એકાદશીએ શિંગોડાં બનાવી સાંજીને વ્રતની સામગ્રી પૂરી પડાય છે. બારશને દહાડે ઓઢવા-પહેરવા એને ઓઢણી મળે છે; પરંતુ સાંજી તો પતિની યાદમાં ભાન ભૂલી બાવરી થઈ ગઈ હોઈ તેરશે તેને નિસરણી અપાય છે જેથી, પતિના દેશથી એના વાવડ દેવા કોઈ આવે છે કે નહીં તે જોવા તેની ઉપર ચડી મારગ નિહાળી શકે. નિસરણીને સ્થાને ક્યારેક ખજૂરી પણ બનાવાય છે. ચૌદશે સાંજીના પતિના આગમનની જાણ આપતો કાગડો તથા લંગડો-ખોડિયો બ્રાહ્મણ બનાવવામાં આવે છે. અંતિમ દિવસે – અમાવાસ્યાએ નરવર કોટ બનાવાય છે, જે પતિ સાથેના સાંજીના મિલનનું પ્રતીક મનાય છે.

સંજાવ્રત કરતી બાળાઓ પૂજા કરતી વખતે તેમજ વિસર્જન વખતે ગીતો ગાતી હોય છે.

કેટલાંક લોકગીતોમાં કુટુંબીજનોનાં ખાટા-મીઠા સંબંધોની ઝાંખી પણ વ્યક્ત થઈ છે. નારીને પિયરિયાં પોતાનાં અને વધુ અદકાં લાગે, વહાલાં લાગે; જ્યારે સાસરિયાંઓ તો જાણે કે પરાયાં, દવલાં હોય એવું પણ વારંવાર ગવાતું હોય છે. સાંજીગીતોમાં પણ આ પ્રકારની ભાવના પ્રગટ થયેલી જોવા મળે છે.

પોતે પ્રેમભાવે બનાવેલ લાડુના સ્વાદની જરાય પરખ ખાખરની ખિસકોલી જેવા – ‘નિગોડા’ સાસરિયાંઓને નથી તેવી અંતરવ્યથા તેમાં ક્યારેક સંભળાય છે તો અન્ય સખીઓએ બનાવેલી સાંજીની તુલનામાં પોતાની સાંજીને વધુ મહત્વ આપતું ગીત પણ બાલિકા ગાતી હોય છે.

જ્યોતિ ભટ્ટ