સહાયકારી યોજના : ભારતમાં બ્રિટિશ સત્તાને બિનહરીફ બનાવવા ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ (1798-1805) ઘડેલી યોજના. બ્રિટિશ કંપની તેની લશ્કરી તાકાતથી દેશની બીજી સત્તાઓને હરાવી શકે અથવા તેમના ઉપર આધિપત્ય સ્થાપી શકે તેમ ન હતી. તેથી વેલેસ્લીએ દીર્ઘદૃષ્ટિ તથા રાજકીય કુનેહ દ્વારા એક યોજના ઘડી, જે સહાયકારી યોજના તરીકે જાણીતી થઈ. વાસ્તવમાં તે સહાયકારી લશ્કરી યોજના હતી. તેના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે હતા : (1) બ્રિટિશ કંપની દેશના રાજાઓને તાલીમ પામેલું લશ્કર આપશે અને તે લશ્કર આંતરિક અરાજકતા અને બાહ્ય આક્રમણથી તે રાજ્યનું રક્ષણ કરશે. (2) આ સૈન્યના ખર્ચ પેટે તે રાજાએ બ્રિટિશ કંપનીને નક્કી કરેલી રકમ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ આપવો. (3) રાજાએ પોતાના પાટનગરમાં બ્રિટિશ રેસિડેન્ટ રાખવો તથા વહીવટી કાર્યોમાં તેની સલાહ લેવી. (4) રાજાએ અંગ્રેજો સિવાય બીજા વિદેશીઓને, કંપનીની પરવાનગી વગર પોતાના રાજ્યમાં નોકરી આપવી નહિ અને નોકરીમાં રાખ્યા હોય તો તેેમને છૂટા કરી દેવા. (5) રાજા ઉપર્યુક્ત શરતો પાળશે તો કંપની સરકાર તે રાજ્યની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી નહિ કરે. લૉર્ડ વેલેસ્લીએ ભારતના રાજાઓ વચ્ચેના અણબનાવનો લાભ લઈને, કૂટનીતિ, કાવાદાવા તથા કપટથી અને ક્યારેક આવદૃશ્યકતાનુસાર પોતાની લશ્કરી તાકાતનો ભય દેખાડીને નીચેનાં રાજ્યોને ઉપર્યુક્ત સહાયકારી યોજનામાં જોડાવાની ફરજ પાડી હતી.

વેલેસ્લીએ સૌપ્રથમ હૈદરાબાદના નિઝામને મરાઠાઓનો ભય બતાવીને સહાયકારી યોજનામાં જોડાવા તૈયાર કર્યો. ત્યારબાદ તેણે નિઝામ તથા મરાઠાઓની સહાય મેળવીને મૈસૂર રાજ્યના શાસક ટીપુની સામે ચોથો મૈસૂર વિગ્રહ શરૂ કર્યો. આ લડાઈમાં સુલતાન ટીપુ હારી ગયો અને 1799માં તે માર્યો ગયો. વેલેસ્લીએ તેનું વિશાળ રાજ્ય લઈ લીધું અને બાકીના નાના પ્રદેશોમાં મૈસૂરનું રાજ્ય બનાવ્યું. અગાઉના મૈસૂરના હિંદુ રાજાના વંશજનો, તેની ગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો તથા તેને સહાયકારી લશ્કરી યોજનામાં સામેલ કરવામાં આવ્યો. તે પછી ઔંધના નવાબ અને તાંજોરના રાજાને પણ આ યોજનામાં જોડાવાની ફરજ પાડવામાં આવી.

કર્ણાટકની સરકાર નબળી હતી. ત્યાંનો નવાબ તથા તેનો યુવરાજ, સુલતાન ટીપુ સાથે પત્રવ્યવહાર કરતા હતા. તેથી ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ જુલાઈ 1801માં કર્ણાટકનો વહીવટ લઈ લીધો. ઔંધના નવાબને વેલેસ્લીએ તેનું કેટલુંક લશ્કર વિખેરી નાખીને વધારે સહાયકારી સૈન્ય રાખવા જણાવ્યું. તેણે સંધિનો નવો મુસદ્દો ઘડી તેનો સ્વીકાર કરવા નવાબને ફરજ પાડી. તેણે  ઔંધનો 50 ટકા જેટલો પ્રદેશ, જેમાં રોહિલખંડ તથા ગંગા-જમના વચ્ચેના ફળદ્રૂપ પ્રદેશનો સમાવેશ થતો હતો, તે નવાબ પાસેથી પડાવી લીધો.

આખરે સહાયકારી યોજનાની જાળમાં મરાઠાઓ પણ ફસાયા, લૉર્ડ વેલેસ્લીએ સૌપ્રથમ વડોદરાના ગાયકવાડને આ યોજનામાં જોડાવા વાસ્તે સમજાવ્યા. આ દરમિયાન પેશવા બાજીરાવ બીજો તથા હોલકર વચ્ચેના ઝઘડામાં હોલકરે પુણે ઉપર હુમલો કર્યો. પેશવા નાસી ગયો અને તેણે મુંબઈની અંગ્રેજ સરકારનો આશ્રય માગ્યો. ત્યાં તેણે પેશવાનો તેનો હોદ્દો પરત મેળવવા વાસ્તે ઈ. સ. 1802માં વસાઈના કરાર કર્યા અને અંગ્રેજો સાથે સહાયકારી લશ્કરી યોજનામાં જોડાયો; પરંતુ મરાઠા સંઘના શિંદે (સિંધિયા), હોલકર તથા ભોંસલે જેવા મરાઠા સરદારોએ આ સંધિનો વિરોધ કર્યો. તેથી અંગ્રેજોએ તેમની સામે લડાઈ કરી. તે દ્વિતીય મરાઠા વિગ્રહ નામથી ઓળખાય છે. આ વિગ્રહમાં અંગ્રેજોએ શિંદે તથા ભોંસલેને હરાવીને વિજય મેળવ્યો. અંગ્રેજોએ તે બંને પાસે સહાયકારી લશ્કરી યોજના સ્વીકારાવી. આમ, વેલેસ્લી તેના ગવર્નર જનરલના હોદ્દાની મુદત પૂરી કરી, ઇંગ્લૅન્ડ પાછો ગયો (ઑગસ્ટ 1805) ત્યારે ભારતનાં મોટાભાગનાં રાજ્યોએ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો; તેથી તેમના ઉપર પરોક્ષ રીતે અંગ્રેજ સરકારનું આધિપત્ય સ્થપાઈ ગયું હતું.

વેલેસ્લીએ આ યોજના અમલમાં મૂકવાથી કંપનીની સત્તા અને તેના પ્રદેશોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આમ, તેણે ભારતમાં તેના સાત વરસના કારભાર દરમિયાન બ્રિટિશ કંપનીનો પ્રદેશ લગભગ બમણો કરી દીધો. તે સાથે તેણે ભારતમાં બ્રિટિશ કંપનીની સત્તાને સર્વોપરિ સ્થાન અપાવ્યું. આ યોજનામાં જોડાયેલા રાજાઓને આંતરિક બળવા કે બાહ્ય આક્રમણની સામે સલામતીની ખાતરી મળી; પરંતુ લડાઈ કે શાંતિ સ્થાપવા માટેની સ્વતંત્રતાથી નીતિ ઘડવાની સત્તા તેમણે ગુમાવી. આ સ્થિતિનો સાચો ખ્યાલ આવે તે અગાઉ તેઓ બ્રિટિશ કંપનીના આશ્રિત સમાન, પરાધીન બની ગયા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં એકમાત્ર સાર્વભૌમ સત્તા રહી.

જયકુમાર ર. શુક્લ