સહાયક (Helper/adjuvant) : પ્રતિજન (antigen) સાથે શરીરમાં દાખલ કરવામાં આવતા યજમાનની રોગપ્રતિકારકતા વધારનારો એક પ્રકારનો પદાર્થ. આવા સહાયકો પ્રતિજનની પ્રતિદ્રવ્ય (antibody) ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી હોય અથવા પ્રતિજનની અલ્પપ્રાપ્યતા હોય ત્યારે ખાસ વપરાય છે.

આવા પદાર્થોનો ઉપયોગ મુખ્યત્વે રોગપ્રતિકારકતા વધારવા માટે કરવામાં આવે છે.

હાલમાં અનેક પ્રકારના સહાયકો ઉપલબ્ધ છે. તેમને મુખ્યત્વે ત્રણ જૂથમાં વહેંચી શકાય :

(1) કાર્બનિક સહાયકો : આવા સહાયકો જીવાણુ અથવા અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે; દા.ત., જીવાણુઓની કોષદીવાલમાં રહેલા લિપોપોલિસેકેરાઇડ અને જીવાણુઓની કોષદીવાલના પેપ્ટિડોગ્લાયકન સ્તરમાં રહેલા મ્યુરામાઇલ ડાઇપેપ્ટાઇડ.

(2) સિન્થેટિક સહાયકો : આવા સહાયકો કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે; દા.ત., લીવામિઝોલ (levamisole) અને આઇસોપ્રિનોસીન (isoprinosine).

(3) ટફ્ટસિન (Tuftsin) : આવા પદાર્થો કુદરતી રીતે મળી આવે છે. આ પદાર્થ થ્રિયૉનીન, લાયસીન, પ્રોલીન, આર્જિનીન જેવા ચાર ઍમિનો ઍસિડનો બનેલો પેપ્ટાઇડ છે.

દરેક પ્રકારના સહાયકો રોગપ્રતિકારકતા વધારે છે; પરંતુ તેમની કાર્યપદ્ધતિ અલગ અલગ હોય છે. અમુક પ્રકારના સહાયકો પ્રતિજન પર ખાસ અસર કરે છે. તેથી પ્રતિજન બી-પ્રકારના લસિકાકણોને ઉત્તેજિત કરે છે. તેથી પ્રતિદ્રવ્ય વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને રોગપ્રતિકારકતા વધે છે; દા.ત., ઍલમ.

અમુક પ્રકારના સહાયકો પ્રતિજનનું ઝડપી વિસર્જન અટકાવે છે; દા.ત., ફ્રેન્ડ્ઝ અપૂર્ણ સહાયક (freund’s incomplete adjuvant) આ સહાયક પ્રતિજન જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે પૅરેફીન ઑઇલ સાથે મિશ્ર કરવાથી બને છે. અમુક સહાયકો ભક્ષક કોષોનું પ્રમાણ વધારે છે; દા.ત., ટફ્ટસિન (Tuftsin). અમુક સહાયકો ટી. લસિકાકણો દ્વારા ભક્ષક કોષો પર અસર કરે છે અને ટી. લસિકાકણો તથા બી. લસિકાકણોની કાર્ય કરવાની ક્ષમતા વધારે છે; દા.ત., ફ્રેન્ડ્ઝ (freund’s) પૂર્ણ સહાયક : તે ફ્રેન્ડ્ઝ અપૂર્ણ સહાયકમાં મૃત માયકૉબૅક્ટેરિયા અથવા પાણીમાં દ્રાવ્ય મ્યુરામાઇલ ડાઇપેપ્ટાઇડ ઉમેરતાં બને છે. અમુક સહાયકો યજમાનની કોષપ્રતિકારકતા વધારે છે; દા.ત., સિન્થેટિક સહાયકો.

સહાયકોની હાજરીને કારણે પ્રતિજનનું રક્ષણ થાય છે. તે શરીરમાંથી ઝડપથી બહાર નીકળી જતું નથી અને તેનો નાશ પણ થતો નથી.

સહાયક પ્રતિજન સાથે જોડાઈને તેના સંગ્રાહક તરીકે કાર્ય કરે છે. અને ધીરે ધીરે પ્રતિજનને છૂટું પાડે છે. તેથી પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થવાની ક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે. આમ સહાયક યજમાન શરીરની રોગપ્રતિકારકતા વધારવામાં મોટો ભાગ ભજવે છે; તેથી જ રસી બનાવતી વખતે આવા પદાર્થોનો ઉપયોગ થાય છે.

નીલા ઉપાધ્યાય