સહાય, રઘુવીર (. ?, લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી ભાષાના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘લોગ ભૂલ ગયે હૈં’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. લખનૌમાં અભ્યાસ કરીને તેમણે અંગ્રેજી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે લખનૌ ખાતે ‘નવજીવન’માં ખબરપત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ ‘પ્રતીક’ના સહાયક સંપાદક તરીકે તેઓ દિલ્હી આવ્યા. હૈદરાબાદના સામયિક ‘કલ્પના’ના સંપાદકમંડળમાં પણ તેમણે કામ કર્યું. 1963માં ‘નવભારત ટાઇમ્સ’ના ખાસ ખબરપત્રી તરીકે ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ ગ્રૂપમાં જોડાયા. ત્યાં પછી સમાચાર-સંપાદક તરીકે તેમજ 1982 સુધી ‘દિનમાન’ના તંત્રી તરીકે કાર્ય કર્યું. નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામાની વિવિધ કામગીરી સાથે તેઓ સંકળાયેલા રહ્યા અને રંગભૂમિ પર કાવ્યપઠનના અનેક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા. એ ઉપરાંત ટેલિવિઝન માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બાબતો અંગે સમાચાર-કાર્યક્રમો તૈયાર કરી રજૂ કર્યા.

તેમણે કિશોરાવસ્થાથી લખવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે પ્રગટ કરેલાં 28 પુસ્તકોમાં કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો, નિબંધસંગ્રહો અને અનુવાદની કૃતિઓનો સમાવેશ થાય છે.

પારદર્શક દૃષ્ટિ તથા ભાષાશૈલીનો અનુરૂપ અને સાર્થક ઉપયોગ તથા સંવેદનની નવી ક્ષિતિજો પ્રગટ કરવા બદલ ‘લોગ ભૂલ ગયે હૈં’ કાવ્યસંગ્રહ હિંદી સાહિત્યમાં ગણનાપાત્ર છે.

મહેશ ચોકસી