સહજયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની તાંત્રિક સાધનામાં સરહપાદ અને લુઇપાદ જેવા સિદ્ધાચાર્યોએ સહજયાન પ્રવર્તાવ્યો. એમણે પોતાની રચનાઓ લોકભાષામાં કરી. સહજયાનના સિદ્ધાંતોમાં મહાસુખને પરમ તત્ત્વ ગણવામાં આવ્યું છે. સાધક પરમાવસ્થા પ્રાપ્ત થતાં મહાસુખમાં એવો લીન થઈ જાય છે કે જાણે પોતે મહાસુખમય બની જાય છે. મહાસુખ તત્ત્વ અનિર્વચનીય છે. એ ન તો સાંભળવાથી પ્રાપ્ત થાય છે, ન તો જોવાથી. એ પવનથી કંપતું નથી કે ક્ષય પામતું નથી. ગુરુવચન દ્વારા એને કહી શકાતું નથી. શિષ્ય ગુરુવચનોને સમજી શકતો નથી. આ મહાસુખ જ સહજસુખ કે સહજામૃત છે. બધાં પ્રાણીઓ અને પદાર્થોમાં એ વ્યાપ્ત છે. એ માત્ર અનુભવથી જાણી શકાય છે – ઇન્દ્રિયમનગોચર નથી.

સિદ્ધાચાર્ય સરહપાદ દેવતાઓના અસ્તિત્વને માનતા નથી. સંસાર અને નિર્વાણ, જન્મ અને મરણમાં કોઈ ભેદ નથી. મનુષ્યની કલ્પનાથી આ બધું ઊભું થયેલું છે અને એનાથી પોતાને બાંધ્યો છે. અજરત્વ અને અમરત્વ પ્રાપ્ત કરવા માટે આ ભેદોને પાર કરવા જોઈએ. ચિત્ત સ્વભાવથી મુક્ત છે. એના સ્વાભાવિક સરળ માર્ગ(સહજયાન)નું અનુસરણ કરવું જોઈએ. મનના દોષથી પ્રાણી પરમ તત્ત્વને વિકૃત સ્વરૂપે જુએ છે અને ગુરુવચનમાં સ્થિર રહી શકતું નથી. આ જગત નથી સત્ય કે નથી મિથ્યા. સંસારમાં જ અમૃત વ્યાપ્ત છે. પ્રાણીનું વાસ્તવિક સ્વરૂપ સમભાવ છે, છતાં તે સ્વ-પરનો ભેદ પાડે છે.

લુઇપાદ પણ મહાસુખને પરમ તત્ત્વ માને છે. ચિત્તનું અચંચળ (સ્થિર) સ્વરૂપ જ એનું સહજરૂપ છે. ચિત્તની ચંચળતા જ સંસારમાં સુખદુ:ખ જુએ છે. એની સ્થિરતાથી મહાસુખ કે અમૃતની પ્રાપ્તિ થાય છે.

કૃષ્ણપાદ સિદ્ધાચાર્યે ચિત્ત અને મહાસુખને તરંગ વિનાનું, સમ, સહજ સ્વરૂપ અને સકલ-મલરહિત માન્યું છે. સહજ અવસ્થામાં ચિત્ત પાપપુણ્યરહિત છે. આવું ચિત્ત જ પરમતત્ત્વ છે, સહજ તત્ત્વ છે. એ સ્થિર છે. એનો ઉપાય પ્રાણ-અપાનનિરોધ છે.

સહજયાનમાં મંત્ર, તંત્ર, જપ, હોમ આદિ સાધનાના બાહ્ય આડંબરોનો વિરોધ કરવામાં આવ્યો છે. એમાં સરળ અને સહજ સાધનાપદ્ધતિ અને ગુરુની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે.

સરહપાદ આ સંસારને જ સાધનાનું ઉત્કૃષ્ટ સાધન માને છે. ખાતાં, પીતાં અને સુખપૂર્વક રમતાં સાધના કરવાથી જ પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. સાધનાથી સાધક મહાસુખમાં તલ્લીન બને છે. આ તલ્લીનતા પ્રાપ્ત કરવાનો ઉપાય સંસાર-રમણ છે. સંસારમાં રમણ કરવા છતાં ચિત્ત સ્થિર રહે છે ત્યારે જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેમ જળ અને તરંગ અભિન્ન છે તેમ સંસાર અને મુક્તિ અભિન્ન છે. ચિત્તથી જ મુક્તિ મળે છે, ચિત્તથી જ બંધન થાય છે. ચૌદ ભુવન શરીરમાં જ છે. શરીર જ પરમ તીર્થસ્થાન છે. લુઇપાદે સહજ સાધનામાં કપટત્યાગ આવશ્યક હોવાનું જણાવ્યું છે. ચિત્તની ઇચ્છાઓને દબાવવાની કે છુપાવવાની જરૂર નથી. પ્રજ્ઞાને આલિંગવું આ સાધનાનું પ્રધાન અંગ છે. આ સાધનાથી સાધક ઇડા-પિંગલા નાડી પર કે કાળ પર વિજય પ્રાપ્ત કરી શકે છે.

આમ, સહજ સાધનામાં દેવની અર્ચના-પૂજા નથી. એમાં નિર્ગુણ, નિરાકાર સહજ તત્ત્વ કે મહાસુખની માનસી આરાધના છે. મધ્યમ માર્ગની સાધના કે પ્રાણાયામની સાધનાનું મહત્ત્વ છે. સહજયાનનું પરમ લક્ષ્ય આત્મગત અને સંસારગત પદાર્થોના સહજ સ્વભાવનો સાક્ષાત્કાર કરવાનું છે. માનવપ્રકૃતિ અને શરીરને અનુચિત કષ્ટ આપવાનું ટાળી સહજયાન અત્યંત સ્વાભાવિક માર્ગથી આ સાક્ષાત્કાર કરાવે છે.

ભારતી શેલત