સહજવૃત્તિ (instinct) : ચોક્કસ ઉદ્દીપક પરિસ્થિતિ દરમિયાન, પ્રાણીની વિશિષ્ટ ઉપજાતિમાં દેખાતું, લાક્ષણિક, જટિલ અને સ્વાભાવિક પ્રતિક્રિયા આપવાનું પ્રબળ વલણ. દા.ત., પ્રજોત્પત્તિની ઋતુમાં કેટલીક માદા અમેરિકન શાહમૃગીઓ ભેગી થઈને પહેલાં એક અને પછી વારાફરતી બીજા માળાઓમાં થોડાં થોડાં ઈંડાં મૂકે છે. ઉનાળા અને ચોમાસામાં મધમાખીઓ ષટ્કોણ આકારનાં ખાનાંઓવાળો મધપૂડો બનાવે છે અને તેમાં મધનો સંગ્રહ કરે છે. વિશિષ્ટ જાતિનાં પતંગિયાં વિશિષ્ટ જાતિના છોડ ઉપર જ પોતાનાં ઈંડાં મૂકે છે.

સહજવૃત્તિઓ જન્મથી વારસામાં આવેલી હોય છે; દા.ત., (1) નવું જન્મેલું બાળક તરત સ્તનપાન કરવા લાગે છે. (2) તેમની પાંખો પરિપક્વ બને કે તરત જ પક્ષીનાં બચ્ચાં ઊડવા માંડે છે. એમ કરવાની ઇચ્છા તેમજ રીત પણ જન્મથી જ તેમને પ્રાપ્ત થાય છે. સહજવૃત્તિઓ અશિક્ષિત હોય છે. ભૂખ કે તરસ લાગવા માટે શીખવું પડતું નથી કે અનુભવ મેળવવો પડતો નથી. સહજવૃત્તિ પ્રાણીમાં અમુકતમુક વર્તનનો આરંભ કરે છે. ભૂખ્યો કૂતરો ખોરાક શોધવા માંડે છે. માતૃત્વ (વાત્સલ્ય) વૃત્તિથી પ્રેરાયેલ માતા પોતાનાં સંતાનોની સંભાળ રાખે છે.

સહજવૃત્તિ બળવાન હોય છે. જ્યારે વ્યક્તિ ઉપર સહજ ઇચ્છાનું દબાણ આવે ત્યારે તેને સંબંધિત વર્તન કરવું લગભગ અનિવાર્ય બને છે. ઝઘડવાની વૃત્તિ જાગ્રત થાય ત્યારે માણસ ગમે તેની સાથે લડી પડે છે. ભયભીત બાળક પોતાની પૂરી તાકાતથી નાસી જાય છે. સહજ વર્તન તાત્કાલિક ઊપજે છે. તરસ્યું પ્રાણી તરત પાણી શોધે છે અને પીએ છે. સહજ વર્તન મોટેભાગે અનિયંત્રિત રીતે કે વિચાર કર્યા વિના જ ઊપજે છે. ઝનૂની ટોળાની સંગતિમાં ઉશ્કેરાયેલો સજ્જન પણ થોડા સમય માટે અવિચારી ભાંગફોડ કરે છે.

જાગ્રત થયેલી સહજવૃત્તિ લક્ષ્ય ન મળે ત્યાર સુધી વર્તનને ટકાવી રાખે છે, જ્યારે પ્રાણીને તેનું લક્ષ્ય મળે ત્યારે સહજ વર્તનનો અંત આવે છે.

સહજવૃત્તિને પર્યાવરણ, સમય અને પ્રાણીની આંતરિક શારીરિક અવસ્થા સાથે પણ સંબંધ હોય છે; દા.ત., અમુક સમયના અંતરે ભૂખ, તરસ, ઊંઘ વગેરે વૃત્તિઓ વારંવાર જાગ્રત થાય છે. ઘણાં પ્રાણીઓની જાતીયવૃત્તિ પર્યાવરણમાં થતા ફેરફાર (દા.ત., વસંત કે વર્ષા ઋતુનો આરંભ) સાથે સંલગ્ન હોય છે.

સહજ વર્તન કરતી વખતે પ્રાણી વિવિધ ક્રિયાઓ ક્રમમાં અને તાલબદ્ધ રીતે કરે છે. એક ઉપજાતિનાં બધાં પ્રાણીઓમાં સહજવૃત્તિ સમાન હોય છે; દા.ત., એક ઉપજાતિના બધા કીટકો અમુક જ ઝાડનાં પાન અમુક જ પદ્ધતિથી ખાય છે. વિવિધ ઉપજાતિમાં પક્ષીઓની માળો બાંધવાની પોતપોતાની વિશિષ્ટ રીત હોય છે. ચોક્કસ ઉપજાતિના બધા કરોળિયા સરખા આકારનું જાળું બનાવે છે.

સહજવૃત્તિનું એક ચક્ર હોય છે. તેમાં નીચેનો ક્રમ જોવા મળે છે : શાંત અવસ્થા ડ્ડ ઉત્તેજના ડ્ડ પ્રવૃત્તિ કે પ્રયત્નો ડ્ડ સંતોષ ડ્ડ શાંત અવસ્થા. મનુષ્યોમાં સહજવૃત્તિનાં ત્રણ પાસાં હોય છે : જ્ઞાન, ભાવ અને ચેષ્ટા. શરૂઆતમાં માણસ પર્યાવરણમાંથી અમુક પદાર્થ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન મેળવે છે; દા.ત., દુકાનમાં કેસરી રંગની મઘમઘતી કેરીને જોવી. પછી તે એને અંગે ભાવ કે લાગણી અનુભવે છે; જેમ કે, તેને કેરી લેવાનું અને ખાવાનું મન થાય છે. છેલ્લે તે બંધબેસતી ક્રિયા કરે છે; દા.ત., કેરી ખરીદવી અને ખાવી.

જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે સહજવૃત્તિમાં કેટલાક ફેરફારો થવાની શક્યતા રહે છે. ખાસ કરીને પ્રાણીને લાભદાયી કે તેના વંશને ટકાવી રાખનારા ફેરફારો અમલમાં આવે છે.

કોનરડ લૉરેન્ઝ, નિકોલસ ટિનબર્ગેન અને બીજા પ્રાણીવર્તન-વિજ્ઞાનીઓએ સહજવૃત્તિઓનો ઘનિષ્ઠ તુલનાત્મક અભ્યાસ કર્યો છે. પ્રાણીવર્તનશાસ્ત્રમાં, તેમજ મનોવિજ્ઞાનમાં મૅકડૂગલ કે ફ્રૉઇડ જેવા મનોવિજ્ઞાનીઓએ અલગ અલગ પદ્ધતિઓથી કરેલા અભ્યાસો, અને તેના આધારે દર્શાવેલાં મંતવ્યો પ્રમાણે મનુષ્યો સહિતનાં પ્રાણીઓની મુખ્ય સહજવૃત્તિઓ આ પ્રમાણે ગણાવી શકાય :

1. સ્વ-સાતત્યની સહજવૃત્તિઓ : ભૂખ, તરસ, ઊંઘ અને આરામ (self-preservation)

2. જાતિ (વંશ) સાતત્યની સહજવૃત્તિઓ : ઈજાથી બચવું, લૈંગિક વૃત્તિ, માતૃત્વની વૃત્તિ (race preservation)

3. આક્રમણની કે લડવાની (યુયુત્સા) વૃત્તિ

4. પલાયનવૃત્તિ

5. વર્ચસ્-વૃત્તિ (બીજાઓ પર પ્રભાવ પાડવો, રોફ કરવો.)

6. વશ્યતા કે શરણાગતિની વૃત્તિ (બીજાંઓને નમી પડવું.)

7. સંઘવૃત્તિ કે સંલગ્નતાની વૃત્તિ (અન્ય પ્રાણીઓ સાથે ભેગાં થવું.)

8. જ્ઞાનેન્દ્રિયોનું ઉદ્દીપન મેળવવાની વૃત્તિ કે જિજ્ઞાસા

9. સક્રિયતાની પ્રહસ્તન(manipulation)ની કે પ્રવૃત્તિશીલતાની વૃત્તિ

10. નિર્માણની કે પદાર્થોની રચના કરવાની વૃત્તિ

11. સંગ્રહવૃત્તિ.

ઉપરાંત મનુષ્યજાતિની ઘણી વ્યક્તિઓમાં નીચેની જરૂરિયાતો પણ જોવા મળે છે. જરૂરિયાતનો ખ્યાલ સહજવૃત્તિના ખ્યાલ કરતાં કંઈક જુદો છે. છતાં મનુષ્ય-વર્તનના વર્ગીકરણની દૃષ્ટિએ તે ઉપયોગી હોવાથી તેનો અહીં ઉલ્લેખ કર્યો છે : (1) આત્મસન્માન કે ગૌરવની જરૂરિયાત; (2) સ્પર્ધા કરવાની જરૂરિયાત; (3) સત્તા મેળવવાની જરૂરિયાત; (4) આર્થિક અને સામાજિક સલામતીની જરૂરિયાત; (5) પોતાનો વિકાસ કે પ્રગતિ કરવાની અને સિદ્ધિ મેળવવાની જરૂરિયાત; (6) સ્વ-આવિષ્કારની જરૂરિયાત : પોતાની શક્તિઓને પૂરી ઓળખીને તેનો વ્યાપક હિતો માટે ઉપયોગ કરવો; (7) સ્નેહ મેળવવાની અને આપવાની જરૂરિયાત; (8) અન્યો પાસેથી સમર્થન અને સહાય મેળવવાની તેમજ તેમને સમર્થન / સહાય આપવાની જરૂરિયાત; (9) વિનાશની જરૂરિયાત.

પ્રાણીઓ અને મનુષ્યોનું ઘણું વર્તન સહજવૃત્તિઓથી પ્રેરાયેલું હોવાથી એ વર્તનને સમજવામાં સહજવૃત્તિઓ ચાવીરૂપ બને છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે