સવિનય કાનૂનભંગની લડત (1930-32) : પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે કૉંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ માર્ચ, 1930માં શરૂ કરેલી અહિંસક ચળવળ. 1908માં મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ જેલવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના હેનરી ડેવિડ થૉરોનો નિબંધ ‘સિવિલ ડિસઓબીડિયન્સ’ વાંચ્યો. તે સત્યાગ્રહનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાંનો એક ગણાયો. તેનું નામ રખાયું ‘સવિનય કાનૂનભંગ’. તેનો અમલ ગાંધીજીએ 1930ના મીઠા સત્યાગ્રહમાં કર્યો અને તે સમયનું આખું આંદોલન ‘સવિનય કાનૂનભંગનું આંદોલન’ કહેવાયું.
સવિનય કાનૂનભંગના 11 મુદ્દા ગણાવી શકાય : (1) કોઈ પણ દેશના કાયદાનો મૂળ હેતુ સમાજહિત હોવો જોઈએ, આથી સમાજનું હિત ન સધાય ત્યારે કાનૂનભંગ થઈ શકે; (2) સમાજના હિતના કાયદાનું સત્યાગ્રહી ધર્મપૂર્વક પાલન કરે; (3) દરેક કાયદો બળાત્કારસૂચક નથી હોતો; (4) જો કાયદો સમાજહિતવિરોધી હોય તો કાયદાનો વિરોધ કરવાનો સત્યાગ્રહીનો ધર્મ બને છે; (5) આપખુદ સત્તા પર સત્યાગ્રહ સિવાય બીજો વધુ અસરકારક કાબૂ ન હોઈ શકે; (6) કોઈ પણ નાગરિક સ્વરક્ષા અર્થે કાનૂનભંગ કરી શકે; (7) સત્તાવિરોધ સાદર અને અહિંસક હોવો જોઈએ; (8) ચોર વગેરેના કાયદાભંગથી આ કાનૂનભંગમાં તફાવત છે, એ બરાબર સમજવું જોઈએ; (9) જે કાયદો અનીતિમય હોય, તે જરૂર તોડી શકાય; (10) આ કાનૂનભંગ માટે સમુદાયનું નિયમનતંત્ર બરાબર યોજાયું હોવું જોઈએ; (11) સવિનય કાનૂનભંગ સાથે અસહકારનું શસ્ત્ર ગમે તેવી હઠીલી સત્તાનો મદ ઉતારે છે, એ સમજવું જોઈએ. જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં મળેલા કૉંગ્રેસના ખુલ્લા અધિવેશનમાં 31 ડિસેમ્બર, 1929ની મધરાતે ગાંધીજીએ પૂર્ણ સ્વરાજ્યની માગણી કરતો ઠરાવ રજૂ કર્યો. તે સર્વાનુમતે પસાર થયો. તે પછી 26મી જાન્યુઆરી, 1930નો દિવસ સમગ્ર દેશમાં પૂર્ણ સ્વરાજ્યદિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. તદનુસાર સમસ્ત ભારતમાં 26મી જાન્યુઆરીએ સૌપ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવી પૂર્ણ સ્વરાજ્યની નીચેની જાહેરાત વાંચવામાં આવી, ‘અમારો સ્વાતંત્ર્ય મેળવવાનો અતિશય કાર્યસાધક માર્ગ હિંસાનો નથી, પણ અહિંસાનો છે, એટલે અમે અમારાથી બને તેટલી હદ સુધી બ્રિટિશ સરકારનો સહકાર છોડીને એ રાજ્યમાંથી છૂટવાની તૈયારી કરીશું અને સવિનય કાનૂનભંગને માટે પણ તૈયારી કરીશું. અમને ખાતરી છે કે જો આપણે આ રાજ્યને સ્વેચ્છાએ જેટલી મદદ આપીએ છીએ તે ખેંચી લઈએ અને ગમે તેટલી ઉશ્કેરણી છતાં હિંસા કર્યા વિના, કર ભરવાનું બંધ કરીએ તો આ અમાનુષી રાજ્યનો અંત, આપણે અવશ્ય લાવી શકીશું.’
1930ના ફેબ્રુઆરીની 14, 15, 16 તારીખે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમમાં કૉંગ્રેસની કાર્યવાહક સમિતિએ સવિનય કાનૂનભંગ કરવાની ગાંધીજીની દરખાસ્તને વધાવી લીધી અને સ્વરાજ્ય-પ્રાપ્તિને માટે સવિનય કાનૂનભંગ શરૂ કરવાનો તેમને અધિકાર આપ્યો. લડત શરૂ કરતાં અગાઉ ગાંધીજીએ પોતાની યોજના વાઇસરૉયને પત્ર દ્વારા જણાવી, તેમાં અહિંસા ઉપર ભાર મૂક્યો.
ગાંધીજીએ દાંડી ગામના સમુદ્રકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. સાંજની પ્રાર્થનાસભા છેલ્લા સપ્તાહથી નદીની રેતમાં થતી હતી. એવી એક પ્રાર્થનાસભામાં ગાંધીજીએ પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું, ‘‘મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે. હું કાગડાને મોતે મરીશ, કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી.’’ દાંડીકૂચનું અનોખું શ્ય જોવા માટે દેશવિદેશના હજારો લોકો અમદાવાદમાં આવ્યા હતા. દેશપરદેશના ખબરપત્રીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.
12મી માર્ચ 1930ની સવારે ‘શૂર-સંગ્રામકો દેખ ભાગે નહિ, દેખ ભાગે સોઈ શૂર નાહિ’ – એ ગીત તથા ‘હરિનો મારગ છે શૂરાનો’ ભજન ગવાયું અને ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મંગળ પ્રયાણ કર્યું. તે વખતે સાબરમતી આશ્રમ પાસે ઊમટેલી માનવમેદની એક અદ્ભુત ઘટના હતી. આશ્રમથી એલિસબ્રિજ સુધી આશરે 5 કિમી.ના માર્ગ ઉપર લોકોની ભીડ જામી હતી. લોકો ‘ગાંધીજીની જય’ પોકારતા હતા. ગાંધીજી 61મે વરસે નવયુવાનની અદાથી ઉતાવળા પગલે ચાલતા હતા. માર્ગમાં ગાંધીજી જ્યાં રાતવાસો કરતા ત્યાં યોજેલી સભામાં ખાદી પહેરવાનો; અસ્પૃશ્યતાનિવારણ અને દારૂબંધીનો; સરકારી નોકરીનાં રાજીનામાં આપવાનો વગેરે બોધ આપતા. દાંડીકૂચ દરમિયાન 300થી વધારે પોલીસ-પટેલોએ રાજીનામાં આપ્યાં હતાં.
ગાંધીજી પચીસમા દિવસે, 386 કિમી.ની કૂચ કરી 5મી એપ્રિલે દાંડી પહોંચ્યા. આ દરમિયાન સમગ્ર ભારતમાં ચેતનાનો સંચાર થયો હતો. જલિયાંવાલા દિનની યાદમાં 6ઠ્ઠી એપ્રિલે ગાંધીજીએ સમુદ્રસ્નાન કરીને, સવારે 6-30 કલાકે ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. હજારો લોકોએ ગગનભેદી નાદથી પોકાર કર્યો, ‘નમક કા કાયદા તોડ દિયા.’ ચપટી મીઠું ઉપાડતાં યજ્ઞપુરુષે ધીરગંભીર વાણી ઉચ્ચારી કે, ‘હું આથી બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.’ તે સાથે સમસ્ત દેશને કાનૂનભંગ કરવાની લીલી ઝંડી મળી ગઈ.
દેશભરમાંથી નેતાઓની ધરપકડ, લાઠીમાર તથા ગોળીબાર થયાના સમાચાર આવવા લાગ્યા. મીઠાના કાયદાના ભંગ સાથે નશાબંધી, ખાદીના પ્રચાર અને વિદેશી માલના બહિષ્કારના તથા અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવ્યો. મુંબઈ ઇલાકો તથા મધ્ય પ્રાંતમાં ઇમારતી લાકડાં કાપીને કાનૂનભંગ કરવામાં આવ્યો. ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા બંગાળના મિદનાપુર જિલ્લામાં મહેસૂલ ન ભરવાનો પ્રચાર થયો. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના નેતૃત્વ હેઠળ તેમના લાલ ખમીસધારી પઠાણોએ સરકાર વિરુદ્ધ અહિંસક પ્રચાર કરવા વાસ્તે વાયવ્ય સરહદ પ્રાંતમાં સંગઠન કર્યું. કોલકાતા, ચેન્નાઈ, શોલાપુર, પુણે, પટણા, પેશાવર, કરાંચી વગેરે સ્થળોએ કાનૂનભંગના પ્રચાર માટે વિશાળ સભાઓ યોજાઈ.
ગુજરાતના બારડોલી તથા બોરસદ તાલુકાઓમાં ના-કરની સફળ લડત યોજાઈ, તે આ ચળવળની નોંધપાત્ર ઘટના હતી. બારડોલી તાલુકાનાં આશરે ચાર હજાર કિસાન પરિવારોએ હિજરત કરી. અનેક દુ:ખો વેઠીને તેઓ પાંચ મહિના પર્યંત હિજરતમાં રહ્યાં. ચરોતરના રાસ ગામના લોકોએ પણ ના-કરની લડત આપી, મહેસૂલ ન ભર્યું, સરકારી કર્મચારીઓનો બહિષ્કાર કર્યો અને ગામમાંથી હિજરત કરી, લડતને સફળ બનાવી.
કર્ણાટકની ના-કરની લડતમાં કાનડા જિલ્લામાં 800થી વધારે પરિવારો જોડાયા. તેમાં અંકોલા તથા સીદાપુર તાલુકામાંથી 100 સ્ત્રીઓ સહિત 800 માણસો જેલમાં ગયા. જમીનો, મકાનો, પાક તથા ઘરવખરી સહિત તેઓની 15 લાખ રૂપિયાની મિલકતો સરકારે જપ્ત કરી લીધી.
બંગાળમાં લાઠીમાર તથા ગોળીબારના બનાવો રોજ બનવા લાગ્યા. પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં ગુરખા સૈનિકો તથા પોલીસોએ લોકો પર જુલમ ગુજાર્યો અને મહિલાઓની બેઇજ્જતી કરી.
ધરાસણા તથા બીજા સત્યાગ્રહો : ગાંધીજીએ મીઠાના કાનૂનભંગને ચળવળનો મુખ્ય કાર્યક્રમ બનાવ્યો. તેમણે સૂરત જિલ્લાના ધરાસણાના મીઠાના અગરો પર ધાડ પાડવાની પોતાની ઇચ્છા જાહેર કરીને વાઇસરૉયને જાણ કરી. તેમાં તેમણે મીઠા ઉપરનો કર તથા ખાનગીમાં મીઠું પકવવાનો પ્રતિબંધ દૂર કરવા વિનંતી કરી. સરકારે 5મી મે 1930ની રાત્રે ગાંધીજીની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલ્યા. તે સામે દેશભરમાં દેખાવો યોજાયા. કોલકાતા, મુંબઈ, પુણે વગેરે શહેરોમાં હડતાલો પાડવામાં આવી.
ગાંધીજી પછી મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ લેનાર અબ્બાસ તૈયબજીની 12મી મેના રોજ ધરપકડ થઈ. અલ્લાહાબાદમાં મળેલી કૉંગ્રેસની કાર્યવાહક સમિતિએ વકીલો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, કિસાનો, મજૂરો, સરકારી નોકરો વગેરેને ચળવળમાં જોડાઈને માતૃભૂમિની મુક્તિ માટે બલિદાન આપવાની હાકલ કરી.
16મી મેએ સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ ધરાસણા જવા નીકળેલી 50-50 સત્યાગ્રહીઓની ત્રણ ટુકડીને પકડીને કલાકો પછી છોડી દેવામાં આવી. 21મી મેના રોજ ઇમામસાહેબની આગેવાની હેઠળ 2,500 સત્યાગ્રહીઓએ ધરાસણાના મીઠાના અગરો ઉપર હુમલો કર્યો. કૂચ કરતા સત્યાગ્રહીઓએ પોલીસ-અધિકારીના વિખેરાઈ જવાના હુકમનો અનાદર કરી, શાંતિથી કૂચ ચાલુ રાખી. પોલીસોએ સત્યાગ્રહીઓ ઉપર લોખંડની અણીવાળી લાઠીઓ વરસાવવા માંડી. બે-ત્રણ મિનિટમાં જમીન ઘવાયેલા દેહોથી છવાઈ ગઈ. તેમનાં સફેદ વસ્ત્રો પર લોહીનાં મોટાં ધાબાં પડી ગયાં. પ્રથમ ટુકડીના બધા સભ્યો ઘવાઈને પડ્યા બાદ, બીજી ટુકડીએ શિસ્તબદ્ધ કૂચ કરવા માંડી. પોલીસો ધસી આવ્યા. તેઓને ક્રૂરતાપૂર્વક મારીને ઘાયલ કર્યા. આ રીતે 320 જણાને ગંભીર ઈજાઓ થઈ, 2 સત્યાગ્રહીઓ શહીદ થયા. ત્યારે ઘણા થોડા રાષ્ટ્રવાદી ડૉક્ટરો તેમની સારવાર કરવા ત્યાં હાજર હતા. પત્રકારોએ આ સમાચાર તાત્કાલિક દેશવિદેશમાં પહોંચાડી અહિંસક સત્યાગ્રહીઓની બેનમૂન શિસ્તની ભારોભાર પ્રશંસા કરી.
1લી જૂનની સવારે મુંબઈ પાસે આવેલા વડાલાના મીઠાના અગરો ઉપર 15,000 સ્વયંસેવકોએ હલ્લો કર્યો. પોલીસોએ કૉર્ડન કરી તેઓને અટકાવવા છતાં, તેઓ કૉર્ડન તોડીને આગળ ધસ્યા. આ રીતે અન્ય સ્થળે પણ અગરો ઉપર હુમલા કરવામાં આવ્યા. દરેક ઠેકાણે સત્યાગ્રહીઓને નિર્દયતાપૂર્વક મારવામાં આવ્યા અને ધરપકડો કરવામાં આવી. આ બધા સત્યાગ્રહો દરમિયાન સત્યાગ્રહીઓની અહિંસામાં શ્રદ્ધા તથા શિસ્ત પ્રશંસનીય હતાં. તેમણે ગાંધીજીનો અહિંસાનો ઉપદેશ બરાબર પચાવ્યો હતો. આ રીતે ધોલેરા અને વિરમગામ પણ મીઠાના કાનૂનભંગનાં કેન્દ્રો બન્યાં હતાં.
ગાંધીજીની હાકલને માન આપીને મહિલાઓ પણ હજારોની સંખ્યામાં આ ચળવળમાં જોડાઈ હતી. તેઓએ ધરપકડ વહોરી લીધી અને જેલમાં ગઈ. તેઓએ પરદેશી કાપડની તથા દારૂની દુકાનો પર સખત પિકેટિંગ કર્યું હતું.
સરકારની દમનનીતિ : આ ચળવળને કચડી નાખવા બ્રિટિશ સરકારે દમનનીતિ આચરી, લોકોના વ્યક્તિગત સ્વાતંત્ર્યને રૂંધતા નવા વટહુકમો દ્વારા કૉંગ્રેસ સંગઠનને ગેરકાયદે જાહેર કરી તેની મિલકતો જપ્ત કરવાની સત્તા મેળવી. વર્તમાનપત્રો ઉપર કડક નિયંત્રણો લાદ્યાં. 131 સમાચારપત્રો પાસેથી રૂપિયા બે લાખ ચાલીસ હજારના જામીન લેવામાં આવ્યા. સરકારી નિયંત્રણોને કારણે નવ વર્તમાનપત્રોએ પ્રકાશન બંધ કર્યું.
સરકારના જણાવ્યા પ્રમાણે 60,000 માણસો જેલમાં ગયા હતા, પરંતુ કૉંગ્રેસ કારોબારી સમિતિના અંદાજ અનુસાર 75,000 માણસોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. દેશના મોટાભાગના નેતાઓ જેલમાં હતા.
ચળવળ કચડી નાખવા વાસ્તે પોલીસ તથા લશ્કરનો ઉપયોગ કરીને લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. નિ:શસ્ત્ર તથા શાંત લોકોનાં ટોળાં ઉપર ઘાતકી હુમલા કરવામાં આવ્યા. કરાંચી, પેશાવર તથા ચેન્નાઈમાં અનાવશ્યક ગોળીબારો થયા. સત્યાગ્રહીઓએ ઉપાડેલું મીઠું છોડાવવા પોલીસ અસહ્ય માર મારતી, ગુહ્ય ભાગોમાં ઈજા પહોંચાડતી, ઘવાયેલા સત્યાગ્રહીઓને હાથ કે પગ વડે ખેંચીને લઈ જવામાં આવતા. બેઠેલા કે સૂઈ ગયેલા માણસો ઉપર ઘોડા દોડાવવામાં આવતા. શરીરમાં ટાંકણી કે કાંટા ખોસવામાં આવતા. સત્યાગ્રહીઓને બેભાન થઈ જાય ત્યાં સુધી સખત મારવામાં આવતા. વીખરાતાં ટોળાં ઉપર પણ ગોળીબારો કરવામાં આવતા.
લાઠીમાર કરીને સભાઓ વિખેરવામાં આવતી. રાજદ્વારી કેદીઓ પાસેથી પથ્થર ફોડવાનું, તેલની ઘાણી ચલાવવાનું તથા પંપ ચલાવવાનું કામ કરાવવામાં આવતું. પોલીસો અંગ્રેજ અમલદાર સહિત કોલકાતા યુનિવર્સિટીમાં પ્રવેશી વર્ગોમાં દાખલ થયા અને વિદ્યાર્થીઓને ખૂબ માર્યા, તે એટલે સુધી કે વર્ગની દીવાલો પર લોહીના ડાઘ પડી ગયા. પોલીસો મજાકમાં પૂછતા, ‘તમારે સ્વરાજ જોઈએ છે ? તો લો આ;’ એમ કહીને ફટકો મારતા.
આ દરમિયાન નવેમ્બર, 1930માં લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ મળી. તેમાં કૉંગ્રેસ સિવાયના ભારતીય પક્ષો અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા. કૉંગ્રેસના નેતાઓ જેલમાં હોવાથી, તેણે તેનો બહિષ્કાર કર્યો. તેથી તેમાં કોઈ મહત્ત્વનો નિર્ણય થઈ શક્યો નહિ. ગોળમેજી પરિષદમાંથી પાછા ફરેલા તેજબહાદુર સપ્રુએ ગાંધીજીને મળીને તેેમને ગવર્નર જનરલ ઇર્વિન સાથે સમાધાન કરવા સમજાવ્યા. 5 માર્ચ 1931ના રોજ ગાંધીજી અને ગવર્નર જનરલ ઇર્વિન વચ્ચે કરાર થયા. તે મુજબ સવિનય કાનૂનભંગની લડત મોકૂફ રાખવામાં આવી; અને કૉંગ્રેસ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા તૈયાર થઈ. વાટાઘાટો દરમિયાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજા રદ કરાવવાનો ગાંધીજીનો પ્રયાસ સફળ થયો નહિ અને માર્ચની 23મીએ તેઓને ફાંસી આપવામાં આવી. તેથી 29 માર્ચ, 1931ના રોજ કરાંચીમાં કૉંગ્રેસના અધિવેશનમાં હાજર રહેવા ગાંધીજી ગયા ત્યારે તેમને કાળા વાવટા બતાવી વિરોધી દેખાવો કરવામાં આવ્યા. કાગ્રેસે એક ઠરાવ કરીને ભગતસિંહની વીરતા અને બલિદાનની પ્રશંસા કરી.
કરાર મુજબ રાજદ્વારી કેદીઓ જેલોમાંથી છૂટતાં તેમનાં સરઘસો કાઢવામાં આવતાં અને સન્માન કરવામાં આવતું. આ દરમિયાન સરકારી અધિકારીઓ દ્વારા કરારભંગના બનાવો બનતા હતા. ગુજરાતમાં મહેસૂલ વસૂલ કરવા અધિકારીઓએ જુલમ કરવા માંડ્યો. જાહેરસભાઓ બળજબરીથી વિખેરવામાં આવી. રાજીનામાં આપનાર કર્મચારીઓને પાછા નોકરી પર લેવાની બાબતમાં અમલદારો કરાર-ભંગ કરતા છતાં કડવો ઘૂંટડો ગળી જઈને કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી; પરંતુ કોમી પ્રશ્નનો ઉકેલ ન કાઢી શકવાને લીધે તે નિષ્ફળ ગઈ. તેથી ગાંધીજી નિરાશ હૃદયે સ્વદેશ પાછા ફર્યાં.
લડતનો બીજો તબક્કો : ગાંધીજીએ દેશમાં પાછા ફરી પ્રાંતોના નેતાઓ પાસેથી સરકારી જુલમોના હેવાલો મેળવ્યા. તેમણે વાઇસરૉય પર તાર કરી અમલદારોના જુલમની ફરિયાદ કરી. વાઇસરૉયે સરકારનાં પગલાંનો બચાવ કર્યો. આ દરમિયાન સરકાર જુલમ ન અટકાવે તો સવિનય કાનૂનભંગની લડત ફરીથી શરૂ કરવા કાગ્રેસે ઠરાવ કર્યો. નેતાઓ પોતાના પ્રાંતમાં પહોંચીને પ્રવૃત્તિ આરંભે તે અગાઉ 4થી જાન્યુઆરી, 1932ના રોજ ગાંધીજી, કૉંગ્રેસ-પ્રમુખ વલ્લભભાઈ પટેલ સહિત દેશભરમાંથી નેતાઓની ધરપકડ કરવામાં આવી. દેશમાં નવા વટહુકમોનો અમલ શરૂ કરવામાં આવ્યો. કૉંગ્રેસ-સંસ્થા પર પ્રતિબંધ મૂકી કૉંગ્રેસ-કાર્યકરોની વ્યાપક ધરપકડો કરવામાં આવી.
સરકારનું દમન : 1931-32માં થોડા જ મહિનામાં નેવું હજાર લોકોની ધરપકડ કરવામાં આવી. ગુપ્ત માહિતી મેળવવા રાજકીય કેદીઓને બેસુમાર મારવામાં આવતા. અત્યાચારોના વિવિધ પ્રકારો શોધીને અમલમાં મૂકવામાં આવ્યા. લોકો ઉપર ગોળીબાર અને લાઠીમાર કરવાના તથા ઘોડા દોડાવવાના બનાવો વારંવાર બનવા લાગ્યા. કૉંગ્રેસનાં તમામ કાર્યાલયો જપ્ત કરવામાં આવ્યાં. નવા વટહુકમો જાહેર કરીને સરકારે વિશાળ સત્તાઓ ધારણ કરી, જુલમ કરવા માંડ્યો.
સરકાર ઘાતકી બનવા છતાં લોકોનો નૈતિક જુસ્સો પરાકાષ્ઠાએ પહોંચ્યો હોવાથી, લડત પુરજોશમાં ચાલુ રહી. સરકારના હુકમોની ઐસીતૈસી કરીને સભાઓ, સરઘસો, ગુપ્ત પત્રિકાઓનું પ્રકાશન, વિદેશી માલ અને સરકારી નોકરીઓનો બહિષ્કાર, ના-કરની ચળવળ, મીઠાનું ઉત્પાદન વગેરે કાર્યક્રમો ચાલુ રહ્યા. રાષ્ટ્રધ્વજ ફરકાવવો તથા કૉંગ્રેસનાં કાર્યાલયો પાછાં મેળવવાના પ્રયાસો ચાલુ રહ્યા.
પ્રતિબંધની પરવા કર્યા વિના, દિલ્હીમાં ચાંદનીચૉકમાં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરવામાં આવ્યું. તેમાં પાંચસો પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેના પ્રમુખસ્થાને કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ મદનમોહન માલવિયા બિરાજવાના હતા; પરંતુ કૉંગ્રેસના આગેવાનો જેલમાં હોવાથી, અમદાવાદના એક પ્રતિનિધિ શેઠ રણછોડદાસ અમૃતલાલને અવેજી પ્રમુખ નીમીને અધિવેશન ભરવામાં આવ્યું. તેમાં ચાર ઠરાવો પસાર કર્યા બાદ, તેઓની ધરપકડ કરીને એક અઠવાડિયા પછી છોડી દેવામાં આવ્યા.
193031ની લડત કરતાં 193233ના બીજા તબક્કાના બનાવો વધારે ઉગ્ર હતા તથા દમનનીતિ પણ વધુ નિર્દય હતી. તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ સરદાર પટેલે તેમના પછી પ્રમુખપદ કોને સોંપવું તેની યાદી બનાવી હતી. તે પ્રમાણે પ્રાંતોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં તથા ગ્રામસમિતિઓમાં સર્વ સત્તા ‘સરમુખત્યારો’ને સોંપી દેવામાં આવી હતી. દરેક ‘સરમુખત્યાર’ પકડાતા પહેલાં પોતાની પછીનો માણસ નક્કી કરી, તેને લડત ચલાવવાની સત્તા સોંપીને જતો.
ઉપર્યુક્ત કાર્યક્રમ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા બંગાળમાં ના-કરની ચળવળ કરવામાં આવી. બંગાળ અને બિહારનાં કેટલાંક સ્થળોએ ચોકીદાર-કર ન ભરવાની ચળવળ પણ થઈ હતી. કર્ણાટક, વરાડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો તથા તામિલનાડુ અને બિહારમાં જંગલના કાયદાનો ભંગ કરવાની લડત ચાલી હતી. આ ઉપરાંત શહીદ-દિન, ધ્વજ-દિન, ગાંધી-દિન, પેશાવર-દિન વગેરે ઊજવવામાં આવતા. લોકો તેમાં રસપૂર્વક ભાગ લેતા હતા.
આ લડતમાં પરદેશી કાપડના બહિષ્કાર વાસ્તે ખાસ સપ્તાહો ઊજવવામાં આવતાં. બ્રિટિશ બૅંકો, વીમાકંપનીઓ, પરદેશી ખાંડ, બ્રિટિશ દવાઓ તથા અન્ય બ્રિટિશ માલના બહિષ્કાર માટે અલગ સપ્તાહો ઊજવવામાં આવતાં. આ લડત દરમિયાન, મદનમોહન માલવિયાના અંદાજ મુજબ 1,20,000 માણસોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમાં સ્ત્રીઓ અને કિશોરોની પણ મોટી સંખ્યા હતી.
મદુરામાં ખાદીનાં કપડાં પહેરી પિકેટિંગ કરતા એક ધોબીને અસહ્ય મારીને, તેના વાળમાં કેરોસીન છાંટીને બાળવામાં આવ્યો. તેને મારથી ત્રીસ ઘા પડ્યા હતા. સાત, દસ, બાર અને સોળ વર્ષની વયના ચાર છોકરાઓને તેમના મોટાભાઈ સામેના આરોપો બદલ લાતો અને તમાચા મારી, પગે દોરડાં બાંધી ઊંધા લટકાવીને માર્યા.
અલ્લાહાબાદમાં સરઘસ જોઈ રહેલાં જવાહરલાલ નહેરુનાં માતુશ્રીને ધક્કો મારી, પાડી નાખી, લાઠીઓ મારવામાં આવી, જેનાથી માથામાંથી લોહી નીકળ્યું અને તેઓ બેભાન થઈ ગયાં. ના-કરની લડત માટે જમીનો અને મિલકતો જપ્ત કરીને ઓછી કિંમતે વેચી દેવામાં આવી. ગુજરાત, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં અનેક ખેડૂતોએ કાયમ માટે પોતાની જમીનો ગુમાવી.
અનેક વર્તમાનપત્રોના માલિકો પાસે જામીનગીરી માગવામાં આવી અને તેમાંથી ઘણાની જામીનગીરી જપ્ત કરવામાં આવી.
ઇંગ્લૅન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે ઑગસ્ટ, 1932માં કોમી ચુકાદો જાહેર કર્યો. તે મુજબ ધારાસભાઓમાં હરિજનોને હિંદુઓથી અલગ કોમ ગણીને જુદાં મતદાર મંડળો આપ્યાં. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં તેનો વિરોધ કરી જણાવ્યું હતું કે તેઓ પોતાના જાનના જોખમે પણ તેનો વિરોધ કરશે. તેથી કોમી ચુકાદાના વિરોધમાં ગાંધીજીએ 20મી સપ્ટેમ્બરથી પુણે પાસેની યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા; પરંતુ સામાન્ય મતદારમંડળોમાં અસ્પૃશ્યોને ચુકાદામાં આપી હતી તેનાથી ઘણી વધારે બેઠકો આપવાની તૈયારી બતાવી. દલિતોના આગેવાન ડૉ. આંબેડકરે તેનો સ્વીકાર કર્યો અને પુણેમાં કૉંગ્રેસ અને ડૉ. આંબેડકર વચ્ચે સમાધાન થયું. સરકારે પુણે કરારનો સ્વીકાર કર્યો અને ગાંધીજીએ 26 સપ્ટેમ્બરે ઉપવાસનાં પારણાં કર્યાં.
ગાંધીજીના ઉપવાસને લીધે લોકોનું ધ્યાન ચળવળ તરફથી અન્યત્ર દોરાયું. ગાંધીજીએ તે પછી દલિતોના ઉત્કર્ષ તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. છતાં 26 જાન્યુઆરી, 1933ના રોજ લોકોએ સ્વાતંત્ર્યદિન ઉત્સાહ સહિત ઊજવ્યો. લડત હજી ચાલુ હતી. બંગાળના હુગલી જિલ્લાના બદનગંજમાં કૉંગ્રેસના એક સરઘસ પર ગોળીબાર કરીને પોલીસે તેને વિખેરી નાખ્યું. ખેડા જિલ્લાના બોરસદમાં કૉંગ્રેસના એક સરઘસની આગેવાની લેનાર કસ્તૂરબા ગાંધીની ધરપકડ કરીને તેમને છ મહિનાની જેલની સજા કરવામાં આવી.
સરકારના પ્રતિબંધની પરવા કર્યા વિના 31 માર્ચ, 1933ના રોજ કૉંગ્રેસનું અધિવેશન કોલકાતામાં ભરવામાં આવ્યું. તેમાં દેશના જુદા જુદા પ્રદેશોમાંથી 2,200 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા. તેમાંથી આગેવાનોની ધરપકડ કરવા છતાં, અધિવેશન ચાલુ રાખી (1) સંપૂર્ણ સ્વતંત્રતા, (2) સવિનય કાનૂનભંગ અને (3) પરદેશી કાપડ અને બ્રિટિશ માલના બહિષ્કારના ઠરાવો પસાર કરવામાં આવ્યા.
આ અધિવેશન પછી અછૂતોદ્ધારની પ્રવૃત્તિમાં અનેક કાર્યકરો જોડાયા. ગાંધીજીની વિનંતી સ્વીકારીને કૉંગ્રેસના કામચલાઉ પ્રમુખ અણેએ સવિનય કાનૂનભંગની લડત છ અઠવાડિયાં મુલતવી રાખી.
12 જુલાઈ, 1933ના રોજ પુણેમાં કૉંગ્રેસના નેતાઓની એક પરિષદ ભરવામાં આવી, તે પછી સરકાર સાથે સમાધાન કરવા માટે ગાંધીજીએ વાઇસરૉયની મુલાકાત માગી. વાઇસરૉયે ગાંધીજીને મુલાકાત ન આપી. તેથી પોતાના સ્વમાનની રક્ષા માટે રાષ્ટ્રને લડત ચાલુ રાખવી પડી. સામુદાયિક સવિનય કાનૂનભંગ મોકૂફ રાખવામાં આવ્યો અને જેઓ સત્યાગ્રહ કરવા તૈયાર હતા તેઓને વ્યક્તિગત કાયદાભંગ કરવાની સલાહ આપવામાં આવી. તેને અનુલક્ષીને કૉંગ્રેસ સંગ્રામ સમિતિઓ વિસર્જન કરવામાં આવી.
ગાંધીજીએ 1 ઑગસ્ટ, 1933ના રોજ ખેડા જિલ્લાના રાસ ગામ તરફ કૂચ કરી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય કર્યો; પરંતુ આગલી રાત્રે તેમની તથા તેમના 34 આશ્રમવાસીઓની ધરપકડ કરવામાં આવી. તે પછીના અઠવાડિયામાં દેશમાં સેંકડો વ્યક્તિગત સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. જેલમાં ગાંધીજીને હરિજનપ્રવૃત્તિ ચલાવવા માટે સરકારે સગવડો ન આપવાથી તેમણે 16 ઑગસ્ટથી ઉપવાસ શરૂ કર્યા. તેમની તબિયત બગડવાથી સરકારે 23મીએ તેમને વિનાશરતે મુક્ત કર્યા.
જેલમાંથી સજા ભોગવીને આવેલા કાર્યકરો ફરીવાર સત્યાગ્રહ કરી સજા ભોગવવા તૈયાર ન હતા. સરકારે સજા કરવાને બદલે લાઠીમાર કરવાની, સબ-જેલોમાં ગોંધી રાખવાની તથા હેરાન કરી છોડી મૂકવાની યુક્તિ શોધી કાઢી. તેથી સવિનય કાનૂનભંગની લડત ધીમે ધીમે બંધ પડી.
આ લડત ગાંધીજીના સિદ્ધાંતો પ્રમાણે ઘણુંખરું અહિંસક રહી હતી. સત્યાગ્રહીઓ ઉપર ગોળીબાર, લાઠીમાર કરવા છતાં તેઓ શાંતિથી સહન કરતા. એ રીતે તેમણે અહિંસક સત્યાગ્રહનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશ અને દુનિયા સમક્ષ રજૂ કર્યું. મીઠાના કાયદાના ભંગ સહિત સમગ્ર દેશમાં દારૂબંધી, વિદેશી કાપડનો બહિષ્કાર, ખાદીનો પ્રચાર તથા અસ્પૃશ્યતાનિવારણ જેવા રચનાત્મક કાર્યક્રમોએ દેશમાં અપૂર્વ જાગૃતિ આણી હતી. સત્યાગ્રહીઓ દેશની સ્વતંત્રતા વાસ્તે પોતાના જીવનનો ભોગ આપવા સદા તૈયાર રહ્યા હતા. ખેડૂતોએ ના-કરની લડત અને હિજરત દ્વારા બતાવી આપ્યું કે તેઓ પણ પોતાના સર્વસ્વનું બલિદાન આપવા તત્પર હતા. પોલીસની સખત મારપીટ સામે સત્યાગ્રહીઓએ દાખવેલ શિસ્ત અને સંયમથી પરદેશી પત્રકારો પુષ્કળ પ્રભાવિત થયા હતા.
જયકુમાર ર. શુક્લ
દશરથલાલ શાહ