સશસ્ત્ર દળ : બાહ્ય આક્રમણ વખતે દેશનું સ્વાતંત્ર્ય અને અખંડિતતાનું જતન કરવા માટે તથા દેશની આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા સદંતર ભાંગી પડે તેવા અસાધારણ સંજોગોમાં બળપૂર્વક કાયદાનું શાસન પુન: સ્થાપિત કરવા માટે ઊભું કરવામાં આવતું સુસજ્જ સશસ્ત્ર સૈનિકોનું સંગઠન. આ સંદર્ભમાં ભારતનો જ દાખલો લઈએ તો આઝાદી પછી ભારત પર પાકિસ્તાને ચાર વાર (1947, 1965, 1971 અને 1999) અને ચીને 1962માં આક્રમણ કર્યું ત્યારે ભારતનાં સશસ્ત્ર દળોએ જ દેશનું રક્ષણ કર્યું હતું. 1914 અને 1939માં જર્મનીએ પશ્ચિમના દેશો પર આક્રમણ કર્યું ત્યારે પોતપોતાના દેશની સાર્વભૌમિકતા અને અખંડિતતાનું રક્ષણ કરી આક્રમણખોરોને પરાસ્ત કરવાની કપરી જવાબદારી જે તે દેશનાં સશસ્ત્ર દળોએ જ વહન કરી હતી. આ થયા બાહ્ય આક્રમણના દાખલાઓ; પરંતુ છેલ્લા લગભગ પાંચ દાયકામાં (1950-2005) લૅટિન અમેરિકા અને આફ્રિકાના કેટલાક દેશોમાં ગૃહયુદ્ધને કારણે અરાજકતા ફેલાઈ હતી; જેમાંથી જે તે દેશને બચાવવાનું કામ જે તે દેશોનાં સશસ્ત્ર દળોએ જ કર્યું હતું. શ્રીલંકામાં પણ છેલ્લા બે-ત્રણ દાયકાથી એલ.ટી.ટી.ઈ. (LTTE) દ્વારા રાજકીય હેતુસર આંતરિક અરાજકતા ઊભી કરાઈ છે ત્યારે તેને ખાળવા માટે તે દેશનાં સશસ્ત્ર દળોને જ કામે લગાડવામાં આવ્યાં છે. આમ બાહ્ય આક્રમણ અને આંતરિક અરાજકતા ખાળવા માટે દરેક દેશમાં સુસજ્જ સશસ્ત્ર દળ ઊભું કરવામાં આવે છે. રાજ્યના ફરજિયાત ગણાતાં કાર્યોમાં દેશનું સંરક્ષણ કરવું એ દરેક રાજ્યની ફરજ ગણાય છે અને તે માટે સશસ્ત્ર દળોનું સુસજ્જ સંગઠન અનિવાર્ય હોય છે.

પ્રાચીન તથા મધ્યયુગમાં સશસ્ત્ર દળોની બે મુખ્ય કામગીરી હતી : (1) રાજ્યકર્તાઓ ઇચ્છે ત્યારે અન્ય દેશો પર આક્રમણ કરી નવા પ્રદેશો જીતવા અને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં વધારો કરવો. (2) બીજા દેશો પોતાના દેશ પર આક્રમણ કરે ત્યારે પોતાના દેશનું રક્ષણ કરવું. અર્વાચીન કાળમાં પણ છેક પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) સુધી અમુક અંશે સશસ્ત્ર દળોની સ્થાપના અને કામગીરીમાં કોઈ ખાસ ગુણાત્મક ફેરફાર થયો ન હતો. યુરોપના ઘણા દેશોએ પોતપોતાનાં સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી વિશ્વના ઘણા વિસ્તારોમાં સામ્રાજ્યો સ્થાપ્યાં હતાં અને પોતાના હસ્તક હેઠળની વસાહતો પર રાજ્ય કરી તેમનું શોષણ કર્યું હતું; પરંતુ ત્યારપછીના ગાળામાં નવાં સામ્રાજ્યો ઊભાં કરવાં તથા પોતાનાં સામ્રાજ્યોની પ્રજા પર બળપૂર્વક શાસન કરવું કઠિન બનતું ગયું. તેથી સમય જતાં સશસ્ત્ર દળોની કામગીરીમાં પણ બદલાવ આવતો ગયો અને બાહ્ય આક્રમણ વખતે દેશનું રક્ષણ કરવા પૂરતી જ તેમની કામગીરી સીમિત બની ગઈ. 1914માં તથા 1939માં જર્મનીએ યુરોપના કેટલાક દેશો પર આક્રમણ કર્યું ત્યારે તે ખાળવા અને જર્મનીને શિકસ્ત આપવા તેના આક્રમણના શિકાર બનેલા દેશોનાં સશસ્ત્ર દળોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એશિયા ખંડમાં જાપાનના સામ્રાજ્યવાદી ઇરાદાઓ નાકામ કરી તેને પરાસ્ત કરવાની કામગીરીમાં પણ મિત્રરાષ્ટ્રોનાં સશસ્ત્ર દળોએ ઐતિહાસિક સ્વરૂપની કામગીરી કરી હતી.

સશસ્ત્ર દળોના બે મુખ્ય ઘટકો હોય છે : સૈનિકો અને શસ્ત્રસરંજામ. ઓગણીસમી સદીના અંત સુધી અને પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) ફાટી નીકળ્યું તે પૂર્વે સશસ્ત્ર સંઘર્ષોમાં શસ્ત્રસરંજામ કરતાં સૈનિકોનું મનોબળ અને તેમનું યુદ્ધકૌશલ્ય સાપેક્ષ રીતે મહત્ત્વનું ગણાતું હતું. વિશ્વમાં થયેલાં યુદ્ધોમાંથી એવાં યુદ્ધોનો દાખલો ટાંકી શકાય, જેમાં શસ્ત્રસરંજામનું સ્વરૂપ અને ગુણવત્તા કરતાં સેનાપતિ દ્વારા ઘડવામાં આવેલી વ્યૂહરચના અને તેના નેતૃત્વ હેઠળ લડતા સૈનિકોના પરાક્રમને કારણે યુદ્ધમાં વિજય મેળવાયો હોય. મહાન ગણાતો ઍલેક્ઝાંડર અને નેપોલિયન બોનાપાર્ટ એ બે ઉપર્યુક્ત કુશળ સેનાપતિઓના જ દાખલા છે. આમ જૂના વખતનાં યુદ્ધોમાં શસ્ત્રસરંજામ કરતાં સેનાપતિ અને સૈનિકોની ભૂમિકા વધારે મહત્ત્વની ગણાતી; પરંતુ આધુનિક યુદ્ધોમાં અને તેમાં પણ વીસમી સદીમાં વિશ્વસ્તર પર ખેલાયેલાં યુદ્ધોમાં સેનાપતિ અને સૈનિકો કરતાં શસ્ત્રસરંજામનું સ્વરૂપ અને તેની ગુણવત્તા સાપેક્ષ રીતે વધારે મહત્ત્વનાં ગણવામાં આવે છે. અલબત્ત, શસ્ત્રસરંજામનો ઉપયોગ કરવા અંગેની વ્યૂહરચના ઘડવામાં તથા યુદ્ધક્ષેત્રમાં તેનો અસરકારક અમલ કરવામાં સેનાપતિઓનું કૌશલ્ય ગૌણ ગણાય નહિ. વીસમી સદીમાં વધુ ને વધુ સંહારક શસ્ત્રો બનાવવા ઉપર વધુ ને વધુ ભાર મૂકવામાં આવ્યો છે; દા.ત., પ્રથમ વિશ્વયુદ્ધમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો, બીજા વિશ્વયુદ્ધમાં ન્યૂક્લિયર શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યારબાદના વિયેટનામ કે કુવૈત કે ઇરાક જેવાં યુદ્ધોમાં જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી ઓછામાં ઓછા સમયમાં યુદ્ધ જીતવાની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આમ હવે સશસ્ત્ર દળોમાં સૈનિકો કરતાં શસ્ત્ર-સરંજામની અસરકારકતા મહત્ત્વની બની છે.

સશસ્ત્ર દળોનું વર્ગીકરણ સામાન્ય રીતે બે પ્રકારે કરવામાં આવે છે : વર્ગીકરણની પ્રથમ રીત પરંપરાગત છે, જે મુજબ સશસ્ત્ર દળો ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (क) પાયદળ, (अ) નૌકાદળ અને (आ) હવાઈદળ. સશસ્ત્ર દળોના વર્ગીકરણની બીજી રીત મુજબ તેમના બે ભાગ પાડી શકાય : (इ) લશ્કરમાં ભરતી કરવામાં આવેલા સૈનિકો, (ख) અર્ધલશ્કરી દળો : આમાંથી લશ્કરમાં સીધેસીધી ભરતી કરવામાં આવેલા સૈનિકો યુદ્ધ માટેના મુખ્ય લડાયક ઘટકો (combat forces) ગણવામાં આવે છે; જ્યારે અર્ધલશ્કરી દળોને સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સાથે સંબંધ ધરાવતી કામગીરી સોંપવામાં આવતી હોય છે. પાયદળ, નૌકાદળ તથા વિમાનદળમાં સામેલ કરવામાં આવેલા સશસ્ત્ર સૈનિકો યુદ્ધ માટેના લડાયક ઘટકો (combat forces) ગણવામાં આવે છે; જ્યારે અર્ધસૈનિક દળોના જવાનોનો ઉપયોગ યુદ્ધમાં લડવા માટે સામાન્ય રીતે કરવામાં આવતો નથી.

લડાયક ઘટકોમાં ભરતી કરવામાં આવેલા સૈનિકોને લશ્કરની જુદી જુદી પાંખમાં વહેંચવામાં આવે છે; જેમાં બંદૂકધારી સૈનિકો(પાયદળ)નો વિભાગ; તોપખાનાનો વિભાગ (આર્ટિલરી ટૅન્કોનો વિભાગ),  બખ્તરબંધ વાહનોનો વિભાગ, સંદેશવાહકો(signals)નો વિભાગ, ગુપ્તચર વિભાગ, મેડિકલ વિભાગ, ઇજનેરી વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. સાચા અર્થમાં સશસ્ત્ર દળ આને જ કહેવાય. વળી અર્ધલશ્કરી દળો પણ સશસ્ત્ર હોય છે અને તેમાં બૉર્ડર સિક્યુરિટી ફૉર્સ (BSF), ઔદ્યોગિક સુરક્ષાદળ (ISF), રેલવે સુરક્ષા દળ (RSF), પ્રોવિન્શિયલ આમર્ડ કોન્સ્ટૅબ્યુલરી, બ્લૅક કૅટ્સ, ઇન્ડો-તિબેટન બૉર્ડર, સિક્યુરિટી ફૉર્સ, એન.સી.સી. જેવાં સંગઠનો સામેલ કરવામાં આવે છે; પરંતુ પોલીસ અને ગૃહરક્ષક દળોને લડાયક અને અર્ધલશ્કરી દળો – આ બંનેમાં સામેલ કરવામાં આવતાં નથી, જોકે તેમના જવાનો પણ આંશિક રીતે સશસ્ત્ર હોય છે.

પાયદળ એ લશ્કરનું સૌથી મહત્ત્વનું ઘટક ગણાય છે. હાલનાં યુદ્ધોમાં પણ તેની ભૂમિકા નિર્ણાયક હોય છે. શત્રુ સાથે સામસામી મૂઠભેડમાં, જીતેલા વિસ્તારો કાબૂમાં લઈ તેનાં રક્ષણ, વહીવટ, તેનાં કાયદો અને વ્યવસ્થામાં પાયદળ પ્રમુખ કામગીરી કરતું હોય છે. તેની મહત્ત્વની ભૂમિકા માટે જ તેને માનભેર ‘લશ્કરની રાણી’ (Queen of the armed forces) કહેવામાં આવે છે. એક જમાનામાં દેશનું સમગ્ર લશ્કર તેના બધા વિભાગો, પેટાવિભાગો, બધી પાંખો નૌકાદળ અને વિમાનદળ સાથે પાયદળના સેનાપતિને હસ્તક મૂકવામાં આવતાં અને તે સર્વોચ્ચ અધિકારીને સરસેનાપતિનું બિરુદ આપવામાં આવતું; જોકે હવે આ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને લશ્કરની ત્રણેય પાંખ(પાયદળ, નૌકાદળ અને વિમાનદળ)ના જે તે સમયના સર્વોચ્ચ અધિકારીઓમાંથી જે સૌથી વરિષ્ઠ હોય તેને આ પદ સામાન્ય રીતે આપવામાં આવે છે. કેટલાક દેશોમાં સરસેનાપતિનું પદ ચક્રનેમિક્રમે (rotation) અપાતું હોય છે. અમેરિકા જેવા દેશોમાં જોઇન્ટ ચીફ ઑવ્ સ્ટાફની જોગવાઈ કરવામાં આવી છે અને તે સૌથી વરિષ્ઠ અધિકારીને એનાયત કરવામાં આવે છે. ભારતમાં પણ તે પદની જોગવાઈ વિચારણા હેઠળ છે.

ભારતના હાલના સશસ્ત્ર દળના સંગઠનનો ઢાંચો બ્રિટિશ શાસનકાળ દરમિયાન જે પ્રકારનો હતો તે જ પ્રકારનો છે. તેમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે; દા.ત., સરસેનાપતિ-(commander-in-chief)નું પદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન લશ્કરના સર્વોચ્ચ વડાને અપાતું હતું, પરંતુ હવે ભારતના બંધારણ મુજબ દેશના રાષ્ટ્રપતિને ભારતીય લશ્કરના સરસેનાપતિ ગણવામાં આવે છે; જ્યારે લશ્કરનું અગાઉનું સરસેનાપતિનું પદ ‘ચીફ ઑવ્ ધી આર્મી સ્ટાફ’નું નવું નામકરણ ધરાવે છે. તેવી જ રીતે બ્રિટિશ શાસનકાળ દરમિયાન લશ્કરના અધિકારીઓનો નાનામાં નાનો હોદ્દો સેકન્ડ લેફ્ટનન્ટ અને સર્વોચ્ચ હોદ્દો જનરલનો રહેતો, જ્યારે હવે લેફ્ટનન્ટથી શરૂ કરીને ચઢતા ક્રમે તે ફિલ્ડ-માર્શલ સુધી જતો હોય છે. (અલબત્ત, ફિલ્ડ-માર્શલનું પદ અત્યાર સુધી માત્ર બે જ પૂર્વ જનરલોને આપવામાં આવ્યું છે : સૅમ માણેકશા તથા કે. એમ. કરિઅપ્પા. આ બંને લશ્કરના ચીફ ઑવ્ સ્ટાફ તરીકે નિવૃત્ત થયા છે.)

આઝાદી પછી ભારતના સશસ્ત્ર દળની કામગીરી વ્યાપક બની છે. તેમાં યુદ્ધ દરમિયાન દેશના રક્ષણની તથા આંતરિક અરાજકતાના સમયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત લશ્કરને અન્ય કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવે છે; દા.ત., રાષ્ટ્રસંઘના નેજા હેઠળ વિદેશોમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેવાઓ આપવી; પ્રાકૃતિક આફતો દરમિયાન રાહતકાર્ય કરવું; વિદેશી મહેમાનોના આગમન-ટાણે તેમને માનવંદના (Guard of Honour) આપવી; પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે પાટનગર દિલ્હી ખાતે પરેડ મારફત દેશની વધતી લશ્કરી તાકાતનું આમ જનતા સમક્ષ પ્રદર્શન કરવું; રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યપાલોના અંગરક્ષક તરીકે કામ કરવું વગેરે. આમાં વિદેશોમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેવાઓ આપવાનું કાર્ય મહત્ત્વનું ગણાય. અત્યાર સુધી ભારતના સશસ્ત્ર દળે કૉંગો, કોરિયા, ઇથિયોપિયા અને શ્રીલંકા જેવા દેશોમાં આવી કામગીરી કરી છે અને શ્રીલંકાની કામગીરી સિવાય બાકીનામાં પ્રશંસા પણ મેળવી છે.

ભારતની પ્રજાના મનમાં દેશના સશસ્ત્ર દળ માટે માનની લાગણી છે; કારણ કે પાકિસ્તાન સાથેનાં બધાં જ યુદ્ધોમાં ભારતે વિજય મેળવ્યો છે; એટલું નહિ, પરંતુ એક શિસ્તબદ્ધ સંગઠન તરીકે પ્રજાના મનમાં તેના પ્રત્યે સવિશેષ આદરભાવ છે. ભારતના સશસ્ત્ર દળમાં કામ કરતા સૈનિકોને શાંતિદૂત અને પ્રજાના સાચા મિત્ર ગણવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે