સરખેજ : અમદાવાદ સિટી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 59´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.. તે અમદાવાદ શહેરથી પશ્ચિમ તરફ અમદાવાદ-સૌરાષ્ટ્રના માર્ગ પર આવેલું છે.
સરખેજ અને તેની આજુબાજુની ભૂમિ સમતળ અને ફળદ્રૂપ છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને 26° સે. તથા 29° સે. અને 13° સે. જેટલાં રહે છે. નૈર્ઋત્યના મોસમી પવનોને કારણે અહીં સરેરાશ વરસાદ 780 મિમી. જેટલો પડે છે, તેમ છતાં દર વર્ષે તેની અનિયમિતતા રહે છે. દર પાંચ વર્ષ દરમિયાન એક-બે વર્ષ વરસાદની અછતનાં આવી જાય છે. આજુબાજુના વિસ્તારમાં કૂવા અને વરસાદ આધારિત ડાંગર, જુવાર, બાજરીનો પાક લેવાય છે. હવે વસ્તીવૃદ્ધિ તથા આવાસોની તંગીને કારણે ખેતીના પાક ઓછા લેવાય છે. અહીં કૃષિસાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. પરંપરાગત હાથસાળનું કાપડ વણવાનું તથા સુથારી-લુહારી અને માટીકામ જેવા ગૃહઉદ્યોગનું કામ અહીં ચાલે છે.
અગાઉના સમયમાં સરખેજ પશ્ચિમ ભારતનું ગળીનું મુખ્ય મથક ગણાતું હતું, તે ગળીના વેપાર માટે જાણીતું હતું. અહીંની ગળી યુરોપના જુદા જુદા દેશોમાં નિકાસ થતી હતી. આ કારણે ડચ કંપનીએ તેની કોઠી સરખેજ ખાતે 1620માં નાખી હતી. પરદેશથી વેપારીઓ અને સોદાગરો ગળી ખરીદવા અને સોદા કરવા સરખેજ આવતા હતા. વખત જતાં જર્મનીથી રાસાયણિક ગળીની આયાત થવાથી અહીંનો ગળીઉદ્યોગ ભાંગી પડ્યો હતો. સરખેજ એક વખત યુદ્ધક્ષેત્ર તરીકે પણ ઓળખાતું હતું. અમદાવાદ જીતવા કે બળવા દબાવવા વાસ્તે આ યુદ્ધક્ષેત્ર બની રહેતું હતું.
અહીં પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની શિક્ષણ-સગવડો ઉપલબ્ધ છે. વિવિધ વ્યવસાયના તાલીમાર્થીઓને માટે અહીં ઔદ્યોગિક તાલીમકેન્દ્ર આવેલું છે. મોઢેરાના વિનાશ બાદ મોઢ બ્રાહ્મણો સરખેજમાં આવીને વસેલા. આ ઉપરાંત અહીં પાટીદારો, કારીગર વર્ગ તેમજ પછાત વર્ગની વસ્તી છે. લાઠીરાજવી કવિ કલાપીના મિત્ર ‘સાગર’-જગન્નાથ ત્રિપાઠી સરખેજના વતની હતા. કવિ દલપતરામના પિતાની સમાધિ અહીં સરખેજમાં આવેલી છે.
સરખેજ એ અમદાવાદ-ભાવનગર મીટરગેજ રેલમાર્ગનું (રેલ)મથક છે. અમદાવાદ-મુંબઈને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નં. 8 અહીં સરખેજ નજીકથી પસાર થાય છે. સરખેજ-ગાંધીનગર સાથે તથા અમદાવાદ સાથે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. સાણંદ, ધંધુકા, ધોળકા, બરવાળા, વિરમગામ સાથે પણ તે વેપાર અર્થે જોડાયેલું રહે છે. તેનો વિશેષ વ્યવહાર અમદાવાદ સાથે ચાલે છે. વાણિજ્ય અને સહકારી બૅંકોની શાખાઓ અહીં આવેલી છે.
ગુજરાતના સુલતાનો, તેમનાં કુટુંબીજનો તથા તત્કાલીન મુસ્લિમ સંતોના રોજાઓ, કબરો અને મસ્જિદો અહીં જોવા મળે છે. ગુજરાતના સુલતાન મહેમૂદ બેગડા અને તેની બેગમોની કબરો પણ અહીં આવેલી છે. આ ઉપરાંત અહીં આશરે 171 એકર ક્ષેત્રફળ ધરાવતું સુંદર સરોવર પણ છે. બેગડાના મહેલના અવશેષો અહીં જોવા મળે છે.
ધર્મારણ્ય માહાત્મ્યમાં જે ‘શ્રીક્ષેત્ર’નો ઉલ્લેખ મળે છે, તે આજના અમદાવાદ નજીક આવેલ સરખેજ માટે પ્રયુક્ત થયું છે. સુલતાન મહેમૂદ બેગડાના સલાહકાર અને મિત્ર શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ પાટણથી આવીને અહીં વસેલા. અમદાવાદ શહેરનો પાયો નાખનાર પાંચ ઑલિયા અહમદો પૈકીના તેઓ એક હતા. તેઓ ઈ. સ. 1446માં મરણ પામ્યા ત્યારે તેમની ઉંમર 111 વર્ષની હતી. તેમની કબર પણ અહીં આવેલી છે, જે સરખેજના રોજા તરીકે ઓળખાય છે. તેનું બાંધકામ બેગડાના અનુગામી સુલતાન કુતુબુદ્દીનના શાસન દરમિયાન છ વર્ષના ગાળામાં પૂરું થયેલું. આ રોજો ગુજરાતમાં સૌથી મોટો છે. રોજાની આસપાસ પથ્થરની કોતરણીવાળી જાળીઓ છે. અંદર આવેલ કબર ફરતે ધાતુની સુંદર જાળી પણ છે. રોજાની આસપાસ એક એકરથી વધુ વિસ્તાર ધરાવતું ચોગાન છે. તેની પશ્ચિમે આવેલી મસ્જિદ જુમા મસ્જિદ કરતાં નાની છે. સુલતાન મહમૂદશાહ બેગડો અને એના પુત્ર મુઝફ્ફરશાહની કબરો શેખ અહમદશાહના રોજા સામે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રાચીન સરખેજનો વિસ્તાર મોટો હોવો જોઈએ. સરખેજ હજી એના જૂના અવશેષો અસ્તિત્વ ધરાવે છે. આ સિવાય પણ બીજા બે રોજા છે.
સરખેજમાં રોજા અને મસ્જિદની પાછળ વિશાળ જળાશય છે. સરોવરના સામા કાંઠે સલ્તનત સમયની મોટી ઇમારતો છે. તે સંભવત: આનંદપ્રમોદના મહેલો હતા એમ માની શકાય. સરોવરમાં ઊતરવાનાં પગથિયાં ઉપરાંત ઢોરને ઊતરવાના ઢાળ પણ બનાવેલા છે. સરોવરમાં પાણી ભરાય તે વાસ્તે ત્રણ નાળાં પણ બનાવેલાં છે. તેમાં આવતું પાણી ચોખ્ખું આવે – કચરો બહાર રહે એવી ગાળણ-જાળી ગોઠવેલી છે. જળાશય કાંઠે મહેમૂદ બેગડાનું વિશ્રામગૃહ હતું. સુલતાન મહેમૂદ તથા તેના જનાનખાનાના મહેલોના અવશેષો જળાશય નજીક આવેલા છે. જળાશયથી સહેજ દક્ષિણમાં સંત બાબા અલીશેરની કબર છે. આ સંતની ખ્યાતિ અહમદ ખટ્ટુ ગંજબક્ષ કરતાં પણ વધુ હતી. નજીકમાં મિર્ઝા ખાનખાનાન દ્વારા ફતેહવાડી બાગ ઈ. સ. 1584માં તૈયાર કરાયો હતો. મુઘલ બાદશાહે આ બાગની ઉનાળામાં મુલાકાત લીધી, ત્યારે લીલાંછમ વૃક્ષો અને તેની પર ફળો હતાં. ખાનખાનાની પુત્રીએ 400 કારીગરોની મદદથી મીણનાં બનેલાં વૃક્ષો અને ફળોને અડકવા જતાં તેને અટકાવેલ; તે વખતે તેની ખરી હકીકત કહેલી. બાદશાહે તેને કલાકાર તરીકે શાબાશી આપી હતી. રત્નમણિરાવ જોટેએ ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ પુસ્તકમાં સરખેજના રોજાની અને બાગની વિગત આપી છે.
શિવપ્રસાદ રાજગોર
હસમુખ વ્યાસ