સરગવો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરિન્ગેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera Lam. syn. M. pterygosperma Gaertn. (સં. શોભાંજન, શિગ્રુ, અક્ષીવ; હિં. સૈંજના, શાજના, મુંગ્ના; બં. સજેના, શજિના; મ. શેવગા, શગેટા; ગુ. સેક્ટો, સરગવો; અં. ડ્રમસ્ટિક ટ્રી, હોર્સ રેડીશ ટ્રી) છે. એક નાનું કે મધ્યમ કદનું, 4.5 મી.થી 10.0 મી. ઊંચું, 30 સેમી.થી 60 સેમી. વ્યાસના થડવાળું વૃક્ષ છે અને ઉપ-હિમાલયી માર્ગમાં પૂર્વમાં ચિનાબથી સરદામાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. ભારતનાં મેદાનોમાં તે બધી જગાએ વાવવામાં આવે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારના સમુદ્રકિનારાના પ્રદેશમાં સરગવો સારો થાય છે. તેની શાખાઓ બટકણી અને છાલ મૃદુ, ઊંડી તિરાડોવાળી, ભૂખરી અને ત્વક્ષીય (corky) હોય છે. તેના તરુણ ભાગો ઘન રોમિલ (tomentose) હોય છે. પર્ણો સામાન્યત: ત્રિપીંછાકાર (tripinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ ઉપવલયી (elliptic) હોય છે. પુષ્પો સફેદ, સુગંધિત હોય છે અને મોટા લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેની શિંગો લટકતી, લીલી, ત્રિકોણીય (trigonous) ખાંચોવાળી 22.5 સેમી.થી 50 સેમી. લાંબી, ઉપરથી કઠણ છાલની અને અંદરથી સફેદ ગર્ભવાળી હોય છે. બીજ ત્રિકોણીય અને ખૂણાઓ પર સપક્ષ (winged) હોય છે.

આકૃતિ 1 : સરગવા(Moringa oleifera)નું વૃક્ષ

સરગવો ઉત્તર-પશ્ચિમ ભારતની સ્થાનિક (indigenous) વનસ્પતિ છે અને તાજી જલોઢ (alluvial) ભૂમિમાં અને નદીઓ અને ઝરણાંના કિનારે રેતાળ ભૂમિમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. રેતાળ ગોરાડુ ભૂમિમાં ચૂનાનું પ્રમાણ ફાયદાકારક છે. તેનું વાડમાં અને ઘરવાડીઓમાં ઘણી વાર વાવેતર થાય છે. તે કઠણ માટી (clay) સિવાયની બધા પ્રકારની મૃદામાં થાય છે. તેને દક્ષિણ ભારતની ઉષ્ણકટિબંધીય દ્વીપીય (insular) આબોહવા સૌથી અનુકૂળ છે. જમીનનો pH 6.0થી 7.5 હોવો જરૂરી છે.

પ્રસર્જન : આ વૃક્ષનું પ્રસર્જન બીજ અને વાનસ્પતિક – એમ બંને રીતે થાય છે. બીજથી પ્રસર્જન કરવા માટે જૂન-જુલાઈ અથવા નવેમ્બર-ડિસેમ્બર માસ વધારે અનુકૂળ આવે છે. એક હૅક્ટર વિસ્તારના વાવેતર માટે 500 ગ્રા. બીજ જરૂરી હોય છે. બીજની વાવણી કર્યા પછી 7થી 10 દિવસે ઉગાવો શરૂ થાય છે. બીજ 2.5 મી. x 2.5 મી.ના અંતરે, અગાઉથી ઉનાળામાં તૈયાર કરેલ 45 x 45 x 45 સેમી.ના માપના ખાડામાં નક્કી કરેલી જગાએ 3.0થી 5 સેમી. ઊંડે રોપવામાં આવે છે. તે પહેલાં ખાડાને માટી અને કંપોસ્ટ ખાતરથી ભરવામાં આવે છે.

વાનસ્પતિક પ્રસર્જન કટકારોપણ, આંખકલમ અને હવાદાબ કલમ દ્વારા થાય છે.

1. કટકારોપણ : 1 મીટર લાંબી અને 15-16 સેમી. જાડાઈની શાખા સીધેસીધી કટકારોપણ-પદ્ધતિથી વાવી શકાય છે. જૂનથી ઑગસ્ટ સુધીનો સમય કટકા રોપવા માટે ખૂબ અનુકૂળ છે. કટકા રોપ્યા પછી ટેકો આપી બાંધવાથી પવન સામે રક્ષણ મળી શકે.

2. આંખકલમ : ઢાલાકાર આંખકલમથી તૈયાર થયેલ છોડ 6 માસમાં ફળ આપવાનું શરૂ કરે છે અને 13 વર્ષ સુધી પાક આપે છે. આંખકલમ કરવાનો ઉત્તમ સમય સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો છે.

3. હવાદાબ-કલમ : હવાદાબ-કલમ કરેલ શાખાને સિરાડેક્સ-2ની માવજત આપ્યા પછી 26થી 28 દિવસ બાદ લગભગ 100 % સફળતા સાથે મૂળ ફૂટે છે અને રોપવાલાયક છોડ તૈયાર થાય છે.

સરગવાની જાતો : 1. જાફના : શ્રીલંકાથી લાવવામાં આવેલી જાત છે. તે નરમ માવાવાળી અને સારા સ્વાદવાળી આશરે 60 સેમી.થી 90 સેમી. લાંબી શિંગો ધરાવે છે. છોડ બીજા વર્ષથી 300થી 400 શિંગો અને ત્રીજા વર્ષથી 600 શિંગો જેટલું વાર્ષિક ઉત્પાદન આપે છે.

2. ચવકચેરી : જાફના પ્રકારની એક જાત જે લાલ પટ્ટીવાળી 90થી 120 સેમી. લાંબી શિંગો ધરાવે છે.

3. ચેમુંરૂંગાઈ : જાફના પ્રકારની જ બીજી જાત છે, જેની શિંગ લાલ પટ્ટીવાળી હોય છે. તેને પુષ્પ અને શિંગ આખા વર્ષ દરમિયાન આવતી હોઈ ઉત્પાદન વધુ પ્રાપ્ત થાય છે.

4. કટુમુરૂંગાઈ : તમિળનાડુ રાજ્યમાં સ્થાનિક જાતમાંથી પસંદ કરેલ જાત છે, જેનું બીજ વડે પ્રસર્જન થાય છે. વાર્ષિક 400-500 શિંગો ઝાડ દીઠ મળે છે. શિંગ 25થી 30 સેમી. લાંબી હોય છે. ઝાડનું કદ ઠીંગણું હોઈ શિંગો ઉતારવાનું સહેલું છે. પહેલી વીણી પછી ઝાડને જમીનથી એક મીટર ઊંચાઈએ કાપી નાખવામાં આવે છે. મુખ્ય છોડ 2થી 3 વર્ષ સુધી લામ તરીકે રાખવામાં આવે છે. રોપણી બાદ 6 માસની ઉંમરે પુષ્પનિર્માણ શરૂ થાય છે.

5. કોડીકાલ મુરુંગાઈ : તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં નાગરવેલના પાન સાથે તેનું વાવેતર કરવામાં આવે છે. શિંગ 25થી 30 સેમી. લાંબી, જાડી અને માવાદાર હોય છે. શિંગો અને પાન સ્વાદિષ્ટ હોય છે.

6. યઝપાનામ સરગવો : તામિલનાડુ રાજ્યની લીલી અને 60થી 90 સેમી. લાંબી શિંગોવાળી જાત છે. છોડનું વર્ધન ડાળીઓની કટકા-કલમથી થાય છે, જે 8થી 9 માસે ઉત્પાદન આપવાનું ચાલુ કરે છે. દર વર્ષે ઝાડદીઠ 250થી 300 શિંગો મળે છે.

7. પીકેએમ. 1 : તે ઠીંગણા સરગવા તરીકે પ્રખ્યાત છે. કટકા-કલમ રોપ્યા બાદ 90થી 100 દિવસમાં તેને પુષ્પ બેસે છે અને વાર્ષિક 250થી 275 શિંગો મળે છે; જેનું વજન 33-35 કિગ્રા. જેટલું હોય છે. શિંગો 65થી 70 સેમી. લાંબી, 6.3 સેમી. જાડી અને સરેરાશ 160 ગ્રામ વજન ધરાવે છે. લામ પાક ત્રણ વર્ષ સુધી લઈ શકાય છે. ગુજરાત રાજ્ય માટે આ અનુકૂળ જાત છે.

‘વન્ય’ તરીકે ઊગતાં વૃક્ષોનાં ફળ નિમ્ન કક્ષાનાં અને કેટલીક વાર કડવાં હોય છે.

ભારતમાં સરગવાને કોઈ ગંભીર રોગ થતો નથી. ચેન્નાઈમાં Diplodia sp. દ્વારા તલ-સડો (foot rot) થાય છે. પ્રકાંડ વેધક (stem-borer) અને બે પ્રકારની ઇયળો વૃક્ષને અસર કરે છે. તે પૈકી Eupterote mollifera wtk. નામની રૂંછાળી ઇયળને લીધે વિપત્રણ (defoliation) થાય છે. તેનું નિયંત્રણ માછલીના તેલ, રેઝિન સાબુ અથવા BHCના છંટકાવ દ્વારા કે તેમને બાળી નાખવાથી કરી શકાય છે.

પોષક તત્ત્વોની માવજત : સરગવો કોઈ પણ જગ્યાએ અને ગમે તેવી પરિસ્થિતિમાં ઊગી શકે છે. આથી ખાતર આપવાની પ્રથા નથી; પરંતુ કેરળ સહિત દક્ષિણનાં રાજ્યોમાં, ગુજરાત રાજ્યમાં અને અન્ય પ્રદેશોમાં પણ સારું કંપોસ્ટ ખાતર, પાંદડાંનું ખાતર અને રાખ છોડની ફરતે નાની ખાઈ બનાવી ચોમાસાની શરૂઆતમાં આપવામાં આવે છે.

હાલમાં સરગવાની વ્યાપારિક ધોરણે ખેતી કરવામાં આવતી હોઈ સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતર નીચે જણાવ્યા મુજબ આપવું ફાયદાકારક છે :

ખાતર આપવાનો સમય જથ્થો : નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ ગ્રા./છોડ
રોપણી બાદ ત્રણ મહિને પાયાના ખાતર તરીકે 45 ગ્રામ : 16 ગ્રામ : 30 ગ્રામ
રોપણીના છ માસ બાદ 45 ગ્રામ : 00 : 00

અન્ય માવજતો : છોડની રોપણી બાદ બે માસ સુધી ખેતર નીંદામણમુક્ત રાખવામાં આવે છે. અંદાજે 90 સેમી.ની ઊંચાઈ સુધી છોડ વૃદ્ધિ પામે ત્યારબાદ નીંદામણ કરવાની ખાસ જરૂર રહેતી નથી. વધુ જુસ્સાવાળા છોડ પરથી શિંગો ઉતારવાની મુશ્કેલી પડે છે. સમયે સમયે છાંટણી કરવી હિતાવહ છે. આથી 75 સેમી.થી 1 મીટરની ઊંચાઈએ છોડનું મુખ્ય થડ કાપી નાંખવામાં આવે છે. છોડની 90થી 120 સેમી. ઊંચાઈએથી મુખ્ય થડની છાંટણી કરવાથી નવાં પીલાં ફૂટે છે, જેમને લામ કહે છે. તે 4થી 5 માસમાં ફૂલ-ફળ (શિંગ) આપવાનું શરૂ કરે છે. આવા ત્રણ વખત લામ-પાક લઈ શકાય છે. દરેક લામ-પાક માટે અગાઉ જણાવેલ ખાતર આપવાથી ઉત્પાદન સારું મળે છે.

લણણી : વાર્ષિક સરગવાના છોડ પરથી 6 માસ બાદ ફૂલ આવી શિંગો આપવાનું શરૂ થાય છે. વાર્ષિક 200 લીલી શિંગો છોડ દીઠ મળે છે. હૅક્ટર દીઠ 50થી 52 ટન ઉત્પાદન મળે છે.

સરગવાની શિંગો મુખ્યત્વે શાકભાજી તરીકે ઉપયોગી છે. તેમનાં પતીકાં (slices) પાકકલા(culinary)ની બનાવટમાં વપરાય છે. તેનું અથાણું પણ બનાવવામાં આવે છે. પુષ્પો અને કુમળાં પર્ણોનો પણ શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. બીજનો તળ્યા પછી ઉપયોગ કરવામાં આવે છે અને તેનો સ્વાદ મગફળી જેવો હોય છે. ટ્રુ હૉર્સ રેડીશ(Cochleria armoracia)ની જેમ તેનાં મૂળનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. તેની કુમળી શાખાઓ અને પર્ણો ચારા તરીકે વપરાય છે.

વૃક્ષના બધા જ ભાગો ઔષધીય ગણાય છે અને તેમનો ઉપયોગ જલોદર (ascites), સંધિવા, વિષયુક્ત (venomous) દંશની ચિકિત્સામાં અને હૃદય તેમજ રુધિરાભિસરણના ઉત્તેજક તરીકે ઉપયોગી છે. નાનાં વૃક્ષનાં મૂળ અને મૂળની છાલ રક્તિમાકર (rubifacient) અને સ્ફોટક (vesicant) હોય છે. પર્ણો વિટામિન ‘એ’ અને ‘સી’ ધરાવે છે અને સ્કર્વી અને શ્લેષ્મસ્રાવી (catarrhal) દર્દોમાં ઉપયોગી છે. તેમનો વામક (emetic) તરીકે પણ ઉપયોગ થાય છે. પર્ણોનો મલમ ઘા ઉપર લગાડવામાં આવે છે. પુષ્પો બલ્ય (tonic), મૂત્રલ (diuretic) અને પિત્તરેચક (cholagogue) તરીકે વપરાય છે. બીજ જ્વરહર (antipyretic), તીક્ષ્ણ (acrid) અને કડવાં હોય છે. બીજનું તેલ સંધિવા અને ગાઉટ પર લગાડવામાં આવે છે.

શિંગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 86.5 %, પ્રોટીન 2.5 %, મેદ (ઈથર નિષ્કર્ષ) 0.1 %, કાર્બોદિત 3.7 %, રેસો 4.8 % અને ખનિજ-દ્રવ્યો 2.0 %; કૅલ્શિયમ 30 મિગ્રા., ફૉસ્ફરસ 110 મિગ્રા. અને લોહ 5.3 મિગ્રા./100 ગ્રા.; તાંબું 3.1 માઇક્રોગ્રામ/ગ્રા., આયોડિન 18 માઇક્રોગ્રામ/કિગ્રા. અને ઑક્ઝેલિક ઍસિડ 0.01 %. શિંગમાં કૅરોટિન (વિટામિન A તરીકે) 184 આઇ. યુ., નિકોટિનિક ઍસિડ 0.2 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 120 મિગ્રા./100 ગ્રા. હોય છે. શિંગને દાબીને કાઢેલો રસ ઍસ્કૉર્બિક ઍસિડ ઑક્સિડેઝ ધરાવે છે.

શિંગમાં ગ્લોબ્યુલિન (N. 15.6 % અને સલ્ફર 1.58 %) અને પ્રૉલેમિન (N 14.02 % અને સલ્ફર 1.43 %) હોય છે. કુલ પ્રોટીનમાં આવશ્યક એમિનો ઍસિડ આર્જિનિન 3.6, હિસ્ટિડિન 1.1, લાયસિન 1.5, ટ્રિપ્ટોફેન 0.8, ફિનિલઍલેનિન 4.3, મિથિયૉનિન 1.4, થ્રિયૉનિન 3.9, લ્યુસિન 6.5, આઇસોલ્યુસિન 4.4 અને વેલાઇન 5.4 ગ્રા./16 ગ્રા. N હોય છે. બિનપ્રોટીન નાઇટ્રોજન 56.9 % હોય છે. બિનપ્રોટીન ઘટકમાં હિસ્ટિડિન 4.6 મિગ્રા., આર્જિનિન 48.0 મિગ્રા., થ્રિયૉનિન 19.5 મિગ્રા., વેલાઇન 27.5 મિગ્રા., મિથિયૉનિન 2.6 મિગ્રા., ફિનિલએલેનિન 5.6 મિગ્રા., આઇસોલ્યુસિન 15.0 મિગ્રા., લ્યુસિન 182 મિગ્રા. અને ટાયરોસિન 3.7 મિગ્રા/100 ગ્રા. હોય છે. લાયસિન અને ટ્રિપ્ટોફેન અતિઅલ્પ હોય છે અને સિસ્ટાઇન હોતું નથી. શિંગમાં મુક્ત લ્યુસિન વિપુલ પ્રમાણમાં હોય છે.

પર્ણોમાં કેરોટિન અને ઍસ્કૉર્બિક ઍસિડ સારા પ્રમાણમાં હોય છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 75 %, પ્રોટીન 6.7 %, લિપિડ (ઈથર નિષ્કર્ષ) 1.7 %, કાર્બોદિતો 13.4 %, રેસો 0.9 % અને ખનિજદ્રવ્ય 2.3 %; કૅલ્શિયમ 440 મિગ્રા., ફૉસ્ફરસ 70 મિગ્રા. અને લોહ 7.0 મિગ્રા./100 મિગ્રા.; તાંબું 1.1 માઇક્રોગ્રામ/ગ્રા. અને આયોડિન 51 માઇક્રોગ્રામ/કિગ્રા.. પર્ણો કૅરોટિન (વિટામિન ‘એ’ તરીકે) 11,300 આઇ. યુ.; વિટામિન B12 210 માઇક્રોગ્રામ, નિકોટિનિક ઍસિડ 0.8 મિગ્રા., ઍસ્કૉર્બિક ઍસિડ 220 મિગ્રા. અને ટોકોફેરોલ 7.4 મિગ્રા/100 ગ્રા. ધરાવે છે. ઇસ્ટ્રોજનીય પદાર્થો અને પૅક્ટિન એસ્ટરેઝ પણ હોય છે. પર્ણોના જલીય નિષ્કર્ષણ દ્વારા ઍસ્કૉર્બિક ઍસિડ એકત્ર કરવામાં આવે છે. પુષ્પનિર્માણ પછી પર્ણોમાં ઍસ્કૉર્બિક ઑક્સિડેઝ ઉત્પન્ન થાય છે અને પર્ણોના જલીય નિષ્કર્ષમાં આ વિટામિન ઝડપથી વિઘટન પામે છે.

પર્ણમાં આવશ્યક એમિનો ઍસિડનું પ્રમાણ નીચે મુજબ છે : આર્જિનિન 6.0, હિસ્ટિડિન 2.1, લાયસિન 4.3, ટ્રિપ્ટોફેન 1.9, ફિનિલએલેનિન 6.4, મિથિયૉનિન 2.0, થ્રિયૉનિન 4.9, લ્યુસિન 9.3, આઇસોલ્યુસિન 6.3 અને વેલાઇન 7.1 ગ્રા./16 ગ્રા.N. % પ્રોટીનના અંત:ગ્રહણ થાય તો પર્ણ પ્રોટીનનું જૈવિક મૂલ્ય (biological value) અને પાચ્યતા-આંક (digestibility co-efficient) અનુક્રમે 41 % અને 77 % હોય છે. કુમળાં પર્ણોમાં કુલ નાઇટ્રોજનના 16 % બિનપ્રોટીન નાઇટ્રોજન હોય છે. પર્ણોનું ચૂર્ણ ચોખાના ખોરાકની તુલનામાં ઉચ્ચ પૂરક મૂલ્ય (supplementary value) ધરાવે છે.

પુષ્પોમાં ઍલ્કેલૉઇડ અતિઅલ્પ પ્રમાણમાં હોય છે. તે મીણ, ક્વિર્સેટિન અને કૅમ્ફેરોલ ધરાવે છે. પુષ્પોની ભસ્મમાં પોટૅશિયમ અને કૅલ્શિયમ વિપુલ પ્રમાણમાં હોય છે.

બીજ [સરેરાશ વજન 0.3 ગ્રા., બીજાવરણ 26 %30 %, મગજ (kernal) 70 %74 %] તૈલી હોય છે. મગજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 4 %, અશુદ્ધ પ્રોટીન 38.4 %, મેદીય તેલ 34.7 % N-મુક્ત નિષ્કર્ષ 16.4 %, રેસો 3.5 % અને ખનિજદ્રવ્ય 3.2 %. મગજમાંથી આછા પીળા રંગનું, અશુષ્ક (nondrying) મંદ-સુગંધિત તેલ મેળવવામાં આવે છે. તેનું અતિશીતન (chilling) કરવાથી સ્ટીઅરિન એકત્રિત થાય છે.

આકૃતિ 2 : સરગવાનો ગુંદર, બીજ અને છાલ

1. oleifera અને M. peregrina syn. M. apteraનાં બીજના તેલને ‘બેન’ કે ‘બેહેન’ તેલ કહે છે. તેનો ઉપયોગ ખાદ્ય તેલ, દીવા સળગાવવા માટે અને સૌંદર્ય-પ્રસાધનમાં થાય છે. એન્ફલુરેજ (enfleurage) માટે અને યંત્રોના ઊંજણ (lubricant) માટે આ તેલ યોગ્ય ગણાય છે. તે ઑલિવ તેલ સાથે સામ્ય ધરાવે છે.

મગજમાંથી તેલનું નિષ્કર્ષણ કર્યા પછી રહેતો અવશેષ કડવો હોય છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 58.93 %, કૅલ્શિયમ (CaO) 0.4 %, ફૉસ્ફોરિક ઍસિડ (P2O5) 1.09 % અને પોટૅશિયમ (K2O) 0.80 %.

મૂળની છાલમાં બે ઍલ્કેલૉઇડ (કુલ ઍલ્કેલૉઇડ 0.1 %) હોય છે : (1) મોરિન્ગીન, જે બેન્ઝિલ એમાઇન જેવું હોય છે; અને (2) મોરિન્ગીનિન, જે બેઝના અનુકંપીસમ (sympathomimetic) સમૂહમાં આવે છે. મોરિન્ગીનિન અનુકંપી ચેતાના છેડાઓ પર ક્રિયા કરી રુધિરનું દબાણ વધારે છે, હૃદયનાં સ્પંદનો વધારે ઝડપી બનાવે છે અને રુધિરવાહિનીઓનું સંકોચન કરે છે. તે સ્વર અને જઠરાંત્રીય (gastrointestinal) માર્ગના અનૈચ્છિક સ્નાયુઓના હલનચલનને અવરોધે છે. તે શ્વસનિકાઓ(bronchioles)નું શિથિલન કરે છે. મૂળમાંથી સ્પાયરોચીન નામનું ઍલ્કેલૉઇડ અલગ કરવામાં આવ્યું છે. તે ઊંચી સાંદ્રતાએ વેગસચેતાને નિષ્ક્રિય બનાવે છે. મૂળની છાલમાં અત્યંત અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ હોય છે. તે ઉગ્ર વાસ, ફાઇટોસ્ટેરોલ, મીણ અને રાળ ધરાવે છે. છાલમાંથી જાડો રેસો ઉત્પન્ન થાય છે.

પર્ણોનો રસ Micrococcus pyogenes var. aureus, Escherichia coli અને Bacillus subtilis સામે ઉગ્ર પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે. તે 1 : 1,000,000ના પ્રમાણમાં જીવાણુસ્તંભક (bacteriostatic) છે.

મૂળ સક્રિય પ્રતિજૈવિક (antibiotic) ઘટક પ્ટેરીગોસ્પર્મિન (C22H18O2N2S2) ધરાવે છે. તે નીચા તાપમાને ઓગળતો અસ્થાયી પદાર્થ છે અને વિશિષ્ટ વાસ ધરાવે છે. તે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, પરંતુ પાણીમાં અતિઅલ્પ દ્રાવ્ય છે. તે બેન્ઝિલ આઇસોથાયૉસાયનેટમાં ઝડપથી વિઘટન પામે છે; જે પાણી કરતાં ફૉસ્ફેટ બફરમાં વધારે સ્થાયી છે. પ્ટેરિગોસ્પર્મિન (0.5-3.0 માઇક્રોગ્રામ/ઘન સેમી. જેટલી સાંદ્રતાએ) Micrococcus pyogenes var. aureus, Bacillus subtilis, Escherichic coli, Aerobactor aurogenes, Salmonella typhosa, S. enteritides, S. paratyphosus, Shigella dysenteriae, Myco-bacterium phlei અને M. tuberculosis var. hominis સહિત અનેક ગ્રામધનાત્મક અને ગ્રામઋણાત્મક બૅક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે છે. વધારે ઉચ્ચ સાંદ્રતાએ (7-10 માઇક્રોગ્રામ/ઘન સેમી.) તે ફૂગ સામે સક્રિય હોય છે. તે રુધિર અને જઠરરસમાં સ્થાયી હોય છે, છતાં સ્વાદુપિંડરસમાં વિઘટન પામે છે. તેની અસરને થાયેમિન અને ગ્લુટામિક ઍસિડ દ્વારા પ્રતિકારી શકાય છે; પરંતુ પાયરીડૉક્સિન દ્વારા તેની અસર પ્રબલિત (reinforced) થાય છે. પ્રાયોગિક પ્રાણીઓ પર તેની વિષાળુ અસર થાય છે; છતાં ઓછી સાંદ્રતાએ ઉંદરને સ્ટેફિલોકૉકસના ચેપ સામે રક્ષણ આપે છે. પ્ટેરિગોસ્પર્મિન શાકભાજી અને ફળોના પરિરક્ષણ અને બીજ-ચિકિત્સામાં ઉપયોગી છે.

તેનો ગુંદર શરૂઆતમાં સફેદ હોય છે,  પરંતુ પછીથી ખુલ્લામાં તે રાતો-બદામી કે બદામી-કાળા રંગમાં ફેરવાય છે. પાણીમાં તે અલ્પ દ્રાવ્ય છે, પરંતુ તેના સંપર્કમાં ગુંદર ફૂલે છે અને ખૂબ ઘટ્ટ દ્રાવણ બનાવે છે. એરેબિનોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુક્યુરોનિક ઍસિડ (10 : 7 : 2 મોલ પ્રમાણમાં) ધરાવતો તે પૉલિયુરોનાઇડ છે. તેમાં ર્હેમ્નોઝ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. ગુંદર કાપડ છાપવાના રંગમાં વપરાય છે. તે ખાવામાં વપરાતો નથી. સરગવાના બીજમાંથી કાગળ ચોંટાડવાનો ગુંદર બને છે. તે ખૂબ સફેદ અને સ્વચ્છ હોય છે. જો પોલીસ-કૂતરાને વિધિસર એક વાર બીજ આપવામાં આવે તો તેનાથી કૂતરાની ગંધ પારખવાની શક્તિ ભારે તીવ્ર બની શકે છે.

આયુર્વેદ અનુસાર તે સ્વાદે તીખો, કડવો, જરાક ખારો, રુચિકર, પચવામાં હળવો, ગરમ, પાચક, જઠરાગ્નિવર્ધક, રૂક્ષ, ઝાડાને રોકનાર, વીર્યવર્ધક, હૃદય માટે હિતકારી અને રક્તને બગાડનાર, પિત્ત કોપાવનાર, દાહકર્તા, આંખ માટે હિતકારી અને કફ, વાયુ, મુખજાડ્યતા, વ્રણ (જખમ), કૃમિ, આમદોષ, વિદ્રધિ, બરોળ, ગુલ્મ, સોજો, ચળ, ઉપદંશ (સિફિલિસ), મેદરોગ, ગંડમાળા, પ્લીહા, અપચો, ગલગંડ (ગૉઇટર) અને આંખનાં દર્દો મટાડે છે. સરગવાની શિંગો વાયુનાં તમામ દર્દોમાં લાભદાયી છે. સરગવાનાં બીજ તીખાં, ગરમ, અવૃષ્ય અને આંખ માટે હિતકારી છે. તેનાં બીજ કફ, વાયુ, સોજો, વિદ્રધિ, મેદ, ગાંડપણ, અપચો, વિષદોષ, ગુલ્મ, વ્રણ, કૃમિ અને મસ્તકશૂળનો નાશ કરે છે. બીજનું તેલ ત્વચાના જખમ, ખૂજલી અને સંધિવા મટાડે છે. તેની તાસીર ગરમ છે.

યુનાની વૈદક મતે સરગવાની શિંગો બરોળ અને યકૃતની વૃદ્ધિ, સાંધાના સોજા અને તેની પીડા-સંધિવા, આમવાત, ધનુર્વા અને લકવામાં લાભ કરે છે.

આધુનિક વિજ્ઞાન મતે  સરગવો રુચિકર, પાચનકર્તા, ભૂખવર્ધક તથા પરસેવો અને દસ્ત સાફ લાવનાર છે. તે હૃદયને ઉત્તેજિત કરે છે. તેનાથી મૂત્ર-ક્ષારોનું પ્રમાણ તત્કાળ વધે છે. પાન વાટીને સોજા પર લગાડવાથી સોજો અને પીડા શમે છે. સરગવો ખાવાથી પેટનાં અનેક દર્દોમાં લાભ થાય છે. તેની માત્રા આ પ્રમાણે છે : સરગવાના લીલા મૂળની છાલ 10 ગ્રા.-20 ગ્રા., પાનનો રસ 10 મિલી.-20 મિલી., બીજ 3 ગ્રા.-6 ગ્રા., સરગવાનો સૂપ 100 મિલી.

સરગવો તાસીરથી ગરમ હોઈ તે ગરમીની તાસીરવાળાને ગરમ પડે છે. સરગવાથી થયેલી ગરમીના દોષનું મારણ ઘી-સાકર કે સરકાથી થાય છે.

1. concanensis સરગવાની બીજી જાતિ છે. તે નાનું વૃક્ષ છે અને રાજસ્થાન, કોંકણની સૂકી ટેકરીઓ પર, આંધ્ર પ્રદેશ અને કોઇમ્બતુરમાં થાય છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate) હોય છે અને સરગવા કરતાં લાંબાં હોય છે. પુષ્પો ગુલાબી-પીળાં હોય છે. તેનો ઉપયોગ સરગવાની જેમ જ થાય છે.

બળદેવપ્રસાદ પનારા

બળવંતરાય વલ્લભભાઈ પઢિયાર

બળદેવભાઈ પટેલ