સરખુશ મોહમ્મદ અફઝલ

January, 2007

સરખુશ મોહમ્મદ અફઝલ (. 1640, કાશ્મીર; . 1714) : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીરના સમયના દરબારનો મહત્ત્વનો ફારસી કવિ અને કલિમાત-અશ-શુઅરા નામના જાણીતા તઝકિરાનો લેખક. તેના પિતા મોહમ્મદ ઝાહિદ, મુઘલ શહેનશાહ શાહજહાનના એક અમીર અબ્દુલ્લાખાન ઝખ્મીની સેવામાં હતા. સરખુશ પણ શરૂઆતમાં આ જ અમીરનો દરબારી અને તેના અવસાન બાદ આલમગીરની સેવામાં જોડાયો હતો. આલમગીરે તેને 1676માં હસન અબ્દાલ નગરની અદાલતમાં નિમણૂક આપી હતી. તે શાહી સેવાથી ઘણો ખુશ હતો. તેણે જીવનનાં છેલ્લાં વર્ષો શાહજહાન-આબાદ(દિલ્હી)માં સમૃદ્ધિ અને એકાંતમાં પસાર કર્યાં હતાં.

સરખુશે ફારસી શાઇરીમાં મિર્ઝા મોહમ્મદ અલી માહિર અને મીર મુઈઝ મૂસ્વીખાન જેવા ઉસ્તાદો પાસેથી શિક્ષણ તથા માર્ગદર્શન મેળવ્યું હતું. બંને ઉસ્તાદ કવિઓ પોતાના શાગિર્દ સરખુશથી ઘણા ખુશ હતા. સરખુશે પણ નામાંકિત શિષ્યો તૈયાર કર્યા હતા; દા.ત., બિન્દ્રાબન દાસ ખુશગુ, હાફિઝ મોહમ્મદ જમાલ તલાશ, બેધમ વૈરાગી, શૈખુલ્લા ગુલશન, અબ્દુર્રહીમ કમગુ તથા હુકમચંદ નુદરત.

સરખુશે પોતાની કાવ્યરચનાઓનો સંગ્રહ પોતે જ સંપાદિત કર્યો હતો, જેમાં પિસ્તાલીસ હજાર કાવ્યપંક્તિઓનો સમાવેશ થયો હતો. તેણે કેટલાંક મસ્નવી પ્રકારનાં કાવ્યો પણ ફારસીમાં લખ્યાં હતાં, જેમાંથી કેટલાંકનાં નામ આ પ્રમાણે છે : (1) ‘નૂર અલા નૂર’, (2) ‘હુસ્ન વ ઇશ્ક’, (3) ‘કઝા વ કદર’ (4) ‘જંગ નામએ મોહમ્મદ આઝમ’, (5) ‘તારીફે ખસ ખાના’, (6) ‘ખુસૂસિય્યાતે હિન્દુસ્તાન’ (હિન્દની લાક્ષણિકતા).

સરખુશની સૌથી પ્રખ્યાત ગદ્યકૃતિ કલિમાતુશ શોઅરા છે; જેમાં જહાંગીરથી લઈને આલમગીરના સમય સુધીના કવિઓ વિશે ઉપયોગી અને રસપ્રદ માહિતીનો સંચય થયો છે. લેખકે તે સમયના કાવ્યસાહિત્યનો વિવેચનાત્મક અભ્યાસ પણ કર્યો છે. હિન્દમાં આ તઝકિરો એટલો મહત્ત્વનો ગણાયો છે કે પાછળના બધા તઝકિરાઓના લેખકોએ તેનો આધાર લીધો છે. ‘તઝકિરએ કલિમાતુશ શુઅરા’ પ્રથમ વાર લાહોરથી પ્રગટ થયું હતું. ફારસી કવિતાના વિવેચકોએ સરખુશની ઘણી પ્રશંસા કરી છે તથા તેને સૂફીવાદી કવિ ગણ્યો છે. સરખુશનું ફારસી તઝકિરા પુસ્તક 1954માં ચેન્નાઈ(મદ્રાસ)થી છપાઈને પ્રગટ થયેલું. ‘શોઅરાએ કશમીર (ભાગ 2)’ (લેખક : પીર હુસામુદ્દીન રાશિદી)માં સરખુશના સંપૂર્ણ જીવનપ્રસંગો જોવા મળે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી