સમડી (kite) : માંસાહારી (carnivora) વર્ગના, સિંચાનક શ્રેણીના Accipitridae કુળનું પક્ષી. સમડી ગંદકી અને મરેલ પ્રાણીનું માંસ ખાવા માટે જાણીતી છે. સમડીની ત્રણ જાતો ભારતમાં સર્વત્ર પ્રસરેલી છે.
(1) કાળી પાંખવાળી સમડી (black winged kite) : શાસ્ત્રીય નામ : Elanus caerulens vociferus. આ સમડી ગુજરાતમાં સર્વત્ર વસે છે. તેને આકાશમાં નીચલા સ્તરે સરકગતિ(glide)થી અને અનાયાસે ઊંચે ચડતી ગતિ(soar)એ પાંખ પ્રસારીને ઊડતી, સવારે અને સાંજે જોઈ શકાય છે. ઊતરતી વખતે પાંખનો પહોળો ‘V’ આકાર કરી ચકરાવા લઈને ઝડપથી નીચે ઊતરે છે અને ભક્ષ્યને આરોગે છે. રાત્રે ઊંચા છોડની ટોચે બેસીને સમય પસાર કરે છે. ખેતીવાળા તેમજ ખુલ્લા (open) પ્રદેશમાં વસતા આ પક્ષીનો ખોરાક તીતીઘોડા (grass-hoppers), ભૃંગો (beetles), નાના ઉંદર, કાચિંડા, સાપ વગેરેનો હોય છે.
કાગડા જેવા કદના આ પંખીને, સફેદ માથું, ખભે ભૂખરાં ટપકાં, ઉપલી સપાટી અને પાંખ પર ભૂખરાં પીંછાં, નારંગી રંગના પગ હોય છે. આ લક્ષણોને લીધે આ સમડીને તુરત જ ઓળખી શકાય છે.
સમડીનો સંવનનકાળ બારેય માસ હોય છે. તે ઊંચાં વૃક્ષોની ટોચે ડાળીના ટુકડાથી માળો બાંધે છે અને તેમાં લાલાશવાળાં-ભૂખરાં કે નારંગી ભૂખરા રંગનાં ઈંડાં મૂકે છે. નર અને માદા બંને ઈંડાંનું સેવન કરે છે. જન્મે ત્યારે એનાં બચ્ચાં દેખાવે કપાસના દડા જેવાં હોય છે. કાગડા તેના માળા પર આક્રમણ કરી બચ્ચાંને હેરાન કરતા હોય છે; તેથી જવલ્લે સમડીનાં બચ્ચાં મોટાં થઈ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.
સમડીનો મનગમતો આહાર તીતીઘોડા અને નાના ઉંદર જેવાનો બનેલો હોવાથી કૃષિપાકનું રક્ષણ થાય છે. તેથી આ કાળી સમડી કૃષિકારની મિત્ર લેખાય છે.
(2) સામાન્ય સમડી (pariah kite) : શાસ્ત્રીય નામ છે : Milvus migrans. આ પણ એક સામાન્ય પક્ષી છે અને તે બધે જોવા મળે છે. પરીહા સમડીની લંબાઈ 50થી 60 સેમી., પાંખની લંબાઈ 40થી 45 સેમી. અને પૂંછડીની લંબાઈ 25થી 27 સેમી. હોય છે. ચાંચ હૂક જેવી વાંકી અને કાળી પરંતુ નરમ, નહોર કાળા, આંખો કથ્થાઈ, માથું ચપટું, પાંખો લાંબી અને અણીદાર, પૂંછડી લાંબી અને ફાંટાવાળી અને પીળાશ પડતા પગ – આ બધાં તેનાં મુખ્ય લક્ષણો છે. સ્થાનિક સ્થળાંતરીય હવામાં પ્રભાવક રીતે ઊડે છે અને સતત ઊડતી વખતે તે ફાંટાવાળી પૂંછડીનો ઉપયોગ વળાંક લેવા માટે કરે છે. દિવસના મધ્યભાગમાં આ સમડી ઊંચે આકાશમાં ઊડતી હોય છે. આ પક્ષી શરમાળ નથી, તે માનવીની ઘણી નજીક આવે છે અને બહાદુરીપૂર્વક હાથમાંથી કે થાળીમાંથી ખોરાકને ખૂંચવી લે છે. આ સર્વવ્યાપી સમડી ઘરની ટોચ ઉપરના સળિયા ઉપર અથવા ઝાડની ટોચ પર બેઠેલી હોય છે. તે મોટેભાગે માનવવસવાટની નજીક જોવા મળે છે, જેના ઉપર તેનું જીવન મોટેભાગે આધારિત છે. બીજાં શિકારી પ્રાણીઓ મધ્ય આકાશમાં સમડીના પંજામાંથી ખોરાક મેળવવા ઝપટ મારતાં ઘણી વાર જોવા મળે છે. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા સમડી એકબીજાને વારંવાર બોલાવે છે અને અંતે માદા સિસોટી વગાડીને નરને મૈથુન કરવા પ્રેરે છે. સમડી ઑક્ટોબરથી માર્ચ મહિનામાં માળો બાંધે છે. માળો ડાળીઓનો બનાવે છે, જેના ઉપર નાજુક વસ્તુઓનું અસ્તર હોય છે. સમડી ચાંચ અને પગમાં માળો બાંધવાની વસ્તુઓ લાવે છે. ઘણી વાર જૂના માળાને જ ફરી સરખો કરી તેનો ઉપયોગ દરેક વર્ષે કરે છે. માળામાં સમડી બે કે ત્રણ ઈંડાં મૂકે છે, ચાર ઈંડાં ભાગ્યે જ જોવાં મળે છે. સમડી યોગ્ય ઝાડ પર માળો બાંધે છે. જે શહેર, ગામડા કે બગીચાની અંદર હોય અને જમીનથી લગભગ 7 મીટર (20’) ઊંચે હોય છે. સમડી બધા પ્રકારનું માંસ ખાય છે; જેમાં ઉંદર, ગરોળી કે દરિયાકિનારાની માછલીઓ, કરચલા અને દરિયાકિનારે ઘસડાઈને આવતાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. વર્ષાઋતુ દરમિયાન તે ઊધઈ, તીતીખોડા, તીડ અને બીજા કીટકો ખાય છે. તે મરઘી, જંગલી મરઘી અને બતક પણ ખોરાક તરીકે લે છે. જોકે તેનો મુખ્ય આહાર મરેલા માંસનો હોવાથી તે ગામડાં તેમજ શહેરની ગંદકી દૂર કરી તેને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે.
(3) બ્રાહ્મણી સમડી (brahming kite) : શાસ્ત્રીય નામ Haliaster indus. ભારતમાં સર્વત્ર વસતી આ સમડી સામાન્ય સમડીના કદની, જ્યારે સ્પષ્ટપણે વધુ દેખાવડી હોય છે. માથું અને પેટ સફેદ; પૂંછડી આકારે ગોળ, પીંછા પર કાળી રેખાઓ દેખાય છે. આંખો રતાશ પડતી, જ્યારે પગ પીળાશ પડતા હોય છે. શરીરની લંબાઈ 35થી 40 સેમી.; પાંખ 30થી 32 સેમી., જ્યારે પૂંછડીની લંબાઈ 13થી 16 સેમી. હોય છે. તે શહેર અને ગામડાંમાં ગંદકીમાંથી ખોરાક મેળવે છે. દરિયાકિનારે મૃત દરિયાઈ પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે. આ ઉપરાંત માછલી, કરચલા, ગરોળી તેમજ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માળો ડિસેમ્બરથી માર્ચ મહિનામાં બાંધે છે. માળો નાનો હોય છે અને તે ડાળખીઓ, ચીંથરેહાલ કપડાં અને રૂનો બનાવે છે. ક્યારેક તેના ઉપર કાદવનું અસ્તર હોય છે. માળા બાંધવા માટે લીમડો, વડ કે પીપળાનાં ઝાડ તે પસંદ કરે છે. માળામાં બેથી ત્રણ ઈંડાં મૂકે છે; જે, સફેદ રંગનાં હોય છે અને તેના પર રતાશ પડતાં કથ્થાઈ ટપકાં આવેલાં હોય છે.
આફ્રિકાની સમડી : તે દેખાવે ખૂબ જ મનોહર અને નાની પૂંછડીવાળી હોય છે. ઉપરથી આછા ભૂખરા રંગની અને માથા અને વક્ષ ભાગ માત્ર સફેદ રંગનો હોય છે. પૂંછડી લાંબી અને ફાંટાવાળી, ટોળામાં ઊડનારી આ સમડી માત્ર જીવજંતુ ખાય છે.
એવરગ્લેડ સમડી : આ સમડી અમેરિકામાં જોવા મળે છે. તેનો ખોરાક માત્ર પોમાશિયા નામે ઓળખાતી ગોકળગાય(snail)નો બનેલો હોય છે. આ સમડીનાં ઉપલાં જડબાં પર, આંકડી(hook)ને મળતું એક સાધન હોય છે. આ સમડી ગોકળગાયને પકડી, તે કવચમાંથી બહાર નીકળે ત્યાં સુધી તેને ધ્યાનપૂર્વક નિહાળે છે. કવચમાંથી ગોકળગાય બહાર નીકળે ત્યારે, તુરત જ સમડી આંકડીની મદદથી તેના ચેતાતંત્ર પર પ્રહાર કરે છે. પરિણામે ગોકળગાય બેભાન બની જતાં સમડી તેને ખાય છે.
વાય. એમ. દલાલ
મ. શિ. દુબળે