સમજાવટ (અં. persuation, counselling) : તાર્કિક રજૂઆત વડે અન્ય વ્યક્તિને કંઈક કરવા માટે કે માનવા માટે પ્રેરવી તે. જો અન્ય વ્યક્તિ સમક્ષ પોતાના વિચારો રજૂ કરતી વખતે એક કરતાં વધારે ખ્યાલોને પરસ્પર સુસંગત રીતે વ્યક્ત કરવામાં આવે તો એ વિચારો કે ખ્યાલો એ વ્યક્તિને ગળે ઊતરી જાય છે. પરિણામે એ વ્યક્તિ એ વિચારોને ઝડપથી સ્વીકારી લે છે અને સૂચવેલી ક્રિયા કરવા માટે તત્પર બને છે.

મોટેભાગે તો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિમાં સમજાવટ પેદા કરવામાં આવે છે. કેટલીક વાર આવી વ્યક્તિગત સમજાવટ ઉપરાંત જૂથની સમજાવટ પણ કરવામાં આવે છે. નાના જૂથના નેતાને કે મુખિયાને સમજાવવામાં આવે છે. પછી એ નેતા અનુયાયીઓ ઉપરના પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સૂચવેલા આચાર કે વિચાર અંગે અનુયાયીઓની સંમતિ મેળવે છે. આમ, નેતા કે ઉપનેતાના પ્રભાવનો ઉપયોગ કરીને આખા જૂથને સમજાવી શકાય છે.

રોજના જીવનમાં કોઈ વ્યક્તિના વર્તન કે વ્યક્તિત્વમાં સમસ્યા ઊભી થાય ત્યારે એ વ્યક્તિના વડીલો, તેનાં સગાંસંબંધીઓ, મિત્રો કે સાથીઓ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે; પણ મોટેભાગે માનસિક ક્રિયાઓના કે વ્યક્તિત્વના ઊંડા જ્ઞાનના આધાર વિના જ આવી સમજ કે સલાહ અપાતી હોય છે. તેથી એ સમસ્યાનો લાંબા સમય સુધી ટકે એવો ઉકેલ મળતો નથી અને થોડા સમય પછી એ સમસ્યા ફરીથી બીજા સ્વરૂપે પ્રગટ થાય છે; તેથી હવે મનોવૈજ્ઞાનિક બાબતોના નિષ્ણાત એવા તાલીમ પામેલા અનુભવી સલાહકારો અસરકારક પદ્ધતિથી સમજાવટનું કામ કરે છે. એ માટે કોઈ સમસ્યાથી મૂંઝાતી વ્યક્તિએ મદદ મેળવવા માટે સ્વેચ્છાએ સલાહકાર પાસે જવાનું હોય છે. ત્યારે તે અસીલ (એ વ્યક્તિ) સાથેની વાતચીતમાંથી સલાહકાર સમસ્યાનાં વિવિધ પાસાંની માહિતી મેળવે છે. પછી તે સમજાવટ વડે અસીલના વર્તનને વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંને બદલવાનો પ્રયત્ન કરે છે. એમાં અસીલનો સક્રિય સહકાર મળતાં તેને સમસ્યામાંથી છુટકારો મળે છે અને તે વધારે અસરકારક રીતે અને વિધાયક અભિગમથી વર્તવાનું શરૂ કરે છે.

અસરકારક સમજાવટ માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે; જેમ કે, વિચારને વારંવાર પણ નવી નવી રીતે કે નવા શબ્દપ્રયોગો વડે વ્યક્ત કરવામાં આવે છે. મુખ્ય મુદ્દાઓને સ્પષ્ટ રીતે આત્મવિશ્વાસથી અને ભારપૂર્વક કહેવામાં આવે છે. અમુક માન્યતાઓને કે કાર્યપદ્ધતિઓને અપનાવવાથી વ્યક્તિને કયા કયા લાભ થશે કે કઈ કઈ હાનિઓથી બચી જવાશે તે દર્શાવવામાં આવે છે, કોઈ પ્રસિદ્ધ કે પ્રતિષ્ઠિત વ્યક્તિએ પણ આ આચારવિચાર અપનાવ્યા છે એવું દૃષ્ટાંત આપવામાં આવે છે. વળી મોટાભાગના લોકો આવું જ માને છે કે આ જ રીતે વર્તે છે  એવા પુરાવા અપાય છે. વ્યક્તિના આચાર કે વિચારમાં જે ફેરફાર કરવાનું કહેવામાં આવે છે અને તે ફેરફાર એ વ્યક્તિના જૂથ, પ્રદેશ, દેશ કે સંસ્કૃતિએ માન્ય કરેલા છે એ વાત તરફ એ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં આવે છે. આ નવા વિચારોનો કે વર્તનનો વિરોધ કરવો એ અપ્રસ્તુત છે, અથવા અતાર્કિક કે મૂર્ખાઈભર્યો છે એમ પણ દર્શાવવામાં આવે છે.

સમજાવટ કરતી વખતે વ્યક્તિના મનોવલણને બેમાંથી એક રીતે બદલવામાં આવે છે : શરૂઆતમાં એ વ્યક્તિનું અમુક વિષય કે વર્તન પ્રત્યે તટસ્થ કે વિરોધી મનોવલણ હોય. સમજાવટ દ્વારા તેનું મનોવલણ અનુકૂળ કે તરફેણમાં બદલવામાં આવે છે. તો કેટલીક વાર વ્યક્તિનું એ વિષય પરત્વે તરફેણમાં મનોવલણ હોય તેને સમજાવટ વડે તટસ્થ કે વિરોધી દિશામાં બદલવામાં આવે છે. ઘણી વાર અમુક બાબતમાં વ્યક્તિને અનિશ્ચિતતા કે શંકા હોય તો તેને સમજાવીને તેની દ્વિધાને દૂર કરવામાં આવે છે અને જરૂરી ખાતરી આપવામાં આવે છે. કેટલીક વાર સમજાવટ દરમિયાન વ્યક્તિને લાલચ આપીને આકર્ષવાનો પ્રયત્ન પણ થાય છે. તો કોઈ કોઈ વાર ભારે આગ્રહ કરીને વ્યક્તિ ઉપર માનસિક દબાણ પણ ઊભું કરવામાં આવે છે. કેટલીક વાર સમજાવનાર વ્યક્તિ, નાટકના પડદા પાછળ રહીને અભિનેતાને પાત્રના સંવાદો બોલીને યાદ કરાવનાર પ્રોમ્પટર જેવી ભૂમિકા ભજવે છે.

કેટલીક વાર સામી વ્યક્તિને પોતાના વર્તનમાં ફેરફાર કરવા માટે રસ જાગે એ રીતે તેની સાથે વાતચીત કરવામાં આવે છે.

સમજાવટની ક્રિયા તરત સફળ થઈ જતી નથી. વ્યક્તિની માન્યતાઓને કે વર્તનને બદલવા માટે ધીરજ પણ જરૂરી છે; કેમકે, પોતે વર્ષોથી અપનાવેલાં મનોવલણોને કે ટેવોને છોડી દેવા માટે વ્યક્તિ એકદમ જ તૈયાર થઈ જતી નથી. સંશોધનો સૂચવે છે કે શરૂઆતમાં વ્યક્તિ પોતાના વિચારો બદલવા તૈયાર થાય છે અને વધારે સમજાવટ પછી જ પોતાનું આચરણ બદલે છે.

મુખ્યત્વે સાયુજ્ય, ગોપનીયતા અને સલાહ લેનારની તત્પરતાને લીધે સમજાવટ અસરકારક બને છે. જ્યારે સલાહ લેનાર અને આપનારની વચ્ચે પરસ્પર વિશ્વાસ કેળવાય, જ્યારે એ બંને જણ સારાનરસા ગુણો સાથે એકબીજાનો સ્વીકાર કરવા લાગે, અને એમની વચ્ચે આત્મીય સંબંધ બંધાય ત્યારે તેમનામાં સાયુજ્ય સધાયું એમ કહી શકાય. સમજાવટની શરૂઆતમાં જ સલાહકાર સાયુજ્ય સ્થાપે છે. સમજાવનારમાં વિશ્વાસ ઊભો થતાં જ વ્યક્તિ પોતાની મૂંઝવણ વિશે સરળતાથી, સહજ રીતે અને સંકોચ વિના વાત કરે છે. તેને કેટલાક પ્રશ્નો પૂછીને સલાહકાર કેટલીક સ્પષ્ટતાઓ મેળવે છે. ઉપરાંત સમજાવટની પ્રક્રિયા કઈ રીતે ચાલશે અને તેમાં શેની આશા રાખવી અને શેની આશા ન રાખવી તે કહે છે.

વ્યક્તિ સાથેની વાતચીત તદ્દન ખાનગી રહેશે એવી ખાતરી આપવાથી તેમજ એ ખાતરીનું પાલન કરવાથી ગોપનીયતા જળવાય છે. વ્યક્તિ મોકળા મને જે કહે છે (કેટલીક વાર તો ઊભરો ઠાલવે છે.) તેના આધારે તેની સમસ્યાનાં પાસાં અને કારણો શોધી કાઢવામાં આવે છે. તેના આધારે સલાહકાર સમસ્યા-નિવારણની શક્યતાઓ અને વિવિધ વિકલ્પો રજૂ કરે છે. વ્યક્તિની જાતિ, વય, સામાજિક દરજ્જો વગેરેને અનુરૂપ વિકલ્પો તેને આપવામાં આવે છે. જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં કે અનુભવોમાં વધારે અસરકારક પ્રતિભાવો આપવાનું તેને સૂચવાય છે. વ્યક્તિની આ સૂચનોને અમલમાં મૂકવા માટેની ઇચ્છા જેટલી તીવ્ર હોય તેટલે અંશે તેના અત્યારના અને ભાવિ વર્તનમાં સુધારો થાય છે.

ઉપરની બાબતોને લક્ષમાં રાખીને કરેલી સમજાવટ સફળ બને છે. કુશળતાથી કરેલી સમજાવટ વ્યક્તિને જીવનની નાનીમોટી સમસ્યાઓને પહોંચી વળવામાં મદદ કરે છે. તેનામાં વિશિષ્ટ માનસિક તાકાત વિકસાવે છે અને સ્વસ્થ રીતે તણાવ વિના અને આત્મવિશ્વાસથી જીવવા પ્રેરી શકે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

સાધના પરીખ