સત્તારી સિલસિલા : શાહ અબ્દુલ્લા સત્તારી (મૃ. ઈ. સ. 1485) એ હિંદમાં પ્રવર્તાવેલો એક સૂફી પંથ. 15મી–16મી સદીઓ દરમિયાન હિંદમાં ત્રણ અગત્યનાં ધાર્મિક આંદોલનો ઉદભવ્યાં : (1) સત્તારી સિલસિલા, (2) મહાદેવી આંદોલન અને (3) રોશનિયા સંપ્રદાય. હિંદુઓમાં વ્યાપકપણે પ્રચલિત થયેલા ભક્તિ-આંદોલનની ભાવનાનું તેમનામાં પ્રતિબિંબ પડ્યું હતું. સત્તારીપંથને શાહ અબ્દુલ્લા સત્તારીએ પ્રવર્તાવેલો જેમને માંડૂમાં દફનાવવામાં આવ્યા છે. આ સંતે આધ્યાત્મિક ઉન્માદ(સુક્ર)પૂર્ણ જીવન જીવવાની હિમાયત કરી. તેમણે પોતાના લશ્કરી ગણવેશધારી શિષ્યોની ટુકડી સાથે મળવા, જૌનપુર તેમજ બંગાળમાં ઘૂમીને પોતાની વિચારધારાનો પ્રચાર કર્યો. બંગાળના શેખ મુહમ્મદ આલાકાઝીન અને જૌનપુરના શેખ હાફિઝ નામના તેમના બે શિષ્યોએ આ સિલસિલાના ફેલાવા માટે પોતાની પૂરી શક્તિ  કામે લગાડી હતી. જૌનપુર શાખાએ શેખ બુઢન અને વાકિઆત-ઈ-મુશ્તાકીના લેખક રિઝકુલ્લાહ મુશ્તાકી જેવી વ્યક્તિઓને આકર્ષી. બંગાળી શાખામાં શેખ અબૂલ-ફત્હ હિદાયતુલ્લાહ સરમસ્ત, શેખ ઝહૂહ હાજી, શેખ મુહમ્મદ ઘૌસ અને બીજા અનેક સંતો પ્રગટ્યા. જોકે સત્તારી પંથ ગ્વાલિયરના શેખ મુહમ્મદ ઘૌસ (મૃ. ઈ. સ. 1563) નીચે તેના વિકાસની ચરમ સીમાએ પહોંચ્યો. તેઓના શિષ્યો પૈકી પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન અને અમદાવાદના સૈયદ વાજિદુદ્દીન અલવી ખૂબ પ્રખ્યાત હતા. આમાં સૈયદ અલવીની મદ્રસાની ગણના હિંદભરનાં વિખ્યાત શિક્ષણકેન્દ્રોમાં થતી હતી.

સત્તારી સંતોએ હિંદ અને  હિંદુ અને મુસ્લિમ બંનેના રહસ્યાવાદી વિચારો તેમજ ક્રિયાઓનો સમન્વય કર્યો. એમાંના કેટલાક સંસ્કૃત શીખ્યા અને તેઓ હિંદુઓના ધાર્મિક વિચારોથી માહિતગાર થયા. શેખ મુહમ્મદ આલા વૈશાલીમાં યોગીઓ સાથે કેટલોક સમય રહ્યા હતા. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ ઘૌસ વિંધ્યાચળનાં એકાંત સ્થાનોમાં હિંદુ સંતો વર્ષો સુધી રહીને ઘણી તાંત્રિક ક્રિયાઓ શીખ્યા હતા. પોતાના ‘જવાહિર-ઇ-ખમ્સ’ અને ‘ઔરાદ્-ઈ-ઘૌસિયાહ’ દ્વારા એમણે મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિંદુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેર્યાં. અમૃતકુંડનું તેમણે ફારસીમાં ભાષાંતર કરીને હિંદુ તેમજ મુસ્લિમ રહસ્યવાદીની સમાંતર પરિભાષા સર્જી. તેમણે ‘ૐ’ અને મુસલમાનોના ‘રબ’ને એક ગણ્યો. તેમનું ‘બહર-ઉલ્-હયાત’ નામનું પુસ્તક એક રીતે દારાશુકોહના ‘મજમા-ઉલ્-બહરઇન’નું પુરોગામી હતું. અલબત્ત, દારનાં દાર્શનિક નિરૂપણોનો તત્કાલીન રહસ્યવાદી વિચારધારા પર નહિવત્ પ્રભાવ પડેલો, જ્યારે એથી વિપરીત, ઘૌસના વિચારોનો પ્રભાવ ઊંડો હતો અને સત્તારી ખાનકાહોમાં તેને અમલમાં મૂકવામાં આવતો હતો.

સત્તારી પંથમાં આત્મ-દમન, આત્મ-વિસ્મૃતિ અને ઈશ્વરનું ધ્યાન એ સર્વને નિરર્થક ગણાવ્યાં છે. તેમને મતે એક જ પદાર્થ જોવા જાણવાનો છે અને તે છે પોતાનો આત્મા. ‘હું હું જ છું અને હું એક જ છું’, ‘હું એકલો જ છું અને મારે કોઈ સાથી નથી.’ એવો સૂફીએ અનુભવ કરવો જોઈએ. તે માટે એવાં ઉચ્ચારણો વારંવાર કરવાં જોઈએ. આ પંથમાં ઈશ્વરને વિશ્વના શાસક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. તેઓ ધ્યાતા (ઈશ્વર) અને ધ્યેય- (આત્મજ્ઞાન)ને અલગ માનતા હોવાથી ઈશ્વર સાથેના આત્માના મહામિલનમાં થતા આત્મલય(ફના)ની અવસ્થાને સ્વીકારતા નથી.

પ્રવીણચંદ્ર પરીખ