સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય)

January, 2007

સત્તાર, શડાક્ષરી (દેવાનાં પ્રિય) (. 1 જુલાઈ 1935, હંપાસાગર, કર્ણાટક) : પંડિત અને પુરાતત્વવિદ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા કર્ણાટક યુનિવર્સિટીમાંથી અને કેમ્બ્રિજ, યુ.કે.માંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ 1970-95 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીમાં ઇતિહાસ અને પુરાતત્વવિદ્યા વિભાગના પ્રાધ્યાપક તથા 1978-95 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન આર્ટ-હિસ્ટરીના નિયામક તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિકલ રિસર્ચ, નવી દિલ્હીના અધ્યક્ષ રહ્યા હતા.

તેમણે 10 ગ્રંથો આપ્યા છે : ‘મેમૉરિયલ સ્ટોન્સ : એ સ્ટડી ઑવ્ ધેર ઓરિજિન, સિગ્નિફિકન્સ ઍન્ડ વેરાયટી’ (1982) નિબંધસંગ્રહ છે. ‘શ્રવણ બેલગોલા’ (1981); ‘હોયસળ ટેમ્પલ્સ’ (2 ગ્રંથ, 1992) અને ‘હોયસળ સ્ક્રિપ્ચર્સ ઇન ધ નૅશનલ મ્યુઝિયમ, કૉપનહેગન’ (1997) પુરાતત્વવિદ્યાવિષયક ગ્રંથો છે. ‘વર્લ્ડ હિસ્ટરી : લૅન્ડમાકર્સ ઇન હ્યુમન સિવિલાઇઝેશન’ (1973) વિનોદી ગ્રંથ; ‘એન્વાયરિંગ ડેથ’ (1966) અને ‘પર્સ્યુઇંગ ડેથ’ (1990) તત્વજ્ઞાનવિષયક ગ્રંથો છે. તેમણે ‘આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ મૈસૂર’ ગ્રંથ 2થી 4નું સંપાદન કર્યું છે. 1993માં લલિત કલા અકાદમી કુમારસ્વામી પ્રવચનો તેમણે આપ્યાં હતાં. તેમણે જર્મની, ફ્રાન્સ, અમેરિકા, નેધરલૅન્ડ, ગ્રીસ, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ વગેરે દેશોનો પ્રવાસ ખેડેલો.

તેમને 1988માં કર્ણાટક લલિત કલા અકાદમી ઍવૉર્ડ, રાજ્યોત્સવ ઍવૉર્ડ અને 1993માં ઇન્ડિયન હિસ્ટરી કાગ્રેસ દ્વારા નૅશનલ ઍવૉર્ડ આપવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા