સત્તાશૃંખલા : સત્તા, હુકમ અને માહિતીસંચારનો પેઢીના વરિષ્ઠ સંચાલકથી પાયાના કર્મચારી સુધી વહેતો પ્રવાહ. ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓ સમૂહમાં અસરકારક રીતે કામ કરી શકે, તેવું વાતાવરણ પ્રસ્થાપિત કરીને ટકાવવાની પ્રક્રિયાને સંચાલન કહે છે. ધ્યેયપ્રાપ્તિ માટે માનવ તથા અન્ય સાધનોનું વ્યવસ્થિત એકીકરણ કરીને અનેકવિધ પ્રક્રિયાઓને પદ્ધતિસર રીતે પાર પાડવી પડે છે. પ્રબંધવ્યવસ્થા એ સંચાલનનું એક મહત્વનું અંગ છે. પ્રબંધવ્યવસ્થા દ્વારા ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓ, સુવિધાઓ અને કાર્યો વચ્ચે ચોક્કસ સંબંધો પ્રસ્થાપિત કરાય છે. પ્રબંધવ્યવસ્થાનો સંબંધ કાર્યઆયોજન, સભ્યોને કાર્યની ફાળવણી તથા વ્યક્તિઓના કાર્યતંત્રની વ્યવસ્થા ઊભી કરવા સાથે છે. વ્યવસ્થાગત રચના ઘણા પ્રકારે થઈ શકે છે. ઘણાં વર્ષો સુધી પ્રબંધવ્યવસ્થાની ભાતમાં સત્તાશૃંખલાની વિભાવના સીમાચિહ્ન તરીકે ગણાતી રહી.

સત્તાશૃંખલા સત્તા, હુકમ, માહિતીસંચાર વગેરેનો છેક ઉપરના ક્રમથી સૌથી નીચેના ક્રમ સુધી સીધી રીતે વહેતો પ્રવાહ છે અને કોણ કોને જવાબદાર છે તેની સ્પષ્ટતા કરે છે.

જ્યારે એક મદદનીશ તેના ઉપરી અધિકારીને અને તે અધિકારી વળી તેના ઉપરના અધિકારીને રિપૉર્ટ કરે છે ત્યારે સત્તાશૃંખલાનો ઉદ્ભવ થાય છે. તેમાં સત્તા અને હુકમો નીચેની તરફ વહે છે. સંગઠનમાં શું બની રહ્યું છે તેની દરેક સ્તરે જાણકારી આપવાનું કાર્ય સત્તાશૃંખલા કરે છે. તે એ પણ ખાતરી આપે છે કે કોઈ પણ સ્તરની સત્તાનું ઉલ્લંઘન ન થાય અને ઉપરી અધિકારીના વિશ્વાસનો ભંગ ન થાય. દરેક વસ્તુ યોગ્ય માર્ગે પ્રસ્થાપિત થાય છે. સત્તાના માપદંડ અનુસાર સત્તાશૃંખલાના અંગભૂત કર્મચારીઓને રૈખિક કર્મચારી કહેવાય છે અને જે સંગઠનમાં આવા રૈખિક કર્મચારીઓ હોય તે સંગઠનમાં રૈખિક પ્રબંધવ્યવસ્થા છે તેમ કહેવાય છે. ‘જો મારે કોઈ સમસ્યા હોય તો મારે કોનો સંપર્ક કરવો’ અથવા ‘હું કોને જવાબદાર છું ?’ જેવા પ્રશ્નોના જવાબ સત્તાશૃંખલા આપે છે. સંગઠનને યોગ્ય રીતે કાર્ય કરવા માટે, સત્તાશૃંખલાની સાથે માહિતી અને સંદેશાઓનો દ્વિમાર્ગી યાતાયાત જરૂરી છે.

ફેયોલ વેબર, ટેઇલર અને બીજા શરૂઆતના સંગઠનના સિદ્ધાંતવાદીઓ સત્તાશૃંખલાની વિભાવના તથા બીજા સિદ્ધાંતો જેવા કે સત્તા, જવાબદારી અને યુનિટી ઑવ્ કમાન્ડથી મોહિત હતા; પરંતુ માહિતી-પ્રૌદ્યોગિકી તથા કર્મચારી-સત્તાસોંપણીને કારણે આ વિભાવનાઓ આજે ઓછી સુસંગત છે. શરૂઆતમાં જે માહિતી ફક્ત ઉપરી વ્યવસ્થાપકોને ઉપલબ્ધ થતી તે માહિતી ફક્ત થોડીક સેકંડોમાં જ કર્મચારીઓને ઉપલબ્ધ થાય છે. તદુપરાંત કમ્પ્યૂટરના ઉપયોગથી કર્મચારીઓ નિયમસરના માર્ગોને બદલે એટલે કે સત્તાશૃંખલાના રસ્તાને બદલે સંગઠનની કોઈ પણ વ્યક્તિ સાથે સીધી વાતચીત કરી શકે છે. વળી શરૂઆતમાં જે નિર્ણય વ્યવસ્થાપક-મંડળ લેતું હતું તેના બદલે કર્મચારીઓને નિર્ણય લેવા માટે અધિકૃત કરવાની પ્રણાલીથી તથા સંગઠનમાં સ્વયં-પ્રબંધિત અને ઊલટ-કાર્યાત્મક ટુકડી જેવા સિદ્ધાંતોના ઉપયોગથી અને પ્રબંધવ્યવસ્થામાં બહુલ ઉપરીઓની વ્યવસ્થાના અમલીકરણને કારણે સત્તાશૃંખલા, સત્તા તથા જવાબદારી જેવી પરંપરાગત વિભાવનાઓ ઓછી સુસંગત થતી જાય છે.

હરેશ જયંતીલાલ જાની