સતુરાકાર્થી : જૉસેફ કૉન્સ્ટન્ટાઇન બેસ્ચી  (1680-1747) નામના ઇટાલિયન મિશનરીએ તૈયાર કરેલો તમિળ શબ્દકોશ. તેઓ વીરમ્મા મુનિવર તરીકે જાણીતા હતા. તામિલનાડુમાં તેઓ 1710થી અવસાન પર્યંત (1747) રહ્યા. મિશનરી લખાણો ઉપરાંત તેમણે તમિળમાં કાવ્યો પણ રચ્યાં. ‘થેમભવાની’ નામક મહાકાવ્યમાં 3,600 શ્લોકમાં સેંટ જૉસેફનું જીવન આલેખાયું છે, એ તેમની સર્વોત્તમ કૃતિ છે. ‘પરમાર્થ ગુરુ  કથૈ’ (‘ધ ટેલ ઑવ્ ધ પરફેક્ટ ઇડિયટ ઑવ્ એ ગુરુ’) નામની વર્ણનાત્મક કૃતિ તમિળ ગદ્યક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન મનાય છે. ભાષા પર પ્રભુત્વ મેળવવા શબ્દકોશનું મહત્વ પિછાનીને તેમણે તમિળ-તમિળ શબ્દકોશ પણ તૈયાર કર્યો. ‘સતુરાકાર્થી’ તરીકે જ ઓળખાયેલ એ શબ્દકોશ તમિળ શબ્દકોશવિજ્ઞાનના ક્ષેત્રે સૌપ્રથમ પ્રયાસ છે; આથી તેઓ તમિળ શબ્દકોશવિજ્ઞાનના પિતામહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા.

આ કોશના નામ પ્રમાણે તેમાં 4 વિભાગો છે અને તેમાં 12,000 શબ્દો તેમજ અર્થો અપાયા છે. તેમાં તમિળ તથા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી અને અનેકાર્થી રૂપો, સામાસિક શબ્દો તથા પિંગળ અને છંદ-રચનામાં વપરાતા લયાનુસારી શબ્દો અપાયા છે.

આ કોશ તેમણે 1732માં પૂરો કર્યો, પણ તેનું પ્રકાશન છેક ઓગણીસમી સદીમાં થઈ શક્યું. આ સમગ્ર કોશ 1824માં રિચર્ડ ક્લાર્કે પ્રગટ કર્યો હતો. બેસ્ચીએ લૅટિનમાં લખેલી પ્રસ્તાવના સાથેની હસ્તપ્રત પૅરિસની નૅશનલ લાઇબ્રેરીમાં સચવાયેલી છે.

મહેશ ચોકસી