સતીશ મોહન : બિલિયર્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી. ભારતમાં બિલિયર્ડની રમત આમજનતાની રમત ન હોવા છતાં પણ ભારતે બિલિયર્ડમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ ખેલાડીઓ રમતગમતની દુનિયાને આપ્યા છે, તેમાંના એક તે સતીશ મોહન. સતીશ મોહન 1970થી 1973 સુધી સતત ચાર વર્ષ બિલિયર્ડમાં ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા હતા. સતત ચાર વર્ષ સુધી ‘રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ’ જાળવી રાખવી તે ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિ ગણાય. તેઓની રમત ખૂબ જ સાતત્યપૂર્ણ હતી; એટલું જ નહિ, પણ તેઓ બિલિયર્ડની રમત પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતા. સતીશ મોહન 1970થી 1973 દરમિયાન ફક્ત ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ જ ન હતા; પરંતુ તે સમય દરમિયાન તેમણે ભારત વતી કેટલીક આંતરરાષ્ટ્રીય બિલિયર્ડની સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો હતો અને તેમાં ખૂબ જ સારો દેખાવ પણ કર્યો હતો. 1970થી 1973 સુધીના તેઓ ફક્ત ભારતના જ નહિ, વિશ્વના પણ મહાન બિલિયર્ડ ખેલાડી ગણાયા હતા. આ ગાળાના તેમના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારા દેખાવને આધારે 1972માં ભારત સરકારે તેમને અર્જુન ઍવૉર્ડથી નવાજ્યા હતા. બિલિયર્ડમાં ‘અર્જુન ઍવૉર્ડ’ મેળવનાર તેઓ ત્રીજા ભારતીય ખેલાડી હતા.

પ્રભુદયાલ શર્મા