સત્તા : કોઈ પણ ક્ષેત્રમાં નીતિવિષયક નિર્ણયો લેવાના, તે નિર્ણયોને અમલમાં મૂકવા માટેના નિયમો કે ધોરણો ઘડવાના તથા તે મુજબ ઉપર્યુક્ત નિર્ણયોને અમલમાં મૂકવાના અધિકારોનો નિર્દેશ કરતું પરિબળ. સત્તાનો ખ્યાલ સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ તો રાજ્યશાસ્ત્રમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. રાજકીય પ્રક્રિયાના લગભગ બધા સ્તરો(પંચાયતથી સંયુક્ત રાષ્ટ્રો સુધી)એ વધતા-ઓછા પ્રમાણમાં મહત્વનું સ્થાન ધરાવતા સત્તાના ખ્યાલ વિશે ઠીક ઠીક પ્રમાણમાં મતમતાંતર પ્રવર્તે છે. આથી સત્તા વિશે સર્વસ્વીકાર્ય વ્યાખ્યા આપવાનું અત્યંત મુશ્કેલ છે. સામાજિક અને રાજકીય ચિંતકોએ તેને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સમાજમાં આકાર લેતી સત્તાની ઘટના અને પ્રક્રિયાના વિશ્લેષણમાં રાજકીય ઉપરાંત સામાજિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને ટૅક્નૉલૉજિકલ – એમ વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં, સત્તા એ બહુપરિમાણીય ખ્યાલ છે.

સામાજિક વિજ્ઞાનીઓ, સામાન્ય રીતે સત્તાની વ્યાખ્યા આ રીતે આપે છે : ‘કોઈ એક વ્યક્તિ કે જૂથની બીજી વ્યક્તિ કે જૂથના વર્તનને, પ્રતિકાર સાથે કે તે વિના, પ્રભાવિત કરવાની શક્તિ એટલે સત્તા’. અન્યના વર્તનને પ્રભાવિત કરવાની શક્તિમાં સામેની વ્યક્તિ કે જૂથના વિચારો, માન્યતાઓ, વલણો, વર્તનભાતો વગેરેને પ્રભાવિત કરવાની શક્તિનો પણ સમાવેશ થઈ જાય છે. વિચારો વર્તનને પ્રભાવિત કરતા હોવાથી વિચારોને પ્રભાવિત કરીને વર્તનમાં ઇચ્છિત પરિવર્તન કરવાની રીત ઓછી ખર્ચાળ પણ વધુ અસરકારક છે, એવું કેટલાક ચિંતકો માને છે.

સત્તા અમુક પ્રકારના માનવ-સંબંધનું સૂચન કરે છે. એક મનુષ્યનો બીજા મનુષ્ય સાથેનો આ પ્રકારનો સંબંધ સમાજમાં જ શક્ય છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોય અને તેમની વચ્ચે ‘પ્રભાવિત કરનાર’ અને ‘પ્રભાવિત થનાર’નો સંબંધ હોય ત્યાં જ સત્તા પ્રવર્તમાન છે એમ કહી શકાય. એકાકી, નિર્જન ટાપુ ઉપર રહેતો રૉબિન્સન ક્રુઝો કોઈ સત્તા ધરાવતો કે ભોગવતો ન હતો, પણ જ્યારે તેને ફ્રાઇડે મળ્યો ત્યારે જ સત્તાનો સંબંધ શરૂ થયો એમ કહી શકાય.

મૅક્સ વેબરને સત્તાના પશ્ચિમી સિદ્ધાંતોના સ્થાપક ગણવામાં આવે છે. સામાજિક સંબંધથી જોડાયેલી વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ બીજી વ્યક્તિઓ પર પોતાની ઇચ્છા લાદી શકે એવી સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિ સત્તા ધરાવે છે, એમ કહી શકાય એવી વેબરે સ્પષ્ટતા કરી છે. અન્ય ઉપર ઇચ્છા લાદવામાં હંમેશાં બળ અથવા બળની ધમકીનો ઉપયોગ કરવો જરૂરી નથી.

વેબરે સત્તા (પાવર) અને અધિકારિતા (ઑથૉરિટી) વચ્ચે ભેદ પાડ્યો છે અને અધિકારિતાની વિસ્તૃત ચર્ચા કરી છે. ‘લોકસ્વીકૃત અધિકારિતા’(લેજિટિમેન્ટ ઑથૉરિટી)ના ત્રણ શુદ્ધ પ્રકારો – કાનૂની, પરંપરાગત અને કરિશ્માતી દર્શાવ્યા છે. સત્તા અને તેના અમલને સમજવાની દૃષ્ટિએ વેબરનું આ વર્ગીકરણ ઘણું ઉપયોગી છે.

સત્તાના વિશ્લેષણમાં સમાજશાસ્ત્રી લ્યુકાસ(Lukes)નો ફાળો ઘણો મહત્વનો છે. ‘પાવર : એ રેડિકલ વ્યૂ’ (1974) પુસ્તકમાં 20મી સદીના પૂર્વાર્ધમાં સત્તા વિશેની સૈદ્ધાંતિક સમજણને તેણે મુખ્યત્વે બે પરિમાણોમાં વહેંચી છે. એક-પરિમાણીય ખ્યાલમાં તેણે સત્તા એ એક નિર્ણયપ્રક્રિયા છે, જેનો ઉપયોગ ઔપચારિક સંસ્થાઓ થકી થાય છે અને નિર્ણયોનાં પરિણામો થકી તેનું માપન થઈ શકે, વગેરેનો સમાવેશ કર્યો છે. દ્વિ-પરિમાણીય ખ્યાલમાં તેણે નિર્ણયપ્રક્રિયા અને કાર્યસૂચિ નિર્ધારણ, સંસ્થાઓ અને અનૌપચારિક પ્રભાવ, અનૌપચારિક પ્રભાવની માત્રા અને દ્વિ-પરિમાણીય સત્તા-માળખાંઓ જે પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, તેનો સમાવેશ કર્યો છે. ત્રિ-પરિમાણીય ખ્યાલમાં ઉપરના બંને ખ્યાલો ઉપરાંત મૂલ્યો, ધોરણો અને વિચારધારાઓ દ્વારા થતી પસંદગીઓ, ભાષા અને ક્રિયા પાછળના વિચારો જે વગ ધરાવે છે, જેનું સીધું માપન આપણે કરી શકતા ન હોઈએ પણ તારણથી તેનું અસ્તિત્વ છે, તેટલું સમજી શકીએ વગેરેનો સમાવેશ તેણે કર્યો છે.

મનુષ્યની બધી પ્રવૃત્તિઓમાં સત્તાના મહત્વ વિશે આધુનિક ચિંતક ફુકો(Foucault)એ સુંદર પ્રકાશ પાડ્યો છે. તે કહે છે કે ‘સત્તા સર્વત્ર છે’, કારણ કે તે બધી દિશાએથી પ્રગટે છે. વ્યક્તિઓ વચ્ચેના અમુક પ્રકારના સંબંધને તે સત્તા તરીકે સ્વીકારતો નથી, પણ સમાજરૂપી દેહમાં સતત પરિભ્રમણ કરતા એક ‘અજ્ઞાત અને અનામી’ બળ તરીકે તેને ઘટાવે છે. ‘બળ અથવા બળની ધમકી થકી નિર્ણીત થતો સંબંધ એટલે જ સત્તા’ એવો ખ્યાલ તે ફગાવી દે છે, એને બદલે તે સર્વવ્યાપી, સૌ ઉપર નજર રાખતી એક શક્તિ તરીકે સત્તાને ઘટાવે છે; જેને કારણે સૌ પોતાની જે સ્થિતિ છે તે સ્વાભાવિક છે, એવું સ્વીકારી લે છે. સત્તા અને રોજિંદા વપરાશની ભાષા વચ્ચે ગાઢ સંબંધ છે, ભાષા આધિપત્યનું એક મહત્વનું સાધન છે, એમ તે માને છે.

રાજ્યશાસ્ત્રમાં સત્તાનો ખ્યાલ કેન્દ્રસ્થાને હોવાથી કેટલાક રાજ્યશાસ્ત્રીઓએ રાજકારણ અને તેનો વ્યવસ્થિત ઢબે અભ્યાસ કરતી વિદ્યાશાખા તરીકે રાજ્યશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. કર્ટિસ જણાવે છે કે સત્તા મેળવવા અને તેનો ઉપયોગ કરવા બાબતે થતો સંઘર્ષ એટલે રાજકારણ. પરસ્પર સ્પર્ધા કરતાં મૂલ્યો, વિચારો, હિતો, માગણીઓ અને વ્યક્તિઓ કે તેમનાં જૂથો વચ્ચે કોની પસંદગી કરવી તે સંબંધી નિર્ણય કરનાર સત્તાનો સંઘર્ષ એટલે રાજકારણ અને તેનો વ્યવસ્થિત, પદ્ધતિસર અભ્યાસ કરતી વિદ્યાશાખા એટલે રાજ્યશાસ્ત્ર.

આધુનિક રાજકીય ચિંતનમાં સત્તા(સાર્વભૌમત્વ)ને કેન્દ્રસ્થાને સ્થાપિત કરવાનું કાર્ય બ્રિટિશ ચિંતક થૉમસ હૉબ્સે કર્યું. કુદરતી અવસ્થા અને સામાજિક કરારના ખ્યાલ દ્વારા સમાજમાં સર્વોપરી સત્તાનું મહત્વ સ્થાપિત કરવાનું માન હૉબ્સને પ્રાપ્ત થાય છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણને સમજવા માટેના સૌથી મહત્વના ખુલાસા તરીકે સત્તા(રાષ્ટ્રીય શક્તિ – નૅશનલ પાવર)ને કેન્દ્રસ્થાને મૂકવામાં હેન્સ મૉર્ગેન્થોનો ફાળો સવિશેષ છે. આંતરરાષ્ટ્રીય રાજકારણને તેમણે ‘સત્તાના રાજકારણ’ (પાવર-પૉલિટિક્સ) તરીકે ઘટાવ્યું છે.

‘સત્તા’ અને એના જેવી અર્થચ્છાયાઓ ધરાવતા બીજા શબ્દોનો ઉપયોગ પણ માનવસંબંધોના સંદર્ભમાં કરવામાં આવે છે; જેમ કે, બળ (ફૉર્સ) વગ અથવા પ્રભાવ (ઇન્ફ્લુઅન્સ), અધિકારિતા (ઑથૉરિટી) અંકુશ (કન્ટ્રોલ) વગેરે. ઘણી વાર આ શબ્દો એકબીજાના અથવા સત્તાના પર્યાય તરીકે વપરાય છે. આ બધા વચ્ચે ભેદ છે તે સમજવો જરૂરી છે.

બળ એ સત્તાનું હિંસક અથવા સ્થૂળ સ્વરૂપ છે. બળ એ મનુષ્યસહજ ભયવૃત્તિને સીધી અપીલ કરે છે. બળ, ભય અથવા આતંક હંમેશાં શારીરિક ઈજા કે મૃત્યુમાં પરિણમે એ જરૂરી નથી. બળપ્રયોગની ધમકી અથવા આતંકનો ભય મનુષ્ય વર્તનમાં ઇચ્છિત પરિવર્તન લાવી શકે, એ અર્થમાં તે સત્તાનું સ્વરૂપ છે.

જ્યારે સત્તા બીજી વ્યક્તિઓની ઇચ્છાશક્તિ કે પ્રવૃત્તિઓને પ્રભાવિત કરવાની, બીજા શબ્દોમાં સત્તાધારકની ઇચ્છા અનુસાર તેમાં ફેરફાર કરવાની ક્ષમતા ઉપર આધારિત છે. સત્તા કાનૂની, બંધારણીય, શાંતિમય માર્ગે કે ગેરબંધારણીય બળપ્રયોગ દ્વારા પ્રાપ્ત થઈ શકે, જ્યારે બળ એ હિંસક શક્તિનું જ સ્વરૂપ છે. સમાજમાં કેવળ રાજ્યને જ દંડશક્તિ અથવા બળનો કાનૂની રીતે ઉપયોગ કરવાનો અને ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવાનો અધિકાર છે, અન્ય કોઈને નહિ. અન્ય વ્યક્તિ કે સંસ્થા એવો પ્રયાસ કરે તો તે ગેરકાયદે ગણાય અને રાજ્ય તેની સામે કાનૂની પગલાં ભરી શકે.

વગ અથવા પ્રભાવ એ સત્તાનું સૌમ્ય અને અહિંસક સ્વરૂપ છે. સામાજિક મોભો, બૌદ્ધિક પ્રતિભા, ઉચ્ચ-નૈતિક ચારિત્ર્ય, આર્થિક અને અન્ય સંસાધનો પરનો કાબૂ, વિચારો કે વિચારધારા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, વાક્છટા વગેરે થકી વ્યક્તિ જે શક્તિ ધરાવે છે તેને સામાન્ય રીતે વગ અથવા પ્રભાવ કહી શકાય. વગ અને સત્તા વચ્ચેનો મહત્વનો તફાવત એ છે કે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવાની ક્ષમતા સત્તામાં વિશેષ છે, જ્યારે વગની બાબતમાં હંમેશાં એવું ન પણ હોય. વગ મહદંશે સમજાવટની પદ્ધતિનો ઉપયોગ કરે છે. તે મનુષ્યની વિચારશક્તિ કે સંવેદનશીલતાને સ્પર્શ કરે છે, જ્યારે સત્તા પાસે દંડશક્તિનું પીઠબળ હોય છે. ગાંધીજી ઘણી મોટી માત્રામાં વગ અથવા પ્રભાવ ધરાવતા હતા. તેઓ દંડશક્તિનું પીઠબળ ધરાવતા ‘સત્તા’ધારક ન હતા, છતાં તેમના જીવન અને વિચારોનો ઘણો મોટો પ્રભાવ આજે પણ જોઈ શકાય છે.

અધિકારિતા (ઑથૉરિટી) એ સત્તાનું સંસ્થીકૃત સ્વરૂપ છે. એ સત્તાનો એવો પ્રકાર અથવા સ્વરૂપ છે, જેને કાનૂન, ધારાધોરણો, નિયમો, પરંપરાનું પીઠબળ હોય. સંસ્થાકીય રાહે, હોદ્દાની રૂએ અથવા કાનૂનના પીઠબળથી સત્તાધારક જે સત્તા ધરાવે છે તેને સામાન્ય રીતે અધિકારિતા તરીકે ઓળખી શકાય. વડાપ્રધાન કે કલેક્ટર અધિકારિતા ધરાવે છે, એમ કહી શકાય. અધિકારિતા મહદ્અંશે હોદ્દા સાથે સંકળાયેલી હોય છે.

અંકુશનો ખ્યાલ સત્તાના ખ્યાલ કરતાં વધુ વ્યાપક અને તેના કરતાં ઓછો ઘનીભૂત છે. અધિકારિતા ધરાવતા સત્તાધારકોનાં (વ્યક્તિઓ કે સંસ્થાઓ) વર્તનને નિયંત્રિત કરવાના સત્તાના પ્રકાર અથવા સ્વરૂપને સામાન્ય રીતે અંકુશ કહેવામાં આવે છે; જેમ કે, કારોબારી ઉપર ધારાસભાનો અંકુશ, વહીવટી તંત્ર ઉપર (રાજકીય) કારોબારીનો અંકુશ, સરકારનાં અન્ય અંગો ઉપર ન્યાયતંત્રનો અંકુશ, સરકાર ઉપર લોકો(લોકમત)નો અંકુશ, સંચારમાધ્યમોનો અંકુશ અને છેલ્લે, ચૂંટણી ટાણે મતદારોનો રાજકીય પક્ષો અને રાજકારણીઓ પરનો અંકુશ. ઘણી વાર અંકુશને સત્તાના પર્યાય તરીકે ઘટાવવામાં આવે છે; કારણ કે તે થકી સત્તાધારકોના વર્તન ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આધુનિક રાજ્યશાસ્ત્રીઓ, ચાર્લ્સ મેરિયમ અને હેરલ્ડ લાસવેલે સત્તાના ખ્યાલનું અત્યંત રસપ્રદ વિશ્લેષણ કર્યું છે. ‘ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવાની વ્યક્તિ કે જૂથની ક્ષમતા એટલે સત્તા’ એવો જો અર્થ કરવામાં આવે તો તેમાં કેટલીક બાબતો અભિપ્રેત છે :

એક, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવાની અથવા અન્યના વર્તનને ઇચ્છિત દિશામાં પરિવર્તન કરવાની શક્તિમાં અન્ય વ્યક્તિઓનું હોવું જરૂરી છે. તેમની હાજરી અથવા સામેલગીરી વિના ક્ષમતા એ સત્તાનું સ્વરૂપ ધારણ કરી શકે નહિ.

બે, જે વ્યક્તિ કે જૂથ ઉપર સત્તાધારક સત્તા ભોગવવા ઇચ્છતો હોય, તેઓનો તેમાં ‘સહકાર’ હોવો જોઈએ. જો આદેશો પાળવાની તત્પરતા કે ઇચ્છા ન હોય તો સત્તાધારક લાંબો સમય તેમના ઉપર સત્તા ભોગવી શકતો નથી. લાસવેલ કંઈક એવું કહેવા માગે છે કે સત્તા એ બે હાથે વાગતી તાળી જેવી છે. એમાં સામેની વ્યક્તિઓનો ‘સહકાર’ મળવો જોઈએ. આવો ‘સહકાર’ ન મળતો હોય તો સત્તાધારકે એવી પરિસ્થિતિઓનું સર્જન કરવું જોઈએ, જેથી સામેની વ્યક્તિને સહકાર આપવાની ‘ફરજ’ પડે.

ત્રણ, સત્તાધારકમાં અન્ય ઉપર સત્તા ભોગવવાની પ્રબળ આકાંક્ષા હોવી જોઈએ, મતલબ કે એ ‘સત્તાધારક’ હોય એ પૂરતું નથી. એ ‘સત્તાકાંક્ષી’ પણ હોવો જોઈએ.

ચાર, એ આકાંક્ષાને ‘સત્તા’માં રૂપાંતર કરવાની ‘આવડત’ અથવા ક્ષમતા પણ હોવી જોઈએ, કેવળ સત્તાની આકાંક્ષા હોય તે પૂરતું નથી.

પાંચ, પોતાની ક્ષમતાનું સત્તામાં રૂપાંતર કરી શકે એ સારુ તેની પાસે જરૂરી સંસાધનો (જેવાં કે વસ્તુઓ, વિચારો વગેરે) હોવાં જોઈએ; એટલું જ નહિ, જેમના ઉપર સત્તા ભોગવવાની છે તે વ્યક્તિઓ તેવી વસ્તુઓ કે વિચારોને મહત્વની ગણતી હોવી જોઈએ.

સત્તાપ્રક્રિયાના વિશ્લેષણમાં સત્તાની અસરકારકતા અથવા કાર્યસાધકતાનો સમાવેશ પણ કરવો જોઈએ, એમ લાસવેલ માને છે. જો ઇચ્છિત અસરો કે પરિણામો અપેક્ષિત માત્રામાં પ્રાપ્ત થતાં ન હોય તો સત્તાધારકની સત્તા અસરકારક છે એમ કહી શકાય નહિ. ઇચ્છિત અસરો અથવા પરિણામો કેટલા પ્રમાણમાં અસરકારક રીતે પ્રાપ્ત થાય છે, તેમાં સત્તાની આખરી કસોટી રહેલી છે.

ગાંધીજીએ વિદેશી સત્તા સામે અસહકાર અને સત્યાગ્રહના જે પ્રયોગો કર્યા, તેમાં સત્તા સંબંધી ઊંડી સૂઝનાં દર્શન થાય છે. પ્રથમ તો તમે સત્તાધારકને ‘સહકાર’ જ ન આપો (મતલબ કે ‘અસહકાર’ કરો) અને છેવટે કોઈ એકાદ કાયદાનો સવિનય ભંગ કરો (સત્યાગ્રહ કરો) અને તે બદલ જે સજા થાય તેનો પ્રતિકાર વિના સ્વીકાર કરી લો તો ગમે તેવો શક્તિશાળી સત્તાધારક અમુક હદથી આગળ તમને નમાવી શકશે નહિ. ગાંધીજીએ આ ‘સત્ય’ અનેક પ્રયોગો કરીને સિદ્ધ કર્યું છે. ગાંધીજી ભલે મોટા રાજકીય સિદ્ધાંતકાર ન હોય પણ અસહકાર અને સત્યાગ્રહ જેવી પદ્ધતિઓનો સફળ ઉપયોગ કરીને તેમણે સત્તાના સંદર્ભમાં ઊંડી સૂઝ દર્શાવી છે.

આ ઉપરાંત સત્તાના સ્વરૂપ વધુ સ્પષ્ટ રીતે સમજવા નીચેના કેટલાક મુદ્દાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે :

1. રાજ્યની આ અંતિમ અને સર્વોપરી સત્તા રાજ્યમાં રહેતા સૌ કોઈને પ્રભાવિત કરે છે તેમ સમાજનાં વિવિધ પરિબળો સત્તાને પણ પ્રભાવિત કરે છે. આ અર્થમાં રાજકીય સત્તા એ કોઈ નિશ્ચિત ઘટના નથી, પણ સમાજમાં સતત ચાલતી આંતર-પ્રક્રિયા પણ છે. આ આંતર-પ્રક્રિયા લોકશાહી શાસનોમાં વધુ પ્રગટ અને સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે. લોકશાહીમાં સત્તાધારકો (ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર) લોકો અથવા નાગરિકોને પ્રભાવિત કરે છે, તો નાગરિકો પણ વિવિધ રીતે સત્તાધારકોને પ્રભાવિત કરે છે. આ સમજણને આધારે રાજ્યશાસ્ત્રની એક વ્યાખ્યા એ રીતે આપવામાં આવે છે કે ‘તે (રાજ્યશાસ્ત્ર) પ્રભાવ અને પ્રભાવિત બંનેનો અભ્યાસ કરે છે’ (પૉલિટિક્સ સ્ટડીઝ બૉથ ઇન્ફ્લુન્સ ઍન્ડ ઇન્ફલુઅન્સ્ડ). ટૂંકમાં, રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ કેવળ સત્તાધારકોમાં જ થયેલું છે, એને બદલે વ્યાપક રીતે સમગ્ર સમાજમાં થયેલું છે, એવો ખ્યાલ લાસવેલે રજૂ કર્યો છે, એ વાસ્તવિકતાની વધુ નજીક છે.

2. રાજકીય સત્તાનો ખ્યાલ મૂલ્યલક્ષી (નૉર્મેટિવ) અને આનુભવિક (ઍમ્પિરિકલ) બંને પરિમાણો ધરાવે છે. સત્તાકાંક્ષીઓ માટે સત્તા એ એક સ્વયમેવ ધ્યેય છે, એવું અનુભવાશ્રિત અભ્યાસોને આધારે કહી શકાય. જ્યારે કેટલાક રાજકીય ચિંતકો અને કર્મશીલો (ગાંધીજી જેવા) સત્તાને એક સાધન માને છે, જેનો ઉપયોગ સમાજના વ્યાપક હિત માટે કરવો જોઈએ, આ થયો સત્તાનો મૂલ્યલક્ષી ખ્યાલ.

સત્તાના આનુભવિક પરિમાણ ઉપર વિશેષ ભાર મૂકતા આધુનિક રાજ્યશાસ્ત્રીઓ સત્તાને આનુભવિક રીતે ચકાસી શકાય તેવી ઘટના અથવા પ્રક્રિયા ગણે છે. તેઓ સત્તાનાં સંખ્યાત્મક અથવા માત્રાત્મક પાસાંનો અભ્યાસ કરે છે. અમુક વ્યક્તિ કે સંસ્થા કેટલા પ્રમાણમાં અને કેટલી (સંખ્યામાં) વ્યક્તિઓમાં ઇચ્છિત અસરો પેદા કરી શકે છે અને વર્તનને ઇચ્છિત દિશામાં વાળી શકે છે, તે બધાંનો માત્રાત્મક રીતે અભ્યાસ કરીને કેટલાંક ચકાસી શકાય તેવાં તારણો તારવવાનો પ્રયાસ કરે છે.

3. સત્તાની ઘટના અથવા પ્રક્રિયા દ્વારા રાજકારણ અને રાજકીય વર્તનના સમગ્રનું કદાચ સ્પષ્ટીકરણ ન કરી શકાય (જોકે સત્તાના સિદ્ધાંતકારો એવો દાવો કરે છે.) તોપણ એટલું તો સ્વીકારવું જ પડે કે સત્તા રાજકીય સિદ્ધાંતનો એક પાયાનો મૂલ્યલક્ષી અને આનુભવિક ખ્યાલ છે. ભલે એની સર્વસંમત વ્યાખ્યા આપી શકાય નહિ અથવા તેનાં અંગભૂત લક્ષણો વિશે કોઈ વ્યાપક સહમતી ઊભી થઈ શકે નહિ, પણ એનો અર્થ એવો થતો નથી કે સત્તાનો ખ્યાલ સાવ સંદિગ્ધ અથવા કશા જ અર્થબોધ વગરનો છે. સત્તાના સિદ્ધાંતકારો અથવા વિશ્લેષકો તેના અમુક હાર્દતત્વ વિશે સહમત થાય છે. સમાજશાસ્ત્રી તાલકોટ પાર્સન્સે ‘ધ કન્સેપ્ટ ઑવ્ પૉલિટિકલ પાવર’ નામના લેખમાં આ હાર્દતત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ જણાવે છે કે કેટલાક કિસ્સાઓમાં પોતાનું ધાર્યું કરાવી શકે એવી વ્યક્તિઓ કે સંસ્થાઓની શક્તિ સાથે રાજકીય સત્તાને સંબંધ છે. જ્યારે ધાર્યું કરાવવામાં કોઈ પ્રતિકાર કે વિરોધથી અવરોધ ઊભો થાય ત્યારે બળજબરી અથવા સમજાવટના વિવિધ તરીકાઓ થકી પોતાનું ધાર્યું કરાવવાની વ્યક્તિઓ અથવા સંસ્થાઓની ક્ષમતાને રાજકીય સત્તા કહી શકાય.

ટૂંકમાં, સત્તા એ સર્વગ્રાહી ખ્યાલ છે. તેનાં અનેક સ્વરૂપો અથવા પરિમાણો છે. સમગ્ર સમાજને લાગુ પડે એવા બંધનકારી નિર્ણયો લેવાની જે અંતિમ સત્તા છે, તે માત્ર રાજ્ય જ ધરાવે છે. એથી આવી સત્તાને રાજકીય સત્તા કહી શકાય. આવી અંતિમ અને સર્વોપરી સત્તા વિના સમાજનાં અસ્તિત્વ અને સાતત્યની કલ્પના કરી શકાતી નથી. રાજ્ય અથવા સત્તાની અનિવાર્યતા સિદ્ધ કરવા માટે હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થા અને સામાજિક કરારનો ખ્યાલ રજૂ કર્યો છે. રાજા અને અથવા કોઈ સર્વોપરી સત્તા ન હોય તો મત્સ્યન્યાય પ્રવર્તે, એવો વિચાર ભારતના પ્રાચીન ગ્રંથોમાં રજૂ કરવામાં આવ્યો છે.

અંતિમ અને સર્વોપરી સત્તા વિના સમાજનું અસ્તિત્વ અને સાતત્ય શક્ય નથી તો બીજી બાજુ આ સત્તાનો દુરુપયોગ કે અતિઉપયોગ ન થાય, એ પણ એટલું જ જરૂરી છે. જો એમ થાય તો લોકોનાં સ્વાતંત્ર્યો અને હક્કો ખતરામાં મુકાય. સત્તાનો ઉદ્દેશ સમાજમાં લોકો સ્વાતંત્ર્યો ભોગવે, સલામતી અનુભવે અને પોતાનાં વ્યક્તિત્વોનો વિકાસ કરી શકે એ છે. રાજ્ય અથવા સર્વોપરી સત્તાનો આખરે તો આ મુખ્ય ઉદ્દેશ છે.

સત્તાની આ શૃંગાપત્તિ દ્વિધા (dilemma) છે : સત્તા વિના ચાલે નહિ અને સત્તાનો (લોકો ઉપર) અતિરેક થાય અથવા દુરુપયોગ થાય એ પણ યોગ્ય ન ગણાય. સત્તાની આ શૃંગાપત્તિનો (દ્વિધાનો) ઉકેલ લાવવાનું સાધન તે રાજ્યબંધારણ. કોઈ પણ દેશ(ખાસ કરીને લોકશાહી-ઉદારમતવાદી વિચારધારાને વરેલા)ના બંધારણમાં સત્તાનો ઉપયોગ કોણે, કેવી રીતે, કેટલા સમય માટે કરવો, તેને લગતી જોગવાઈઓનો તો બીજી બાજુ નાગરિકોના કયા હકો અને સ્વાતંત્ર્યો છે, તેના પ્રબંધોનો સમાવેશ કરવામાં આવે છે.

રાજ્યની સત્તાનો વ્યવહારમાં ઉપયોગ કરતી સરકારના કોઈ એક અંગ(ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર)માં સત્તાનું કેન્દ્રીકરણ ન થાય, એ સિદ્ધાંતને ‘સત્તાના વિશ્લેષણનો સિદ્ધાંત’ કહેવામાં આવે છે. ફ્રેન્ચ ચિંતક મૉન્તેસ્કે આ સિદ્ધાંતની વિશદ છણાવટ કરી છે. ધારા અથવા કાયદા ઘડવાનું કાર્ય ધારાસભા કરે છે. એ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કારોબારી કરે અને એ કાયદાઓનો જો કોઈ ભંગ કરે તો ન્યાય તોળવાનું કામ ન્યાયતંત્ર કરે. આમ, સરકારની સત્તાનો ત્રણ અંગોમાં વિશ્લેષ કરવામાં આવે અને દરેક અંગ બીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કર્યા વિના પોતપોતાનું કાર્ય કરે તો લોકોનાં સ્વાતંત્ર્યોને કોઈ આંચ ન આવે.

‘સત્તાવિશ્લેષ’નો આનુષંગિક સિદ્ધાંત છે, અંકુશ અને પ્રતિઅંકુશ(checks and balance)નો સિદ્ધાંત. સરકારનું દરેક અંગ બીજા ઉપર અમુક પ્રકારનો અંકુશ ધરાવે છે, તો એ અંગ વળતો એના ઉપર પણ અંકુશ ધરાવે છે. આ કારણે કોઈ પણ અંગ સાવ નિરંકુશ થઈ શકતું નથી.

અમેરિકાના બંધારણમાં આ બંને સિદ્ધાંતોનો સૌથી વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અમેરિકી સરકારનાં ત્રણેય અંગો એકબીજાંથી અલગ, પરસ્પર દખલગીરી કર્યા વિના કામ કરે છે, તો સાથે સાથે જરૂર પડ્યે એકબીજાંને અંકુશમાં પણ રાખે છે.

સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવા તાકતો એક બીજો સિદ્ધાંત છે, તેને સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત કહેવામાં આવે છે, જે ઘણુંખરું સમવાયતંત્રમાં જોવા મળે છે. એમાં દેશની કુલ સત્તા અથવા કાર્યોનું કેન્દ્રસરકાર, પ્રાદેશિક અથવા ઘટક-રાજ્યોની સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિભાજન કરવામાં આવે છે. સામાન્ય રીતે, સત્તાનાં આ કેન્દ્રો પોતાનાં કાર્યક્ષેત્રમાં એકબીજાથી સ્વાયત્ત રહીને કામ કરે છે. આ ત્રણેય વચ્ચેના સંબંધો બધા દેશોમાં એકસરખા નથી હોતા. દરેક દેશ પોતાની જરૂરિયાતને આધારે આ સંબંધોની વ્યાખ્યા અને માળખું નક્કી કરે છે અને બંધારણમાં તેને સ્થાન આપે છે.

‘સત્તાનો વિશ્લેષ’ અને ‘સત્તાનું વિભાજન’ આ બંને ખ્યાલોનો મુખ્ય ઉદ્દેશ સત્તાનો દુરુપયોગ કે અતિરેક ન થાય (જેથી લોકોનાં સ્વાતંત્ર્યો જળવાય) અને સરકારના કામકાજમાં સરળતા રહે એ છે.

વ્યવહારમાં સત્તાનો ઉપયોગ કરવા સંબંધમાં એક ત્રીજો સિદ્ધાંત પણ છે, જેને ‘સત્તાનું પ્રતિનિધાન’ (delegation of power) કહે છે. સત્તાધારક પોતાની અમુક સત્તાનો ઉપયોગ કરવાનું બીજાને સોંપે તેને સામાન્ય રીતે સત્તાનું પ્રતિનિધાન કહેવામાં આવે છે. આવું પ્રતિનિધાન ઔપચારિક હોય કે અનૌપચારિક પણ હોય. સામાન્ય રીતે સત્તાના કોટિક્રમમાં ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યક્તિ પોતાની નીચે કામ કરતી વ્યક્તિઓને ચોક્કસ સમય માટે કે અમુક ચોક્કસ હેતુ માટે સત્તાનો ઉપયોગ કરવાનું સુપરત કરે તેને સત્તાનું પ્રતિનિધાન કહે છે.

સત્તાના પ્રતિનિધાનનો સુંદર દાખલો ‘પ્રતિનિધિત ધારાકરણ’(delegated legislation)નો છે. ધારાસભા દ્વારા ઘડાતો કાયદો મહદંશે સામાન્ય (જનરલ) સ્વરૂપનો હોય છે. એને વ્યવહારમાં અમલમાં મૂકવા માટે વિગતવાર નિયમો-ધારાધોરણો ઘડવાની જરૂર પડે છે. આ કામ વહીવટી તંત્રને સોંપવામાં આવે છે, અને તે માટેની જરૂરી જોગવાઈ એ કાયદામાં જ કરવામાં આવેલી હોય છે. અલબત્ત, આ વિગતપૂર્ણ ધારાધોરણો કાયદાના હેતુ સાથે સુસંગત હોવા જોઈએ. લશ્કરમાં આ સિદ્ધાંતનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સંબંધોનો ખુલાસો આપતો એક ખ્યાલ તે ‘સત્તાની સમતુલા’ (balance of power) (જુઓ સત્તાની સમતુલા). કોઈ એક રાષ્ટ્ર (અથવા સત્તા) અતિશય શક્તિશાળી ન બને તે માટે બીજું રાષ્ટ્ર અથવા રાષ્ટ્રો તેની સામે ઊભાં થાય અને એક પ્રતિબળ ઊભું કરવાનો પ્રયાસ કરે, તેને સામાન્ય રીતે સત્તાની સમતુલાનો સિદ્ધાંત કહેવામાં આવે છે.

ટૂંકમાં ‘સત્તા’ શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. તે બહુ આયામી ખ્યાલ છે, આથી કયા સંદર્ભમાં તેનો ઉપયોગ થાય છે, એ સમજવું અત્યંત જરૂરી છે.

દિનેશ શુક્લ