ષડ્દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી અને વેદને પ્રમાણ માનનારી છ વિચારપરંપરાઓ. જડ તત્વનું બનેલું જગત, ચેતન તત્વના બનેલા આત્મા અને પરમાત્મા વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ દૃષ્ટિ વિકસી તેનું નામ દર્શન. એ દર્શન જુદા જુદા છ ઋષિઓએ સૂત્રોમાં રજૂ કર્યું છે, તેથી તે છ સૂત્ર-ગ્રંથો ‘ષડ્દર્શન’ એવા નામે ઓળખાય છે. ષડ્દર્શનોમાં – (1) કપિલ મુનિનું દ્વૈતવાદી આરંભમાં નિરીશ્વરવાદી અને પાછળથી સેશ્વરવાદી સૌથી પ્રાચીન સાંખ્યદર્શન; (2) પતંજલિ મહર્ષિએ રચેલું સેશ્વરવાદી સાંખ્યદર્શનની નજીકનું અને અષ્ટાંગયોગ પર ભાર મૂકતું યોગદર્શન; (3) ગૌતમ મુનિએ લખેલું તર્ક અને પ્રમાણો પર ભાર મૂકતું ઈશ્વરવાદી ન્યાયદર્શન; (4) કણાદ ઋષિનું પરમાણુવાદી, ભૌતિક હોવા છતાં જીવાત્મા અને પરમાત્માને સ્વીકારનારું વૈશેષિક દર્શન; (5) જૈમિનિ મુનિએ નિરૂપેલું વેદવિહિત યજ્ઞાદિ કર્મો વડે મોક્ષપ્રાપ્તિને ઉપદેશતું અને પ્રારંભમાં નિરીશ્વરવાદી અને પાછળથી સેશ્વરવાદી બનેલું પૂર્વમીમાંસાદર્શન અને (6) બાદરાયણ વ્યાસમુનિનું ઉપનિષદોના તત્વજ્ઞાનની અવિરોધી અને વ્યવસ્થિત રજૂઆત કરતું અને અદ્વૈતવાદી ઉત્તરમીમાંસાદર્શન અથવા વેદાંતદર્શન એ છનો સમાવેશ થાય છે. સંક્ષેપમાં, વેદમાં રહેલા જ્ઞાનને જોવાની છયે દર્શનોની પદ્ધતિ અલગ છે એમ કહેવું ઘટે. છ દર્શનોની માહિતી નીચે પ્રમાણે છે :
(1) સાંખ્યદર્શન : વેદના તત્વજ્ઞાનની વાત કરતું આ સૌથી પ્રાચીન દર્શન છે, પરંતુ દર્શનના પ્રવર્તક આચાર્ય કપિલ મુનિએ ‘સાંખ્યદર્શન’નાં સૂત્રોની રચના નથી કરી. એ સૂત્રો પાછળથી લખાયેલાં છે. કપિલ, આસુરિ, પંચશિખ, વાર્ષગણ્ય અને વિંધ્યવાસ વગેરે આચાર્યોએ આ દર્શનને વિકસાવ્યું છે. ‘ષષ્ઠીતંત્ર’, ‘તત્વસમાસ’, ‘યુક્તિદીપિકા’, ‘સાંખ્યપ્રવચનભાષ્ય’ વગેરે હાલ અનુપલબ્ધ ગ્રંથો આ દર્શનના મહત્વના ગ્રંથો હોવા છતાં ઈ. સ.ની પહેલી સદીમાં રચાયેલો ઈશ્વરકૃષ્ણ નામના આચાર્યનો ‘સાંખ્યકારિકા’ નામનો ગ્રંથ ખૂબ અગત્યનો અને સૌથી પ્રાચીન છે. તત્વજ્ઞાનના અનેક સિદ્ધાંતો સ્થાપવાની પહેલ સાંખ્યદર્શને કરી છે. તેમાં તત્વની વિચારણા છે અને તત્વોની સંખ્યા વધારે છે એ કારણે આ દર્શનને ‘સાંખ્યદર્શન’ કહ્યું છે.
આ દ્વૈતવાદી દર્શનમાં ચેતન પુરુષ કે આત્મા અને જડ પ્રકૃતિ એ બે પ્રમુખ તત્વો છે. પ્રકૃતિ જડ હોવા છતાં તેને પ્રવૃત્તિ કરાવનાર ચેતન પુરુષ છે. પ્રકૃતિ પોતાનામાંથી ઉત્પન્ન થતાં 23 તત્વોનું મૂળ કારણ છે અને તે સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોની બનેલી છે. પ્રકૃતિમાંથી ત્રણ ગુણોની સામ્યાવસ્થામાં ભંગ થતાં મહત્, તેમાંથી અહંકાર, તેમાંથી મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ તન્માત્રાઓ અને પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. તેમાં પ્રકૃતિ મૂળ કારણ છે. મન વગેરે 11 ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતો એમ મળી 16 વિકૃતિઓ કે કાર્યો છે. મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાત પ્રકૃતિવિકૃતિ એટલે કારણ અને કાર્યો છે; જ્યારે પુરુષ પ્રકૃતિ કે વિકૃતિ એટલે કારણ કે કાર્ય કશું નથી. પુરુષ મુક્ત છે; પરંતુ પોતાની જાતને બદ્ધ માને છે. 25 તત્વોના જ્ઞાન દ્વારા તે પ્રકૃતિના ખેલમાંથી પુરુષ મુક્ત થઈ મોક્ષ પામે છે. 25 તત્વોમાં 23 તત્વો પોતપોતાનાં કારણ લય પામતાં પામતાં અંતિમ કારણ પ્રકૃતિમાં લય પામે છે. એ પછી વૈરાગ્ય વડે પ્રકૃતિનું અસ્તિત્વ તે પુરુષ માટે રહેલું નથી અને પુરુષ મોક્ષ પામે છે.
સાંખ્યદર્શન પુરુષબહુત્વમાં માને છે; તેની જેમ કેટલાક પ્રકૃતિબહુત્વમાં પણ અપવાદ રૂપે માને છે. વળી પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ – એ ત્રણ પ્રમાણોને સ્વીકારે છે. પાછળથી ઈશ્વર નામના 26મા તત્વને સ્વીકાર્યું હોવાથી તે સેશ્વરવાદી, આરંભમાં નિરીશ્વરવાદી કે અજ્ઞેયવાદી પણ મનાયું છે. કાર્ય કારણમાં અસ્તિત્વ ધરાવતું હોવાથી ચોક્કસ કારણમાંથી ચોક્કસ કાર્ય જન્મે છે એવા સત્કાર્યવાદમાં પણ માને છે. આયુર્વેદ, પુરાણો, ‘મહાભારત’ અને તેમાં રહેલી ‘ભગવદગીતા’ સાંખ્યદર્શનના તત્વજ્ઞાનને સ્વીકારે છે. આયુર્વેદ સાંખ્યના ત્રણ ગુણોના સિદ્ધાંત પરથી ત્રિદોષની વિચારસરણી રજૂ કરી તેેના આધારે ચિકિત્સા આપે છે. પુરાણો વગેરે ઈશ્વરને મુખ્ય તત્વ ગણી તેની પરા અને અપરા એ બે પ્રકૃતિઓમાં 23 તત્વો ફાળવીને લિંગશરીર અને તેના સંસરણનો સાંખ્યનો સિદ્ધાંત સમાવી આપે છે. સાંખ્યદર્શન સૌથી પ્રાચીન હોવાથી તેના તત્વજ્ઞાનના સિદ્ધાંતો બાકીનાં દર્શનોએ પ્રાય: સ્વીકાર્યા છે એ તેની અગત્ય ગણી શકાય.
(2) યોગદર્શન : સાંખ્યદર્શન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતું યોગદર્શન છે. સાંખ્યદર્શનનાં 25 તત્વોનો સ્વીકાર યોગદર્શને કર્યો છે અને ઈશ્વર નામનું 26મું તત્વ પણ સ્વીકાર્યું છે. સાંખ્યદર્શને સિદ્ધાંતો આપ્યા છે, જ્યારે યોગદર્શને તેમને વ્યવહારમાં મૂક્યા છે.
યોગદર્શન ચાર પાદમાં એટલે એક જ અધ્યાયમાં લખાયેલું છે. પ્રથમ પાદનું ‘સમાધિપાદ’ એવું નામ છે અને તેમાં ‘યોગ’ શબ્દના અર્થથી આરંભી સમાધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા પાદનું નામ ‘સાધનપાદ’ છે. તેમાં સમાધિપાદની બાકીની ચર્ચા પ્રથમ 28 સૂત્રોમાં પૂરી કરી છે. એ પછી 29મા સૂત્રથી સાધન એટલે યોગનાં સાધનોની ચર્ચા શરૂ થાય છે. યોગનાં આઠમાંથી પહેલાં પાંચ સાધનોનું વર્ણન સાધનપાદમાં કર્યું છે. ત્રીજા ‘વિભૂતિપાદ’માં બાકીનાં ત્રણ યોગનાં સાધનોનું વર્ણન પૂરું કરી સાધકની વિભૂતિઓ એટલે સિદ્ધિઓનું નિરૂપણ કર્યું છે. ચોથા ‘કૈવલ્યપાદ’માં સાધકની વિભૂતિઓની બાકીની વાત પૂરી કરી એ પછી કૈવલ્ય એટલે મોક્ષની ચર્ચા રજૂ કરી છે.
યોગદર્શનમાં મહર્ષિ પતંજલિએ ‘યોગ’નો અર્થ ‘ચિત્તવૃત્તિનિરોધ’ એવો કર્યો છે. સાથેસાથે ‘યોગ’ શબ્દનો ‘સમાધિ’ એવો અર્થ પણ કર્યો છે. સાંખ્યદર્શન કહે છે કે મોક્ષનું સાધન વિવેકજ્ઞાન છે અને યોગદર્શન એ વિવેકજ્ઞાનનું સાધન યોગાભ્યાસ છે એમ કહે છે. પરિણામે યોગદર્શનમાં ચિત્ત અને તેની અવસ્થાઓનો વિસ્તૃત વિચાર કર્યો છે. વળી સંસારનાં દુ:ખનું કારણ અવિદ્યા છે અને તેનો નાશ વિવેકજ્ઞાન વડે થાય છે. વિવેકજ્ઞાન યોગનાં આઠ અંગોના અનુષ્ઠાનથી અથવા યોગસાધનાથી ચિત્તની અશુદ્ધિઓ દૂર થવાથી થાય છે. એટલે ચિત્ત અને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરનારા ઉપાયોનો વિચાર યોગદર્શનમાં મુખ્ય છે. ચિત્તમાં કોઈ ચિત્તવૃત્તિ ન રહેવી એનું નામ ચિત્તવૃત્તિનિરોધ અને તે અભ્યાસ તથા વૈરાગ્યના એકસાથે અનુષ્ઠાનથી થાય છે. ચિત્તની ચાર અશુદ્ધિઓ ઈર્ષ્યા, પરાપકાર, અસૂયા અને અમર્ષ અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા દ્વારા દૂર થતાં પાપ વગરનો પુણ્યરૂપ ધર્મ ઉત્પન્ન થતાં ચિત્ત પ્રસન્ન બની એકાગ્ર થાય છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – એ યોગનાં આઠ અંગો દ્વારા યોગસાધક પ્રથમ જીવાત્માનો અને પછી પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. આવો પરમેશ્વરનો યોગ શ્રેષ્ઠ સંપ્રજ્ઞાત યોગ છે; જ્યારે વિવેકજ્ઞાનરૂપી સર્વચિત્તવૃત્તિનો નિરોધ એ અસંપ્રજ્ઞાત યોગ છે. વિવેકજ્ઞાનથી અવિદ્યાનો નાશ થતાં, પ્રકૃતિ-પુરુષનો સંયોગ દૂર થતાં પુરુષ પ્રકૃતિમાંથી મુક્ત થઈ સ્વસ્વરૂપમાં રહે એટલે પ્રકૃતિ અને પુરુષ બંને એકાકીભાવ અનુભવે તેનું નામ કૈવલ્ય અર્થાત્ મોક્ષ છે. ચિત્તવૃત્તિ જ પુરુષના દર્શનનો વિષય હોવાથી ચિત્તવૃત્તિનો નિરોધ એટલે અભાવ થાય ત્યારે પુરુષને પોતાનામાં દર્શનશક્તિનું અસ્તિત્વ હોવા છતાં દર્શન થતું નથી એવો યોગદર્શનનો સિદ્ધાંત છે.
યોગસાધકને સાધના દરમિયાન પ્રાપ્ત થતી અનેક વિભૂતિઓ અર્થાત્ સિદ્ધિઓ જાહેર જનતાના પ્રદર્શન માટે નથી; પરંતુ સાધક સાધનાના માર્ગમાં યોગ્ય રીતે આગળ વધી રહ્યો છે એનો સંકેત સાધકને આપવા માટે છે. વિભૂતિઓ મળતાં યોગી જો પ્રસિદ્ધિ અને ઐશ્વર્ય વગેરેથી લોભાય તો મોક્ષ મળવાના બદલે ફરી સંસારમાં આવે છે. વિભૂતિ તો સાધકને સાધનામાં આગળ ધપવા પ્રેરણા આપે છે. યોગસાધક અને તેને મળતી આ વિભૂતિઓ ઋગ્વેદના ‘કેશીસૂક્ત’(10/136)માં નિર્દેશાઈ છે. જૈન અને બૌદ્ધ પરંપરામાં યોગસાધનાની પરંપરાનો નિર્દેશ છે.
ઈ. પૂ. 2જી સદીમાં પતંજલિ ‘યોગદર્શન’નાં સૂત્રોના રચયિતા છે. તેના પર ત્રીજી સદીમાં ઉત્તમ કક્ષાનું ગદ્ય ધરાવતા ‘વ્યાસભાષ્ય’ની રચના જાણીતી છે. નવમી સદીમાં વાચસ્પતિ મિશ્રે ‘વ્યાસભાષ્ય’ પર ‘તત્વવૈશારદી’ નામની વિદ્વત્તાપૂર્ણ ટીકા રચી છે અને 11મી સદીમાં ભોજરાજે પતંજલિનાં સૂત્રો પર વૃત્તિ લખી છે. 16મી સદીમાં વિજ્ઞાનભિક્ષુએ ‘યોગસારસંગ્રહ’ નામનો સ્વતંત્ર ગ્રંથ રચ્યો છે.
(3) ન્યાયદર્શન : ગૌતમે પ્રવર્તાવેલા આ ન્યાયદર્શનને આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે, કારણ કે તેમાં પ્રમાણોથી પદાર્થની પરીક્ષા કે અન્વીક્ષા થાય છે. પ્રસ્તુત દર્શન સ્વતંત્ર બુદ્ધિ અને અદુષ્ટ તર્કથી પદાર્થજ્ઞાન આપે છે અને તે દ્વારા નિ:શ્રેયસ્ કે અપવર્ગ કે મોક્ષ મેળવે છે કે જે આત્યંતિક દુ:ખમુક્તિ છે. વૈશેષિક દર્શનની જેમ દૃશ્ય જગતને યથાર્થ માની જગતનું પદાર્થોમાં વિભાજન કે પૃથક્કરણ કરી તે પદાર્થોનાં લક્ષણો આપે છે. તેમાં પદાર્થજ્ઞાન સ્વતંત્ર બુદ્ધિ કે અદુષ્ટ તર્ક વડે અપાયું છે. ન્યાયદર્શન પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન એ સોળ પદાર્થોને સ્વીકારે છે; તેના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ માને છે.
ન્યાયદર્શન પાંચ અધ્યાયોમાં વિભક્ત છે. તેના પ્રત્યેક અધ્યાયમાં બે આહ્નિકો છે. પ્રથમ અધ્યાયમાં 16 પદાર્થોનાં ઉદ્દેશ અને લક્ષણો આપ્યાં છે. બીજા અધ્યાયમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણોની ચર્ચા કરી સંશયની પણ વાત કરી છે. ત્રીજા અધ્યાયમાં આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ અને મન એ પ્રમેયોને રજૂ કર્યાં છે. ચોથા અધ્યાયમાં પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુ:ખ અને અપવર્ગ એ પ્રમેયો નિરૂપાયાં છે. પાંચમા અધ્યાયમાં જાતિ અને નિગ્રહસ્થાન સુધીના બાકીના પદાર્થોની વાત છે. કુલ 16 પદાર્થોમાંના અંતિમ સાત પદાર્થો વાદકલાનાં ઘટકો છે, જેથી પ્રતિવાદી વાદીને ખોટી યુક્તિથી છેતરી ના જાય તે તેનું પ્રયોજન છે.
અક્ષપાદ ગૌતમના ન્યાયદર્શનનાં સૂત્રો પર વાત્સ્યાયનનું ભાષ્ય સૌથી પ્રાચીન છે અને તેમાં મૂળ સૂત્રોમાંના રજૂ થયેલા મહત્વના સિદ્ધાંતો રજૂ કરે છે. બૌદ્ધ નૈયાયિકોએ ગૌતમ અને વાત્સ્યાયનના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. બૌદ્ધ નૈયાયિકોનું વળતું ખંડન ઉદ્યોતકરે ‘ન્યાયભાષ્યવાર્તિક’ લખીને કર્યું છે. તે દ્વારા ન્યાયદર્શનનું મંડન કર્યું છે. એ પછી વાચસ્પતિ મિશ્રે ‘ન્યાયભાષ્યવાર્તિક’ પર ‘તાત્પર્ય’ નામની ટીકા લખી છે. તેના પર ઉદયનાચાર્યે ‘તાત્પર્યપરિશુદ્ધિ’ નામની ટીકા લખી છે, જ્યારે જયંત ભટ્ટે ‘ન્યાયમંજરી’ નામનો સ્વતંત્ર ગ્રંથ રસપ્રદ શૈલીમાં લખ્યો છે.
ન્યાયદર્શનની વિચારધારા વૈશેષિક દર્શનને મળતી આવે છે, તેથી તાત્વિક રીતે બંને દર્શનોમાં કોઈ ભેદ નથી. પોતાના મતના સમર્થન માટે બંને દર્શનોમાં અન્ય દર્શનનો આધાર લેવામાં આવ્યો છે. ન્યાયદર્શને વૈશેષિકોના આરંભવાદ અને પરમાણુવાદને સ્વીકાર્યા છે, જ્યારે વૈશેષિકો ન્યાયદર્શનના ઈશ્વરવાદને સ્વીકારે છે. ન્યાયદર્શનનો ઝોક પ્રમાણ પર વિશેષ છે, જ્યારે વૈશેષિકોનો ઝોક પ્રમેય પર વિશેષ છે. બંને દર્શનોનો સમન્વય સાધવાનો પ્રયત્ન પાછળથી રચાયેલા તર્કશાસ્ત્રના ‘તર્કસંગ્રહ’, ‘તર્કભાષા’, ‘તર્કકૌમુદી’, ‘તર્કામૃત’ અને ‘તર્કતાંડવ’ વગેરે ગ્રંથોમાં થયો છે. એમાં કાં તો ન્યાયદર્શનના 16 પદાર્થો વૈશેષિક દર્શનના સાત પદાર્થોમાં સમાવવામાં આવ્યા છે અથવા વૈશેષિક દર્શનના સાત પદાર્થો ન્યાયદર્શનના 16 પદાર્થોમાં સમાવવામાં આવ્યા છે. ગંગેશોપાધ્યાયે (1314મી સદી) આરંભેલો નવ્યન્યાય બાહ્ય જગત અને તેના પદાર્થોની વાસ્તવિકતાનો વિચાર કરે છે; પરંતુ નવ્યન્યાયના ગ્રંથો સમજવા મુશ્કેલ છે. તેમાં પ્રમાણ અને ખાસ કરીને પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણને વધુ મહત્વ આપવામાં આવેલું છે. ન્યાયદર્શનના પ્રામાણ્યવાદ અસત્કાર્યવાદનું મીમાંસાદર્શને ખંડન કર્યું છે; જ્યારે સાંખ્યદર્શનના સત્કાર્યવાદનું ખંડન ન્યાયદર્શને કર્યું છે.
ન્યાયદર્શન જીવાત્મા સાથે પરમાત્માને પણ સ્વીકારે છે અને દુ:ખની આત્યંતિક નિવૃત્તિને જ એટલે મોક્ષને જ મનુષ્યજીવનનું અંતિમ લક્ષ્ય માને છે. પ્રમાણ વગેરે 16 પદાર્થોના સમ્યક્ જ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. મિથ્યાજ્ઞાનના નાશથી રાગદ્વેષાદિ દોષોનો નાશ થાય છે. પરિણામે પ્રવૃત્તિ થતી નથી અને ફરી જન્મ લેવો પડતો નથી એટલે દુ:ખની આત્યંતિક નિવૃત્તિ થાય છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થાય છે.
(4) વૈશેષિક દર્શન : ન્યાયદર્શનનું જોડિયું ગણાતું આ દર્શન આસ્તિક દર્શન છે. ‘વિશેષ’ નામનો પદાર્થ સ્વીકારવાને લીધે તેનું વૈશેષિક દર્શન એવું નામ પડ્યું છે. કણાદ કે કણભક્ષ મુનિએ સૂત્ર રૂપે ઈ. સ.ની પહેલી સદીમાં આ દર્શન રજૂ કર્યું છે. પરંતુ વૈશેષિક દર્શનની વિચારધારા ઘણી પ્રાચીન છે, કારણ કે બૌદ્ધ અને જૈન ધર્મના પ્રાચીન ગ્રંથોમાં પ્રસ્તુત દર્શનની વિચારધારાના ઉલ્લેખો છે. કણાદે રચેલાં સૂત્રો પર ‘રાવણભાષ્ય’ રચાયેલું એવો ઉલ્લેખ મળે છે, પરંતુ પ્રશસ્તપાદે રચેલું ‘પ્રશસ્તપાદભાષ્ય’ ઉપલબ્ધ છે. પ્રસ્તુત ભાષ્ય પર વ્યોમશિવે ‘વ્યોમવતી’, શ્રીધરે ‘ન્યાયકંદલી’, ઉદયનાચાર્યે ‘કિરણાવલી’ અને શંકરમિશ્રે ‘ઉપસ્કાર’ નામની ટીકાઓ લખી છે. પ્રસ્તુત ભાષ્યનો 648માં હ્યુ-એન-શ્વાંગ નામના ચીની મુસાફરે ચીની ભાષામાં અનુવાદ કર્યો છે.
વૈશેષિક દર્શનમાં દસ અધ્યાયો છે. દરેક અધ્યાયમાં બે આહ્નિકો છે. પ્રથમ અધ્યાયમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ એ પાંચ પદાર્થોનું વિવેચન છે. દ્વિતીય અધ્યાયમાં દ્રવ્યનું વિશેષ નિરૂપણ કરી તેના પ્રકારો પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, દિશા, કાળનાં લક્ષણો અને તેનું પરીક્ષણ આપ્યાં છે. ત્રીજા અધ્યાયમાં આત્મા, મન એ બે બાકીના દ્રવ્યપ્રકારોનું વર્ણન છે. ચોથા અધ્યાયમાં શરીર અને પરમાણુવાદની વિગતો આપવામાં આવી છે. પાંચમા અધ્યાયમાં શારીરિક કર્મ અને માનસ કર્મનો ખ્યાલ આપવામાં આવ્યો છે. છઠ્ઠા અધ્યાયમાં શ્રૌતધર્મ તથા દાન, પ્રતિગ્રહ, બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય – એ ચાર આશ્રમધર્મનો વિચાર રજૂ થયો છે. સાતમા અધ્યાયમાં ગુણ અને સમવાયનું સ્વરૂપ તથા રૂપ, રસ, દ્વિત્વ, પરત્વ વગેરે ગુણોનું અને સમવાયનું નિરૂપણ છે. આઠમા અધ્યાયમાં પ્રત્યક્ષ પ્રમાણની રજૂઆત છે. નવમા અધ્યાયમાં બુદ્ધિવિશેષનો વિચાર કર્યો છે. દસમા અધ્યાયમાં અનુમાન પ્રમાણની વિગતવાર રજૂઆત છે.
વૈશેષિક દર્શનનાં સૂત્રોમાં ઈશ્વરની વાત જ નથી. સૂત્રો પર ભાષ્ય રચનારા પ્રશસ્તપાદે પોતાના ભાષ્યમાં ઈશ્વરનું તત્વ પ્રથમ વાર કહ્યું છે. એ જ રીતે મૂળ સૂત્રોમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય – એ છ પદાર્થોની વાત છે; જ્યારે શિલાદિત્ય (11મી સદી) નામના લેખકે સર્વપ્રથમ ‘અભાવ’ નામનો સાતમો પદાર્થ ઉમેર્યો છે અને એટલે જ પોતાના ગ્રંથનું નામ ‘સપ્તપદાર્થી’ એવું રાખ્યું છે. એ પછી થયેલા લેખકોએ ‘અભાવ’ નામના સાતમા પદાર્થનો સ્વીકાર કરી લીધો છે. શુદ્ધ સૈદ્ધાન્તિક અને વૈજ્ઞાનિક અભિગમવાળા આ દર્શનનું અંતિમ પ્રયોજન મોક્ષની વાત પણ પાછળથી આપવામાં આવી છે એમ વિદ્વાનોનો એક પક્ષ માને છે. શબ્દ અને ઉપમાન પ્રમાણોનો પણ પાછળથી વૈશેષિક દર્શનમાં સ્વીકાર ન્યાયદર્શનની અસરથી કરવામાં આવ્યો છે અને બૌદ્ધદર્શનના ખંડનમાં ન્યાયદર્શનની પરંપરાને પણ પાછળથી પ્રસ્તુત દર્શને સહયોગ આપ્યો છે.
વૈશેષિક દર્શન પૃથ્વી, અપ્, તેજ અને વાયુના પરમાણુઓના સંઘાતથી જગતની ઉત્પત્તિ થાય છે એમ માનતું હોવાથી તેને પરમાણુવાદી દર્શન ગણવામાં આવ્યું છે. તેવી જ રીતે કારણથી ભિન્ન કાર્ય નવી વસ્તુનો આરંભ કરે છે એમ માનતું હોવાથી તેને આરંભવાદી દર્શન કહે છે. કાર્ય કારણમાં રહેતું નથી એવી તેની માન્યતાને લીધે તેને અસત્કાર્યવાદી દર્શન કહે છે. વળી ઉત્પત્તિ પહેલાં પદાર્થના ગુણોને નાશવંત માનવાથી અને શબ્દને સ્વતંત્ર પ્રમાણ ન માનવાથી તેને અર્ધવૈનાશિક અથવા અર્ધબૌદ્ધ દર્શન માનવામાં આવ્યું છે. અભ્યુદય અને નિ:શ્રેયસ્ની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે અને નિ:શ્રેયસ્ એટલે મોક્ષની પ્રાપ્તિ એ પ્રસ્તુત દર્શનનું પ્રયોજન છે. દ્રવ્ય વગેરે સાત પદાર્થોના જ્ઞાનથી મોક્ષપ્રાપ્તિ થાય છે એમ માનનારું આ દર્શન ભૌતિકવાદી હોવા છતાં જ્ઞાનમાર્ગી અને મોક્ષપરક છે.
(5) મીમાંસાદર્શન : મીમાંસાદર્શનને ‘પૂર્વમીમાંસાદર્શન’ એવું નામ ઉત્તરમીમાંસાદર્શનથી અર્થાત્ વેદાંતદર્શનથી અલગ તારવવા આપ્યું છે. વેદની સંહિતાઓ અને બ્રાહ્મણગ્રંથોમાં મુખ્યત્વે કર્મકાંડની ચર્ચા છે, જ્યારે બ્રાહ્મણગ્રંથોને છેડે આવેલાં ઉપનિષદોનો મુખ્ય વિષય જ્ઞાનકાંડનો છે. આમ વેદના બે પ્રમુખ વિષયો કર્મકાંડ અને જ્ઞાનકાંડ વિશે જ સૂક્ષ્મ વિચારણા કે મીમાંસા કરવામાં આવી છે તેમાં કર્મકાંડની સૂક્ષ્મ વિચારણા કે મીમાંસા કરતા દર્શનને ‘પૂર્વમીમાંસાદર્શન’ અને જ્ઞાનકાંડની સૂક્ષ્મ વિચારણા કે મીમાંસા કરતા દર્શનને ‘ઉત્તર-મીમાંસાદર્શન’ – એ નામોથી ઓળખવામાં આવ્યાં છે. વળી મનુષ્યને કર્મ કરવાની પ્રેરણા ધર્મ આપે છે તેથી તે ‘ધર્મમીમાંસા’ નામે પણ ઓળખાય છે. પાછળથી વેદના અંતે આવેલાં ઉપનિષદોમાં રજૂ થયેલા જ્ઞાનકાંડને ‘વેદાંતદર્શન’ એવું નામ આપવામાં આવ્યું અને કર્મકાંડની ચર્ચા કરતા પૂર્વમીમાંસાદર્શનને જ ટૂંકમાં ‘મીમાંસાદર્શન’ શબ્દથી જ ઓળખવામાં આવ્યું છે. પ્રસ્તુત દર્શનનાં સૂત્રોની રચના વ્યાસના શિષ્ય જૈમિનિએ કરી છે. આ દર્શનમાં યજ્ઞયાગાદિમાં થતી હિંસાનું મંડન બૌદ્ધો અને જૈનોનાં ખંડનોનો વિરોધ કરીને કરવામાં આવ્યું છે.
મીમાંસાદર્શન સૂત્રોમાં રચાયેલા બાર અધ્યાયોનું બનેલું અને ઈ. પૂ. 400માં રચાયેલું છે. જૈમિનીય સૂત્રો પર બીજી સદીમાં શબર સ્વામીએ ‘શાબરભાષ્ય’ રચ્યું છે, જે ‘મહાભાષ્ય’ અને ‘શાંકરભાષ્ય’ જેટલું સુંદર છે. સાતમી સદીમાં પ્રભાકરે પ્રસ્તુત દર્શન પર સ્વતંત્ર ગ્રંથરચના કરી છે. એ જ સમયે કુમારિલ ભટ્ટે ‘શાબરભાષ્ય’ની સમજૂતી આપતાં (1) ‘પ્રમાણવાર્તિક’, (2) ‘શ્લોકવાર્તિક’ અને (3) ‘તંત્રવાર્તિક’ની રચના કરી છે. પ્રભાકર ગુરુ અને કુમારિલ ભટ્ટ શિષ્ય હોવા છતાં બંને વચ્ચે તીવ્ર મતભેદો છે. ગુરુ પ્રભાકરના અનુયાયીઓેને ‘ગુરુમતાનુયાયી’ અને કુમારિલ ભટ્ટના અનુયાયીઓને ‘ભાટ્ટમતાનુયાયી’ કહે છે.
‘મીમાંસાદર્શન’નાં સૂત્રો બાર અધ્યાયોમાં વૈદિક કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાની અનોખી વાત રજૂ કરે છે. પ્રથમ અધ્યાયમાં વિધિપ્રમાણ, અર્થવાદ, મંત્રપ્રમાણ, સ્મૃતિપ્રમાણ, ઉદ્ભિજ, ચિત્ર વગેરે પ્રમાણોની વાત કરે છે. બીજા અધ્યાયમાં અપૂર્વબોધક, અપૂર્વ સદ્ભાવ, ધાતુભેદ, પુનરુક્તિ, રથન્તર, નિત્ય અને કામ્ય વગેરે કર્મપ્રકારોને ચર્ચે છે. ત્રીજા અધ્યાયમાં શ્રુતિ, વાક્ય, પ્રકરણ, લિંગ વગેરે અન્ય પ્રમાણો તથા પ્રતિપત્તિ પ્રયાજ, અધીત વગેરેનું નિરૂપણ છે. ચોથા અધ્યાયમાં આમિક્ષા વગેરે પ્રધાનપ્રયોક્તા, વત્સાપકરણ, જુહૂ, અક્ષદ્યૂત વગેરેની સાથે ગોદોહના વિધિઓના અનુષ્ઠાનની વાત છે. પાંચમા અધ્યાયમાં શ્રુતિપાઠ, વાજપેય, પંચપ્રયાજ, ક્રમ અને તેના નિયામકોની વાત રજૂ થઈ છે. છઠ્ઠા અધ્યાયમાં કર્મ અને સત્રના અધિકારી, અધિકારીના ધર્મો, પદાર્થલોપ, કાલાપરાધ વગેરે દોષોનું પ્રાયશ્ચિત્ત, દીક્ષા, ઉપનયન અને સ્થપતીદૃષ્ટિ વગેરેનું વર્ણન છે. સાતમા અધ્યાયમાં પ્રત્યક્ષવચન, અગ્નિહોત્ર, નિર્વાપ, ઔષધ, દ્રવ્ય અને લિંગ વગેરેના અતિદેશની વાત કરવામાં આવી છે. આઠમા અધ્યાયમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ લિંગો વડે વિશેષ, અતિદેશ અને તેના વિધિનું નિરૂપણ થયું છે. નવમા અધ્યાયમાં ઊહ, સામોહ, મંત્રોહ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. દસમા અધ્યાયમાં બાધ અને તેના હેતુ, નક્ષત્રેદૃષ્ટિ, ઉપહોમ, ગ્રહ, ષોડશીગ્રહ, સામવિચાર, હવિર્ભેદ અને અનુયાજમાં નઞ્-અર્થવિચારનો ખ્યાલ આપવામાં આવ્યો છે. અગિયારમા અધ્યાયમાં તંત્ર અને આવાપની સોદાહરણ ચર્ચા આપી છે. બારમા અધ્યાયમાં પશુ, પુરોડાશ, સવનીયપશુતંત્ર વગેરેનું વર્ણન છે.
વેદમાં કહેલાં યજ્ઞયાગાદિ કર્મોને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય સ્વર્ગ અને મોક્ષ પામે છે. અન્ય દર્શનો કર્મને મોક્ષપ્રાપ્તિમાં બાધક માને છે, જ્યારે મીમાંસાદર્શન કર્મને મોક્ષપ્રાપ્તિનું સાધક માને છે. મીમાંસાદર્શન મુજબ નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એ ત્રણે પ્રકારનાં કર્મોને મોક્ષ પ્રાપ્ત કરાવનારાં માને છે. પ્રસ્તુત દર્શન કર્મો અને તેમનાં ફળો વચ્ચે અનિવાર્ય સંબંધ અષ્ટ અથવા અપૂર્વ સ્થાપે છે એવું મંતવ્ય ધરાવે છે. અન્ય દર્શનો ઈશ્વર એ સંબંધ સ્થાપે છે એમ માને છે, જ્યારે મીમાંસા નિરીશ્વરવાદી દર્શન છે. નિષ્કામ કર્મમાં મોક્ષપ્રાપ્તિનું મૂળ રહેલું છે એવો મીમાંસાદર્શનનો સિદ્ધાંત છે. પ્રમાણવિચારમાં પણ તેમની ચર્ચા વિશિષ્ટ છે. બધાં પ્રમાણો સ્વત: પ્રમાણો હોવાનો તેમનો મત છે. ગુરુ પ્રભાકરે પ્રસ્તુત દર્શનમાં ન્યાયદર્શને માનેલાં ચાર પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દમાં અર્થાપત્તિ નામનું પાંચમું પ્રમાણ નવું માન્યું છે. શિષ્ય કુમારિલ ભટ્ટે ગુરુએ માનેલાં એ પાંચ પ્રમાણો સ્વીકારીને છઠ્ઠું ‘અભાવ’ કે ‘અનુપલબ્ધિ’ નામનું નવું પ્રમાણ માન્યું છે. આ છ પ્રમાણો ઉપરાંત પ્રસ્તુત દર્શનમાં શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા – એ છ તાત્પર્ય નક્કી કરનારા સહાયકોને પણ પ્રમાણો માનવામાં આવ્યાં છે. વળી ગુરુ પ્રભાકર તાત્પર્ય નામની વાક્યશક્તિને માનતા ન હોવાથી અન્વિતાભિધાનવાદી છે, જ્યારે શિષ્ય કુમારિલ ભટ્ટ વાક્યની તાત્પર્યશક્તિને માને છે તેથી તેઓ અભિહિતાન્વયવાદી છે.
વળી મીમાંસાદર્શન વેદોને અપૌરુષેય માને છે. વેદો ઈશ્વરપ્રણીત છે એમ માનવા તૈયાર નથી. વેદોને પ્રસ્તુત દર્શન વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ – એવા પાંચ વિભાગોમાં વહેંચે છે. પ્રસ્તુત દર્શનના આદ્ય પ્રણેતા જૈમિનિ નિરીશ્વરવાદી છે, પ્રભાકર અને કુમારિલ ભટ્ટ અજ્ઞેયવાદી છે. છેક 1700માં આપદેવ અને લૌગાક્ષિભાસ્કરે ઈશ્વરવાદનો સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો છે. એ પછી વેદાંતદેશિકે ‘સેશ્વરમીમાંસા’ નામનો ગ્રંથ લખી ઈશ્વરનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે. યજ્ઞાદિ કર્મોનો વિરોધ નહિ કરનારું આ દર્શન જૈનદર્શન અને બૌદ્ધદર્શનનું ખંડન તો કરે છે જ, પરંતુ ઈશ્વર વગેરે બાબતમાં માનનારાં ન્યાયદર્શન અને વૈશેષિક દર્શનોનું પણ ખંડન કરે છે.
(6) ઉત્તરમીમાંસાદર્શન કે વેદાંતદર્શન : મહર્ષિ વેદવ્યાસે રચેલું આ દર્શન વેદના જ્ઞાનકાંડની વિચારણા કરતું દર્શન છે. વેદવ્યાસના શિષ્ય જૈમિનિ મુનિએ વેદના કર્મકાંડની મીમાંસા કે વિચારણા ‘પૂર્વમીમાંસાદર્શન’માં કરી છે; જ્યારે ગુરુ વેદવ્યાસે વેદમંત્રોમાં અને વેદના અંતે આવેલા ઉપનિષદ-ગ્રંથોમાં ઈશ્વર, જીવ અને જગત વિશે રજૂ થયેલાં વિધાનોની તલસ્પર્શી વિચારણા કરતું ‘ઉત્તરમીમાંસાદર્શન’ રજૂ કર્યું છે. ઉપનિષદો વેદોના અંતે હોવાથી અને તેમાં જ વેદના જ્ઞાનકાંડની વાત હોવાથી તેને ‘વેદાંતદર્શન’ એવું નામ પણ આપવામાં આવ્યું છે. વેદમંત્રો અને વિભિન્ન ઉપનિષદોના મંત્રોના દ્રષ્ટા ઋષિઓ જુદા જુદા હોવાથી તેમાં ઈશ્વર, જીવ અને જગત વિશે દેખીતી વિરોધી વાતો કરવામાં આવી છે. એમાં અભ્યાસકને એકવાક્યતા બતાવવાનો પ્રયત્ન વેદાંતદર્શનમાં કરવામાં આવ્યો છે. મહર્ષિ વેદવ્યાસ કે બાદરાયણે બ્રહ્મસૂત્રો રચીને આવો પ્રયત્ન સર્વપ્રથમ કર્યો છે.
વેદવ્યાસ કે બાદરાયણે રચેલાં વેદાંતદર્શનનાં સૂત્રો ચાર અધ્યાયોમાં વહેંચવામાં આવ્યાં છે. પ્રત્યેક અધ્યાય ચાર પાદોમાં વિભક્ત હોવાથી કુલ 16 પાદો તેમાં રહેલાં છે. પ્રથમ અધ્યાયમાં પાદાનુસાર 31 + 32 + 43 + 28 એમ મળીને કુલ 134 સૂત્રો છે. બીજા અધ્યાયમાં 37 + 45 + 53 + 22 મળીને કુલ 157 સૂત્રો છે. ત્રીજા અધ્યાયમાં 27 + 41 + 66 + 52 મળીને કુલ 186 સૂત્રો છે. ચોથા અંતિમ અધ્યાયમાં 19 + 21 + 16 + 22 મળીને કુલ 78 સૂત્રો છે. સમગ્ર દર્શનમાં કુલ 555 સૂત્રો છે.
પ્રથમ અધ્યાયનું નામ ‘સમન્વયાધ્યાય’ છે, કારણ કે તેમાં શ્રુતિનાં સ્પષ્ટ અને અસ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્યોનો ‘પરબ્રહ્મ’ એવા અર્થમાં સમન્વય કરવામાં આવ્યો છે. સાંસારિક કર્મોનું ફળ અનિત્ય હોવાથી નિત્યફળરૂપ મોક્ષને મેળવવા બ્રહ્મજિજ્ઞાસા કરવી જોઈએ, કારણ કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બ્રહ્મ છે. આ બ્રહ્મની પ્રાપ્તિ વેદાદિ શાસ્ત્રોનાં અધ્યયનથી થાય છે. સઘળાં શાસ્ત્રોનું પ્રતિપાદ્ય બ્રહ્મ હોવાથી વેદાંતવાક્યોનો સમન્વય બ્રહ્મમાં બતાવવામાં આવ્યો છે. બ્રહ્મ એક અને અદ્વિતીય તથા આનંદમય છે. બ્રહ્મ અક્ષિપુરુષ, આદિત્યગત હિરણ્યપુરુષ, વૈશ્વાનર, આકાશ, અંતર્યામી, પ્રાણ, જ્યોતિ, ભૂમા, અક્ષર, દહરાકાશ વગેરે છે એમ વર્ણવવામાં આવ્યું છે.
દ્વિતીય અધ્યાયમાં સાંખ્ય, યોગ વગેરે દર્શનોનો પ્રકૃતિને જગત્કારણ ગણાવતો સિદ્ધાંત મન્વાદિ સ્મૃતિના સિદ્ધાંતથી વિરોધી અને ત્યાજ્ય છે એમ પ્રથમ પાદમાં કહીને દ્વિતીય પાદમાં સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ, જૈન, પાશુપત અને પાંચરાત્ર મતોનું યુક્તિઓથી ખંડન કર્યું છે. ત્રીજા પાદમાં આકાશ અનિત્ય છે અને જીવ પરમાત્માને અધીન છે એમ કહી તેનું ખંડન કર્યું છે. ચતુર્થ પાદમાં પ્રાણ, ઇન્દ્રિયથી આરબ્ધ મન આદિ ઇન્દ્રિયાભિમાની દેવતા દ્વારા સંચાલિત હોવાથી તે જગતનું કારણ નથી એમ સિદ્ધ કર્યું છે.
તૃતીય અધ્યાયનું નામ ‘સાધનાધ્યાય’ છે અને તેમાં જીવની કર્મ મુજબ શુભ અને અશુભ ગતિ બતાવી તેમાંથી મુક્ત થવા બ્રહ્મોપાસનાનો નિર્દેશ કર્યો છે.
ચતુર્થ અધ્યાયમાં જીવે કરેલી ઉપાસના મુજબ સત્યલોક વગેરેની પ્રાપ્તિનું ફળ વર્ણવ્યું છે તેથી તેને ‘ફલાધ્યાય’ એવું નામ આપવામાં આવ્યું છે.
બ્રહ્મસૂત્રો મુજબ બ્રહ્મ દૃશ્ય જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે અને બાહ્ય પ્રપંચ તેનું કાર્ય છે; કારણ બ્રહ્મ જગતમાં વ્યાપવા છતાં પણ ઉચ્છિષ્ટ રહે છે અને તે જ સાધકોનું પ્રાપ્તવ્ય તત્વ છે. કાર્યબ્રહ્મ પ્રજાપતિ બ્રહ્મા પ્રલય સુધી રહે છે. કારણબ્રહ્મ નિત્યસિદ્ધ છે. જીવ પરબ્રહ્મના અંશ કે બિંબરૂપ તથા બ્રહ્મથી અભિન્ન છે. બ્રહ્મનું આવું જ્ઞાન થતાં જીવ બ્રહ્મ જ બની જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જગતમાં જીવને ફરી આવવાનું રહેતું નથી એમ બ્રહ્મસૂત્રોમાં કહ્યું છે.
બાદરાયણે રચેલાં બ્રહ્મસૂત્રોમાં વેદાંતગ્રંથો એટલે ઉપનિષદગ્રંથોમાં પ્રતિપાદિત અદ્વૈતવાદનું નિરૂપણ છે. એના પર સર્વપ્રથમ શંકરાચાર્યે (8મી સદી) ‘શારીરક’ નામના ભાષ્યની રચના કરી છે અને તેમાં કેવલાદ્વૈતના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. એ પછી નિમ્બાર્કે (1000) વેદાંતદર્શન પર ભાષ્ય લખીને ભેદાભેદવાદનું સ્થાપન કર્યું છે. ભાસ્કરે એ જ અરસામાં ઔપાધિક ભેદાભેદવાદનું સમર્થન કર્યું છે. મહત્વના આચાર્ય રામાનુજે (11મી સદી) બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખીને વિષ્ણુપરક વિશિષ્ટાદ્વૈતવાદનું મંડન કર્યું છે. મધ્વાચાર્યે (1120) વેદાંતદર્શન પરના પોતાના ભાષ્યમાં દ્વૈતવાદનું સમર્થન કર્યું છે, જ્યારે શ્રીકંઠાચાર્યે (1300) શાક્તશૈવ વિશિષ્ટાદ્વૈતવાદનું સ્થાપન કર્યું છે. વૈષ્ણવપંથના વલ્લભાચાર્યે (1500) શુદ્ધાદ્વૈતવાદનું પ્રવર્તન કર્યું છે. આચાર્ય વિજ્ઞાનભિક્ષુએ (1650) અવિભાગાદ્વૈતવાદનું મંડન કર્યું છે. તદુપરાંત તે જ ગાળામાં અન્ય આચાર્યોએ પણ પોતપોતાની રીતે ઉપનિષદોના અદ્વૈતવાદનું અર્થઘટન કરીને બ્રહ્મસૂત્રો પર ભાષ્યો લખ્યાં છે. એનું કારણ એ છે કે તત્વજ્ઞાનના ક્ષેત્રે ઉપનિષદો એ શ્રૌતપ્રસ્થાન, ભગવદગીતા એ સ્માર્તપ્રસ્થાન અને બ્રહ્મસૂત્રો એ સૂત્રપ્રસ્થાન ગણાયાં છે. આ ‘પ્રસ્થાનત્રયી’માં પોતાનો મૌલિક મત કહેલો છે એમ ત્રણે પ્રસ્થાનો પર ભાષ્ય રચીને બતાવે તેને જ ‘આચાર્ય’ની પદવી આપવામાં આવતી હતી. આથી અનેક આચાર્યોએ અન્યનું ખંડન કરીને સ્વમતની સ્થાપના ‘પ્રસ્થાનત્રયી’ પર ભાષ્યરચનાઓ દ્વારા કરી છે; એટલું જ નહિ, પોતાના આચાર્યનું અન્ય આચાર્યે કરેલું ખંડન પણ તે તે આચાર્યોના અનુયાયીઓએ કર્યું છે. પરિણામે વેદાંત એ દર્શન પર રચાયેલું સાહિત્ય ઘણું વિશાળ છે અને ષડ્દર્શનમાં વેદાંતને સિંહ સાથે સરખાવવામાં આવ્યું છે.
અરવિન્દ હ. જોષી
પ્ર. ઉ. શાસ્ત્રી