ષડ્ધરણ યોગ (ચૂર્ણકલ્પ) : વાતવ્યાધિની ચિકિત્સા માટેનો ઔષધપ્રયોગ. આયુર્વેદના બૃહતત્ર કે વૃદ્ધત્રયી ગ્રંથોમાં ગણાતા મહર્ષિ વાગ્ભટ્ટ કૃત ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના ‘ચિકિત્સાસ્થાન’ના 21મા અધ્યાયમાં શરીરના દોષરૂપ ત્રણ મુખ્ય દોષો  વાત, પિત્ત અને કફમાંના પ્રથમ ‘વાતદોષ’ કે ‘વાયુના રોગોની આયુર્વેદિક ચિકિત્સા’નું એક ખાસ પ્રકરણ છે.

ગ્રંથકારે વાયુદોષની ચિકિત્સામાં સીધા જ ઔષધિપ્રયોગો ન બતાવતાં, વાતદોષની પંચકર્મ(સંશોધન)-ચિકિત્સા અંતર્ગત ચિકિત્સકે પ્રથમ દર્દી ઉપર સ્નેહન(તેલમાલિશ)નો પ્રયોગ કરવાનું જણાવ્યું છે (એ રીતે ઘી-તેલ જેવા સ્નિગ્ધ તૈલી પદાર્થો દર્દીને ખવડાવાય છે) અને તે પછી સ્વેદનક્રિયા (વરાળનો બાફ કે ગરમ ગોટાનો શેક કે ગરમ તેલથી શેક કરીને પરસેવો બહાર કાઢવાની પ્રક્રિયા) કરવાની શાસ્ત્રોક્ત વિધિ પર ભાર મૂક્યો છે. આ બંને ક્રિયાઓથી શરીરમાં સીધા માર્ગે કે અવળા માર્ગે રહેલો ‘વાયુદોષ’ પોતાની વિકૃતિ ત્યજીને, સ્વમાર્ગી બને છે. તેમ કર્યા પછી દર્દીના શરીરના કયા અંગમાં વાયુદોષ રહેલો છે તે જોઈને વિશિષ્ટ ચિકિત્સાક્રમ બતાવેલ છે.

દર્દીના આમાશય(હોજરી : stomach)માં જો વાયુદોષ કોપ્યો હોય તો, આયુર્વેદિક ચિકિત્સાસિદ્ધાંત મુજબ હોજરી એ કફનું સ્થાન હોઈને, આ સ્થાન વિશુદ્ધ કરવા માટે, દર્દીને ઊલટી (વમન) કરાવ્યા પછી, સ્વસ્થ થયેથી ભોજન કરાવવાની અને તે પછી હોજરીના વાયુદોષની શાંતિ માટે ‘ષડ્ધરણ યોગ’ નામે ચૂર્ણ-કલ્પ(formation)ની ઔષધિ આપવાની વાત નોંધી છે.

ષડ્ધરણ યોગનો પાઠ : દારુહળદર, ઇંદ્રજવ, કડુ, અતિવિષ, ચિત્રો, પહાડમૂળ – એ બધાં દ્રવ્યો સમભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, તે ચૂર્ણ 3થી 5 ગ્રામ જેટલું તાજા ગોમૂત્ર સાથે (અથવા ગોમૂત્ર-અર્ક કે ગરમ જળ) સાથે પાવાનો નિર્દેશ છે.

આ ઔષધિપ્રયોગથી દર્દીની હોજરીના વાયુની ઉત્તમ રીતે શાંતિ થાય છે, તેનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ભૂખ લાગે છે અને ખાધેલા અન્નનું પાચન થાય છે.

‘બૃહતત્રી’ના બીજા ગ્રંથકાર સુશ્રુતાચાર્યે પોતાની સુશ્રુત-સંહિતાના ‘વાતવ્યાધિ’ના ચિકિત્સાખંડમાં પણ ‘ષડ્ધરણ યોગ’ નામે ચૂર્ણ-કલ્પનો પાઠ આપેલ છે, જેમાં ‘અષ્ટાંગહૃદય’કારે બતાવેલ 4 દ્રવ્યો એ જ છે. બે થોડાં જુદાં બતાવ્યાં છે. સુશ્રુતોક્ત ‘ષડ્ધરણ યોગ’નો પાઠ આ મુજબ છે : ચિત્રક, ઇંદ્રજવ, કડુ અને અતિવિષ, પાઠા (કાળી પાઠ) અને હરડે. (છેલ્લાં 2 દ્રવ્યોમાં જ થોડું પરિવર્તન છે.)

આ યોગ પણ શરીરના વાતવ્યાધિનો નાશ કરવા માટે વપરાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા