ષડ્ગુરુશિષ્ય : વૈદિક સાહિત્ય વિશેના લેખક. ષડ્ગુરુશિષ્ય પોતાના છ ગુરુઓનાં નામ આ પ્રમાણે ગણાવે છે : (1) વિનાયક, (2) શૂલપાણિ અથવા શૂલાંગ, (3) મુકુન્દ અથવા ગોવિંદ, (4) સૂર્ય, (5) વ્યાસ, (6) શિવયોગી. ષડ્ગુરુશિષ્યે ‘વેદાર્થદીપિકા’ની પુષ્પિકામાં, રચના-સંવત 1234 (ઈ. સ. 1178) આપી છે. આને આધારે પં. બલદેવ ઉપાધ્યાય આમનો સમય ઈ. સ. 12મી સદીનો મધ્યભાગ માને છે. ષડ્ગુરુશિષ્યે ‘ઐતરેય બ્રાહ્મણ’, ‘ઐતરેય આરણ્યક’, ‘આશ્વલાયન શ્રૌતસૂત્ર’, ‘આશ્વલાયન ગૃહ્યસૂત્ર’ અને ‘સર્વાનુક્રમણી’ ઉપર વૃત્તિઓ લખી છે. ‘ઐતરેય બ્રાહ્મણ’ ઉપરની વૃત્તિનું નામ ‘સુખપ્રદા’ છે. તે અનંતકૃષ્ણશાસ્ત્રી દ્વારા ત્રિવેન્દ્રમથી સંપાદિત થઈ છે અને 1942માં અનંતશયન ગ્રંથમાળા(નં. 146)માં પ્રકાશિત થઈ છે. ‘ઐતરેય આરણ્યક’ ઉપરની વૃત્તિનું નામ ‘મોક્ષપ્રદા’ છે. તે ત્રિવેન્દ્રમ્ અને ચેન્નાઈમાં હસ્તપ્રત અવસ્થામાં છે. કાત્યાયનની ‘સર્વાનુક્રમણી’ ઉપર એમની ‘વેદાર્થદીપિકા’ વ્યાખ્યા છે. આ ‘વેદાર્થદીપિકા’નું સંપાદન ઑક્સફર્ડથી ઈ. સ. 1886માં આર્થર એ. મૅકડોનલ દ્વારા થયું છે. ભારતીય પરંપરાથી અજ્ઞાત વિદ્વાનો ‘ત્રયી’ શબ્દને ગ્રહણ કરીને આક્ષેપ કરે છે કે અથર્વવેદ, વેદ નથી. આ આક્ષેપનું નિવારણ ષડ્ગુરુશિષ્યના આ શ્લોકમાંથી મળી રહે છે. ‘विनिय्क्तव्यरुपश्च त्रिविधः सम्प्रदशते । ऋग्यजुः सामरुपेण मन्त्रो वेदचतुष्टये ।।’  (વેદાર્થદીપિકા). વેદ ચાર છે; તેમાં ઋક્, યજુ: અને સામ એ ત્રણ પ્રકારના મંત્રો છે. આ ત્રણ પ્રકારનાં પ્રયોજ્ય રૂપો છે. ષડ્ગુરુશિષ્યનું સૂચન છે. ‘ઋષિ, છંદ:, દેવતા વિનિયોગ જાણ્યા સિવાય જે (મંત્રને) ભણાવે છે કે (મંત્રનો) જપ કરે છે, તે પાપી બને છે.’ આ જ્ઞાન જરૂરી છે. (વેદાર્થદીપિકા). મહર્ષિઓ બ્રાહ્મણગ્રંથોમાં ઋચાઓનાં ઉદાહરણ આપે છે એનું કારણ ષડ્ગુરુશિષ્ય આપે છે કે જે રીતે પારાથી સિદ્ધ થયેલું તામ્ર સુવર્ણતાને પામે છે, તેની જેમ વેદમાં ઋચાને કારણે અર્થ સ્પષ્ટ રીતે બોધગમ્ય બને છે. સંહિતાઓના મંત્રોના ઋષિ, દેવતા, છંદ વગેરેની યાદી પૂરી પાડે તે સાહિત્યને અનુક્રમણી કહે છે. ષડ્ગુરુશિષ્ય આવી દશ અનુક્રમણીઓ ગણાવે છે : (1) આર્ષાનુક્રમણી, (2) દેવતાનુક્રમણી, (3) છંદોનુક્રમણી, (4) અનુવાકાનુક્રમણી, (5) સૂક્તાનુક્રમણી, (6) ઋગ્વિધાન, (7) પાદવિધાન, (8) પ્રાતિશાખ્ય, (9) શૌનકસ્મૃતિ, (10) બૃહદ્દેવતા. ષડ્ગુરુશિષ્ય જણાવે છે કે કાત્યાયન શૌનકના શિષ્ય હતા. ગુરુશિષ્યપરંપરાના આ પ્રકારના નિર્દેશોને કારણે પણ વૈદિક સાહિત્યના ઇતિહાસમાં ષડ્ગુરુશિષ્યનું મહત્વ છે.

રશ્મિકાન્ત પ. મહેતા