ષટ્પદી (15મી સદીથી 18મી સદી) : કન્નડ કાવ્યનો એક પ્રકાર. તે છ લીટીનું બનેલું હોય છે; જેમાં પહેલી, બીજી, ચોથી અને પાંચમી લીટી તથા ત્રીજી અને છઠ્ઠી લીટી સરખી હોય છે. ત્રીજી અને છઠ્ઠી લીટીઓ બીજી ચાર લીટીઓના એક ગુરુ કરતાં દોઢ ગણી વધુ હોય છે. આ કાવ્યસ્વરૂપ વર્ણનાત્મક કાવ્ય અને ‘કાવ્યગાયન’ માટે આદર્શ હોવાથી તે તેરમી અને ચૌદમી સદી બાદ વધુ લોકપ્રિય બન્યું. કન્નડ સાહિત્યમાં પંદરમી અને અઢારમી સદી સુધીનો સમય ‘ષટ્પદી યુગ’ તરીકે ઓળખાય છે. આજે પણ તે સ્વરૂપ પ્રચલિત છે.

નાગવર્મા(10મી સદી)ના ‘છંદોબદ્ધી’માં ષટ્પદીનો પહેલી વાર ઉલ્લેખ કરાયો છે. પિંગળ પરની સંસ્કૃત અને તેલુગુની કેટલીક પ્રાચીન કૃતિઓમાં તેની વિગતો દર્શાવી છે. ચંદ્રરાજ(11મી સદી)ના ‘મદની તિલક’માં ષટ્પદીની 3 કડીઓ; શાંતિનાથ(11મી સદી)ના ‘સુકુમાર ચરિત’માં એક કડી; સોમેશ્વર(12મી સદી)ના સંસ્કૃત ‘મનસોલ્લાસ’માં એક કડી; ‘અમ્મીના ભાવિ’ હસ્તપ્રત(1171)માં એક કડી; ‘ભીમ સમુદ્ર’ હસ્તપ્રત(1067)માં એક કડી; ‘ચડાચના’ હસ્તપ્રત(1067)માં 3 કડી અને ‘ગંગાપુર’ હસ્તપ્રત(12મી સદી)માં એક કડી જોવા મળે છે. આમ આશરે 150 વર્ષના સમયગાળામાં આ સ્વરૂપની 11 કડીઓ રચવામાં આવી હતી.

કન્નડ સાહિત્યમાં ષટ્પદીનાં છ સ્વરૂપો પ્રચલિત છે; જેવાં કે શર, કુસુમ, ભોગ, ભામિની, પરિવર્ધિની અને વર્ધક ષટ્પદીઓ. એકમાત્ર રાઘવંકે ‘ઉદ્દંડ ષટ્પદી’નો ઉપયોગ કર્યો છે અને રન્નાએ એકાકી ‘માત્રાસામક ષટ્પદી’ આપી છે. પંડિતોના મતે નાગવર્મા અને જયકીર્તિ દ્વારા ઉલ્લેખેલ ષટ્પદી સ્વરૂપ ‘અંશ ગણ’-આધારિત છે અને ‘માત્રા ગણ’-આધારિત સ્વરૂપ 1140-50 પછી વિકાસ પામ્યું.

આ છ સ્વરૂપો પૈકી વર્ધક અને ભામિની બાકીના કરતાં વધુ લોકપ્રિય છે. સુદીર્ઘ કાવ્યો માટે વર્ધક ષટ્પદી જોડનાર રાઘવંક (13મી સદી) પ્રથમ કન્નડ કવિ છે. તેમનાં પ્રગટ થયેલ છ કાવ્યો પૈકી બે – ‘હરિશ્ર્ચંદ્ર કાવ્ય’ અને ‘સિદ્ધરામ ચરિત’ – એ કન્નડ સાહિત્યમાં તેમને સન્માનનીય અને મહત્વનું સ્થાન અપાવ્યું છે. રઘુવંકની વર્ધક ષટ્પદીને સોએક કવિઓ અનુસર્યા અને બધાં મળીને 488 કન્નડ કવિઓએ 582 ષટ્પદી કાવ્યો રચ્યાનો અંદાજ છે.

રઘુવંક(13મી સદી)થી કુમાર વ્યાસ (15મી સદી) સુધીનો ગાળો ષટ્પદી કાવ્યો માટેનો સંક્રાંતિકાળ હતો, જેમાં વિવિધ ષટ્પદી સ્વરૂપો રચાયાં. કુમાર પદ્મરાસે કુસુમ અને ભામિની ષટ્પદીઓમાં ‘સાનંદ ચરિત્ર’ રચ્યું. 50 વર્ષ બાદ જૈન કવિ કુમુદેવિંદુ(13મી14મી સદી)એ તેમનું રામાયણ જુદાં જુદાં ષટ્પદી સ્વરૂપોમાં રચ્યું અને વધુ અગત્યનું તો એ છે કે આ જુદાં જુદાં ષટ્પદી સ્વરૂપોના ‘રાગો’ નિયત કર્યા; જેમ કે, પરિવર્ધિની ષટ્પદીને માટે નાતિ અને ધનાશ્રી રાગ; કુસુમ ષટ્પદીને માટે ફલમંજરી અને માલાહરી રાગ; અને ભામિનીને માટે લલિત, માળવા ગોવલા અને ભૂપાલી રાગો નિયત કર્યા.

પદ્મનાંકે (1400) વર્ધક ષટ્પદીમાં ‘પદ્મરાજાપુરાણ’ રચ્યું. આ કૃતિ હોયસળ ઇતિહાસ અંગે પ્રકાશ ફેંકે છે અને હરિહર, રઘુવંક અને અન્ય વિશે ચરિત્રવિષયક વિગતો દર્શાવે છે. તેમાં વાર્તાઓનો ભંડાર છે.

સમગ્રતયા ભામિની ષટ્પદીમાં ‘બસવ પુરાણ’ના રચયિતા ભીમ કવિ (14મી સદીનો ઉત્તરાર્ધ) તે સમયના ખ્યાતનામ કવિ હતા. કુમાર વ્યાસનું ‘ભારત’ કન્નડમાં ષટ્પદી કાવ્યના કળશ સમાન ગણાય છે. તે મહાન પાત્રોના સંચલનથી કંપાયમાન બનતી યુદ્ધકળાથી ભરપૂર, અત્યંત સુંદર અને કલાત્મક સુઘટિત વસ્તુ-ગુંફનવાળું કાવ્ય છે.

ચામરસ કન્નડમાં બીજા મોટા ષટ્પદી લેખક થઈ ગયા. તેમની ભામિની ષટ્પદીમાં રચાયેલ મહાન કૃતિ ‘પ્રભુલિંગ લીલે’ કુમાર વ્યાસના ‘ભારત’ કરતાં તદ્દન જુદી કૃતિ છે, કારણ તેમાં યોગ અને વૈરાગ્યનું મધુર સંગીત પીરસવામાં આવ્યું છે. તેથી ચામરસ કુમાર વ્યાસ જેટલા જ ખ્યાતનામ કવિ લેખાયા છે.

ભારતે (15મી સદીનો પૂર્વાર્ધ) વડી મડગજ સિંહસૂરિની સંસ્કૃત કૃતિ પરથી, ‘જીવનધારા ચરિતે’ આપ્યું છે. પ્રૌઢ દેવરાયના મહામાન્ય લક્કન્ના દંડેશાએ (1416-1446), વીરશૈવ ધર્મના વિશ્વકોશ સમાન ‘શૈવ-તત્વ ચિંતામણિ’ નામનો બસવના જીવનને વણી લેતો ગ્રંથ રચ્યો, જે બસવના શિષ્યો માટે મહામૂલ્યવાન ગણાયો. તેમાં તેમણે હજારો જૂનાં અને નવાં શિવશરણોનું સંક્ષિપ્તમાં નિરૂપણ કર્યું છે.

કુમાર વાલ્મીકિ (16મી સદી) તત્કાલીન ષટ્પદી-કવિઓમાં શ્રેષ્ઠ ગણાતા. તેમણે ‘જોરાવે રામાયણ’ આપ્યું છે, જેણે કન્નડમાં અનેક યક્ષગાન-નાટકોને આધારસામગ્રી પૂરી પાડી છે. વળી મહાકાવ્ય હોઈ તે રીતે પણ તે લોકપ્રિય બન્યું છે. રાજસી પરિવારના મંગરાસ ત્રીજા-(16મી સદી)એ 6 કાવ્યો રચ્યાં તે પૈકી 3 ‘જયંરૂપા કાવ્ય’, ‘સમ્યક્ત્વ કૌમુદી’ અને ‘સુપશાસ્ત્ર’ ષટ્પદી-સ્વરૂપનાં છે. બીજા મહત્વના ષટ્પદી કવિ મલ્લનાર્ય દેવગુહા, રાજા સત્યેન્દ્ર ચોલા અને સામાન્ય માનવી તિર્કોલવિનાચીની કથા ‘ભાવચિંતારત્ન’માં સુંદર રીતે વણી લીધી છે અને તેમનું ‘વીરશૈવામૃત મહાપુરાણ’ વિશ્વકોશ સ્વરૂપની કૃતિ છે.

ચાતુ વિઠ્ઠલનાથે (16મી સદી) તેની ‘ભાગવત’ નામક કૃતિમાં 12,000 કરતાં વધુ ભામિની ષટ્પદીઓનો સમાવેશ કર્યો છે. સમાજના દલિત વર્ગમાંથી આવતા કનક દાસે હરિદાસ જેટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કરતાં 3 ષટ્પદી કાવ્યો  ‘નળચરિત્ર’, ‘હરિભક્તિસાર’ અને ‘રામ-ઢંગ ચરિત્ર’ આપ્યાં છે. લક્ષ્મીશ(17મી સદી)નું ‘જૈમિની ભારત’ કન્નડમાં સંસ્કૃત કૃતિ પર આધારિત અત્યંત લોકપ્રિય કાવ્ય છે. તેઓ બેન્દ્રે દ્વારા ‘નાદ લોલા’; કુવેમ્પુ દ્વારા ‘ઉપમા લોલા’ અને સામાન્ય વાચકો દ્વારા ‘શૃંગાર લોલા’ તરીકે ઓળખાયા. ચોટદાર શૈલીમાં નિરૂપાયેલ આ વાર્તાઓ સુવર્ણનો ખજાનો ગણાય છે. તેમાંની ચંદ્રહાસ અને સીતા-પરિત્યાગ કથા તેમના શબ્દોના સંગીત અને જાદુને કારણે ચિરસ્મરણીય બની છે.

બળદેવભાઈ કનીજિયા