ષટ્ચક્ર : ભારતીય યોગ પરંપરામાં યોગસાધકે પોતાની કુંડલિની શક્તિને જાગ્રત કરીને સહસ્રારચક્રમાં બિરાજતા પરમ શિવ સાથે એકાકાર થવા માટે ભેદવાનાં દેહમાં આવેલાં છ ચક્રો. હઠયોગીને તો આ ષટચક્રના ભેદનમાં મુક્તિ વરતાય છે. આ છ ચક્રોની વિભાવના તંત્રગ્રંથોમાં ખૂબ સૂક્ષ્મપણે અને વિસ્તારથી સમજાવેલી છે.

માનવદેહને ઉપર-નીચેથી અર્ધો અર્ધો વિભાજિત કરવાનો કલ્પવામાં આવે તો કટિપ્રદેશ મધ્યમાં આવે. કટિ નીચેનો ભાગ, જ્યાં કરોડનો નીચલો છેડો છે ત્યાંથી પગના તળિયા સુધીનો ભાગ ઓછું ચેતન અને વધુ ક્રિયાશીલ અંગ છે. કટિપ્રદેશમાં પાયુ અને ઉપસ્થ પાસેથી મેરુદંડ શરૂ થાય છે અને તે મસ્તકની નીચેની ગર્દન પર બનેલી ગાંઠ સુધી પહોંચે છે. એ ગાંઠને ‘સુષુમ્ણાશીર્ષ’ કહેવામાં આવે છે. અહીં શરીરના ડાબા અંગ સાથે સંલગ્ન નાડીઓ જમણી બાજુ અને જમણા અંગ સાથે સંલગ્ન નાડીઓ ડાબી બાજુ વળીને એક પુલનું નિર્માણ કરે છે જેને યોગની પરિભાષામાં ‘સેતુ’ કહેવામાં આવે છે. એના ઉપર મસ્તકની સ્થિતિ છે.

હઠયોગમાં માનવશરીરના અધોભાગમાં સાત અધોલોક (અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ)ની કલ્પના છે જ્યારે શરીરના ઉપલા ભાગમાં એવી રીતે સાત ઊર્ધ્વલોક [ભૂઃ, ભુવઃ, સ્વઃ, તપઃ, જનઃ, મહઃ અને સત્ય (લોક)] છે. આ સાતેય ઊર્ધ્વલોક કે સાત પુરીઓ ક્રમશઃ એક એક ચક્ર કે કમલ પર રહેલી છે. સાતમો સત્યલોક કે મસ્તિષ્કની ટોચે રહેલા સહસ્રાર પદ્મ કે ચક્રમાં સ્થિત મનાય છે. પાયુ અને ઉપસ્થની મધ્યમાં જ્યાંથી મેરુદંડ શરૂ થાય છે, ત્યાં પ્રથમ ચક્ર મૂલાધાર આવેલું છે. એમાં ચાર દલ માનવામાં આવ્યાં છે જેના પર અનુક્રમે વં, શં, ષં અને સં એ ચાર વર્ણ-માતૃકાઓ બિરાજે છે. આનું તત્વ પૃથ્વી છે અને બીજ ‘લં’ છે. દળોનો રંગ લાલ છે અને અહીં સ્વયંભૂલિંગ રહેલું છે. આ ચક્રની પરમાનંદ, સહજાનંદ, યોગાનંદ અને વીરાનંદ આ ચાર વૃત્તિઓ છે. એની ઉપર લિંગમૂળમાં છ દલયુક્ત સ્વાધિષ્ઠાન ચક્ર છે. એ કુંડલિનીનું પોતાનું મૂળ સ્થાન હોઈને તેને સ્વાધિષ્ઠાન કહેવામાં આવે છે. એનાં રંગ સિંદૂર જેવો, ચમકદાર, વં, ભં, મં, યં, રં, લં આ છ માતૃકા વર્ણો ધરાવતું, જલતત્વયુક્ત ચક્ર છે, તેનું બીજ ‘લં’ છે. તેની ઉપર નાભિપ્રદેશમાં દશ દલકમલયુક્ત મણિની જેમ ચમકતું તેજસ્વી મણિપૂરચક્ર આવેલું છે. આ ચક્ર અગ્નિતત્વયુક્ત છે જેનું ‘રં’ બીજ તેના પર રહેલું છે. દલ પર અનુક્રમે ડં, ઢં, ણં, તં, થં, દં, ધં, નં, પં, ફં નામની દશ માતૃકાઓ રહેલી છે. ચોથું અનાહતચક્ર હૃદયપ્રદેશમાં આવેલું છે. બાણ નામનું લિંગ અને જીવાત્મા(પુરુષ)નો અહીં નિવાસ છે. તેને અનાહત કહેવાનું કારણ તાળવું, કંઠ વગેરેના સ્પર્શ વગર અહીં શબ્દ ઉચ્ચારિત થાય છે એટલે શબ્દબ્રહ્મનો અહીં સાક્ષાત્કાર થાય છે. અહીંની બાર પાંખડી(દલ) પર ‘કંથી લઈને ઠં’ સુધીની બાર વર્ણમાતૃકાઓનું સ્થાન છે. ત્રણ ગુણો – સત્વ, રજ અને તમ સાથે ઓમકાર અહીં રહે છે. આ વાયુ તત્વનું કેન્દ્ર છે અને ‘યં’ એનું બીજ છે. ‘વિશુદ્ધિ’ એ પાંચમું ચક્ર છે. વાકદેવી ભારતીનું આ સ્થાન છે. કંઠમૂલમાં આ સરસ્વતીનો વાસ છે. અહીંના સોળ દલકમલ પર બધી સ્વર – માતૃકાઓ રહેલી છે. અહીં પહોંચીને જીવ વિશુદ્ધ થઈ જાય છે, આથી એનું નામાભિધાન એ મુજબ થયું છે.

મૂલાધારથી માંડીને વિશુદ્ધ ચક્ર સુધીનાં પાંચ ચક્રોના ભેદન દ્વારા સ્થૂળ તત્વ ક્રમશઃ સૂક્ષ્મ તત્વોમાં વિલીન થાય છે. જેમ કે, મૂલાધારમાંથી ગંધમાત્ર, પૃથ્વીતત્વ, ઘ્રાણેન્દ્રિય અને ચરણ(કર્મેન્દ્રિય)નો વિલય થાય છે. સ્વાધિષ્ઠાનમાંથી રસતન્માત્રા, અપ(જલ) તત્વ, સ્વાદેન્દ્રિય અને હાથ(કર્મેન્દ્રિય)નો, મણિપુરમાં રૂપ તન્માત્રા, તેજ (અગ્નિ) તત્વ, દૃગ્ અને ગુદાનો; અનાહત ચક્રમાં સ્પર્શ તન્માત્રા, વાયુતત્વ, સ્પર્શેન્દ્રિય અને લિંગનો તેમજ વિશુદ્ધ ચક્રમાં શબ્દ તન્માત્રા, આકાશતત્વ, શ્રવણેન્દ્રિય અને મુખનો વિલય થઈ જાય છે.

છઠ્ઠું આજ્ઞાચક્ર ભૂમધ્યમાં દ્વિદલકમલ સ્વરૂપ છે જેના પર ‘હં’ અને ‘ક્ષં’ માતૃકાઓનો વાસ છે. એમાં મન અને પ્રકૃતિનાં સૂક્ષ્મ તત્વો રહેલાં છે. આ ચક્રમાં પહોંચતાં સાધકને એના ગુરુની આજ્ઞા સંભળાય છે તેથી તેને ‘આજ્ઞાચક્ર’ કહ્યું છે. આ હંસરૂપ પરમશિવનું સ્થાન છે. અહીં પહોંચતાં યોગી અદ્વૈતાચારવાદી થઈ જાય છે.

ઉપર્યુક્ત ષડચક્રોને ક્રમશઃ ભેદતાં સાધકયોગી બ્રહ્મરંધ્રમાં સ્થિત સહસ્રાર અર્થાત્ હજાર દલોવાળા કમળમાં પહોંચીને ત્યાં પરમશિવ સાથે તાદાત્મ્ય સ્થાપિત કરે છે. પરિણામે યોગી સદેહે મુક્તિનો અનુભવ કર્યા કરે છે.

પ્રવીણચંદ્ર પરીખ