ષટ્ખંડાગમ (. .ની પહેલી-બીજી સદી) : દિગંબર જૈનોનો અતિમહત્વનો ગ્રન્થ. આ ગ્રન્થને ‘સત્કર્મપ્રાભૃત’, ‘ખંડસિદ્ધાન્ત’, ‘ષટ્કર્મસિદ્ધાન્ત’ અને ‘મહાધવલ’ પણ કહે છે. ગિરનારની ચન્દ્રગુફામાં ધ્યાનમાં બેઠેલા ‘આચારાંગ’ના પૂર્ણજ્ઞાતા આચાર્ય ધરસેનને નષ્ટ દ્વાદશાંગનો કેટલોક ભાગ યાદ હતો. રખે ને શ્રુતજ્ઞાન સંપૂર્ણ નાશ પામે એ ભયે આન્ધ્રપ્રદેશથી આવેલા બે મેધાવી મુનિઓ પુષ્પદન્ત અને ભૂતબલિને તેમણે દૃષ્ટિવાદમાંનાં પૂર્વો તથા વિયાહપન્નત્તિનો કેટલોક અંશ શીખવ્યો, જેને આધારે તે બંનેએ ‘ષટ્ખંડાગમ’ની રચના કરી. આ બનાવ ઈ.સ.ની પહેલી-બીજી સદીમાં બન્યો.

પુષ્પદન્તે 177 સૂત્રોમાં ‘સત્પ્રરૂપણા’ રચી અને ભૂતબલિએ 6,000 સૂત્રોમાં બાકીનો ગ્રન્થ રચ્યો. ખાસ કરીને બીજા પૂર્વ ‘અગ્રાયણી’ના ‘કર્મપ્રકૃતિ’ અધિકારનો આધાર આમાં લેવાયો છે. તેના ઉપર અનેક ટીકા-ટિપ્પણીઓ રચાઈ પણ લુપ્ત થઈ ગઈ. છેવટે ઈ.સ. 816માં વાટગ્રામપુર(વડગામ ?)માં વીરસેન આચાર્યે ‘ધવલા’ નામની વિસ્તૃત ટીકા લખી. તેની ભાષા શૌરસેની પ્રાકૃત-સંસ્કૃત-મિશ્ર છે અને 72,000 શ્લોકપ્રમાણ છે. તેમાં શ્વેતામ્બરોના માન્ય ગ્રન્થોમાંથી પણ ગાથાઓ ઉતારેલી છે; એટલું જ નહિ, પણ શ્વેતાંબરોના મહત્વપૂર્ણ ગ્રન્થોનો ઉલ્લેખ પણ કર્યો છે.

‘ષટ્ખંડાગમ’ના છ ખંડો : (1) ‘જીવઠ્ઠાણ’માં 8 અનુયોગદ્વારો અને 9 ચૂલિકાઓ છે; (2) ‘ખુદ્દબન્ધ’માં 11 અધિકારો છે; (3) ‘બન્ધસ્વામિત્વવિચય’; (4) ‘વેદના’માં કૃત અને વેદના નામનાં બે અનુયોગદ્વારો છે; (5) ‘વર્ગણા’માં પ્રધાન અધિકાર ‘બન્ધનીય’ છે, જેમાં 23 પ્રકારની ‘વર્ગણા’ઓ વર્ણવી છે; (6) ‘મહાબન્ધખંડ’ : ભૂતબલિએ પુષ્પદન્તરચિત સૂત્રોને ભેગાં કરીને પાંચ ખંડોનાં 6,000 સૂત્રો રચ્યાં, પછી 30,000 શ્લોકપ્રમાણના ‘મહાબન્ધ’ની રચના કરી.

રચનાની દૃષ્ટિએ ‘ષટ્ખંડાગમ’ને ત્રણ ભાગમાં વિભક્ત કરી શકાય :  (1) મૂળ ભૂતબલિ અને પુષ્પદન્તનાં પ્રાકૃત સૂત્રો, (2) વીરસેન આચાર્યની પ્રાકૃત-સંસ્કૃત-મિશ્ર ભાષાવાળી ‘ધવલા’ ટીકા અને (3) આ ટીકામાં ઉદ્ધૃત પ્રાચીન ગદ્ય-પદ્ય અવતરણો. ‘ધવલા’ ટીકાની શૈલી પરિમાર્જિત અને પ્રૌઢ છે.

પ્રથમ ખંડની ટીકામાં એક સ્થળે એક મુહૂર્તમાં કેટલા ઉચ્છ્વાસ હોય છે તે વિશે મતમતાન્તર નોંધ્યા છે. જૈનાચાર્યોના એક મત પ્રમાણે એક મુહૂર્તમાં 720 શ્વાસોચ્છ્વાસ થાય છે; પણ આચાર્ય વીરસેન પોતે તેની સંખ્યા 3,773 દર્શાવે છે.

અહીં આપેલી ગણના અનુસાર વિશ્વ ગોળાકાર નહિ, પણ સમચતુરસ્રાકાર છે.

અત્રે વર્ણવેલી સમ્યક્ત્વોત્પત્તિચૂલિકા અતિમહત્વની છે.

પાંચમા ખંડ ‘માર્ગણા’માં ભાષાવિષયક ઊહાપોહ જોવા મળે છે. કીર, પારસિક, સિંઘલ અને બર્બરિક આદિ દેશોની ભાષાને કુભાષા ગણી છે. કુલ 18 પ્રકારની ભાષાઓ અહીં દર્શાવી છે.

આ બૃહદ્ગ્રન્થમાં કર્મસિદ્ધાન્તની ચર્ચા જ મુખ્ય છે, જેથી પ્રતિપાદ્ય વિષય બહુ જટિલ અને નીરસ બની ગયો છે.

પાછળથી નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તીએ ‘ષટ્ખંડાગમ’ના છયે ખંડોનો આધાર લઈને ‘ગોમ્મટસાર’ લખ્યો, જેમાં ‘જીવકાંડ’ અને ‘કર્મકાંડ’ એવા બે વિભાગ પાડેલા છે.

અમરાવતીના શેઠ શિતાબરાય લક્ષ્મીચન્દ્ર જૈન સાહિત્યોદ્ધારક ફંડ તરફથી 16 ભાગમાં પ્રકાશિત, 1939થી 1958; સંપાદક : ડૉ. હીરાલાલ જૈન.

જયન્ત પ્રે. ઠાકર