શ્રદ્ધા : ધર્મ માટે અગત્યનો ગુણ. શ્રદ્ધાને કામાયની અર્થાત્ કામની પુત્રી કહી છે. સૃદૃષ્ટિને ટકી રહેવામાં આધારભૂત તત્વ તે ऋत છે. તેના ઉપરના વિશ્વાસને ટકાવી રાખનાર પરિબળ શ્રદ્ધા છે. તેને કામ કે ઇચ્છા સાથે સંબંધ છે. ‘હું એક છું, અનેક થાઉં’ ‘एकोडहम् बहु स्याम्’ ઇચ્છામાંથી સંકલ્પ કે આકૂતિ જન્મ્યા. વિવાહમાં કામ દાતા, કામ પ્રતિગ્રહિતા, કામ માટે જ બધું છે. कोडदात् कस्या अदात्… મંત્રમાં આ જ ભાવના રહેલી છે. સંસારવૃક્ષ કે બ્રહ્મવૃક્ષ જેના આધારે ટકી રહ્યું છે તે તત્વને ટકાવનારું  ધારણ કરનારું પરિબળ શ્રદ્ધા છે.

कः श्रद्धास्यति भूतार्थम्માં श्रद्धा પદ ‘સાચી વાત કોણ માનશે ?’ના અર્થમાં પ્રયોજાયું છે. કાલિદાસે ‘રઘુવંશ’માં श्रद् + धा = વિશ્વાસ કરવો અર્થમાં श्रद्धे त्रिदशगोपमात्रके दाहशक्तिमिव कृष्णवतर्मनि (રઘુ. 11.42)માં પ્રથમ પુરુષમાં પોતાનો વિશ્વાસ દેવોના એકમાત્ર રક્ષક ઉપર વ્યક્ત કર્યો છે.

શ્રદ્ધાની પ્રાપ્તિ માટે વ્રત વડે દીક્ષા દ્વારા દક્ષિણા કરવી જરૂરી છે. શ્રદ્ધાથી સત્યની પ્રાપ્તિ થાય છે. આમ સત્યનો શ્રદ્ધા સાથે સંબંધ જોડાયેલો છે. શ્રદ્ધાથી જે કાંઈ આપવામાં આવે તે શ્રાદ્ધ કહેવાય છે. આબ્રહ્મસ્તંબ સૃદૃષ્ટિ કે સંસારના મૂળમાં રહેલું બ્રહ્મતત્વ તે સત્ય છે.

‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રદ્ધા વગર કરેલાં યજ્ઞ, દાન કે તપને અસત્ ગણ્યાં છે. (ભ.ગી. 17.28). શ્રદ્ધાનો અધિવાસ દેવોમાં છે. આ સમગ્ર વિશ્વ શ્રદ્ધામય છે. તે દેવોની રાણી છે. શ્રદ્ધા સંદેહનો નાશ કરનારી છે અને સુખ તેમજ મુક્તિ આપનારી છે. આથી ‘ભગવદ્ગીતા’માં શ્રદ્ધાવાનને જ જ્ઞાન મળતું હોવાનું કહ્યું છે. (4/39). દરેકની શ્રદ્ધા તેના સત્ય કે સ્વભાવને અનુરૂપ હોય છે. જેની જેવી શ્રદ્ધા તેવો તે પુરુષ થાય છે. સાત્વિકી, રાજસી અને તામસી ત્રણ પ્રકારની શ્રદ્ધા છે. સાત્વિક લોકો દેવોનું, રાજસી લોકો યક્ષો અને રાક્ષસોનું, તામસી લોકો ભૂત-પિશાચોનું યજન કરે છે. બધા ધર્મ માટે શ્રદ્ધા આવદૃશ્યક છે, તો મનોરથ ફળે. શ્રદ્ધાથી જ બધું પ્રાપ્ત થાય. શ્રદ્ધાથી જ હરિ સંતુષ્ટ થાય છે. (બૃહન્નારદીય પુરાણ 4.1).

શ્રદ્ધા તો ઋતની પ્રથમ પુત્રી અને વિશ્વનું ભરણપોષણ કરનારી છે.

ઋગ્વેદમાં શ્રદ્ધાસૂક્ત છે. (10-151). તેમાં કહ્યું છે કે ‘શ્રદ્ધા’થી યજ્ઞનો અગ્નિ પ્રદીપ્ત કરી હવિ હોમાય છે. ઉત્તમ હવિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા જ સર્વશ્રેષ્ઠ છે.

દાન આપનાર, દાન લેનાર કે દાન અપાવવા ઇચ્છનારનું શ્રદ્ધા કલ્યાણ કરે છે.

ત્રિકાલસ્તવનોમાં ઉપાસના શ્રદ્ધાથી જ થાય છે. ઋષિ શ્રદ્ધા પાસે  શ્રદ્ધાની પ્રાપ્તિ માટે પ્રાર્થે છે

श्रद्धां प्रातर्हवामहे श्रद्धां माध्यंदिनं परि ।

श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः ।। (ઋ.વે. 1-151-5)

શ્રદ્ધાથી માનવી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરે છે. આ સાથે સત્ય તો ખરું જ.   (ઐ. બ્રા. 7-10)

શ્રદ્ધાથી સૂક્ષ્મ ધર્મ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા તો અદ્ભુત તપ છે. શ્રદ્ધા સ્વર્ગ-મોક્ષ અને સમગ્ર જગત છે. (સ્કં. પુ. પા. કૈ. 4-43)

શ્રદ્ધા વગરના શ્રોત્રિયની ભિક્ષા પણ ન લેવી. શ્રદ્ધાળુ વ્રાત્ય પાસેથી ભિક્ષા અવદૃશ્ય લેવી. આમ અર્થવાદ કરીને શ્રદ્ધાનું મહત્વ ‘બૃહત્સંન્યાસોપનિષદ્’ (6-64) પ્રસ્થાપિત કરે છે.

આમ શ્રદ્ધાનો સંબંધ માત્ર સત્ય (શ્રત્) સાથે છે. શ્રદ્ધાને માનવીની પ્રબળ શક્તિ કહી છે. તે સુખ આપનારી, સંદેહનો નાશ કરનારી, બધા ભયને દૂર કરનારી, શાંતિ અને સિદ્ધિ આપનારી છે. બધી આફતો અને ભવરોગને દૂર કરનારું દિવ્ય ઔષધ છે. તે બધી કામના  પૂર્ણ કરનાર છે.

શ્રદ્ધા શ્રેષ્ઠ છે. માનવીનું ઊર્ધ્વીકરણ કરે છે. તર્કયુક્ત શ્રદ્ધા પરમ શ્રેયસ્કર છે. કેવળ તર્ક વિતર્કમાં અટવાવે તેવી સંભાવના છે. અશ્રદ્ધા જન્માવે તે હદે તર્કનો આશ્રય ન લેવાય તે ઇષ્ટ છે અને અંધશ્રદ્ધા પણ ન જન્મે તે હિતાવહ છે; કેમ કે અંધશ્રદ્ધા પતનના માર્ગે દોરી જતી હોય છે.

દશરથલાલ વેદિયા