શ્રદ્ધા કામાયની

January, 2006

શ્રદ્ધા કામાયની : વેદની જાણીતી નારી મંત્રદ્રષ્ટા. વેદમન્ત્રોનું જેમને દર્શન થયું છે તેવા મંત્રદ્રષ્ટા ઋષિઓની જેમ કેટલીક ઋષિકાઓ પણ છે, જેમણે મંત્રનું દર્શન કર્યું છે. વૈદિક ઋષિઓની જેમ જ કેટલીક ઋષિકાઓ પણ તપ:પૂત ને સમર્થ છે. તેમાંની કેટલીક ઋષિકાઓ તો સ્વતંત્રતયા મંત્રદર્શન કરનારી છે તો કેટલીક ઋષિકાઓને સહ-ઋષિત્વ કે વિકલ્પે ઋષિત્વ પ્રાપ્ત થયાનું જણાવાયું છે અને વળી કેટલીક સંવેદનશીલ અને ઋષિત્વ પામનારી મંત્રદ્રષ્ટાઓ પણ છે. શ્રદ્ધા કામાયની આવી જ એક સંવેદનશીલ ઋષિકા છે.

ઋષિત્વની પ્રાપ્તિ પુરુષ કે સ્ત્રી  બંનેને પ્રાપ્ત થઈ શકે છે. વળી માનવ કે પ્રાણીની ચેષ્ટાઓ, તેમની ક્રિયાઓને પણ ઋષિત્વ આપવામાં આવ્યું છે. એ જ રીતે, તેમની ભાવના કે ગુણને પણ ઋષિત્વ અપાયું છે અને ક્યાંક વળી અચેતન કિંવા જડ પદાર્થોને પણ ઋષિત્વ પ્રાપ્ત થયું છે તેની પાછળનું કારણ એ હોય છે કે તેમનાથી દિવ્યતા, ઇષ્ટફલની પ્રાપ્તિ થતી હોય છે. આ પ્રકારની કોઈ ક્રિયા કે ગુણ, ભાવના કે સ્થિતિવિશેષ અથવા અચેતન વસ્તુ વગેરેનાં દ્યોતક એવાં જે કેટલાંક નામો ઋષિ કે ઋષિકાઓને પ્રાપ્ત થયેલાં છે તે સર્વના અર્થ એટલા તો સ્પષ્ટ છે કે તેમને વ્યક્તિવાચી માનવાનું કદાચ જ કોઈ વિચારે.

શ્રદ્ધા કામાયની ‘ઋગ્વેદ’ના એક સૂક્ત  10.151  ની મંત્રદ્રષ્ટા મનાઈ છે. તે એક ભાવાત્મક સ્વરૂપ ધરાવે છે.

ભારતીય સંસ્કૃતિ તેમજ વૈદિક પરંપરામાં આદર સહિતની બુદ્ધિથી અનુપ્રાણિત ભાવનાને શ્રદ્ધા નામ અપાયું છે. આ પ્રકારની ભાવના – શ્રદ્ધાને સર્વ સ્થળે ને સર્વ કાર્યોમાં સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.

‘શ્રદ્ધા’ નામ ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. श्रत् એટલે કે સત્ય તેને ધારણ કરે તે શ્રદ્ધા એમ ‘નિરુક્ત’માં જણાવ્યું છે.

‘કામાયની’ એ ગોત્રનામ છે અને તેનો અર્થ છે  કામગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી.

અહીં કામ એટલે ઇચ્છા અને તે હંમેશાં વ્યક્તિના મન સાથે જોડાયેલી હોય છે. કામ એટલે ઇચ્છાનું પ્રાબલ્ય જ આકૂતિ એટલે સંકલ્પને જન્મ આપે છે અને આ કામ તથા આકૂતિના સમન્વય થકી શ્રદ્ધા ટકી રહે છે. શ્રદ્ધાનો ભાવ પણ મનમાં જ અધિષ્ઠિત હોઈ શ્રદ્ધાને કામાયની કહી છે.

‘ઋગ્વેદ’માં પ્રાપ્ત થતા ‘શ્રદ્ધાસૂક્ત’માં શ્રદ્ધાને એક દેવી રૂપે પ્રસ્તુત કરવામાં આવી છે. સમગ્ર સૂક્તમાં શ્રદ્ધાની જ પ્રશંસા કરવામાં આવી છે. પ્રથમ મંત્રમાં જ શ્રદ્ધાનું મહત્વ નિર્દેશતાં જણાવાયું છે કે શ્રદ્ધાથી જ ગાર્હપત્ય વગેરે અગ્નિ પ્રજ્વલિત કરાય છે. યજ્ઞને વિશે ઘૃત વગેરેની આહુતિ પણ શ્રદ્ધાથી જ અપાય છે તથા શ્રદ્ધાથી જ સંપત્તિ પ્રાપ્ત થાય છે. બીજા મંત્રમાં સૌનું પ્રિય કરવા માટે શ્રદ્ધાદેવીને પ્રાર્થના કરાઈ છે. ત્રીજા મંત્રમાંથી એ બાબત સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા થકી વ્યક્તિ બળનો પ્રયોગ કર્યા વિના જ વિજયી બને છે. પછીના મંત્રમાં પણ શ્રદ્ધાનું જ મહત્વ દર્શાવીને સૂચવ્યું છે કે કામ એટલે ઇચ્છા સંકલ્પનું રૂપ પામે અને તે દ્વારા શ્રદ્ધાની ઉપાસના કરાય તો ઇષ્ટપ્રાપ્તિનું ફળ સંભવે. આ માટે વાયુનું રક્ષણ એટલે નિયંત્રણ જરૂરી છે, તો જ વાયુવિકારરૂપ વિચારોનું ચાંચલ્ય શમે ને મનની સ્થિરતા – સંકલ્પ – થકી શ્રદ્ધાનું આરાધન શક્ય બને. છેલ્લા મંત્રમાં કહ્યું છે કે પ્રાત:કાળે, મધ્યાહ્નસમયે અને રાત્રે પણ શ્રદ્ધાનું આવાહન કરવામાં આવે છે. આ દ્વારા પ્રતિપળ હરહંમેશ શ્રદ્ધાવંત હોવાની અનિવાર્યતા પર ભાર મુકાયો છે અને શ્રદ્ધાવાન બનવા માટે શ્રદ્ધાદેવીને પ્રાર્થના કરવામાં આવી છે.

આ શ્રદ્ધાસૂક્તની ઋષિકા શ્રદ્ધા કામાયની છે અને એ જ તેની દેવતા પણ છે અને વળી, તે ભાવાત્મક સ્વરૂપ ધરાવે છે. તે અંગે એમ વિચારી શકાય કે મનોબળને ટકાવવા માટે શ્રદ્ધાની આવદૃશ્યકતા જણાવી વિવિધ વૈદિક વિધિવિધાનોમાં શ્રદ્ધા દૃઢમૂલ બને તે સારુ આ સૂક્ત પરંપરાથી પ્રયોજાતું હશે અને તેથી તેના ઋષિ કરતાંય સવિશેષ તેની દેવતાને જ પ્રાધાન્ય પ્રાપ્ત થયું હોઈ તેના ઋષિ  તે ચાહે જે કોઈ હોય તે  ભુલાઈ ગયા હોય અને દેવતારૂપ શ્રદ્ધાને જ ઋષિકારૂપે સ્વીકૃતિ મળી હોય એ સંભવ છે, અથવા તો – ‘श्रद्धामयोड्यं पुरुषो योच्छ्द्ध स एव सः’ એ ગીતાવચન અનુસાર, જેવી જેની શ્રદ્ધા તેવી તેની પ્રાપ્તિ હોવાની તથા વ્યક્તિની પોતાની શ્રદ્ધા જ તેના વ્યક્તિત્વને ઘડનારી હોઈ વ્યક્તિ પોતાની શ્રદ્ધાને અનુરૂપ જ આકાર પામે છે તે ન્યાયે સૂક્તની ઋષિકા પણ શ્રદ્ધા છે ને તેની સાથે તાદાત્મ્યભાવે જોડાયેલ દેવતા પણ શ્રદ્ધા જ છે.

‘ઋગ્વિધાન’માં આ સૂક્તના વિનિયોગ અંગે જણાવાયું છે કે, ‘જે વ્યક્તિ શ્રદ્ધા પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખતી હોય તેણે આ સૂક્તનો જપ કરવો.’

‘एकोड्हं बहु स्याम्’ એ પ્રકારની, પરમતત્વરૂપ પરમેશ્વરની ભાવના કે ઇચ્છા જ સૃદૃષ્ટિના નિર્માણનું આરંભબિંદુ છે. આ ઇચ્છા એ જ ‘કામ’ છે અને શ્રદ્ધા કામાયની એ તેનું સંતાન છે એમ વિચારતાં, ઇચ્છા-સંકલ્પ-શ્રદ્ધાથી પ્રેરાઈને પ્રાણી જ પોતાનો વ્યવહાર યોજે છે ને કાર્યાન્વિત બની સફળતા સાધે છે – એમ સમજાય છે.

‘ઋગ્વેદ’ મુજબ તો શ્રદ્ધાનું સ્વરૂપ ભાવાત્મક જ સ્વીકારાયું છે; પરંતુ બ્રાહ્મણગ્રંથોમાં  ‘શતપથ બ્રાહ્મણ’ (12.7.3) અનુસાર તે સૂર્યની પુત્રી છે, જ્યારે ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ (2.3.10) પ્રમાણે તેને પ્રજાપતિની પુત્રી માનવામાં આવી છે. સૂર્યપુત્રી રૂપે શ્રદ્ધાનું નિરૂપણ એ બાબત સ્પષ્ટ કરે છે કે શ્રદ્ધાનો આધાર બુદ્ધિ કે તર્કનો હોય છે. તે ન હોતાં  એટલે કે, બુદ્ધિ કે તર્કના અભાવે જણાતી શ્રદ્ધા શ્રદ્ધા ન રહેતાં અંધશ્રદ્ધા બની રહે છે. પરવર્તી સાહિત્યમાં  પુરાણો, કાવ્યો વગેરેમાં તો આરાધ્ય અને આરાધકના સંબંધો તથા શ્રદ્ધાના વિકાસ અંગેનો સવિશેષ વિસ્તાર થયેલો જણાય છે.

જાગૃતિ પંડ્યા