શેપર્ડ, કેટ (જ. 1848, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 1934) : મહિલા-મતાધિકારના આંગ્લ આંદોલનકાર. 1869માં તે સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયાં. મહિલાઓની સામાજિક જવાબદારીઓ વિશે તેમનામાં તીવ્ર સભાનતા હતી. તેમની એવી પણ ઢ માન્યતા હતી કે મહિલાઓને રાજકીય બાબતોમાં પૂરેપૂરો ભાગ લેવા દેવો જોઈએ. 1887માં તેઓ ‘વિમેન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ યુનિયન’માં અધિકારી તરીકે જોડાયાં, એ પદે રહીને તેમણે મહિલાઓને મતાધિકાર આપવા રાષ્ટ્રવ્યાપી લડત ચલાવી. 1893માં તેમનો આ પ્રયત્ન સફળ નીવડ્યો અને મહિલાઓને મતાધિકાર આપવાની દિશામાં ન્યૂઝીલૅન્ડ વિશ્વસમસ્તમાં સર્વપ્રથમ દેશ બની રહ્યો.
મહેશ ચોકસી