શેપર્ડ, એલન બાર્ટલેટ

January, 2006

શેપર્ડ, એલન બાર્ટલેટ (. 1923, ઈસ્ટ ડેરી, ન્યૂ હૅમ્પશાયર, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. તે અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન લેખાયા. તેમણે યુ.એસ. નેવલ એકૅડેમી (1945) ખાતે તાલીમ લીધી; 1947થી તેમણે પરીક્ષણ માટે તથા તાલીમી મિશન માટે જેટ વિમાનમાં ઉડ્ડયન કર્યાં.

એલન બાર્ટલેટ શેપર્ડ

 ‘નાસા’ના મૂળ 7 અવકાશયાત્રીઓમાંના તે એક હતા. 5 મે, 1961ના રોજ એટલે કે યુરિ ગેગૅરિને પૃથ્વી ફરતે ઐતિહાસિક ભ્રમણ કર્યાના 23 દિવસ પછી તેમને ફ્રીડમ 7માં રેડસ્ટૉન રૉકેટ વીહિકલ દ્વારા અવકાશયાત્રાએ મોકલાયા હતા. 1965-74 દરમિયાન તે ‘નાસા’ ખાતે અવકાશયાત્રીઓ માટેની તાલીમના નિયામક તરીકે કાર્ય કરતા રહ્યા. 1971માં ‘ઍપોલો-14’ નામનું ચંદ્ર-અભિયાન તેમના માર્ગદર્શન હેઠળ રવાના કરાયું હતું.

મહેશ ચોકસી