શુંગ વંશ (ઈ.પૂ. 18775) : મૌર્યો પછી મગધના સામ્રાજ્ય ઉપર શાસન કરનાર વંશ. મૌર્યવંશના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા કરીને તેના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્રે મગધનું સામ્રાજ્ય આંચકી લીધું. આ બનાવ પછી 800 વર્ષે થયેલ કવિ બાણે ‘હર્ષચરિત’માં તેનું વિગતે વર્ણન કર્યું છે. પુરાણોમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્ર શુંગ પરિવારનો હતો. પાણિનિ જણાવે છે કે શુંગો ભારદ્વાજ બ્રાહ્મણો હતા. વેદોમાં શુંગ અધ્યાપકોના ઘણા ઉલ્લેખો મળે છે. પુષ્યમિત્રની સત્તા હેઠળના પ્રદેશમાં જૂના મૌર્ય સામ્રાજ્યના માત્ર મધ્યના વિસ્તારનો સમાવેશ થતો હતો. બીજા પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા. પુષ્યમિત્રના સામ્રાજ્યમાં પાટલીપુત્ર, અયોધ્યા, વિદિશા તથા પંજાબમાં જાલંધર અને શાકલ (સિયાલકોટ) નગરોનો સમાવેશ થતો હતો.
કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’માંથી જાણવા મળે છે કે યુવરાજ અગ્નિમિત્ર તેના પિતાના અમલ દરમિયાન વિદિશામાં વાઇસરૉય હતો. કોશલમાં ઘણુંખરું બીજો વાઇસરૉય હતો. વીરસેન નામનો અગ્નિમિત્રનો સાળો નર્મદાના કિનારે એક કિલ્લાનો હવાલો સંભાળતો હતો.
પતંજલિએ ‘મહાભાષ્ય’માં જણાવ્યા પ્રમાણે, પુષ્યમિત્રના સમયમાં ગ્રીકોએ આક્રમણ કર્યું હતું. પતંજલિ પુષ્યમિત્રના સમકાલીન હતા. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’માં જણાવ્યું છે કે પુષ્યમિત્રનો સેનાપતિ અને અગ્નિમિત્રનો પુત્ર વસુમિત્ર હતો. તે લશ્કર સહિત પુષ્યમિત્રના અશ્વમેધના ઘોડાને લઈને સિંધુ નદીના દક્ષિણના કિનારેથી જતો હતો ત્યારે યવનો(ગ્રીકો)એ યજ્ઞના ઘોડાને અટકાવવાથી યવનોને હરાવીને સલામતીપૂર્વક ઘોડો લાવવામાં આવ્યો હતો. પુષ્યમિત્રે (ઈ.પૂ. 187-151) 36 વર્ષ રાજ્ય કર્યું. તેના પછી અગ્નિમિત્ર ગાદીએ બેઠો. તે અગાઉ વિદિશામાં વાઇસરૉય હતો. તેના પછી સુજ્યેષ્ઠ (કે વસુજ્યેષ્ઠ) ગાદીએ આવ્યો. તેના વિશે કંઈ માહિતી મળતી નથી. ચોથો રાજા વસુમિત્ર થયો. તેણે યજ્ઞના ઘોડાના રક્ષણ વાસ્તે યવનો સામે લડાઈ કરી હતી. તેને પુષ્યમિત્રના સામ્રાજ્યની વાયવ્ય (ઉ.પ.) સરહદના રક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. પુરાણોમાં જણાવ્યા મુજબ પાંચમો શુંગ રાજા અંધ્રક, અંતક, આર્દ્રક, ઓદ્રુક અથવા ભદ્રક હતો. શુંગ વંશનો છઠ્ઠો રાજા પુલિંદક, સાતમો ઘોષ અથવા ઘોષવસુ, આઠમો વજ્રમિત્ર, નવમો ભાગવત અને દસમો દેવભૂમિ અથવા દેવભૂતિ હતો. કવિ બાણના જણાવવા મુજબ વસુદેવ નામના બ્રાહ્મણ મંત્રીએ કરેલ કાવતરાનો તે ભોગ બન્યો હતો. તેની રાણીના વેશમાં એક ગુલામ છોકરીને તેની પાસે મોકલવામાં આવી અને તે છોકરીએ દેવભૂતિનો વધ કર્યો. બધા મળીને શુંગ વંશના દસ રાજાઓએ ઈ.પૂ. 187થી ઈ.પૂ. 75 સુધી 112 વર્ષ રાજ્ય કર્યું.
શુંગ વંશના ઇતિહાસ વિશે ઘણી ઓછી માહિતી મળે છે, પરન્તુ તેણે ઇતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પુષ્યમિત્રે વિદેશી આક્રમણ રોકીને તેના વિશાળ સામ્રાજ્ય પરનો અંકુશ જાળવી રાખ્યો હતો. બૅક્ટ્રિયન ગ્રીક શાસકો શુંગ રાજાઓ સાથે મૈત્રી સંબંધો રાખતા હતા. શુંગ શાસન દરમિયાન બ્રાહ્મણોનો પ્રભાવ સજીવન થયો અને ભાગવત ધર્મ પુનર્જીવિત થયો. આ સમય દરમિયાન ખાસ કરીને મધ્ય ભારતમાં સાહિત્ય અને કલાનો વિકાસ થયો. મધ્ય ભારતમાં ગોનાર્દામાં જન્મેલો મહાન વૈયાકરણી પતંજલિ, ઘણુંખરું પુષ્યમિત્રનો સમકાલીન હતો. આ સમય દરમિયાન પ્રસિદ્ધ ભારહૂતનો સ્તૂપ બંધાયો હતો. પાછળના શુંગ રાજાઓના પાટનગર વિદિશામાં દરવાજાના સુંદર કઠેરા (railings) બનતા હતા.
જયકુમાર ર. શુક્લ