શુંગ કળા (આશરે . પૂ. 185થી . . બીજી સદી) : શુંગ રાજ્યવંશ દરમિયાનની ભારતીય કળા. ઈ. પૂ. 185માં છેલ્લા મૌર્ય રાજાના અવસાન પછી તેના બ્રાહ્મણ સેનાપતિએ મૌર્ય સામ્રાજ્ય હડપ કર્યું. આ નવા બ્રાહ્મણ રાજાની અટક પરથી નવો રાજવંશ શુંગ કહેવાયો. આ રાજ્યકાળ દરમિયાન બૌદ્ધ અને હિંદુ બંને ધર્મો ભારતમાં ફાલ્યા તથા તેમના અનુષંગે ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની કળાઓ વિકસી. જોકે પુરોગામી મૌર્ય ચિત્રકળાની માફક જ શુંગ ચિત્રકળાનો એક પણ નમૂનો આજે બચ્યો નથી. શિલ્પ અને સ્થાપત્યના નમૂના બચ્યા છે; જેમાં ભાજાની ગુફા, ભરહૂત સ્તૂપ અને કાર્લીની ગુફા મુખ્ય છે.

ભાજાની અને કાર્લીની ગુફાઓ બંને પહાડના એક જ ખડકને કોતરી કાઢીને સર્જી છે. બંને ગુફાઓ ચૈત્ય (પૂજાનું સ્થાન) છે. આ ગુફાઓના દ્વારની કમાન પુરોગામી મૌર્ય સ્થાપત્યની માફક જ ઘોડાની નાળ(horseshoe)ના ઘાટની છે અને ગુફાઓમાં ખડકમાંથી જ બિનજરૂરી આડા પાટા (Beam) કોતરી કાઢેલા જોવા મળે છે, જે એ વાતની સાખ પૂરે છે કે ભારતમાંથી મળી આવેલ સૌથી પ્રાચીન સ્થાપત્ય એ એથી પણ વધુ પ્રાચીન લાકડાના સ્થાપત્યની નકલ છે; તેથી એ મહત્વની હકીકત પુરવાર થાય છે કે મૌર્ય અને શુંગ યુગમાં ખડક કોતરીને સ્થાપત્ય સર્જવાની પરંપરા પ્રગટી તે તેનાથી પણ પુરાણી સદીઓથી ચાલી આવતી લાકડાના સ્થાપત્યની પરંપરાનું અનુકરણ છે. આ લાકડાના સ્થાપત્યની પરંપરાના સીધા નમૂના આજે બચ્યા નથી; કારણ કે લાકડું ભારતના ભારે વરસાદ અને ભેજયુક્ત તથા ઊધઈવાળા વાતાવરણમાં અત્યંત નાશવંત છે. બંને ગુફાઓનો ઘાટ હાથીની પીઠ જેવો ‘ગજપૃષ્ઠાકાર’ એટલે કે છેડા તરફ અર્ધ દડાકારમાં (hemispherical) પરિણમે છે. ગુફાઓને અંદરને છેડે ઓટલા પર અર્ધદડાકાર નક્કર સ્તૂપની રચના જોવા મળે છે. સ્તૂપની ટોચે હર્મિકા (ચોરસ આકારની વાડ) તથા માથે છજું પણ હોય છે.

બુદ્ધની પ્રતિમા ઘડવાની શરૂઆત હજી સુધી નહિ થઈ હોવાથી ભક્તો-સાધકો આ સ્તૂપના રૂપમાં અમૂર્ત બુદ્ધની પૂજા કરતા; પરંતુ અન્ય શિલ્પ મળી આવ્યાં છે, જે બુદ્ધના જીવનને લગતી ઘટનાઓ અને યક્ષપક્ષીને રજૂ કરે છે. તેમાં ‘માતા માયાનું સ્વપ્ન’ શિલ્પ અર્ધમૂર્ત રૂપમાં વર્તુળાકાર રચના રજૂ કરે છે. વચમાં પથારીમાં માતા માયા સૂતેલી છે અને આજુબાજુ દાસીઓ પંખા નાખતી નજરે પડે છે. મહાન આત્મા માયાની પેટે જન્મવાનો છે તેનો અણસાર સફેદ ઐરાવત માયાને સ્વપ્નમાં નજરે પડીને આપે છે. માટે બાજુમાં ઘૂંટણિયે પડતો હાથી દર્શાવ્યો છે. આ બધી જ આકૃતિઓને વર્તુળ વડે આવરી લેવામાં આવી છે. ભાજાની ગુફામાં ભીંત પર કોતરેલાં શિલ્પોમાં ઘોડેસવાર સૂર્યદેવ અને ઐરાવત સવાર ઇન્દ્રદેવ અગત્યના છે. ઇન્દ્રદેવના ગળામાં લાંબી માળા છે અને માથે પાઘડી છે તથા એક હાથમાં અંકુશ છે. આ ઉપરાંત યક્ષ અને યક્ષિણીને સાથે આલેખતાં મિથુનશિલ્પો પણ મળી આવ્યાં છે. યક્ષ અને યક્ષિણીનાં શરીર ભરાવદાર અને માંસલ છે. યક્ષિણીનો દેહ પાતળી કેડ, અને ભરાવદાર પુષ્ટ સાથળો અને વિશાળ સ્તનો ધરાવતો કામુક છે અને યક્ષ પહોળા ખભા-છાતી ધરાવતો સ્નાયુબદ્ધ ખડતલ મજબૂત યુવાન છે. બંનેના મુખ ઉપર સ્મિત ફરકતું નજરે પડે છે. બુદ્ધના જીવનપ્રસંગોનાં અર્ધમૂર્ત શિલ્પોમાં માનવીઓનાં ટોળેટોળાં નજરે પડે છે; પરંતુ બુદ્ધ ક્યાંય દેખાતા નથી. ધર્મચક્ર, ચોરસ વાડથી રક્ષિત પીપળો, પાદુકાની કે પગલાંની જોડી વડે બુદ્ધની પ્રતીકાત્મક રજૂઆત કરવામાં આવી છે. બુદ્ધને માનવદેહના રૂપમાં રજૂ કરવાનું ચલણ હજી સુધી આવ્યું નથી.

ગુફાઓમાં દીવાલને અડીને બે બાજુ સમાંતર સ્તંભમાળા છે. જેનાં શીર્ષકો ઉપર પાછલા બે પગે બેસીને આગલા બે પગ તરાપ મારવાની મુદ્રામાં ઉઠાવેલા એવા સિંહ કોતર્યા છે. ભારહૂતના સ્તૂપની વાડમાંથી મળી આવેલી ચૂલાકોટા દેવતા યક્ષી અને ચંદ્રા યક્ષી એક પગે વજન મૂકીને ત્રિભંગ અદામાં ઝાડને અઢેલીને ઊભેલી છે. તેમનાં પુષ્ટ નિતંબો, સાથળો અને સ્તનો તથા પાતળી કમર તરત ધ્યાન ખેંચે છે. મુખ ઉપરનું સ્મિત દિવ્ય આનંદનું સૂચક છે.

અમિતાભ મડિયા