શૂટ્ઝ, હીન્રિખ (Schutz, Heinrich) (. 8 ઑક્ટોબર 1585, કૉસ્ટ્રિટ્ઝ, સૅક્સની, જર્મની; . 6 નવેમ્બર 1672, ડ્રેસ્ડન, જર્મની) : જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. બાખના પૂર્વસૂરિઓમાં તેઓ સૌથી મહાન જર્મન સંગીતકાર ગણાય છે.

હીન્રિખ શુટ્ઝ

કેસલમાં તેમણે પ્રાથમિક અને સામાન્ય શિક્ષણ મેળવ્યું. અહીં તેઓ ચર્ચના કોયરમાં વૃંદગાનમાં ભાગ લેતા. 1608માં કાયદાનો અભ્યાસ કરવા માટે તેઓ માર્બર્ગ યુનિવર્સિટીમાં જોડાયા. 1609માં તેમણે વેનિસ જઈ જિયોવાની ગાબ્રિયેલી હેઠળ સંગીતનો ત્રણ વરસ અભ્યાસ કર્યો. અહીં જ તેમણે પોતાની પ્રથમ મૌલિક રચનાઓ કરી. એ છે માનવકંઠો માટેના ઇટાલિયન મૅડ્રિગલ (1611). 1613માં જર્મની જઈ લિપઝિગ ખાતે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. થોડા જ સમયમાં કેસલના દરબારમાં ઑર્ગનવાદક તરીકે શૂટ્ઝની નિમણૂક થઈ.

1628માં શૂટ્ઝ ફરી વેનિસ ગયા અને સંભવત: એમણે ક્લોદિયો મૉન્તેવર્દી હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. ત્રણ વરસ રહીને તેઓ ડ્રેસ્ડન આવ્યા; પણ ત્યાં પ્લેગ ફેલાયો હોવાથી અરાજકતા હતી, તેથી તેઓ ડેન્માર્ક ગયા. 1633થી 1635 સુધી 3 વરસ માટે તેઓ કૉપનહેગનના રાજદરબારના મુખ્ય કપેલમેઇસ્ટર બની રહ્યા. પછી ડ્રેસ્ડન જઈ વસ્યા.

શૂટ્ઝના સંગીતની સૌથી મોટી સિદ્ધિ એ છે કે જર્મન સંગીતને વર્ણસંકર બનાવ્યા વિના તેમાં તેઓ મહાન ઇટાલિયન સંગીતકાર મૉન્તેવર્દીના સંગીતનું માધુર્ય ઉમેરી શક્યા. શૂટ્ઝના આરંભિક મૅડ્રિગલોમાં કેટલાકમાં વાજિંત્રોની સંગત છે અને કેટલાકમાં નથી. એમની બિનધાર્મિક રચનાઓમાં સૌથી મહત્વનો છે ઑપેરા ‘ડફણે’ (Dafne). દુર્ભાગ્યે આ ઑપેરા આજે ખોવાઈ ગયો છે. આરંભમાં એ લૅટિન ટેક્સ્ટમાં સ્વરબદ્ધ કરતા, પણ પછી તેમણે વર્નાક્યુલર જર્મન ટેક્સ્ટ પસંદ કરવી શરૂ કરી. એનું પ્રથમ જર્મન રિક્વિયમ (શોકગાન) ‘મુસિકાલિશે એક્ઝેક્ધિા’ (Musikalische exequien) (1636) છે. તેમાં ત્રણ એકલકંઠો(solos)ની વૃંદગાન સાથે જુગલબંધી છે. એની છેલ્લી ગતમાં બે ગાયકવૃંદો વચ્ચે જુગલબંધી છે. આ સિવાય એમની અગત્યની કૃતિઓ આ પ્રમાણે છે :

(1) ક્રિસ્મસ ઑરેટોરિયો (1664) (એકલકંઠો, ગાયકવૃંદો અને વાજિંત્રો માટે), (2) સેંટ જૉન, સેંટ લ્યુક અને સેંટ મેથ્યૂના ગૉસ્પેલ્સમાંથી અ કપ્પેલા (વાજિંત્રોની જુગલબંધી વિનાના), પૅશન્સ (ક્રાઇસ્ટે વેઠેલી યાતનાનાં બયાનો). તેમાં સંતોની વાણી એકલકંઠના ગાન અને પઠનના મિશ્રણ રૂપે છે; જ્યારે કોરસ ગાન વડે યહૂદી અને રોમન સત્તાધીશોની વાણીને સ્ફુટ કરવામાં આવી છે.

અમિતાભ મડિયા