શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી અને હાથીગુફાના અભિલેખોમાં ‘શિમૂક’નો ઉલ્લેખ છે. તેનું રાજ્ય વિદર્ભ અને મધ્યપ્રદેશમાં આવેલું હતું.

શિમૂકે શુંગ વંશના વિદિશા અને એની આસપાસના પ્રદેશો પણ જીતી લીધા. પુરાણોમાં શિમૂકને કણ્વોના ‘ભૃત્ય’ (સેવક) તરીકે ઓળખાવવામાં આવ્યો છે એ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે પહેલાં તે કણ્વ રાજાની નોકરીમાં (મંત્રી અથવા સેનાપતિ) હશે અને પછી એણે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હશે. શિમૂકના પૂર્વજો વિશે કંઈ જાણવા મળતું નથી. નાના ઘાટના અભિલેખમાં એનો ‘રાજા શિમૂક – સાતવાહન’ તરીકે ઉલ્લેખ થયો છે. ‘સાતવાહન’ શબ્દ ‘શાલિવાહન’ શબ્દ પરથી (શાલિવાહન > શાલવાહન > સાતવાહન) બન્યો હોવાની શક્યતા છે. આ વંશના રાજાઓ પોતાને ‘દક્ષિણાપથના સ્વામી’ તરીકે ઓળખાવતા હતા. તેમનું રાજ્ય ઘણું વિશાળ હતું અને લગભગ 300 વર્ષ સુધી એમણે દક્ષિણમાં રાજ્ય કર્યું હતું. તેમનું પાટનગર ‘પ્રતિષ્ઠાન’ (વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં ગોદાવરી નદીના કાંઠે આવેલું ‘પૈઠણ’) હતું.

પ્રાચીન ઉલ્લેખોમાં ‘શિમૂક’ને ચંદ્રગુપ્ત મૌર્યની માફક ‘વૃશલ’ (શૂદ્ર અથવા ઊતરતી કક્ષાના બ્રાહ્મણ) તરીકે ઓળખવામાં આવ્યો છે; પરંતુ એના વંશમાં થયેલા ગૌતમીપુત્ર સાતકર્ણીએ નાસિકના અભિલેખોમાં પોતાને ‘એક બ્રાહ્મણ’ (અજોડ બ્રાહ્મણ) અને ‘ક્ષત્રિય-દર્પ-માન-મર્દન’ (એટલે કે ક્ષત્રિયોના ગર્વ અને અભિમાનનું ખંડન કરનાર) તરીકે ઓળખાવ્યો છે. આ પરથી એમ કહી શકાય કે સાતવાહન રાજાઓ પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવતા હશે.

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે શિમૂકે 23 વર્ષ (ઈ. પૂ. 30થી ઈ. પૂ. 7) સુધી રાજ્ય કર્યું. એના પછી એના ભાઈ કૃષ્ણે 18 વર્ષ અને એ પછી કૃષ્ણના પુત્ર શાતકર્ણી-1એ 18 વર્ષ રાજ્ય કર્યું હતું. એના વંશમાં ગૌતમીપુત્ર શાતકર્ણી અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવી જેવા પ્રતાપી રાજાઓ પણ થયા હતા.

મુગટલાલ પોપટલાલ બાવીસી