શિમોગા : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 13° 27´ થી 14° 39´ ઉ. અ. અને 74° 38´ થી 76° 04´ પૂ. રે. વચ્ચેનો 8,465 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ અનુક્રમે ધારવાડ અને ચિત્રદુર્ગ, પૂર્વમાં ચિત્રદુર્ગ, દક્ષિણે ચિકમંગલૂર, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ દક્ષિણ કન્નડ, તથા પશ્ચિમ અને વાયવ્યમાં ઉત્તર કન્નડ જિલ્લા આવેલા છે. જિલ્લાનું પૂર્વ-પશ્ચિમ અંતર 153 કિમી. તથા ઉત્તરદક્ષિણ અંતર 129 કિમી. છે. જિલ્લામથક જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

શિમોગા જિલ્લો

ભૂપૃષ્ઠ : પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા માલનાડ વિસ્તારમાં આ જિલ્લાનો સમાવેશ થાય છે. પશ્ચિમ તરફ આવેલી સહ્યાદ્રિ હારમાળામાં ત્રણ ઘાટ આવેલા છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં એક ઘાટ આવેલો છે. અગુમ્બે ઘાટ અને હલિકાલ ઘાટ અનુક્રમે તીર્થહલ્લી અને હોશંગરા તાલુકાઓમાં આવેલા છે. પશ્ચિમ દિશાએ આવેલા ઘાટ ઉગ્ર ઢોળાવવાળા છે. આ વિભાગમાં આવેલું કોડાચડરી શિખર (1,343 મીટર) તેની રમણીયતા માટે જાણીતું છે. આ જિલ્લામાં મન્ડાગડ્ડેથી ઉત્તરે આનંદપુરમ્ અને કુમસી, સાગર તાલુકામાં અલ્હાવાડી, પશ્ચિમે ઇક્કેરીથી તલાગુપ્પા સુધી ડુંગરધારો વિસ્તરેલી છે. મધ્યભાગમાં હમચા પાસે અગસ્ત્ય પર્વત (864 મીટર) અને ગોવર્ધનગિરિ શિખર આવેલાં છે. પૂર્વ દિશા તરફ બે ડુંગરધારો આવેલી છે, તેમાં આવેલું કાલવારંગના-બેટ્ટા (1,031 મીટર) શિખર વધુ જાણીતું છે. અગ્નિકોણમાં ભુવનગિરિ (969 મીટર) શિખર આવેલું છે.

જળપરિવાહ : આ જિલ્લામાં થઈને તુંગા, ભદ્રા અને તે બંનેના સંગમથી તૈયાર થતી તુંગભદ્રા નદીઓ વહે છે. આ ઉપરાંત અહીં કુમુદવતી, શરાવતી અને વરદા નદીઓનાં મૂળ રહેલાં છે. શરાવતી પશ્ચિમ તરફ વહીને અરબી સમુદ્રને મળે છે; જ્યારે કુમુદવતી અને વરદા નદીઓ તુંગભદ્રાને મળે છે. તુંગાનું મૂળ ચિકમંગલૂર જિલ્લાના વરાહ પર્વતમાં રહેલું છે, ત્યાંથી નીકળી તે 64 કિમી.ના અંતર માટે શિમોગા જિલ્લામાંથી પસાર થાય છે, આ નદીને આશરે 75 જેટલાં ઝરણાં મળે છે. ભદ્રાનું મૂળ પણ વરાહ પર્વતમાં રહેલું છે, તે આ જિલ્લાના ભદ્રાવતી તાલુકામાંથી પસાર થાય છે. તુંગા નદીની સાથે સંગમ થયા પછી તે તુંગભદ્રા નામથી ઓળખાય છે. આ નદીનું જૂનું નામ પંપા હતું. શરાવતી નદીનું મૂળ તીર્થહલ્લી તાલુકાના કાવાલેદુર્ગા પાસે આવેલ અંબુતીર્થ ખાતે આવેલું છે; તેને હરિદ્રાવતી યેન્નેહોલે તેમજ અનેક નાની નદીઓ મળે છે. આ જિલ્લા પૂરતી તેના વહનમાર્ગની લંબાઈ 32 કિમી. જેટલી છે. દક્ષિણ ભારત માટે જાણીતો જોગનો ધોધ શરાવતી પર આવેલો છે. કુમુદવતી એ તુંગભદ્રાની સહાયક નદી છે. સાગર તાલુકાના વરદામુલા ખાતેથી નીકળતી વરદા નદી ઉત્તર તરફ વહે છે. આ ઉપરાંત મોટી નદીઓને મળતી હરિદ્રાવતી, શર્મણવતી, કુશાવતી, ગાર્ગિતા, વારાહી, દંડવતી જેવી ઘણી નાની નાની નદીઓ પણ આ જિલ્લામાંથી વહે છે.

ખેતી : આ જિલ્લામાં પશ્ચિમ તરફ પૂરતા પ્રમાણમાં વરસાદ પડતો હોવાથી મધ્ય અને પૂર્વ ભાગમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યાં ડાંગર ઉપરાંત રાગી, જુવાર, શેરડી, કપાસ, મગફળી, તમાકુ અને મરચાંની ખેતી થાય છે. સોપારી પણ અહીંનો મહત્વનો રોકડિયો પાક છે. સોપારીનાં વૃક્ષોને કોલે (cole) નામનો રોગ લાગુ પડતો હોવાથી, સોપારીના બગીચાઓ પ્રત્યે વધુ કાળજી લેવાય છે.

જિલ્લાની 48 % ખેતી હેઠળની જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ ઉપરાંત નહેરો, કૂવા અને તળાવો દ્વારા પણ સિંચાઈ થાય છે. તુંગા અને ભદ્રા જળાશયોમાંથી પણ પાણી અપાય છે. શરાવતી પ્રકલ્પમાંથી જળવિદ્યુત મેળવવામાં આવે છે.

પશુપાલન : ખેતીની સાથે અહીં પશુપાલનનો વ્યવસાય પણ ચાલે છે. પશુઓનો ઉપયોગ પરિવહનમાં પણ થાય છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં, બકરાંનું પ્રમાણ વધુ છે. પશુઓની ઓલાદ સુધારવા તાલુકામથકોએ તથા મહત્વના ગ્રામીણ વિસ્તારોમાં સંવર્ધનકેન્દ્રો, પશુચિકિત્સાલયો ઊભાં કરાયાં છે. પશુપાલન-પ્રવૃત્તિને વેગ મળે તે માટે 1966થી હિલ કૅટલ ડેવલપમેન્ટ સ્કીમની રચના કરવામાં આવી છે, જે આજે પણ કાર્યરત છે. ભદ્રાવતી, અન્નાગિરિ, હોન્નાલી અને શિમોગા ખાતે તેનાં મુખ્ય કેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે. જિલ્લામાં વ્યાપારી ધોરણે મરઘાં-બતકાં-ઉછેર-કેન્દ્રો પણ વિકસાવાયાં છે. ભદ્રાવતી ખાતે અદ્યતન સરકારી ડેરી ઊભી કરવામાં આવી છે.

પાણી-પુરવઠાની ઉપલબ્ધિને અનુલક્ષીને જિલ્લામાં નાનાં-મોટાં જળાશયો ઊભાં કરવામાં આવેલાં હોવાથી મત્સ્યપ્રવૃત્તિને વેગ મળ્યો છે. 40,500 હેક્ટરમાં શરાવતીનું જળાશય પથરાયેલું છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 9,000 જેટલાં તળાવો આવેલાં છે. જળાશયો અને તળાવોમાં કૅટફિશ, મુરળ તેમજ ઈલ જેવી માછલીઓ ઉછેરવામાં આવે છે. માછીમારોને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકારી આર્થિક સહાય અપાય છે. શિમોગા, ભદ્રાવતી, સાગર અને તીર્થહલ્લીમાં મત્સ્યવેચાણ-મથકો સ્થાપ્યાં છે. ભદ્રા, ફિશ-ફાર્મ અહીંનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર છે.

ખનિજસંપત્તિઉદ્યોગો : આ જિલ્લો ખનિજ-દૃદૃષ્ટિએ સમૃદ્ધ છે. અહીં વર્ષોથી જુદાં જુદાં ખનિજો માટેની ખનનક્રિયા ચાલે છે. 1881થી હોન્નાલી તાલુકાનું હોન્નાલી સુવર્ણક્ષેત્ર જાણીતું છે. ભદ્રાવતી તાલુકામાંથી તેમજ તુંગા અને ભદ્રા નદીના કાંઠાવિસ્તારમાંથી પણ સુવર્ણક્ષેત્રો શોધી કાઢવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ જિલ્લામાંથી લોહઅયસ્ક, મૅંગેનીઝ, ઍસ્બેસ્ટૉસ, ચિનાઈ માટી, અગ્નિજિત માટી તેમજ ક્વાર્ટ્ઝનાં ખનિજો પણ મળે છે. આ ખનિજો ચન્નાગિરિ, શિમોગા, સોરાબ, શિકારપુર, કોડાચડરી, સામ્પીકાટ્ટે, ડોડાબારે, આમ્બીલાન્ડી, કોટાબારે જેવા વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે. કર્ણાટક રાજ્યમાં ખનિજસંપત્તિ વિપુલ પ્રમાણમાં મળતી હોવાથી ભદ્રાવતી ખાતે વિશ્ર્વેશ્વરૈયા લોખંડ-પોલાદનું એકમ ઊભું કરવામાં આવેલું છે. અહીં મૈસૂર આયર્ન ઍન્ડ સ્ટીલ વર્ક્સ લિમિટેડ પણ છે. વળી સિમેન્ટ, કાગળ, ખાંડ તેમજ જંગલપેદાશો આધારિત એકમો સ્થપાયા છે, તે પૈકી સુખડનું તેલ બનાવતી મૈસૂર સેન્ડલવુડ ઑઇલ ફૅક્ટરી જાણીતી છે. ગૃહઉદ્યોગમાં મૈસૂર પેપર મિલ, તુંગભદ્રા સુગર વર્ક્સ, રાચરચીલું તથા અગરબત્તી બનાવવાના એકમો પણ વિકસ્યા છે. ડાંગર છડવાની મિલો પણ આવેલી છે. 1952માં જોગના ધોધ નજીક મહાત્મા ગાંધી જળવિદ્યુત મથક ઊભું કરવામાં આવેલું છે.

જંગલસંપત્તિ : આ જિલ્લામાં સદાહરિત જંગલો તથા સૂકાં પાનખર જંગલો આવેલાં છે. તેમાંથી ઇમારતી લાકડાં, ઇંધન અને કોલસા માટેનાં લાકડાં, વાંસ, મધ, મીણ અને કેટલીક ઔષધીય વનસ્પતિઓ મેળવાય છે. આ પેદાશો પર અહીંના આદિવાસીઓનો નિર્વાહ ચાલે છે.

પરિવહન : જિલ્લાનું ભૂપૃષ્ઠ ટેકરીઓવાળું હોવાથી રેલમાર્ગો કરતાં પાકા રસ્તાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, જોકે અહીંથી કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી. અહીંથી પસાર થતા બિરુર-તલાગુપ્પા રેલમાર્ગ પર ભદ્રાવતી, શિમોગા અને સાગર જેવાં જંક્શનો આવેલાં છે. વિશ્ર્વેશ્વરૈયા કંપનીએ પોતાના ઉપયોગ માટે ટ્રામ-વે તૈયાર કર્યા છે.

વેપાર : આખાય કર્ણાટક રાજ્યમાં આર્થિક દૃદૃષ્ટિએ શિમોગા જિલ્લાનું મહત્વ વધુ છે. અગાઉના સમયમાં પણ શિમોગા વેપારનું મહત્વનું કેન્દ્ર હતું. આ જિલ્લામાંથી ડાંગર, જુવાર, કાજુ, સુખડનું તેલ, રાચરચીલું, મગફળી, લાકડાં, અગરબત્તી, બીડી, નાળિયેર અને ખાતરની નિકાસ તથા યંત્રો, બાંધકામ સામગ્રી અને કાપડની આયાત કરવામાં આવે છે.

પ્રવાસન : આ જિલ્લો પહાડો અને જંગલોનાં કુદરતી દૃશ્યોથી ભરપૂર હોવાથી, ધાર્મિક સ્થાનો તેમજ અદ્યતન ઔદ્યોગિક એકમો સ્થપાયેલા હોવાથી અહીં પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળે છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં શરાવતી નદી પરનો 228 મીટર પહોળો અને 293 મીટર ઊંચો જોગનો ધોધ, મહાત્મા ગાંધી જળવિદ્યુત મથક, લક્ષ્મી-નરસિંહ મંદિર, કોટેશ્વરાય મંદિર, ડોડા મસીદીનો ઘુમ્મટ, પક્ષી રંગનાથન્ મંદિર, ચર્ચ તેમજ ઐતિહાસિક સ્થાપત્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં લોખંડ-પોલાદના એકમો અને હસ્તકલા-કારીગીરી પણ જોવાલાયક છે.

વસ્તી : જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોનું પ્રમાણ વિશેષ છે. અહીંના લોકો કન્નડ, મલયાળમ, હિન્દી, મરાઠી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલે છે. અહીં શહેરી વસ્તી કરતાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધુ છે. જિલ્લામાં આદિવાસી લોકો વધુ છે. જિલ્લામાં સરકારી-બિનસરકારી કૉલેજો આવેલી છે, તેમાં વિવિધ વિષયોનું શિક્ષણ અપાય છે. દરેક તાલુકામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણની તથા તબીબી સારવારની સગવડ ઉપલબ્ધ છે. 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 16,39,595 જેટલી છે. જિલ્લાને વહીવટી અનુકૂળતાની દૃદૃષ્ટિએ નવ તાલુકા અને નવ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 16 નગરો અને 1957 (172 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : જિલ્લામાં 11મી અને 12મી સદીનાં જૂનાં સ્થાપત્યો આવેલાં છે. 1783માં ટીપુ સુલતાને અંગ્રેજોને અહીં શિકસ્ત આપેલી. 1799માં ટીપુ સુલતાનની હાર થતાં શિમોગાનો સમાવેશ મૈસૂર રાજ્યમાં કરવામાં આવેલો. 1951માં શિમોગાને કર્ણાટક રાજ્યમાં મૂકવામાં આવ્યું છે.

નીતિન કોઠારી