શિબ્લી, નુમાની (. 1857, બિન્દોલ, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; . 1914, અલીગઢ) : ઉર્દૂ અને ફારસીના પ્રખર વિદ્વાન લેખક અને કવિ. તેમનું મૂળ નામ મોહંમદ હબીબુલ્લાહ શિબ્લી હતું. ‘નુમાની’ તખલ્લુસ રાખવાને કારણે તેઓ શિબ્લી નુમાની તરીકે ઓળખાયા. તેમના પિતા જાણીતા વકીલ હતા. શિબ્લીએ મૌલવી શકરુલ્લાહ પાસે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આઝમગઢમાં મોલવી ફૈઝુલ્લાહ પાસેથી અરબી અને જોનપુરના મૌલવી ઇમામ બખ્શ અને મૌલવી હિદાયત બખ્શ પાસેથી ઉચ્ચ કક્ષાનું અરબી તથા ફારસીનું શિક્ષણ પામતાં તેઓ મુસ્લિમ ધર્મતત્વના અધિકારી બન્યા.

તેઓ સર સૈયદ એહમદખાનના પ્રભાવ હેઠળ આવતાં, તેમણે તેમને મુસ્લિમોમાં પાશ્ચાત્ય શિક્ષણ લોકપ્રિય બનાવવામાં મદદ કરી અને એમ.એ.ઓ. કૉલેજ, અલીગઢ ખાતે તેમને ફારસીના પ્રથમ પ્રાધ્યાપક નીમ્યા (1883) અને તેઓ 1896 સુધી તે વિભાગના વડા તરીકે કાર્યરત રહ્યા. પાછળથી તેઓ રાજકારણમાં વધુ રાષ્ટ્રવાદ તરફ વળ્યા. તેમણે લખનૌમાં નદ્વતુલ ઉલેમા કૉલેજની સ્થાપના કરી. મતભેદ ઊભો થતાં ત્યાંથી નિવૃત્ત થઈ તેમણે આઝમગઢમાં એકૅડેમી ફૉર રાઇટર્સ, દારુલ મુસન્નિફિનની સ્થાપના કરી જે આજે પણ કાર્યરત છે. તેઓ ખિલાફત અને રાષ્ટ્રીય ચળવળના પ્રબળ સમર્થક હતા. તેમણે તુર્કસ્તાન અને ઇજિપ્તનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ મૌલાના અબ્દુલ કલામ આઝાદના મુખ્ય માર્ગદર્શક હતા.

શિબ્લીમાં ઈશ્વરદત્ત જ્ઞાન, કુશળતા અને ગ્રહણશક્તિને કારણે તેમણે ગાઝીપુરના મૌલાના મોહંમદ ફારુક પાસેથી દર્શનશાસ્ત્રને લગતી તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરી. તેથી વિદ્વાનોએ તેમને ઉચ્ચ સ્થાને સ્થાપિત કર્યા. પછી જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં રામપુર પહોંચીને ખ્યાતનામ મૌલવી અબ્દુલહક ખૈરાબાદી પાસે તત્વજ્ઞાન શીખ્યા. સહરાનપુરમાં મૌલવી એહમદઅલીના સાંનિધ્યમાં હદીશશાસ્ત્ર શીખ્યા. અલીગઢમાં પ્રો. આર્નોલ્ડ પાસેથી ફ્રેન્ચ શીખ્યા.

અલીગઢના સાંસ્કૃતિક અને સાહિત્યિક વાતાવરણે તેમને શ્રેણીબદ્ધ પુસ્તકો લખવા પ્રેર્યા. તેમના મુખ્ય ગ્રંથોમાં ‘શેરુલ આઝમ’ (1908થી 1918), ફારસી કવિતાનો ઇતિહાસ, 5 ગ્રંથમાં; ‘મુવાઝના-એ-અનિસ-ઓ-દબિર’ (1907) સાહિત્યવિવેચન; ‘હયાત-ઇ-મૌલાના રુમ’ (1918) ચરિત્ર; ‘સીરાતુન નબી’ (1924-38, 6 ગ્રંથમાં); ‘અલ-મામુન’ (1892); ‘અલ-ફારુક’ (1899); ‘અલ-ગઝલી’ (1902); ‘ઇલ્મ-ઉલ-કલામ’ (1903); ‘ઔરંગઝેબ આલમગીર પર એક નજર’ (1911) ઇતિહાસ; ‘સફરનામા-ઇ-મિસ્ર-ઓ-રુમ વા શામ’ (1893) પ્રવાસકથા; ‘દસ્ત-ઇ-ગુલ’ (1908) ફારસી કાવ્યસંગ્રહ તથા ‘સુભ-ઇ-ઉમ્મેદ’ (1984) ઉર્દૂમાં મસનવીનો સમાવેશ થાય છે.

હેતુલક્ષી કાવ્યના માપદંડના ધોરણે મરસિયા લખનારા તત્કાલીન કવિઓની તુલનામાં શિબ્લીની ‘મુવાઝના-એ-અનિસ-ઓ-દબિર’ કૃતિ સાહિત્યિક વિવેચનક્ષેત્રે મહત્વની ગણાય છે. ‘શેરુલ આઝમ’ના ગ્રંથ 3માં શિબ્લીએ વાતાવરણની અસર, ફૌજી જીવન અને કાવ્યાત્મક શબ્દાવલીમાં દરબાર તથા તે કાળનાં સાહિત્યિક ધોરણો અંગેના આબેહૂબ ચિત્રાંકનને કારણે તે કૃતિ અજોડ ગણાય છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા