શાહ, વલીઉલ્લાહ દહેલવી

January, 2006

શાહ, વલીઉલ્લાહ દહેલવી (. 1702, ફલિત, જિ. મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ; . 1762) : અઢારમા સૈકાના ભારતના ધર્મપુરુષ, સૂફી સંત, સુધારક, વિચારક અને લેખક. તેમની અરબી તથા ફારસી ભાષામાં લખાયેલી કૃતિઓ આજપર્યંત સમયાનુરૂપ અને સુસંગત ગણાય છે. તેમણે કુરાન અને હદીસની તાલીમ દ્વારા, સમાજની બૂરાઈઓ દૂર કરવા માટેનો માર્ગ સૂચવ્યો હતો. તેમણે મુઘલાઈની પડતીનું રાજકીય અને સામાજિક વિશ્ર્લેષણ તથા પૃથક્કરણ કરીને પોતાની રાજકીય સૂઝનો પરિચય આપ્યો હતો, જે તેમના સમયના ધર્મપુરુષો માટે અનપેક્ષિત ગણાતું હતું. પવિત્ર કુરાનનો બીજી ભાષામાં અનુવાદ ન થઈ શકે એવા જડ દૃષ્ટિબિંદુથી વિરુદ્ધ જઈને ભારતમાં કુરાનનો પહેલો ફારસી અનુવાદ કર્યો હતો. તેમણે મુસ્લિમોના જુદા જુદા ફિરકાઓના મતભેદોની જગ્યાએ તેમનામાં જે સભ્યતા રહેલી છે તેની છણાવટ કરી હતી.

 શાહ વલીઉલ્લાહ એક પ્રતિષ્ઠિત અને વિદ્યાપ્રિય કુટુંબના નબીરા હતા. તેમના પિતા શાહ અબ્દુર્રહીમે ‘ફતાવાએ આલમગીરી’ નામના વિશ્વપ્રસિદ્ધ ફતવાસંગ્રહના સંપાદક તરીકે મહત્વની કામગીરી બજાવી હતી.

આ શાહ વલીઉલ્લાહે પોતાના પિતા અને અન્ય ધર્મશિક્ષકો પાસેથી પ્રાથમિક તથા ઉચ્ચશિક્ષણ મેળવ્યું હતું. તેઓ કુરાન અને હદીસ તથા મુસ્લિમોના જુદા જુદા ફિરકાઓના કાયદાશાસ્ત્રોથી વાકેફ હતા. તેમણે કોઈ એક કાયદાશાસ્ત્ર (ફિકહ – jurisprudence) ઉપર આધાર રાખવાને બદલે તમામ કાયદાશાસ્ત્રોને દૃષ્ટિ સમક્ષ રાખવાનો આગ્રહ કરીને, ઇજિતહાદ – નવેસરથી વિચાર કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

શાહ વલીઉલ્લાહની કૃતિઓ : (1) પવિત્ર કુરાનનો ફારસી ભાષામાં અનુવાદ અને તફસીર (સમજૂતી) : ‘ફત્હુર્રહમાન ફી તર્જુમતુલ કુરાન’. (2) હદીસ-સંગ્રહ મુવત્તાની શરહ (સમજૂતી) : મુસફ્ફા. (3) કુરાનની તફસીરના સિદ્ધાંતો ઉપર આધારિત કૃતિ અલ ફૌઝુલ કબીર ફી ઉસૂલુત – તફસીર. (4) ફારસી પત્રસંગ્રહ. આ સિવાય ફારસી ભાષામાં નાનાંમોટાં બીજાં પંદર પુસ્તકો પણ છે.

તેમની અરબી કૃતિઓની સંખ્યા પણ લગભગ વીસ છે. તેમાંથી મહત્વની આ પ્રમાણે છે : (1) ‘હુજ્જતુલ્લાહ – અલ બાલિઘા’. શાહ વલીઉલ્લાહની આ શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. જેમાં તેમણે ઇસ્લામી શરિયતની અનુપમ શૈલીમાં છણાવટ કરી છે. (2) હદીસ-સંગ્રહ મુવત્તાની શરહ (અરબી ભાષામાં) : અલ મુસવ્વા. (3) પ્રથમ ચાર ખલીફાઓની ખિલાફત સંબંધી મહત્વનું પુસ્તક : ‘અઝાલતુલ ખફા અ ખિલાફતુલ ખુલફા’. (4) પ્રથમ બે ખલીફાઓ હજરત અબુબક્ર અને હજરત ઉંમરની બીજા ખલીફાઓ ઉપરની શ્રેષ્ઠતા દર્શાવતું પુસ્તક :  કુર્રરતુલ ઐનીન ફી તફઝીલુશ શૈખીન. (5) અરબી પત્રસંગ્રહ.

શાહ વલીઉલ્લાહે આત્મકથાના સ્વરૂપમાં એક નિબંધ ‘અલ-જુઝઉલ લતીફ’ નામે લખ્યો હતો. શાહ વલીઉલ્લાહે જ્યાં ધાર્મિક કાયદાશાસ્ત્રો, કુરાન, તફસીર અને હદીસની છણાવટ કરી છે ત્યાં ઇસ્લામના આધ્યાત્મિક પાસાને પણ છતું કર્યું છે. તેમણે ઇસ્લામના આત્મા અને મૂળ તત્વ વિરુદ્ધ જે કાંઈ જોયું હતું તેની આલોચના કરી હતી.

શાહ વલીઉલ્લાહે ઇસ્લામની સ્વચ્છ છબી ઉપસાવી હતી. તેમનું સૌથી મહત્વનું કામ તે અજ્ઞાની અને ધર્મથી દૂર એવા ઢોંગી સૂફી સંતોની વાણી અને વર્તનને બદલે કુરાન તથા હદીસની પેરવી કરવાનો રિવાજ શરૂ કર્યો તે હતું. તેમના આવા પ્રયત્નોનો મુસ્લિમ સમાજ ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેમને કવિતા રચવાનો શોખ હતો અને તેમની ભાષા, શુષ્ક ધાર્મિક શૈલીવાળી રહેવાને બદલે સાહિત્યિક, આકર્ષક તથા રસપૂર્ણ બની ગઈ છે.

તેમના ચાર દીકરા – શાહ અબ્દુલ અઝીઝ, શાહ રફીઉદ્દીન, શાહ અબ્દુલ કાદર અને શાહ મુહમ્મદ ઇસ્હાક પણ લેખકો તરીકે નામના મેળવી ચૂક્યા છે. તેમનામાંથી બે – શાહ રફીઉદ્દીન તથા શાહ અબ્દુલ કાદરે કુરાનનો પહેલવહેલો ઉર્દૂ ભાષામાં અનુવાદ કર્યો હતો તથા તેની તફસીર લખી હતી. તેમના અનુવાદો પાછળના બધા ઉર્દૂ અનુવાદો માટે નમૂનારૂપ સાબિત થયા છે.

શાહ વલીઉલ્લાહની વિચારશૈલીએ છેલ્લાં 250 વર્ષોમાં ભારતીય  ઉપખંડના તથા અન્ય મુસ્લિમ અને યુરોપીય દેશોના લોકોને પણ પ્રભાવિત કર્યા છે. જેના પ્રતાપે એક તરફ તેમના કાર્યને આગળ ધપાવવા સારુ દેશ-વિદેશમાં શાહ વલીઉલ્લાહ અકાદમીઓ તથા સંશોધનસંસ્થાઓ ઊભી થઈ છે અને બીજી તરફ તેમની અરબી-ફારસી કૃતિઓ અનેક વાર છપાઈને પ્રકાશિત થઈ છે તથા તેમના અનુવાદ ઉર્દૂ-અંગ્રેજી ભાષાઓમાં પણ થયા છે.

શાહ વલીઉલ્લાહના પિતા શાહ અબ્દુર્રહીમ દેહલવી પણ એક સૂફી લેખક તરીકે અને ઇસ્લામી કાયદાશાસ્ત્રના પ્રખર વિદ્વાન તરીકે ખ્યાતિ પામ્યા હતા.

મેહબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી