શાહ, વાજિદઅલી

January, 2006

શાહ, વાજિદઅલી (. 1822, લખનઉ; . 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે લખનૌમાં કૈસરબાગ નામનું ભવ્ય સંકુલ ઊભું કર્યું હતું; જેમાં મહેલો, નહેરો, પુલો અને પ્રતિમાઓ હતી. પાછળથી રંગીન મિજાજવાળા સોબતીઓના પ્રભાવ હેઠળ તેઓ નાચગાન તથા કાવ્યલેખન તરફ ઢળ્યા હતા. ઉર્દૂ કવિતામાં તેમણે ‘અખ્તર તખલ્લુસ’ ઉપનામ રાખ્યું હતું. ઘણા ઉસ્તાદ કવિઓ તેમના દરબારમાં હાજરી આપતા હતા. તેમણે નાટકો લખીને પોતાના મહેલમાં ભજવવાનું પણ ચાલુ કર્યું હતું. આ નાટકોમાં તેઓ પોતે, તેમની બેગમો, તવાયફો તથા દરબારીઓ જુદાં જુદાં પાત્રો ભજવતાં હતાં. વળી તેમણે કૈસરબાગમાં જાહેરમાં રાસલીલા ભજવવાની શરૂઆત કરી હતી, જે નાટ્યક્ષેત્રે તેમની એક નોંધપાત્ર બાબત હતી.

પાશ્ર્ચાત્ય ઢબના ‘ઑપેરા’ની શૈલી પર તેમણે ‘ઇન્દ્રસભા’ નામનું એક નૃત્યનાટક રચ્યું હતું. તે વારંવાર ભજવાતું અને તેમાં ઇન્દ્રનું પાત્ર પોતે ભજવતા. તેઓ કૃષ્ણભક્ત હતા અને કૃષ્ણ અને ગોપીઓના રાસમાં પોતે કૃષ્ણનું પાત્ર ભજવતા. તેમણે કથક નૃત્યની તાલીમ લીધી હતી. તેઓ ફારસી તથા ઉર્દૂ ભાષાનું તથા સંગીત અને નૃત્યનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

ઠૂમરી વગેરે હળવા શાસ્ત્રીય સંગીતમાં તેઓ મહાન બંદિશકાર ‘કદર પિયા’ના શાગિર્દ હતા. શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન એમણે તાનસેનના વંશજ બસતખાન પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેમના દરબારી સંગીતકારોમાં બડે મોહમદખાં, તબલાંનવાજ ઉસ્તાદ મોદુખાં, તાજખાં સખાવત હુસેનખાંનો સમાવેશ થતો હતો. તેમણે ઠૂમરી, હોરી, ચૈતી, કજરી, દાદરા વગેરેને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. એમનો રાજ્યકાળ આ પ્રકારના સંગીતનો સુવર્ણયુગ મનાય છે. તેમના દરબારમાં કથક નૃત્યના મહાન કલાકાર મહારાજ બિન્દાદીન, લલનપિયા, સાદિકઅલી વગેરે ઠૂમરીના નિષ્ણાતો હતા.

તે શૈલીનાં પુષ્કળ ગીતો તેમણે ‘અખ્તરપિયા’, ‘મોહન રસિયા’ તથા ‘શ્યામ’ના ઉપનામથી રચ્યાં છે. તે પૈકી કેટલાંક આજે પણ પ્રચલિત છે. તેમના દરબારમાં 125 સંગીતકારો તથા 225 નર્તકીઓ હતી અને દર મહિને તેમનો ખર્ચ રૂ. 12,000/- થતો હોવાનું કહેવાય છે. આ કલાકારોને તેઓ છૂટે હાથે દ્રવ્ય, સોનું, રૂપું, હાથી, ઘોડા, જવાહિર વગેરેનું દાન કરતા હતા. કૃષ્ણ-ગોપીઓનાં નૃત્ય તથા રાસ વખતે રૂ. 15,000/-ની કિંમતનાં અત્તર, કેસર અને ગુલાબ વપરાતાં હતાં. લખનઉના કેસરબાગમાં એક વિશાળ ભવનનું તેમણે નિર્માણ કર્યું હતું. તેમાં 308 નૃત્યશાળાઓ સ્થાપી હતી. નર્તક કનૈયાલાલ તેમના મુખ્ય શિષ્ય હતા.

તેમણે હિન્દુસ્તાની ભાષામાં ઠૂમરીઓ તથા દાદરાની રચના કરી હતી; જેમાં તેઓ પોતાની જાતને ‘જાને-આલમ પિયા’ કહેવડાવતા હતા. તેઓ કૃષ્ણ-કનૈયાનો વેશ પણ ધારણ કરતા અને નૃત્ય તથા ગીત-સંગીતની ભવ્ય મહેફિલો સજાવતા હતા ! આવી રીતે લલિતકલાઓમાં રસ લેનાર તેઓ એક અજોડ રાજવી હતા. વાજિદ અલી શાહને કલાકૃતિઓ તથા પક્ષીઓના સંગ્રહનો પણ શોખ હતો. તેમને નાજુકાઈ અને નવીનતા ગમતાં હતાં. વિવિધ પ્રવૃત્તિઓમાંની તેમની તલ્લીનતાને લઈને રાજવહીવટની ઉપેક્ષા થવા લાગતાં અંગ્રેજ સત્તાને હસ્તક્ષેપ કરવાની તક મળી ગઈ. તેમને પહેલાં તો દોઢ વર્ષ સુધી કોલકાતાની ફૉર્ટ વિલિયમમાં નજરકેદ રાખ્યા બાદ મય્યા બુર્જ નામની જાગીરમાં કાયમી વસવાટ આપ્યો હતો. અહીંયાં પણ વાજિદ અલી શાહે ઇમારતો તથા બાગબગીચાનું નિર્માણ કર્યું અને ટૂંક સમયમાં મય્યા બુર્જ, લખનૌનો નમૂનો બની ગયો. તેમણે એક નાનું સરખું પ્રાણીસંગ્રહસ્થાન ઊભું કર્યું હતું, જેમાં સચવાયેલાં વિવિધ પ્રકારનાં પક્ષીઓને જોવા માટે બહારથી પણ લોકો આવતા હતા. નવાબ વાજિદ અલી શાહ અખ્તર ઉર્ફે ‘જાને-આલમ પિયા’એ ગદ્ય-પદ્યના ચાલીસ નાનામોટા ગ્રંથો રચ્યા છે. તેમનાં કાવ્યોમાં ગઝલ, મસ્નવી, મરસિયા તથા કસીદા જેવા કાવ્યપ્રકારો જોવા મળે છે. તેમની ગઝલરચનાઓના છ સંગ્રહો છે. તેમની એક મસ્નવી, ‘હુઝને અખ્તરી’માં તેમણે લખનૌથી કોલકાતા – સુધીની મુસાફરીનો અહેવાલ લખ્યો છે. આ કાવ્યની શૈલી સુંદર, સરળ અને અસરકારક છે. ગઝલો, મરસિયાઓ તથા મસ્નવીઓમાં લખનૌની પરંપરાગત કૃત્રિમ શૈલી જોવા મળે છે. તેમણે બંદીખાનામાંથી પોતાની બેગમ નવાબ ઝીનતમહેલને લખેલા પત્રો, ઉર્દૂ ગદ્યસાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

1856ના ફેબ્રુઆરીમાં કંપની સરકાર તરફથી તેમને ગાદીત્યાગ કરવાનું અને કોલકાતામાં નજરકેદી તરીકે રહેવાનું ફરમાન મળ્યું ત્યારે તેમણે તુરત જ દરબાર ભર્યો. સાજિંદાઓને ભૈરવીના સૂરો રેલાવવા ફરમાઇશ કરી હતી અને સ્વરચિત ભૈરવી રાગની ઠૂમરી ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ અશ્રુપૂર્ણ આંખે ગાતાં વાજિદઅલી શાહે સૌની વિદાય લીધી હતી. કેટલાક ચુનંદા સંગીતકારો અને નૃત્યકારોને પોતાની સાથે તેઓ કોલકાતા લઈ ગયા હતા. તેઓ અતિશય વિલાસપ્રેમી હોવા સાથે તેમણે સંગીત અને નૃત્યની મહાન સેવા પણ કરી હતી. ઔરંગઝેબના અત્યાચારો પછી મૃતપ્રાય બનેલી સંગીતકલાને વાજિદઅલી શાહે પુનર્જીવન અર્પ્યું હતું.

તેમનું અવસાન કોલકાતામાં થયું હતું ત્યારે તેમની વય એકાવન વર્ષની હતી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

બળદેવભાઈ કનીજિયા