શાહ, વજીહુદ્દીન અલવી

January, 2006

શાહ, વજીહુદ્દીન અલવી (. ?; . 1589, અમદાવાદ) : અમદાવાદના અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ. આ સૂફી સંત ચાંપાનેરના વતની હતા અને ઈ. સ. 1537થી અમદાવાદમાં આવીને વસ્યા હતા. તેમણે અમદાવાદમાં મદરેસા સ્થાપી હતી. એમનું અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે ખાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. એમની કબર ઉપર તત્કાલીન ગુજરાતના મુઘલ સૂબેદાર મુર્તઝાખાને (ઈ. સ. 1606-1609) ભવ્ય રોજો બંધાવ્યો હતો. તેમણે ‘શરહે રિસાલયે કોસજી’ નામનું ખગોળવિદ્યાનું એક પુસ્તક, ‘શરહે જામે જહાંનુમા’ તથા ‘દીવાને વજીહ’ વગેરે ગ્રંથો લખ્યા છે. તેમનું ‘બયઝાવી શરેહ’ નામનું પુસ્તક અરબી ભાષામાં છે. આ ઉપરાંત ‘હકીકતે મોહમદી’ નામનો તેમનો ગ્રંથ જાણીતો છે.

જયકુમાર ર. શુક્લ