શાસ્ત્રી, સત્યવ્રત [જ. 29 સપ્ટેમ્બર 1930, લાહોર (હવે પાકિસ્તાનમાં)] : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. ‘શાસ્ત્રી’ તથા ‘વ્યાકરણાચાર્ય’ની ઉપાધિ ઉપરાંત એમ.એ., એમ.ઓ.એલ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. અધ્યાપનનો વ્યવસાય. દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃતના પંડિત મનમોહનનાથ દાર પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. શાસ્ત્રીનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મુલાકાતી પ્રાધ્યાપક, ઇન્ડિયન સ્ટડિઝ, યુલાલાગ્કૉર્ન યુનિવર્સિટી, બૅંગ્કૉક, 1977-79; તેમજ સિલ્પકોર્ન યુનિવર્સિટી, 1988-91; અતિથિ-પ્રાધ્યાપક, યુનિવર્સિટી ઑવ્ ટ્યુબિંગન, જર્મની, 1982-83; વાઇસ ચાન્સેલર, શ્રી જગન્નાથ સંસ્કૃત યુનિવર્સિટી, પુરી, 1983-85; મુલાકાતી પ્રાધ્યાપક, યુનિવર્સિટી ઑવ્ ઍલબર્તા, એડમૉન્ટન, કૅનેડા, 1988; સંપાદક, ‘ઇન્ડોલૉજિકલ સ્ટડિઝ’ (દિલ્હી યુનિવર્સિટીની અભ્યાસપત્રિકા) તથા ‘શ્રી જગન્નાથ જ્યોતિ’ (પુરીની સંશોધનલક્ષી અભ્યાસપત્રિકા).
તેમને મળેલ સન્માનો આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1968; કૅથલિક યુનિવર્સિટી, લૂબેન, બેલ્જિયમ તરફથી ચંદ્રક, 1985; પંજાબ સરકાર તરફથી શિરોમણિ સંસ્કૃત સાહિત્યકાર ઍવૉર્ડ, 1985; ઉ. પ્ર. સંસ્કૃત અકાદમી તરફથી કાલિદાસ પુરસ્કાર, 1994; કે. કે. બિરલા ફાઉન્ડેશન તરફથી વાચસ્પતિ પુરસ્કાર વગેરે. આ ઉપરાંત સંસ્કૃતના પ્રદાન બદલ રાષ્ટ્રપતિ તરફથી સન્માનપત્ર (1985); દિલ્હી શીખ ગુરુદ્વારા બૉર્ડ તરફથી સન્માન; દયાવતી મોદી વિશ્વ સંસ્કૃતિ સમ્માન (1995); ફેલો, ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડિઝ, ઑટાવા (1994); વગેરે.
માતૃભાષા પંજાબી છે અને સંસ્કૃત, અંગ્રેજી અને હિંદીમાં તેમણે લેખનકાર્ય કર્યું છે. તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : સંસ્કૃતમાં : ‘શ્રીગુરુગોવિંદાસિંહચરિતમ્’ (1967), ‘શર્મણ્યદેશ: સુતરામ્ વિભાતિ’ (1976), ‘ઇન્દિરા ગાંધી ચરિતમ્’ (1976), ‘થાઈદેશ-વિલાસમ્’ (1979), ‘શ્રીરામકીર્તિ-મહાકાવ્યમ્’ (1990), (એ તમામ કાવ્યરચનાઓ); હિન્દીમાં : ‘વૈદિક વ્યાકરણ’ (1971), (હિંદી ભાષાંતર); અંગ્રેજીમાં : ‘એસેઝ ઑન ઇન્ડૉલૉજી’ (1963), ‘રામાયણ અ લિંગ્વિસ્ટિક સ્ટડી’ (1964); ‘કાલિદાસ ઇન મૉડર્ન સંસ્કૃત લિટરેચર’ (1991), ‘ન્યૂ એક્સપેરિમેન્ટ્સ ઇન કાલિદાસ’ (1994) (એ તમામ વિવેચનગ્રંથો).
થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, હૉંગકૉંગ, જાપાન, યુ.કે., યુ.એસ., ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી, પોલૅન્ડ, કૅનેડા વગેરેનો પ્રવાસ તેમણે કર્યો છે.
મહેશ ચોકસી