શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર

January, 2006

શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર (. 7 ઑક્ટોબર 1919, મલાતજ, જિ. આણંદ) : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃતવિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાન અને અભિલેખવિદ. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં થયો હતો. ડૉ. શાસ્ત્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મલાતજ અને જૂનાગઢમાં મેળવ્યું હતું. બી.એ. સુધીનું શિક્ષણ 1940માં જૂનાગઢમાંથી પૂર્ણ કર્યું. તે પછી અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ના અધ્યયન અને સંશોધન-વિભાગમાં એમ.એ.ના અભ્યાસ માટે દાખલ થયા. 1942માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષય સાથે એમ.એ. થયા. પ્રો. રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ ઔપચારિક માર્ગદર્શક તરીકે પ્રા. અભ્યંકરનું નામ રાખી ‘વલભીના મૈત્રક રાજાઓના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી’ – એ વિષય ઉપર સંશોધન કરીને 1947માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી

ડૉ. શાસ્ત્રીએ ભો. જે. વિદ્યાભવનમાં 1945થી 1956 દરમિયાન અધ્યાપક તરીકે, 1956થી 1968 દરમિયાન ઉપાધ્યક્ષ તરીકે અને 1968થી 1979 દરમિયાન અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. આ સમયગાળા દરમિયાન તેમણે અધ્યયન, અધ્યાપન, સંશોધન, સંપાદન અને લેખનના ક્ષેત્રે ગણનાપાત્ર અર્પણ કર્યું છે. અભિલેખોને ઉકેલવા, તેનું લિપ્યંતર, સંપાદન અને વિવેચન કરવું એ તેમનું પ્રધાન કાર્ય રહ્યું અને ક્ષત્રપકાલથી છેક અર્વાચીન કાલ સુધીના ઘણા અભિલેખોનું વાચન, લિપ્યંતર, સંપાદન અને વિવેચન કરી આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં ડૉ. શાસ્ત્રીએ સંશોધનાત્મક અધ્યાપનનો અભિગમ કેળવ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ વિષયમાં 13 વિદ્યાર્થીઓ અને સંસ્કૃત વિષયમાં 9 વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. ભારતીય સંસ્કૃતિ વિષયમાં રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ધર્મ, લિપિવિદ્યા, સ્થાપત્ય, પૌરાણિક અનુશ્રુતિઓ, રાજ્યતંત્ર અને હસ્તપ્રતવિદ્યા તેમજ સંસ્કૃતમાં ‘ભટ્ટિકાવ્ય’, ‘રાજતરંગિણી’ અને પુરાણો, કવિ સોમેશ્વરનું જીવન અને કૃતિઓ, રૂપકો અને મહાકાવ્યો, ભગવદ્ગીતાની તત્વવિદ્યા, સંસ્કૃત અભિલેખોનો અભ્યાસ અને કાલગણના જેવા વિવિધ વિષયો ઉપર ડૉ. શાસ્ત્રીએ મહાનિબંધો તૈયાર કરાવ્યા છે. આ મહાનિબંધો દ્વારા ગુજરાતના ઇતિહાસની ખૂટતી કડીઓ પુરાઈ છે.

સંશોધનક્ષેત્રે ડૉ. શાસ્ત્રીની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ છે. એમના મૌલિક સંશોધન-ગ્રંથોમાં ‘મૈત્રકકાલીન ગુજરાત’ (ભા. 1, 2) (1955) એ એમના પીએચ.ડી.ના અંગ્રેજી મહાનિબંધ ઉપરથી કેટલાક વિસ્તાર સાથે ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ ગ્રંથ છે. આ ગ્રંથ ગુજરાતના મૈત્રકકાલના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ છે. સૂરતની નર્મદ સાહિત્યસભાએ ડૉ. શાસ્ત્રીના આ ગ્રંથને 1951થી 1955 દરમિયાન પ્રસિદ્ધ થયેલા શ્રેષ્ઠ ઇતિહાસગ્રંથ તરીકે મૂલવી 1958માં તેમને ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કર્યો હતો. 1962માં અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ડૉ. શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે કરેલ ઉત્તમ કામગીરી બદલ 1960નો પ્રસિદ્ધ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રદાન કરી એમનું બહુમાન કર્યું હતું.

ભારતીય પ્રાચીન લિપિવિદ્યા અને અભિલેખવિદ્યાના ઊંડા અભ્યાસી અને તજ્જ્ઞ ડૉ. શાસ્ત્રીએ ગુજરાતના છેલ્લાં 40 વર્ષ દરમિયાન પ્રકાશમાં આવેલા લગભગ 70 જેટલા પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન અભિલેખોને ઉકેલી તેમનું લિપ્યંતર, સારસંક્ષેપ અને વિવેચન સાથે સંપાદન કર્યું છે, એ સંશોધનક્ષેત્રે એમનું મહત્વનું પ્રદાન લેખી શકાય.

તેમણે અનેક વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો પણ આપ્યાં છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કવિ નર્મદ વ્યાખ્યાનમાળામાં 1977માં ‘ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી’ વિશે સૂરતમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં, જે ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા 1978માં પ્રકાશિત થયાં. એ જ પ્રમાણે મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે 1978માં ‘ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ’ વિશે મુંબઈમાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. એ સંશોધનના નિચોડરૂપ વ્યાખ્યાનો ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા 1984માં ગ્રંથાકારે પ્રગટ કરવામાં આવ્યાં. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ, પ્રાચ્યવિદ્યા મંદિર (વડોદરા), વડોદરા મ્યુઝિયમ, ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) તેમજ ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના ઉપક્રમે તેમણે પ્રાચ્યવિદ્યાના વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં.

ડૉ. શાસ્ત્રીનું તેજસ્વી અને સર્જનાત્મક અધ્યયન-અધ્યાપન અનેક ગ્રંથો અને સંશોધન-લેખો આપવામાં નિમિત્ત બન્યું છે. ઇતિહાસ, પુરાતત્વ અને સાહિત્યની સાથે તેને પોષક અન્ય વિદ્યાઓમાં પણ તેમણે ઊંડો રસ દાખવ્યો અને બહુશ્રુતતા પ્રાપ્ત કરી. તેમણે રચેલા 70 કરતાં પણ વધુ મૌલિક અને સંપાદિત ગ્રંથો તેમજ 800 ઉપરાંત સંશોધનાત્મક-પરિચયાત્મક લેખોની સૂચિ જોતાં તેમની મેધા સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના વિષયો ઉપરાંત અનેક ક્ષેત્રોમાં વિકસી હોવાની પ્રતીતિ થાય છે. એમના મૌલિક ગ્રંથોમાં ‘હડપ્પા અને મોહેંજો-દડો’ (1952), ‘મૈત્રકકાલીન ગુજરાત’ (ભા. 12) (1955), ‘ઇન્ડોનેશિયામાં વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ’ (1957), ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ’ (1964, 1973), ‘સિલોન’ (1969), ‘પ્રાચીન ભારત’ (ભા. 12 : 1970), ‘અશોક અને એના અભિલેખ’ (1972), ‘ભારતીય અભિલેખવિદ્યા’ (1973), ‘ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ’ (1975), ‘ભારતીય સિક્કાશાસ્ત્ર’ (સહલેખન  1979), ‘પડોશી દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન પ્રસાર’ (સહલેખન  1980), ‘ભારતનું બૌદ્ધ સ્થાપત્ય’ (1983), ‘Historical and Cultural Study of the Inscriptions of Gujarat’ (1989) અને ‘Gujarat under the Maitrakas of Valabhi’ (2000) જેવા ગ્રંથો મુખ્ય  છે.

ગુજરાતીમાં ડૉ. શાસ્ત્રીએ નવલિકાઓ અને કાવ્યોની રચના કરી  છે. નવલિકાઓમાં ‘ક્લિયોપેટ્રા’, ‘કાકુની કાંસકી’ અને ‘દાનવીર વિશ્ર્વંભર’ મુખ્ય છે. કાવ્યોમાં સહુપ્રથમ 1939માં કાલિદાસને સંબોધી સૉનેટ રચ્યું, જે ગુમ થતાં ‘ગુમ થયેલી કવિતાને’ નામે નવું કાવ્ય રચ્યું ! 1940માં કવિ લલિતજી વિશે ‘લલકાર’ નામે કાવ્યની રચના કરી. ‘પુત્રના માતૃવિરહ’ વિશે મન્દાક્રાન્તા છંદમાં 75 કડીના કાલિદાસના ‘પૂર્વમેઘ’ જેવા ખંડકાવ્યની રચના કરી. બ્રહ્મગિરિના ઉત્ખનનમાં જોવા મળેલા વિવિધ પુરાવશેષો પૈકી ઊખળને કેન્દ્રમાં રાખી પુરાણા આવાસમાં ધબકેલા નારીજીવનનું કાવ્યમાં શબ્દચિત્ર આલેખ્યું છે.

લલિત-સાહિત્યના સર્જનમાં ડૉ. શાસ્ત્રીએ સંસ્કૃતમાં સમ્રાટ હર્ષનાં બહેન રાજ્યશ્રી વિશે ઐતિહાસિક નાટક, યયાતિ-પ્રિયા શર્મિષ્ઠા વિશે ‘पुत्रवती’ નામે પૌરાણિક નાટક અને વત્સરાજ ઉદયન અને વાસવદત્તા વિશે વિવિધ સ્રોતોમાંથી માહિતી સંકલિત કરી ‘વીણાનો વિજય’ નામે ત્રિઅંકી નાટક ગુજરાતીમાં રચ્યાં છે. એકાંકી નાટકોમાં સૉક્રેટિસ વિશે ‘મૃત્યુંજય’ તથા મંત્રી માધવની સમસ્યાની છણાવટ કરતું ‘દેશદ્રોહનો આરોપ’ નાટક નોંધપાત્ર છે.

આ ઉપરાંત ડૉ. શાસ્ત્રીએ ગુજરાતના અનેક જિલ્લાઓના સર્વસંગ્રહો : ‘Chronology of Gujarat’ અને ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ના ગ્રંથોમાં કેટલાક ખંડો લખેલા છે. વ્યક્તિવિશેષો, સ્થળવિશેષો, ગ્રંથસમીક્ષા, ચિંતનલેખો, અધિવેશનોના અહેવાલો અને પ્રવાસવર્ણનોને લગતા લેખો તથા નવી શોધો અને ઘટનાઓની નોંધો પણ પ્રસંગોપાત્ત લખેલ છે.

ડૉ. શાસ્ત્રીએ ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષપદે નિયુક્ત થયા પછી પ્રા. રસિકલાલ પરીખની પ્રેરણાથી ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ નવ ગ્રંથોમાં પ્રગટ કરવાની યોજના સરકારી અનુદાનથી તૈયાર કરી. તેનું સંપાદનકાર્ય પ્રા. રસિકલાલ પરીખ સાથે સંભાળ્યું. 1972થી 1987 દરમિયાન આ ગ્રંથમાળા પ્રગટ થઈ, જે શિક્ષણ અને વિદ્યાના ક્ષેત્રે મોટી સિદ્ધિ ગણાય. ભો. જે. વિદ્યાભવન દ્વારા પ્રકાશિત श्रीमद् भागवत पुराण સમીક્ષિત આવૃત્તિના સ્કંધ 1થી 3 અને સ્કંધ 7નું સંપાદન પણ તેમણે કર્યું છે.

આ ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતોને આધારે ત્રણ અપ્રકાશિત કૃતિઓ ‘सम्बन्धोद्योत’, ‘शब्दरत्नप्रदीप’ અને ‘काव्यशिक्षा’નું સંપાદન તેમણે કર્યું છે. કવિ છોટમ્ની ‘સાંખ્યસાર’, ‘યોગસાર’ (1952), ‘સુમુખ અને નૃસિંહકુંવર આખ્યાન’ (1954), ‘એકાદશી માહાત્મ્ય’ (1955, 1973), ‘ધર્મસિદ્ધિ’ (1972) જેવી કૃતિઓનું કવિના હસ્તાક્ષરોમાં લખેલી  પ્રતો પરથી સંપાદન કરી તે ગ્રંથ રૂપે પ્રગટ કરી. કરુણાશંકર ભટ્ટના પત્રો અને તેમની નોંધપોથીઓમાંથી સમાજોપયોગી અંશો તારવી કાલાનુક્રમે સંકલન અને વર્ગીકરણ કરી તે ગ્રંથ રૂપે પ્રગટ કર્યા. એમની જન્મશતાબ્દી પ્રસંગે ‘સંસ્કારશિક્ષક’ ગ્રંથ પ્રગટ કર્યો. ‘કેળવણીકાર કરુણાશંકર’ (1991) અને ‘જીવનસ્મૃતિ’ નામે આત્મચરિત (1991) એ એમના ગણનાપાત્ર ગ્રંથો છે. સંગ્રહગ્રંથોમાં સ્વસંપાદિત ‘શિલાલેખો અને તામ્રલેખો’ (1991) નામે લેખસંગ્રહ ગ્રંથ રૂપે પ્રકાશિત થયો છે.

1977માં દરભંગાની મૈથિલી વિશ્વવિદ્યાપીઠે ડૉ. શાસ્ત્રીને ‘મહામહોપાધ્યાય’ની સન્માન-ઉપાધિ અર્પણ કરી હતી. 1982માં જેતલપુરમાં મળેલા ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના આઠમા અધિવેશનમાં પણ ડૉ. શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. 1982 અને 1991માં ડૉ. શાસ્ત્રીના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સંસ્કૃત અને ગુજરાતીમાં રચેલ પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માટેનો અભિનંદન-ગ્રંથ ‘Dr. H. G. Shastri Felicitation Volume’ નામે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમીએ 1999-2000નો ગૌરવ પુરસ્કાર ડૉ. શાસ્ત્રીને પ્રદાન કર્યો હતો. ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી 2004ની સાલનો ‘પ્રો. રસિકલાલ છો. પરીખ સુવર્ણચંદ્રક’ ડૉ. શાસ્ત્રીએ ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રે કરેલ ગણનાપાત્ર પ્રદાન માટે અર્પવામાં આવ્યો હતો.

ડૉ. શાસ્ત્રી ઘણી વિદ્યાસંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.

ઇતિહાસલેખનના ક્ષેત્રે એક સાચા સંશોધક તરીકે ગુજરાતના પ્રાચીન કાલના સંશોધન અને લેખનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા ડૉ. શાસ્ત્રીની પ્રતિભા એક સાચા સંશોધક અને આરૂઢ વિદ્વાન તરીકે ઊપસે છે. એમનાં લખાણો હકીકતો પર આધારિત હોય છે. नामूलं लिख्याते किज्चित् એ તેમનું લેખનનું સૂત્ર છે. ‘આધાર નહિ તો ઇતિહાસ નહિ’ એ અનુસાર તેમનાં બધાં જ ઐતિહાસિક તારણો સાધાર અને હકીકતની એરણ પર ઘડાયેલાં હોય છે. ગુજરાતના ઇતિહાસની ખૂટતી કડીઓને જોડવા તેમણે પોતાના વિદ્યાર્થીઓ પાસે સંશોધન કરાવ્યું અને ગુજરાતનો સર્વાંગી ઇતિહાસ પ્રગટ થાય એવા પ્રયાસો કર્યા છે. એમના સંશોધનમાં  સૂક્ષ્મ દૃષ્ટિ અને સમીક્ષાપૂર્ણ રજૂઆત તથા તટસ્થતા જોવા મળે છે. લખાણોમાં કાલાનુક્રમ સાચવવો, સૂક્ષ્મ અવલોકન દ્વારા હકીકતનું યથાતથ નિરૂપણ કરવું અને પોતાના અભિગમને શાસ્ત્રીય પદ્ધતિએ તટસ્થતાપૂર્વક રજૂ કરવો  એ તત્ત્વોનો ત્રિવેણીસંગમ ડૉ. શાસ્ત્રીના લેખનકાર્યમાં જોવા મળે છે. ઇતિહાસના આલેખનમાં માત્ર રાજકીય જ નહિ, પરંતુ સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓ; જેવાં કે સમાજ, લોકજીવન, ધર્મ, અર્થતંત્ર, ભાષા, લિપિ, સાહિત્ય, કાલગણના વગેરેનું સ્થાન હોવું જોઈએ એમ તેઓ સ્પષ્ટપણે માને છે. ઇતિહાસનાં મૂળભૂત સાધનોને આધારે ડૉ. હરિપ્રસાદભાઈ સંશોધન કરી પોતાનાં મંતવ્યો રજૂ કરે છે. છતાં નવા પુરાવાઓ ઉપલબ્ધ થતાં તેની સૂક્ષ્મ ચકાસણી કરી હકીકતોનું પુનર્મૂલ્યાંકન કરવું એ તેમની એક સાચા ઇતિહાસકાર તરીકે આગવી સૂઝ છે.

તેમણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસના ક્ષેત્રે ઊંડું સંશોધન કરી નોંધપાત્ર પ્રદાન કર્યું છે; સાથે સાથે ભારત અને ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું ગુજરાતી ભાષામાં આલેખન કરી ગુજરાતની પ્રજાને પ્રાચીન ઇતિહાસનું સાચું દર્શન કરાવવાનો અનન્ય પ્રયાસ કર્યો છે અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ અને તુલનાત્મક ઇતિહાસલેખન દ્વારા પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના પ્રાચ્યવિદ્યાવિદોમાં વિરલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ભારતી શેલત