શાસ્ત્રી, શ્યામસિંગ (. 1 જુલાઈ 1936, ભાદરપુર જટ્ટ, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને માનવશાસ્ત્રી. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર સાથે એમ.એ., પીએચ.ડી. કર્યું. ત્યારબાદ ડી.લિટ.ની ડિગ્રી મેળવી. 1968-75 દરમિયાન તેઓ સૈનિક સમાચાર અને અન્ય સંખ્યાબંધ સામયિકોના સંપાદક રહ્યા; 1985-93 દરમિયાન ભારત સરકારના પ્રકાશન-વિભાગના સંયુક્ત નિયામક/મહાનિયામક રહ્યા; હિંદી એન્સાઇક્લોપીડિયા ઑવ્ સોશિયલ સાયન્સિઝના મુખ્ય સંપાદક તથા રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ રહ્યા.

તેમણે હિંદી તથા અંગ્રેજીમાં લગભગ 150 ગ્રંથો આપ્યા છે. ‘શીલનગર મેં’ (1976); ‘એક દધિચી ઓર’ (1978); ‘યાયાવરી’ (1983); ‘પ્રતિનિધિ કવિતાએં’ (1988); ‘અગ્નિસાગર’ (1989); ‘એકલવ્ય ઓર અન્ય કવિતાએં’ (1993) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘હિમાલય કે યાયાવર’ (1987); ‘રોમા વિશ્વ કે યાયાવર’ (1992), બંને યાત્રા-વર્ણનો છે.

તેમના અંગ્રેજી ગ્રંથોમાં, ‘નૉમેડ્ઝ ઑવ્ ધ હિમાલયાઝ’ (1976);  ‘રોમા, ધ જિપ્સી વર્લ્ડ’ (1990) બંને ઉલ્લેખનીય સંશોધનગ્રંથો છે. તેઓ સંખ્યાબંધ સાહિત્યિક, શૈક્ષણિક અને સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ‘ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ ચિલ્ડ્રન્સ લિટરેચર’ના તેઓ પ્રમુખ રહ્યા હતા. તેમણે સંખ્યાબંધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પરિષદો, સેમિનારો અને કવિ-સંમેલનોમાં હાજરી આપી છે.

તેમના સામાજિક અને સાહિત્યિક પ્રદાન બદલ તેમને દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ; ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન ઍવૉર્ડ; રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર અને મહાકવિ જયશંકર પ્રસાદ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’; હિંદી સાહિત્ય સંમેલન તરફથી ‘વિદ્યાવાચસ્પતિ’; માનવશાસ્ત્રીય સંશોધન સંસ્થા IAR તરફથી ‘સાહિત્યશિરોમણિ’; ‘માનવિકી શિરોમણિ’ના ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા