શાસ્ત્રી, શાંતિ ભિક્ષુ (. 1912, બીબીપુર, લખનૌ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના કવિ અને વિદ્વાન. 1938માં ‘સાહિત્યાચાર્ય’ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. ફ્રેડરિખ વેલર નામના અધ્યાપકના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરીને તેમણે લિપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1946થી તેમણે શ્રીલંકા, શાંતિનિકેતન તથા લિપઝિગ(જર્મની)માં અધ્યાપન કર્યું અને શ્રીલંકાની વિદ્યાલંકાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત ભાષાવિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા.

બૌદ્ધ ધર્મના ઊંડા અને પાંડિત્યપૂર્ણ અભ્યાસને લગતાં સંખ્યાબંધ પુસ્તકો તેમણે સંસ્કૃતમાં લખ્યાં છે. તેમના અનેક સંશોધન-લેખો પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. તેઓ સંસ્કૃત, અંગ્રેજી તથા હિંદીમાં લખે છે. ભર્તૃહરિના ‘વાક્યપદીય બ્રહ્મકાંડ’ અંગેનો તેમનો શોધ-પ્રબંધ લિપઝિગમાં 1963માં પ્રગટ થયો હતો.

તેમના ‘બુદ્ધવિજયકાવ્યમ્’(1974)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1977ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અનુષ્ટુપ છંદમાં સંસ્કૃતમાં લખાયેલ આ કૃતિમાં ભગવાન બુદ્ધના જીવનનો ઇતિહાસ તેમજ તેમના તત્વજ્ઞાનની પાર્શ્ર્વભૂમિકા અને ધાર્મિક ઉપદેશનું કાવ્યગાન છે. તેના 100 સર્ગ છે અને એ પ્રત્યેકમાં 51 શ્ર્લોક છે.

પાલિ ગ્રંથમાં વેરવિખેર પડેલી પુષ્કળ સામગ્રી આ વિદ્વાને પરિશ્રમપૂર્વક સંકલિત કરી છે. પાલિ સાહિત્યમાં પ્રાપ્ત થતા બુદ્ધના તમામ જીવન-પ્રસંગો તથા કાર્યો અને ઉપદેશનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને, મૂળને વફાદાર રહીને સરળ અને પ્રવાહી શૈલીમાં તે સર્વ તેમણે રજૂ કર્યાં છે. વાચકનો રસ અંત પર્યંત જળવાઈ રહે છે. કાવ્યાંતે તેમણે એવો સંદેશો સૂચવ્યો છે કે બુદ્ધનાં તત્વજ્ઞાન તથા ઉપદેશ તંદુરસ્ત માનવ-સમભાવ ઊભો કરવામાં તથા માનવમૂલ્યોની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે ગૌતમ બુદ્ધના જન્માક્ષર પણ આપ્યા છે. આમ અનેક રીતે આ ગ્રંથ ગણનાપાત્ર બન્યો છે.

મહેશ ચોકસી