શાસ્ત્રી, શિવશંકર (19મી સદી) : તેલુગુ કવિ. તેમનું મૂળ નામ હતું તલ્લવઝુલા શિવશંકર શાસ્ત્રી. પાછલી વયે તેઓ સંન્યાસી બનેલા અને શિવશંકર સ્વામી તરીકે ઓળખાતા હતા. 20મી સદીના પૂર્વાર્ધમાં તેમણે ‘હૃદયેશ્વરી’ નામક કાવ્યસંગ્રહ આપ્યો. તે કૃતિ અદ્યતન કાળની સૌથી સુંદર કાવ્યકૃતિઓ પૈકીની એક ગણાઈ. તેમાં નાયિકા લક્ષ્મી માટે કવિનો પ્રેમ અને ભક્તિ અભિવ્યક્ત કરાયાં છે. કાવ્યકૃતિનો નાયક પણ કવિ પોતે છે અને તે લક્ષ્મીના પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરવાની માગણી કરે છે. શરૂઆતમાં પ્રેમનો સ્વીકાર કરતી નાયિકાએ પાછળથી પ્રતિકૂળ સંજોગો ઊભા થતાં તે માગણીનો ઇન્કાર કર્યો. તેનાથી કવિના મનને મોટો આઘાત લાગ્યો.

આ કાવ્યકૃતિ 9 સર્ગની છે. તેમાંનો દરેક સર્ગ લક્ષ્મી માટેના કવિના પ્રેમની ઉત્કટતા શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. આ લક્ષ્મી સંસ્કૃત, હિંદી અને અંગ્રેજીનાં પંડિત છે. તેલુગુ કાવ્યક્ષેત્રે રાયપ્રોલુ, સુબ્બારાવ, વિશ્વનાથ  સત્યનારાયણ, દેવલપલ્લી કૃષ્ણશાસ્ત્રી અને બીજા ઘણાએ ‘ભાવ-કવિત્વ’ના નામે જાણીતી બનેલી ભાવનાપ્રધાન ચળવળમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે.

શિવશંકર શાસ્ત્રીએ પાછળથી નવ્ય સાહિત્ય સમિતિના પ્રમુખ તરીકે આ નવી શાખા લોકપ્રિય બનાવવાની જવાબદારી ઉપાડી લીધી. તે કાળ દરમિયાન ભાવ-કવિત્વને લગતી અનેક કાવ્યકૃતિઓ પ્રગટ કરવામાં આવી અને ‘હૃદયેશ્વરી’ તેવા પ્રકારની પૂર્વકાલીન કૃતિ હોઈ તેનું સ્થાન મહત્વનું ગણાય છે. તેમાંથી પછીના યુવાન તેલુગુ કવિઓને ભાવપ્રધાન કાવ્યકૃતિઓ લખવાની પ્રેરણા મળી. વિવેચકોના મતે કવિ સરળ શબ્દોમાં તેમના ઉત્કૃષ્ટ વિચારો અભિવ્યક્ત કરવામાં સફળ રહ્યા છે અને આ હેતુસર ‘થેટા ગીતિ’, ‘આટાવેલડી’ અને ‘મુત્યલાસરલુ’ની તેમની પસંદગી અત્યંત યોગ્ય છે.

બળદેવભાઈ કનીજિયા